[આકશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત : 5 જુલાઇ 2011]
હાથમાં લીધેલું પુસ્તક જકડી રાખે, છેલ્લા પાને ઝટ પહોંચીને તેનો રસ આકંઠ પીવાનું મન થાય એવું પુસ્તક વાંચ્યાની અહીં વાત છે. અશ્વિન મહેતા – એ છ અક્ષર લેખકોની પંગતમાં ભાગ્યે જ જોવા મળશે. એમને નામે કોઈ ગુજરાતી પુસ્તકોની શોધ કરીએ તો નિરાશ થઇએ. અને છતાં એમનું તાજું પુસ્તક ‘છબિ ભીતરની’ વાંચવાનો લહાવો ભૂલી ન શકાય એવો છે.
આ બે પૂઠાં વચ્ચે પ્રવાસની કથની છે, જીવનનાં મીઠા અને કડવા અનુભવોની વાતો છે, નામી ભેરુઓ અને અનામી સાથીઓની સાંભરણો છે, ગુરુઓ અને ગુરુજનોના અણમૂલ સંસર્ગને લેખક વાગોળે છે. પુસ્તકનું શિરમોર લેખન છે સ્વામી આનંદ વિશે. જેમને પોતે ગુરુ અને સખા બેઉ પદે સ્થાપેલા એ સ્વામીનું ગુણકીર્તન કરતા લેખક થાકતા નથી. અશ્વિનભાઇની ભાષા અને શૈલીમાં સ્વામીની ઘેરી છાયા છે. સ્વામી અને અશ્વિનભાઇની નિકટતા એમના આ લેખને વિશિષ્ટ વજૂદ પણ આપે છે. સ્વામી આનંદ એટલે જવલ્લે જ કૂખ ધરે એવું નોખું-અનોખું વ્યક્તિત્વ. મનુષ્યપ્રકૃતિનાં વિધવિધ રૂપોનું અજબ રસાયણ. આ મનુષ્યકૃતિને અશ્વિનભાઇએ નજીક રહીને નિહાળેલી. એ પોતે પણ તેમાં ઝબોળાયેલા. સ્વામી વિશે બીજાં લખાણો પણ હશે, પણ ગુજરાતી બાનીના એ બંદાની થોડી અંતરંગ પિછાન આપનારું આ ચિત્રણ તો ગુજરાતી ચરિત્રલેખનનું એક શોભીતું પિચ્છ બની રહે તેવું છે.
બીજું જ લખાણ સ્વામી આનંદથી સામે છેડે બેસે એવા વ્યક્તિત્વ વિશે છે : ઈંદિરા ગાંધીની એક વિરલ શબ્દછબિ લેખકે ઝડપી છે અને એપણ ક્યારે? કટોકટીવાળો એ સમયગાળો. ઈંદિરા ગાંધી એ વિષમકાળમાં રાજકારણના આટાપાટામાં ડૂબોડૂબ. એ કાળે એમણી પોતાની ઊંડી કલા-અભિરુચિની પિછાન કરાવી. દેશના એક મોખરાના તસ્વીરકાર લેખે અશ્વિન મહેતા ઈંદિરાજીના પરિચયમાં આવે છે. એ પિછાન વિશે બયાન અહીં પેશ છે એ તો શબ્દોમાં, પણ અશ્વિનભાઇએ કેમેરા વડે એ નારીની તસ્વીર લીધી હોત તો તેને પણ ઝાંખી બનાવી દેત એવું લાજવાબ શબ્દચિત્ર લેખકની કલમમાંથી સર્યું છે.
એક કાળે ઉમાશંકર જોશી નિરાંતે લેખકના ગામ તીથલ જઇને રહ્યા હતા. ત્યારનાં સંભારણાં પણ આપણા એ કવિની યાદગાર છબિ આપે છે, આપણો પણ કવિ સાથે જાણે મિલાપ થાય છે. આપણે જાણે કવિની આંગળી પકડીને અશ્વિનભાઇના ભર્યાભાદર્યા ઉદ્યાનમાં લટાર મારીએ છીએ, પુષ્પસુગંધના વૈવિધ્યનો રસ કવિ માણે છે એ આપણામાં પણ ઊતરે છે.
અને એક શબ્દચિત્ર પોતાની માતાનું અહીં અશ્વિનભાઇએ આપ્યું છે એ અનોખું છે. ‘અમ્મી’ નામે લેખમાં મા સાથેના પોતાના સંબંધની નિખાલસ ગુફ્તેગો લેખક વાચક સાથે કરે છે એ સાહિત્યલેખનના વિરલ અપવાદોમાં મૂકવા સરખી છે. લેખક એક ચિત્ર દોરે છે : “… 1935માં ધરતીકંપનું એક દ્રશ્ય : હું ત્યારે ચાર વરસનો. ઘરડી કામવાળી બાઈ મને ઘરની બહાર ભગાડી રહી છે. પછી આગળ-પાછળનું કશું દેખાતું નથી : અમ્મી તો નહીં જ : એણે મને ખોળામાં લઇ ખવડાવ્યું હોય, વાર્તા કહી સુવડાવ્યો હોય, ફૂલ-પંખી કે ચાંદામામા દેખાડ્યાં હોય… કંઇ જ સાંભરતું નથી, ‘જનનીની જોડ’ કાવ્ય ભણવાનું આવ્યું ત્યારે … બોટાદકર વેવલા લાગેલા. … આ જ મારી મા, એવો ભાવ કદી ઊઠ્યો નહીં….” માતાનું આવું ચિત્રણ કરનાર લેખિની કેવું જિગર ધરાવતી હશે! એવું જ જિગર વાચકનું હશે તો શ્વાસ થંભાવી દે એવી આ શબ્દમાલાનાં બાર પાનાં એ પાર કરી શકશે. લેખક તો તત્વજ્ઞાન પણ ઢોળે છે : અમ્મીની વિદાયના વરસેક પછી લેખકનો અન્તર્યામી ક્યાંકથી બોલે છે : “કોઇ વ્રણ નથી, શેષ કોઇ ભાવ નથી, અભાવ નથી. પ્રશ્ન નથી, અપેક્ષા નથી ને દ્વેષ પણ નથી. નિ:શેષપણે જિવાયેલા એક સંબંધની છે માત્ર સાર્થકતા, પૂર્ણતા – એવી પૂર્ણતા જ્યાં બધા આકાર ઓગળી જાય છે, અને એટલે જ, અમ્મી, આપણે નહીં મળીએ, પાછાં કદી નહીં મળીએ.” કલમ આટલું લખતાં કેવું કંપી હશે! અહીં આટલે આવ્યો ત્યાં સુધી ખાળી રાખેલાં જળજળિયાંને મેં મારગ આપ્યો છે; તમે પણ નહીં રોકી શકો.
પુણેમાં આપણા વિજ્ઞાની જયંત નાર્લીકર અને તેમના પરિવાર સાથેના સંસર્ગની વાતો પણ લેખક આપણને કહે છે. અને કેવા ભર્યાભર્યા જિગરી ભાવથી બટુકભાઇ દિવાનજીની શબ્દછબિ ખેંચાયેલી છે! ગુજરાતના એ એક શિરમોર સૂરમર્મજ્ઞની સાથે આપણે કેવાકેવા લોકોની સમીપે સંચરીએ છીએ! ડાગરબંધુઓ, ઓમકારનાથ, ફૈયાઝખાં, એવા બધા. સૂરની સામ્રાજ્ઞી કેસરબાઇની આખરી મહેફિલની ભૈરવી-શી કથની સંગીતરસિકોને ન્યાલ કરી દે તેવી છે.
ફોટોગ્રાફીના કામ અંગે અશ્વિનભાઇને દેશદેશાવરમાં રખડવાનું થયું. એ પ્રવાસોની કથાઓ આપણને રસના પૂરમાં તાણી જાય છે. હિમાલયના આશક અશ્વિનભાઇએ એ ગિરિકંદરાઓ અને તેની વિપુલ પુષ્પસમૃદ્ધિ પર છબિકસબ અજમાવવા રઝળપાટ કરેલા. એ પ્રવાસોની દાસ્તાન પણ અહીં છે, તો આંદામાનના અણજાણ ટાપુના અલૌકિક અનુભવની વાત પણ લેખક કહે છે. અમેરિકામાં અને ઑસ્ટ્રેલીઆમાં ઘૂમવાનું થયું ત્યારે થયેલા અણજાણ માનવીઓના અનુભવોની વાતો પણ લેખકની ગઠરીમાંથી નીકળતી જાય છે અને આપણાં અંતરને ભીંજવતી જાય છે. પોતાને વિશે વાતો કરવા આ લેખક સદા ઉદાસીન. કેટલાક જિજ્ઞાસુ મિત્રોએ જુદેજુદે સમયે પ્રશ્નો કરેલા. તેના જવાબમાં એમણે એક સંકલિત કેફિયત અહીં રજૂ કરી છે એ લેખકને સમજવા-ઓળખવા માટે કામની છે. એક માણસ અંતર્મુખી બનીને સ્વ-નિરીક્ષણ-પરીક્ષણનાં કેવાં કેવાં ઓજારો ખપમાં લે છે તેના અવલોકનનું એક ઊજળું ઉદાહરણ અહીં છે.
સંસ્મરણો, શબ્દચિત્રો, પ્રવાસની વાતો – આ બધાં ઉપરાંત પણ લેખકના વ્યક્તિત્વને સમૃદ્ધ કરનાર તત્વો છે એમની અધ્યાત્મપરાયણતા અને એમનો કવિતારસ. જ્ઞાનીઓ અને ગુરુઓના સંસર્ગે એમની ચેતનાને અધ્યાત્મરંગ આપ્યો. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, હિંદી, બંગાળી અને મરાઠી ભાષાઓનું સેવન એમણે કર્યું અને સાહિત્યરસનું પોષણ પામ્યા. કેટલાંક કાવ્યાનુવાદ, કાવ્યાસ્વાદ, અને સ્વરચિત કાવ્યરચનાઓ પણ અહીં છે. એમનું કાવ્ય ‘દરિયા’ તો આ પુસ્તકનું ભવ્ય સમાપન બની રહે છે. તેને વિશે અશ્વિનભાઇએ એકવાર કહેલું કે “તેનું પઠન પૂરું કર્યું હોય ને રડ્યો ન હોઉં એવું ભાગ્યે જ બન્યું છે.”
કોરા કાગળ પર છપાઇને આવેલું આ નર્યું નિર્જીવ પુસ્તક નથી. પાનેપાને આપણાં સંવેદન-કોષને સ્પર્શ આપનાર આ પદાર્થ છે. આપણને ઘડીક વિષાદમાં વીંટે છે; અસ્તિત્વના મર્મો વિશે વિચારતા કરી દે એવા અંશો પણ અહીં છે, તો નર્મમર્મ પણ છાંટી દે છે. સંસ્મરણો વ્યક્તિનાં હોય કે અનુભવોનાં હોય, મનુષ્યના અનેકઅનેક સ્વરૂપોનો, તેની જૂજવી તાસીરનો, ગુણોનો, અલ્પગુણોનો જાણે કે તેમાં એક મેળો રચી દે છે. આવાં લખાણોનું મૂલ્ય મનુષ્યવૈવિધ્યના આવા દર્શન પરથી અંકાતું હોય તો આ પુસ્તક ખરેખર માનવવૈવિધ્યની છબિ બને છે. આપણી ભાષા કેવું દૈવત ધરાવે છે તેનો ખ્યાલ પાને પાને મોકળી રમતી શબ્દાવલીઓ આપે છે. ગુજરાતી ભાષાનું કૌવત અહીં રેલમછેલ છે. પોતાના નાના નિવેદનમાં લેખક પોતાના ભીતરની કથની કહે છે કે એમણે ચોત્રીસ વરસમાં લખેલાં અનેક લખાણોમાંથી માત્ર તેર લેખો જ અહીં રજૂ કર્યા છે, બાકીના ફાડી નાખ્યા છે. પોતાની મજૂસમાં જે થોડાં મોતી છે એ જ વાચકો પાસે મૂક્યાં છે, પોતે જેને થોડું પણ ઊતરતું માને છે એ વાચક પાસે નથી લાવ્યા. આમાં માત્ર લેખકની ગરવાઈ નથી, વાચકનું પણ ઊંચું સન્માન છે. એમણે આને એમનું પહેલું અને છેલ્લું પુસ્તક કહ્યું છે. સાહિત્યનાં મૂલ સંખ્યાથી નહીં પણ રણકારથી થતાં હોય તો કહેશું કે આ એક ચોપડી પણ ગૂર્જરી ગિરાને લેખકનું અણમૂલ અર્ઘ્ય બનીને શોભશે.
– જયંત મેઘાણી
શ્રી અશ્વિન મહેતા દ્વારા લખાયેલ પુસ્તક ‘છબી ભીતરની’ વિશે અહીં સુંદર પુસ્તક પરિચય આપતા શ્રી જયંત મેઘાણી પુસ્તકની અનેક બારીકીઓ અને ભાવનું દર્શન કરાવે છે. સંસ્મરણો, શબ્દચિત્રો, પ્રવાસની વાતો, કેટલાંક કાવ્યાનુવાદ, કાવ્યાસ્વાદ અને સ્વરચિત કાવ્યરચનાઓ અહીં છે. આ પુસ્તક વિશે તેઓ કહે છે, “કોરા કાગળ પર છપાઇને આવેલું આ નર્યું નિર્જીવ પુસ્તક નથી. પાનેપાને આપણાં સંવેદન-કોષને સ્પર્શ આપનાર આ પદાર્થ છે. આપણને ઘડીક વિષાદમાં વીંટે છે; અસ્તિત્વના મર્મો વિશે વિચારતા કરી દે એવા અંશો પણ અહીં છે, તો નર્મમર્મ પણ છાંટી દે છે. સંસ્મરણો વ્યક્તિનાં હોય કે અનુભવોનાં હોય, મનુષ્યના અનેકઅનેક સ્વરૂપોનો, તેની જૂજવી તાસીરનો, ગુણોનો, અલ્પગુણોનો જાણે કે તેમાં એક મેળો રચી દે છે.” આ સુંદર પરિચય આકશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી 5 જુલાઇ 2011ના રોજ પ્રસારિત થયેલ.
જાણીતા લેન્સમેન શ્રી અશ્વિન મહેતાએ પોતાનો છબિકસબ અજમાવવા કરેલા પ્રવાસ દરમિયાન તેમને થયેલા અનુભવો “છબિ ભીતરની” માં ઉતાર્યા છે જે જયન્ત મેઘાણી જેવા સાહિત્ય જીવને ફક્ત કાગળ પર છપાઇને આવેલું નર્યું નિર્જીવ પુસ્તક નહિ પણ્ પાનેપાને આપણાં સંવેદન-કોષને સ્પર્શ આપનાર પદાર્થ લગ્યો હોય ત્યારે આ પુસ્તક સાહિત્ય રસિકોએ જરૂર વાંચવું રહ્યું.
ધન્યવાદ!
દિનેશ પંડ્યા
akshar ma chupayeli gooonj je rahi rahi ne udbhave ane najer same thi hatej nahi.
સાહિત્યના રસિયાને ગમે તેવું ! આભાર -લા કાન્ત /
૯-૭-૧૧