એક અક્ષરનાદી ગઝલ – જિજ્ઞેશ અધ્યારૂ 13


પાર વૈતરણી કરીને સાદ આજે નીકળે,
અક્ષરોની પાર ‘અક્ષરનાદ’ આજે નીકળે.

નીકળીને અંતરેથી ગૂંજતો સર્વત્ર જે,
સમવિષમમાં ઓગળેલો વાદ આજે નીકળે

સૌ અવાજે શૂન્યતા, ને શૂન્યતા ગૂંજી રહે,
એ શુકનની ક્ષણ જે વર્ષો બાદ આજે નીકળે.

વાંસળીના છિદ્ર માંહે નાદ બનતી ફૂંકથી,
કૃષ્ણવિરહી શ્વાસની ફરિયાદ આજે નીકળે.

એ ખરું કે હોય શબ્દો, હોઠ કંઈ ફફડે નહીં,
ને નયન વાટે પછી સંવાદ આજે નીકળે.

એક શાયરની કલમથી જે ઝરી એ પરહરી,
શબ્દવેધી, ઓમકારી દાદ આજે નીકળે.

અંત ક્યાંથી હોય મત્લો જિંદગીનો હું કહું,
કોઈના મક્તા પછી ઈર્ષાદ આજે નીકળે.

– જિજ્ઞેશ અધ્યારૂ

અક્ષરનાદના ચાર વર્ષ પૂર્ણ થયાની, અક્ષરપર્વની ઉજવણી વખતે પ્રસ્તુત કરવા ધારેલી આ ગઝલ એ સમયે મત્લાના શે’રથી આગળ વધી જ ન શકી. જો કે ‘નાદ’ થોડો કોઈ સમયના બંધનને અનુસરે? અને અચાનક આજે બે મહીના પછી આખે આખી ગઝલ સાંગોપાંગ ઉદભવી અને એ જ રીતે અપડાઊન સફર દરમ્યાન બસમાં શબ્દદેહને પામી. આ અક્ષરનાદના હેતુને વર્ણવતી ગઝલ છે એથી વધુ સુજ્ઞ વાચકોને મારે શું કહેવાનું હોય? સૂચનો, પ્રતિભાવો, સુધારાઓ સદાય આવકાર્ય જ હોય.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

13 thoughts on “એક અક્ષરનાદી ગઝલ – જિજ્ઞેશ અધ્યારૂ