હું નથી પૂછતો, ઓ સમય કે હજી… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast) 11


આજે સાંભળીએ છે શ્રી શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં તેમની જ એક ગઝલ, ‘હું નથી પૂછતો ઓ સમય કે હજી…’ આ સદાબહાર ગઝલના અનેકવિધ રેકોર્ડીંગ થયેલ છે, અને અનેક લોકપ્રિય ગાયકો દ્વારા તેને સ્વર મળ્યો છે. પણ રચયિતાના પોતાના સ્વરમાં, તેમના આગવા અંદાઝમાં આ ગઝલ સાંભળવાનો લહાવો અનોખો જ છે. શ્રી શૂન્ય પાલનપુરી સાહેબનો પ્રભાવશાળી અવાજ અને આગવી પદ્ધતિ ગઝલપઠનની તેમની હથોટી અહિં સુંદર રીતે ઉપસે છે.

અદના ગુજરાતી બ્લોગર શ્રી માવજીભાઈને તેમના મિત્ર શ્રી ભાવેશભાઈ પટ્ટણી પાસેથી મળેલ આ દુર્લભ ક્લિપ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં તેમની ગઝલોના પઠનની આ તથા આવી અનેક ઑડીયો ક્લિપ અક્ષરનાદને તેમણે પાઠવી છે. આપણે તેમને સમયાંતરે માણતા રહીશું.

ગઝલપઠન – હું નથી પૂછતો, ઓ સમય કે હજી
ગઝલ તથા સ્વર – શૂન્ય પાલનપુરી સાહેબ

[audio:http://aksharnaad.com/images/idpd/ghazal%20by%20Shunya%20Palanpuri.mp3]

હું નથી પૂછતો ઓ સમય કે હજી! તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઈએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા આ ફરેબોની દુનિયા મહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે,
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?

પ્રેમ ઈર્ષાથી પર ક્યાંય હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસર થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા?

દર્દની લાગણીના ઘણાં રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઈ ના શકે એવા ગમ કેટલા?

સ્વાર્થની આ તો છે ભક્તિલીલા બધી, આત્મપૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઈશ્વરને માટે મમત કેટલો, એક શ્રદ્ધાને માટે ધરમ કેટલા?

– શૂન્ય પાલનપુરી


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “હું નથી પૂછતો, ઓ સમય કે હજી… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast)