ગોરમા, ગોરમા રે… – લોકગીત 4


ગોરમા, ગોરમા રે સસરો દેજો સવાદિયા,
તમે મારી ગોરમા છો !

ગોરમા, ગોરમા રે સાસુ દેજો ભુખાળવાં,
તમે મારી ગોરમા છો !

ગોરમા, ગોરમા રે કંથ દેજો કહ્યાગરો,
તમે મારી ગોરમા છો !

ગોરમા, ગોરમા રે નણંદ દેજો સાહેલડી,
તમે મારી ગોરમા છો !

ગોરમા, ગોરમા રે દેરાણી જેઠાણીનાં જોડલાં,
તમે મારી ગોરમા છો !

ગોરમા, ગોરમા રે દેર ને જેઠ બે ઘોડલે,
તમે મારી ગોરમા છો !

ગોરમા, ગોરમા રે ભગરી ભેંસના દૂઝણાં,
તમે મારી ગોરમા છો !

ગોરમા, ગોરમા રે કાઠા તે ઘઊંની રોટલી,
તમે મારી ગોરમા છો !

ગોરમા, ગોરમા રે મહીં રે માળવિયો ગોળ,
તમે મારી ગોરમા છો !

– લોકગીત

ગૌરીવ્રત – ગોરમાની પૂજામાં માત્ર સુંદર વર જ નહીં, સ્વર્ગ સમું સાસરું પણ મંગાય છે, સંયુક્ત કુટુંબ અને તેના સંવાદની ચાહના કન્યાના વ્રત પાછળ છે. સસરો સવાદિયો હોય તો જ ઘરમાં સારી ખાદ્ય વસ્તુઓ બને અને સાસુ ભુખાળવાં હોય તો જ વહુને ખાવાનો આગ્રહ કરે ને? કહ્યાગરો કંથ, દેર દેરાણી, જેઠ જેઠાણી, નણંદ, અને આંગણે દૂઝતી ભગરી ભેંસથી ભર્યો ભાદર્યો સંસાર આપણા મલકની કોડીલી કન્યાઓને જોઈએ છે. ગૌરીવ્રતની પાછળ રહેલી સુંદર ભાવના આ લોકગીતમાં સરળ રીતે અભિવ્યક્ત થાય છે.

(‘છાલક’ સામયિક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૧૧ના અંકમાંથી સાભાર.)


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ગોરમા, ગોરમા રે… – લોકગીત

  • NIRMIT DAVE

    આ લોકગીત સાંભળી ને ઘણુ સારુ લાગ્યુ…બચપણની ઘણી યાદો તાજી થઈ ગઈ….આભાર.

  • Joshi umesh

    હાય હોય ડેડો , કોણ કુટે ડેડો ,કુવામાં વીયેણી ઢેલ , ઢેલના બચ્ચા કોણ ધવરાવે . આ પણ સાંભળેલું .

  • Capt. Narendra

    ગોરમાનું ગીત રજુ કરીને આપે બચપણની ઘણી યાદો તાજી કરાવી આપી! ૧૯૪૭-૪૮માં અમે બોટાદ પાસેના નિંગાળા ગામે અમારી માસીને ઘેર જતા, ત્યાં મારી મસીયાઇ બહેન શાંતા તથા મારી નાની બહેનો મીના-સુધા-જયશ્રી મોળાકત રાખતી, અને કેરી નદીમાં ભેગી થઇને ગોરમાનાં ગીતો ગાતી. આ તેમાંનું એક ગીત છે, એવો આછો ખ્યાલ છે. કેરી નદીમાં કાંકરા જ રહેતા – ફક્ત ચોમાસામાં પાણી આવે. નિંગાળા ગામની સીમમાં કાળીયાર આવતા, તેમને પકડવાના વ્યર્થ પ્રયત્ન કરવા અમે તેમની પાછળ દોડતા તે હજી યાદ છે! જુની યાદો તાજી કરાવવા માટે આભાર.