સમ્યક દર્શન – પૂ. સુનંદાબાઈ સ્વામી 2


ગુરુજીના દર્શને ઘણાં લોકો આવતા, કોઈ માનવી આશીર્વાદ લેવા તો કોઈ મંગલપાઠ લેવા તો કોઈ જ્ઞાન ગોષ્ઠી કરવા કે સત્સંગ કરવા, ગુરૂજી બધાને સમભાવથી ઉત્તર આપે!

એક વાર કોઈ નિંદાખોર માણસ આવ્યો, તેણે દર્શન કરી ઔપચારિક વાત કરતાં કરતાં બીજા કોઈની નિંદા કરવા લાગ્યો, ગુરૂજીએ વાતને વળાંક આપવા માંડ્યો તેમ તેમ તે આગળ વધ્યો. ગુરૂજીને લાગ્યુ, તે હવે વાત છોડે એમ નથી, એટલે તેમણે પેલાને કહ્યું, ‘જરા સાંભળ મારી વાત.’ તે ધ્યાનથી સાંભળવા તૈયાર થયો. ગુરૂજીએ એક વાર્તા કહી.

‘એક ચોર ગામમાં ચોરી માટે આવ્યો. ઘણાં ઘરમાં ગયો પણ કંઈ ખાસ હાથ લાગ્યું નહીં એટલે છેવટે થાકીને તે પાછો વળ્યો ને ગામને પાદર એક ઝાડની નીચે સૂઈ ગયો. દિવસ ઊગ્યો ને સૂરજ ચડવા માંડ્યો પણ ઉંઘ ઉડી નહીં. એક દારૂડિયો તેની પાસે આવીને ઊભો અને બબડ્યો આ કોઈ જબરો દારૂડિયો લાગે છે, ખૂબ ઢીંચેલો છે, અત્યાર સુધી ઉંઘે છે. બાપડાની આંખ ઊઘડતી નથી. ત્યાં તો એક જુગારી આવ્યો, ચોરને હતાશ ચહેરે ઉંઘતો જોઈને બબડ્યો, રાતભર જુગાર રમીને હાર્યો લાગે છે, આમ પડ્યો છે, તેને આટલી ખબર નથી કે નસીબ સાથ ન આપે તો દાવ ન લગાડવો જોઈએ! પછી હારે એમાં શું નવાઈ, જુગાર રમીને જીતવું સહેલું નથી. આમ વિવિધ માણસો આવતા ગયા અને પોતાની મનોસ્થિતિ મુજબ કંઈ ને કંઈ બબડતા ગયા. પણ પેલાની ઉંઘ ઉડી નહીં. છેલ્લે ત્યાંથી એક બાવાજી નીકળ્યા. સૂરજ માથે આવી ગયો હતો એ જોઈને પેલા બાવાજી કહે, કેવો મસ્ત ઉંઘી રહ્યો છે, કોઈ ચિંતા છે એને? ન ખાવાની, ન પીવાની, ન દિવસની કે ન રાતની, નહીં ઓશીકું કે નહીં પાથરણું, એક હું જ એવો અભાગીયો કે સંસાર છોડ્યો તોય ઓટલા અને રોટલા માટે ભટકું છું. એના આશિર્વાદ મળશે તો મારું પણ કલ્યાણ થઈ જશે એટલે એની પાસે બેસીને ભજન કરવા લાગ્યો. આ કોઈ સિદ્ધ પુરૂષ છે એમ જાણી બધાં તેને પગે લાગવા માંડ્યા. આમ તેમણે વાર્તા પૂરી કરી.

નિંદાખોરે કીધું, પછી ચોરનું શું થયું? તેમણે હસતાં હસતાં જવાબ આપ્યો, બાકીની વાત તમે પૂરી કરો. પેલો નિંદાખોર સમજ્યો કે નહીં એ તો ખબર નથી પણ આપણે સૌ સાનમાં નહીં સમજીએ? પ્રસંગ, સંજોગ એકના એક પણ દરેકના મનમાં અલગ અલગ ભાવ જાગ્યા, સૌએ વિવિધ પ્રતિભાવો આપ્યા, કારણ? ‘જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ’ આપણને બધી જગ્યાએ અંધારુ લાગે છે એ આપણી દ્રષ્ટિમાં ફેર! પ્રથમ આપણે આપણને તપાસીએ મારી દ્રષ્ટિમાં શો ફેર છે? જગતમાં બે દ્રષ્ટિવાળા લોકો હોય છે – એક ખરાબમાંથી સારું શોધે, બીજા સારામાંથી ખરાબ શોધે. ગુણાગ્રહી સારો પોતે સુખી અને બીજાને સુખ આપે, દોષાગ્રહી પોતે દુઃખી થાય અને બીજાને દુઃખી કરે.

પરંતુ ભૌતિકવાદની પ્રબળતાવાળા આ જમાનામાં તેમને ઘણી વાર સહન કરવું પડે છે. માટે જીવનમાં સફળ થવા માટે સમ્યકદ્રષ્ટિ હોવી જોઈએ. જેની દ્રષ્ટિ સમ્યક હોય છે તેનો વ્યવહાર પણ કાળક્રમે સમ્યક બની જાય છે. જો આપણે જગતને જે છે તેવા સ્વરૂપે જોઈશું તો ધર્મમાં પણ ઘણા આગળ વધી શકીશું. સમ્યક દ્રષ્ટિ કે સમ્યક દર્શન સાધનાની સીડી ઉપરનું પ્રથમ સોપાન છે.

– પૂ. સુનંદાબાઈ સ્વામી

(‘પ્રેરણાનું પુષ્પ’ પુષ્પ – 2 માંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “સમ્યક દર્શન – પૂ. સુનંદાબાઈ સ્વામી