ચોમાસું માણીએ ! – કાકા કાલેલકર 7


વરસાદના દિવસો આવી ગયા. હવે આકાશના દેવો વાદળોની ચાદર ઓઢીને ચાતુર્માસમાં મોટે ભાગે સૂવાનું જ કામ કરશે. જેમ આપણે કોઈ કોઈ વખત રાતે ઊંઘમાંથી જાગીને તારાઓને જોઈએ છીએ, (જો ખુલ્લામાં સૂતા હોઈએ તો) તેમ એ આકાશના દેવો પણ કોઈ કોઈ વખત રાતે પોતાની ચાદર ખસેડીને, આપણે કેમ છીએ તે જોઈ લે છે. પરંતુ કોઈ પણ પંચાગ અથવા વાયુશાસ્ત્રી કહી નથી શક્તા કે આવું દેવદર્શન આ દિવસોમાં કઈ રાત્રિએ અને ક્યારે થઈ શકે છે.

‘દેવોનું કાવ્ય’ ચાર માસ માટે બંધ થઈ ગયું તેથી કુદરતનું કવિત્વ ઓછું જ બંધ થઈ ગયું છે ! વાદળોને જ લઈએ, મેઘવિદ્યા કંઈ થોડા મહત્વની નથી. એમાં જાણવાની વસ્તુઓ પણ બહુ છે અને કલ્પનાવિહાર માટે પણ પૂરતો અવકાશ છે. આ દિવસોમાં સવારસાંજનાં વાદળોનો કેવો આનંદપુંજ હોય છે ! પ્રકૃતિના દરબારનો વૈભવ વ્યક્ત કરવાનું કામ તો એમનું જ છે. ઉષા અને સંધ્યા બંને પોતાના આનંદમાં મસ્ત રહે છે અને રોજ રોજ નવો નવો વિલાસ બતાવે છે. જે ચિત્રકાર છે એમણે આ રંગોની પ્રતિકૃતિ બનાવી સંઘરવી જોઈએ; જે કવિ છે એમણે વાદળોના વિલાસ પર કવિતાઓ લખીને આપણો શબ્દવિલાસ એમનાથી ઓછો નથી એમ સિદ્ધ કરવું જોઈએ; અને જેઓ કેવળ સ્વાનંદ મગ્ન મૂક રસિક છે તેમણે સવાર અને સાંજ આ દેવીઓનું દર્શન કરીને પોતાના હ્રદયને આનંદ ભોજન આપી પરિપુષ્ટ કરવું જોઈએ. મેઘોને જોઈને ઈન્દ્રધનુયનો ઉપાસક એકલો મોર જ શા માટે મસ્ત બને? દરેક મનુષ્યનો અધિકાર છે કે તે વિના મૂલ્યે મળનાર આ આનંદ સુધા સવાર સાંજ પ્રાર્થનાની સાથે હજમ કરે.

વરસાદના દિવસ આવી ગયા છે. જ્યાં વરસાદ પડે છે ત્યાં ત્યાં માબાપોએ પોતાનાં બાળકોને લઈ જઈને જમીન ક્યાં કેટલી ઉંચી છે, પાણી ક્યાંથી કેવી રીતે વહે છે, પહાડ અને ટેકરા પરથી માટી કેવી વહી જાય છે અને પાણી ઉંચ નીચનો ભેદ દૂર કરવાને કેવો પ્રયત્ન કરે છે એ બધું એમને બતાવવું જોઈએ. આ ખેલમાં કેવળ બચપણનો જ આનંદ છે એમ નથી. જો ઓકરાં બચપણમાં જ પાણીના વહેણનું અધ્યયન કરશે તો હિંદુસ્તાનને માટે અત્યંત આવશ્યક એવી એક રાષ્ટ્રીય વિદ્યાનો એટલે કે ભગીરચવિદ્યા – નદી નહેરોને કાબૂમાં લાવવાની વિદ્યા – નો તેઓ પ્રારંભ કરશે. હિંદુસ્તાન દેશ જેટલો દેવમાતૃક છે તેટલો જ નદીમાતૃક પણ છે. તેથી જ પર્જન્યવિદ્યા (મીટીઓરોલોજી) અને ભગીરથવિદ્યા (સાયન્સ ઓફ રિવર ટ્રેવનિંગ) બંને આપણી રાષ્ટ્રીય વિદ્યાઓ છે. જ્યારે સાચી અને સંપૂર્ણ રાષ્ટ્રીય વિદ્યાપીઠોની સ્થાપના થશે ત્યારે મોટા મોટા વરુણાચાર્યો અને ભગીરથાચાર્યો આપણા દેશમાં નિર્માણ થશે અને બીજા દેશોના લોકો હિંદુસ્તાનમાં આવીને અહીંથી ભગીરથવિદ્યા અને પર્જન્યવિદ્યા શીખી જશે.

વરસાદના દિવસો આવી ગયા ! વનસ્પતિસૃષ્ટિ અને કીટસૃષ્ટિની સમૃદ્ધિ આ વખતે જ જોવી જોઈએ. વનસ્પતિવિદ્યા અને કીટવિદ્યા જો વધારવી હોય તો દેશના નવયુવકોમાં બચપણથી જ આ વાતો પ્રત્યે પ્રેમ પેદા કરવો જોઈએ. લાલ મખમલ ઓઢેલા ઈન્દ્રગોપથી માંડીને ‘જાદુઈ ટૉર્ચ’ સાથે રાખનાર આગિયા સુધીના બધા કીટોનો રંગ, આકાર, એમનો સ્વભાવ, એમનો આહાર, એમનું કાર્ય – આ બધાંનું નિરીક્ષણ કરવું જોઈએ. હિંદુસ્તાનની વનસ્પતિઓનું તો પૂછવું જ શું ? શારદા અને અન્નપૂર્ણા, શાકંભરી અને જગધાત્રી બધી દેવીઓનું સ્મરણ કરીને વનસ્પતિવિદ્યાનો આ દિવસોમાં પ્રારંભ કરવો જોઈએ.

– કાકા કાલેલકર

(‘જીવનનો આનંદ’ માંથી સાભાર)

કાકાસાહેબ કાલેલકર આપણી ભાષાના પ્રથમ હરોળના નિબંધકાર ગણાય છે. ગુજરાત અને ગુજરાતી ભાષા પ્રત્યે તેમની આત્મીયતા અને અસાધારણ પ્રભુત્વ જોઈને ગાંધીજી તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવતા. નિબંધોના તેમના અનેક પુસ્તકોમાં આપણને રાષ્ટ્રપ્રેમી, પ્રકૃતિપ્રેમી, સંસ્કૃતિચિંતક, સૌંદર્યચાહક, કલા અને સાહિત્યના ચિરંતન પ્રેમી અને પ્રવાસશોખીન કાકાસાહેબના વ્યક્તિત્વનો અનેરો પરિચય થાય છે.

પ્રસ્તુત નિબંધમાં ચોમાસાની ઋતુમાં બદલાતી પ્રકૃતિસૃષ્ટિનું ચિત્રાત્મક શૈલીએ નિરૂપણ થયું છે. આકાશના વાદળોની લીલા તથા ઊષા અને સંધ્યાના અવનવા રંગોના સૌંદર્યનું વર્ણન કરી પ્રકૃતિલીલાનું રસપાન કરવાનું સૂચવે છે. વરસાદ પડતાંની સાથે જ સમગ્ર સૃષ્ટિ નવપલ્લવિત થઈ જાય છે. અહીં પ્રકૃતિ, ભૂપૃષ્ઠ અને કીટસૃષ્ટિ – એ ત્રણેયનું કાવ્યાત્મક અને મધુર ભાષામાં નિરૂપણ થયું હોવાથી નિબંધનું ગદ્ય આસ્વાદ્ય બન્યું છે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ચોમાસું માણીએ ! – કાકા કાલેલકર