શ્રી જગદીપ ઉપાધ્યાય દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૨ (Audiocast) 5


૧. અછાંદસ – ઠપકો

ક્યાં ગ્યા ઓલા
મા’તમા, સરદાર
ક્યાં ગ્યા બધા દોઢ ડાહ્યાઓ?

તમને કોણે મોટી માં કર્યા તા
અમને આઝાદી અપાવવા,
રાજ અમારા હાથમાં સોંપવા?
અમારી ટૂંટીયુ વાળીને
સૂઈ ગયેલી ઉંઘને શું કામ જગાડી?

તમને ખબર નહોતી અમે એક એક જણ
એકલા અનાજની બોરીઓની બોરીઓ ઉલાળી જાશું
તેલના ગોડાઊનના ગોડાઊન ગટગટાવી જશું
હજાર હજાર એકર જમીન જમી જશું
પેવેલીયન સાથે મેદાન ખાઈ જશું
કંપનીઓની તો ચટણી કરીને ચાટી જઈશું
તમને ખબર નહોતી
અમે અમારા ભાઈઓ સાટુ
ડુંગળીના ફોતરાય નહીં વધવા દઈએ?

ક્યાં ગ્યા ઓલા શહીદીના સવાદીયાઓ?
હરખપદુડાઓ,
તમે કોને પૂછીને ઉપડી ગ્યા’તા ફાંસીએ લટકવા?
હવે આ તમારા ઘરના ઢસરડા
શું અમારે કરવાના?
તમારા બૈરા છોકરાઓને નવી સોસાયટીમાં
બધાંય ઘર દઈ દઈએ તો અમારે
શું ગંગામાં આપઘાત કરવાનો?

ક્યાં ગ્યા ઓલા સત્યાગ્રહી ચળવળીયાઓ
નવરાવ,
અમને સરઘસ કાઢતા શીખવીને
અંગ્રેજોને ભગાડી મૂક્યા
અમે કેવા નાતજાતને ભૂલીને રેલીઓ કાઢતા’તા
હવે અમારે રોજ ઉઠીને શું અમારી સામે નારા લગાવવાના?
અમારે અમારી ઉપર જ લાઠીચાર્જ કરવાનો?
અમારે અંદરોઅંદર ઝઘડી મરવાનું?

ક્યાં ગ્યા ઓલા લોકમાન્ય
અધિકાર વિશે તમે શું જાણો?
ગુલામી એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે
તનથી નહીં તો મનથી ગુલામી તો કરવાના.
મૂવા અદકપાંસળીયાઓ,
સદીએ સદીએ હખ લેવા દેતા નથી.
કોઈ દી કોઈએ આ ધરતી પર પગ મૂક્યો છે તો…

ક્યાં ગ્યા ઓલા ગાંધી? ક્યાં ગ્યા સરદાર?
ક્યાં ગ્યા એ બધાંય દોઢ ડાહ્યાઓ?

૨. ગીત – ઋતુ ઋતુનું વિરહગીત

બાગોય ઉઝરડા કરવા લાગ્યા,
હાય અમે ફૂલોથી ડરવા લાગ્યા.

ગુલાબી પાનખરો વેઠો હરપળ,
ગભરાતો જીવ જોઈ ખરતી કૂંપણ,
લીલા વેરાનોમાં વસવા લાગ્યા,
હાય અમે ફૂલોથી ડરવા લાગ્યા.

કાગળ ને બદલે ના વાદળ મોકલ,
તાણ ચઢી, વા ને હું પંડે એકલ,
આંખે તો ભાન, કરા ખરવા લાગ્યા,
હાય અમે ફૂલોથી ડરવા લાગ્યા.

ધૂળાયા દર્પણ – નજરાયા કામણ,
નેવાં પર શ્રાવણ ને આંગણમાં રણ,
વરસાદો કોરું ઝરમરવા લાગ્યા,
હાય અમે ફૂલોથી ડરવા લાગ્યા.

છાતીનું નામ એક વણઝારી વાવ,
કીડાની પોઠે ક્યાં નાખ્યા પડાવ,
લોહીમાં તાપણાઓ બળવા લાગ્યા,
હાય અમે ફૂલોથી ડરવા લાગ્યા.

રેલાતી રાત કરે વેરણ જુલમ,
અંગ અંગ ચાંપે ધગધગતી પૂનમ,
સુંવાળા અજવાળા ડસવા લાગ્યા,
હાય અમે ફૂલોથી ડરવા લાગ્યા.

૩. ગઝલ – “દિવંગત હસનકાકાને સંબોધીને”

જરાશી વાતમાં સગપણ વણસતાં રોઈ દેવાને હસનકાકા ! કબરમાંથી ઘડી ઉઠો.
દુઃખાયે સ્નેહની રગ તો દિલાસો કોઈ દેવાને હસનકાકા ! કબરમાંથી ઘડી ઉઠો.

હવે રમતાં ડરે છે છોકરા સૌ પીરવાડીની જગા પાસે પડામાં મોઈદાંડિયે,
જગામાં, વાળિયો લેતા પડેલી મોઈ દેવાને હસનકાકા ! કબરમાંથી ઘડી ઉઠો.

મળે ના શીખ હિંદુ ખ્રિસ્ત મુસ્લિમ કે યહૂદી પણ મળે ઇન્સાન ને ઇન્સાન કેવળ જ્યાં;
જગા એવી બને તો ક્યાંક જગમાં જોઈ દેવાને હસનકાકા ! કબરમાંથી ઘડી ઉઠો.

પરબ પાણી તણું માંડી, તરુઓ પાદરે વાવી કબૂતરને સદા ચણ ચોતરે નાખી;
નિરાળી બંદગીમાં જાત પાછી ખોઈ દેવાને હસનકાકા ! કબરમાંથી ઘડી ઉઠો.

નથી ક્યાં માણસો આજેય તે ફૂલો સમા ! કિન્તુ પવન કોમી સતત એને પ્રદૂષે છે,
ઝરમરી ઝાકળી ભાવે રજોટી ધોઈ દેવાને હસનકાકા ! કબરમાંથી ઘડી ઉઠો.

(નવનીત સમર્પણ – ઑક્ટોબર ૨૦૦૨)

– જગદીપ ઉપાધ્યાય

[audio:http://aksharnaad.com/images/idpd/jagdip%20upadhyay.mp3]

અક્ષરનાદ અક્ષરપર્વની શોભામાં અભિવૃદ્ધિ કરવા તદ્દન સહજતાથી અને મિત્રભાવે કાવ્યપઠન માટે સંમતિ આપનાર શ્રી જગદીપભાઈ ઉપાધ્યાયની કલમને, તેમના જ સ્વરોમાં આજે આપ સૌની સાથે વહેચી રહ્યો છું. તેમણે અક્ષરપર્વમાં પ્રસ્તુત કરેલી ત્રણેય રચનાઓ વિષય વિવિધતાને લીધે તો વિશેષ ખરી જ, પણ એ ત્રણેય પોતાના વિષયાનુગત ક્ષેત્રમાં પણ એટલીજ સજ્જડ અને શ્રેષ્ઠ પુરવાર થાય તેવી સુંદર થઈ છે. ‘છાલક’ સામયિકને ખૂબ જ ટૂંક સમયમાં એક પ્રતિષ્ઠિત સામયિકને છાજે એવી સરસ રીતે માવજત આપનાર જગદીપભાઈનો અક્ષરનાદના આ પર્વમાં ઉપસ્થિત રહેવા બદલ અને સુંદર રચનાઓ વડે શ્રોતાઓને તરબતર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આજે પ્રસ્તુત છે એ દિવસે તેમણે પ્રસ્તુત કરેલી ત્રણ રચનાઓ અક્ષરદેહે તેમજ તેમના સ્વરમાં.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “શ્રી જગદીપ ઉપાધ્યાય દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૨ (Audiocast)

 • અમિત પટેલ

  અદભૂત પઠન. બીજા ગીતમાં અર્થ બદલાઈ જાય એવો ફરક લેખિતરૂપમાં છે એવું પઠન સંભાળ્યા પછી લાગ્યું. “આંખો તોફાન” અને “પીડાની પોઠો” હોવું જોઈએ.

 • siddharth joshi

  fantastic. ghanu j saras. I loved it. This was my dream to have such E book published in gujarati. You have done great favour to gujrati language.God bless you.

  Siddharth joshi
  Coonsulting Astrologer

 • Nishit

  ક્યાં ગયા……
  બહુ કરી…
  એક દેશ પ્રેમીનો આંતનાદ તમે બતાવ્યો છે. દેશ માટેની તમારી દાઝ થી કાવ્ય નિર્માણ થયું છે. !!!!!

 • Harshad Dave

  જગદીપ ભાઈ ઉપાધ્યાયની ત્રણેય રચનાઓ બહુ માણવા લાયક છે. ક્યાં ગયા? કારમો કટાક્ષ છે જે પથ્થર ઉપર પાણી નહિ હોય તેવી આશા સેવીએ! શ્રદ્ધાંજલિ પણ સચોટ છે. ઠપકો આપ્યા પછી ફૂલો પણ ઉઝરડા કરે તો શું કરવું? ઋતુની વાત જ અલગ છે. શ્રી જગદીપ ભાઈને અભિનંદન અને સાધુવાદ.
  -હર્ષદ દવે.