ધર્મ – એક શાશ્વત આવશ્યકતા? – આર્નોલ્ડ ટૉયન્બી, અનુ. તખ્તસિંહ પરમાર 1


વકાઈઝુમી –

ધર્મનું ભાવિ કેવું છે? ધર્મને ખરેખર ભવિષ્યમાં અવકાશ છે? ઘણી વાર કહેવાયું છે કે અમુક અંશે ધર્મ માનવ પ્રશ્નોનો માનવીય રીતે નિકાલ કરવામાં સહાયભૂત થયો છે. એમ પ્રતિપાદિત કરવામાં આવે છે કે શ્રદ્ધાયુક્ત અધ્યાત્મજીવન સમૃદ્ધિ સંપન્ન ભૌતિક જીવન કરતાં ચઢિયાતું છે. છતાં, આજે ધર્મ પોતાની પકડ ગુમાવતો જાય છે, ખાસ કરીને નવી પેઢી ઉપર. યુવાનો કાં તો ધર્મથી ઉદાસીન છે અથવા તો તેમનું ભ્રમનિરસન થયું છે અને તેમને ધર્મમાં શ્રદ્ધા જ રહી નથી ત્યારે વિજ્ઞાન દ્વારા થતાં વિધાનો પ્રયોગો દ્વારા ચકાસી શકાય છે. વિશ્વમાં પોતે કયા સ્થાને છે તે જાણવાનું અને માર્ગદર્શન આપવાનું કાર્ય ધર્મ પાસેથી વિજ્ઞાને તો નથી સંભાળ્યું ને? ઐતિહાસીક દ્રષ્ટિએ ઘણા ધર્મોનો દાવો છે કે મૃત્યુના કોયડાનો પોતે ઉત્તર આપી શકે છે; માણસને આશ્વાસન આપી શકે છે; ભીતિઓને દૂર કરી શકે છે. વિજ્ઞાન આવી મદદ કરી શકે? ટેકનોલોજીને વિજ્ઞાન જે આશ્ચર્યજનક સફળતાપૂર્વક મદદ કરતું રહ્યું છે તેનો વિનિયોગ આ રીતે થઈ શકે?

માનવ કરતાં આધ્યાત્મિક શક્તિ બળવત્તર છે એ ધર્મના મૂળભૂત સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે. આ પરમ સિદ્ધાંત પુરવાર થયેલ વૈજ્ઞાનિક સત્ય સાથે સુસંગત છે? એ સુસંગત હોય કે નહીં, આ પરમ સિદ્ધાંત સ્થાપ્યા વિના માનવ જીવી શકે?

ભિન્ન ભિન્ન ધર્મો આધ્યાત્મિક જીવન અને ભિન્ન ભિન્ન નિરૂપણ કરે છે. આ ઉપદેશ વૈવિધ્ય બધા ધાર્મિક ઉપદેશોને શંકાની નજરથી જોવા પ્રેરે છે એમ કહેવાય? કે એમ કહેવું ભૂલભરેલું ગણાય? ધર્મોના ઉપદેશોમાં ભેદ છે પણ આજ્ઞાઓમાં ઓછો. સત્ય અસત્યના સ્વરૂપ વિશે પ્રમાણમાં એકમતી પ્રવર્તે છે એમ કહી શકાય?

ટૉયન્બી –

માનવ બાળક તરીકે પ્રથમ શ્વાસ લે છે ત્યારે કોઈ રહસ્યાત્મક વિશ્વમાં પોતાને રોપવામાં આવ્યો હોય તેવો અનુભવ તે કરે છે. આ આરોપણ તેની સાથે મસલત કર્યા વિના કે તેની સંમતિની પરવા કર્યા વિના કરવામાં આવ્યું છે. તરતનો – અર્થ એ કે તેના જન્મ નિમિત તેના માતાપિતા તો તેનાં માતાપિતાનાં જન્મનિમિત્ત કોણ અને તેમનાં પૂર્વજોનાં જન્મનિમિત્ત કોણ? વિશ્વના અસ્તિત્વની પાર લઈ જતું આ રહસ્ય છે. આપણે અહીં કેમ છીએ? શા માટે છીએ? માનવને વિશ્વ અંગે એટલો જ ખ્યાલ છે કે તેની દયા પર જીવે છે. જેવી અસહાયતાથી જન્મ્યો તેવી જ અસહાયતાથી વહેલો-મોડો મૃત્યુ પામશે. અલબત્ત માનવેતર પ્રાણીઓનું ભાવિ પણ આ જ છે. પણ તેમને એનું ભાન નથી, આપણને તેનો ખ્યાલ છે તે જ અસ્વસ્થતાનું કારણ છે. આ અસ્વસ્થતા આપણા કુતૂહલને ઉત્તેજિત કરે છે. વિશ્વનું સ્વરૂપ, તેના અસ્તિત્વનું કારણ, જીવનમાં વિશાળ પટમાં માનવજીવનની અલ્પતા વગેરે વિશે જાણવા આપણે ઉત્સુક છીએ. આપણા જન્મ પહેલાં આ જગતમાં આપણું અસ્તિત્વ હતું કે નહીં, મૃત્યુ પછી આ અસ્તિત્વ રહેશે કે નહીં એ પણ આપણે જાણવા માંગીએ છીએ. જીવન વરદાન છે કે અભિશાપ તે પણ આપણે નક્કી કરવા માંગીએ છીએ. આપણે સભાન બનીએ ત્યારે આ બધા પ્રશ્નો આપણને ઘેરી વળે છે. આ હઠીલા – સત્તત ઉત્તર માગતા રહેલા પ્રશ્નોનો ઉત્તર આપવાનો પ્રયત્ન ધર્મ દ્વારા થયો છે તેમ મને લાગે છે. જીવન અને મૃત્યુના જટિલ વાસ્તવ સાથે આપણે સમાધાન કઈ રીતે સાધવું તે શોધવાનો પ્રયત્ન ધર્મ દ્વારા થાય છે.

મેં પ્રતિપાદિત કર્યું છે કે ટેકનોલોજીના ક્ષેત્રે થયેલો વિકાસ માનવપ્રવૃત્તિના સમુચ્ચય રૂપ હોવાં છતાં, તેમાં સાતત્ય નથી. વિકાસની ગતિ એકધારી નથી, તે થોડો સમય ખૂબ વધારે ગતિ કરે છે પછી મંદ થાય તેવી રીતે કે મોજાંઓની શ્રેણી રૂપે થયો છે. આધ્યાત્મિક પ્રગતિમાં પણ આવી તરંગલીલા જોઈ શકાય. મને લાગે છે કે તરંગ સાથેની આ તુલના દ્યોતક છે. આધ્યાત્મિક પ્રગતિના બે મુખ્ય તરંગોનો આવિર્ભાવ પાંચેક હજાર વર્ષના ગાળામાં થયો છે; ૧૮મા શતકની ઔદ્યોગિક ક્રાન્તિના સ્ફૂરણ સાથે તેનો અંત આવ્યો. આ ગાળામાં ટેકનોલોજીનો વિકાસ નહીવત હતો. આધ્યાત્મિક પ્રગતિના આ મોજાંઓ કેવા હતા?

આ પ્રકારના તરંગનો પ્રથમ આવિર્ભાવ થયો સંસ્કૃતિના પરોઢમાં, એ મોજાંએ જ સંસ્કૃતિને સંભવિત બનાવી. આધ્યાત્મિક પ્રગતિનું આ મોજું કોઈ નોંધપાત્ર ટેકનોલોજી-વિકાસનું પુરોગામી હતું. આધ્યાત્મિક પ્રગતિનું પ્રથમ મોજું સામાજિકતાના વિકાસના ફળસ્વરૂપ હતું. પાણીનો નિકાલ, નહેર, મંદિરો અને કબરોનું બાંધકામ જેવા મોટાં પાયા પરનો સહકાર માગી લેતાં કાર્યો સમૂહગત રીતે કરવાના પરિણામે સંસ્કૃતિનો આવિર્ભાવ થયો. જે વ્યક્તિઓએ આ કાર્ય કરવામાં સહયોગ આપ્યો તેમને તાત્કાલિક ફાયદો થાય એવાં આ કાર્યો નહોતાં. તે એવા ફાયદા માટે થયા પણ નહોતા. બહુજનસમાજને લાંબે ગાળે – લાંબા ગાળા સુધી ઉપયોગી બને તે ખ્યાલ તેના નિર્માણ પાછળ હતો. સંસ્કૃતિના ઉદભવની ધાર્મિક ભૂમિકાની માહિતી આપણી પાસે નથી; આપણે માત્ર અનુમાન જ કરી શકીએ. સંસ્કૃતિના અસ્તિત્વની સાથે જ મંદિરો બંધાય છે, લેખનની શોધ સાથે જ ધાર્મિક પ્રાર્થના, ધાર્મિક ઉર્મિકાવ્યો કે ધાર્મિક મહાકાવ્યોના સ્વરૂપમાં તેની નોંધ પ્રાપ્ત થાય છે. મારું માનવું છે કે ભાવિનું દર્શન જેમને સ્પષ્ટ હતું, જેમની પાસે સંગઠનશક્તિ હતી, લાંબા સમય સુધી કામ ચાલતું રહે ને લાંબા ગાળે ફળપ્રદ થાય તેવાં કામો પર પોતાના માનવબંધુઓને કામે જોતરવાની જેમનામાં શક્તિ હતી તેવા નેતાઓથી સંચાલિત ધર્મશ્રદ્ધા સંસ્કૃતિના ઉદભવનું કારણ છે. મારી દ્રષ્ટિએ આધ્યાત્મિક પ્રગતિનું એ પ્રથમ મોજું; તેનું પરિણામ આપણી સંસ્કૃતિ.

આધ્યાત્મિક પ્રગતિનું બીજુ મોજું જેમને હું ‘ઉચ્ચતર’ ધર્મો અને તત્વવિદ્યાઓ કહું છું તેમના ઉદગમ સાથે સંકળાયેલું છે. ઈ.સ. પૂર્વે આઠમાં સૈકાથી – પ્રાચીનતમ ઈઝરાયલી પયગંબરોના સમયથી – પયગંબર મહંમદના સમય સુધી – ઈ.સ. સાતમા સતક સુધી આ મોજું પ્રસરેલું છે. અસંખ્ય લોકોએ આ બીજા મોજાંનો વિશેષ રૂપથી નિર્દેશ કર્યો છે. આ સમયને તેમણે ‘ધરીયુગ’ નામ આપ્યું છે. સમગ્ર માનવ ઈતિહાસ તેની આસપાસ ઘૂમે છે તે અર્થમાં આ ઉચ્ચતર ધર્મોનો આવિર્ભાવ, માનવ ઈતિહાસના આલેખનમાં, ઈશુ પૂર્વે, ઈશુ પઈ વગેરે સ્પષ્ટ રેખાઓ – પૂર્વે અને પછી એવી ભેદરેખાઓ આંકી આપે છે. આ ઉચ્ચતર ધર્મોના આવિર્ભાવ પછી માનવ ઈતિહાસ પહેલાં જેવો રહ્યો જ નથી.

ક્રમે ક્રમે ટેકનોલોજીનું જ્ઞાન ઓછું થતું જશે અને આધ્યાત્મિક પ્રગતિનું નવું મોજું પ્રસરશે તેવી આશા હું સેવી રહ્યો છું. પ્રાકૃતિક વિજ્ઞાનો અને ટેકનોલોજીના જ્ઞાનના આજના ઝડપી વિકાસને પરિણામે માનવજીવનની સાંપ્રત પેઢીના જીવન પર તેમનું ખૂબ પ્રભુત્વ છે; એટલે જ માનવજીવનનાં ભૌતિક અને આધ્યાત્મિક પાસાં વચ્ચેના સંબંધનો પ્રશ્ન ઊભો થાય છે. હું દ્રઢતાપૂર્વક, પ્રતીતિપૂર્વક, હિચકિચાહટ વિના, કે ખુલાસો કરવાની જરૂર વિના માનું છું કે માનવ આધ્યાત્મિક ચૈતન્ય છે એટલું જ નહીં પણ પંચમહાભૂતનો જીવ છે. એ જે જગતમાં જીવે છે તેને ભૌતિક અને આધ્યાત્મિક બન્ને પાસાઓ છે. એટલે ઉચ્ચતમ આધ્યાત્મિક જીવન જીવવા માટે જે ભૌતિક સાધનોની આવશ્યકતા ઉભી થાય તે મેળવી લેવા માટે એણે પ્રયત્નો કરવા જ રહ્યા.

મેં ‘ઉચ્ચતમ’ શબ્દ વાપર્યો છે. આધ્યાત્મિક બાબતો અંગેનું આપણું શબ્દભંડોળ રૂપાત્મક છે. ભૌતિક ચીજોમાંથી એ આરોપિત થયેલ છે. આપણે ઉચ્ચ શબ્દ પ્રયોજીએ ઈએ કારણકે ભૌતિક ‘ઉંચાઈ’ માટે યોજાતા આ શબ્દ સિવાય આધ્યાત્મિક દિવ્યતાનો ભાવ રજૂ કરવા આપણી પાસે કોઈ પર્યાય નથી. અને દિવ્ય એટલે પણ ઉચ્ચ જ. જીવનનું ભૌતિક પાસું કેટલું પ્રભાવકારક છે તે આ પરથી સિદ્ધ થાય છે. એટલે જ ભૌતિક અને આધ્યાત્મિક પાસાંઓની યોગ્ય સમતુલા સ્થાપવાનું કાર્ય કેટલું અગત્યનું છે તે સમજાય છે. માનવ પોતાની જાત પર પ્રભુત્વ મેળવી શકતો નથી, પોતાના સાથીઓ સાથે શાંતિ – મૈત્રીપૂર્વક જીવતાં કેમ શીખવું કે વિશ્વની સત્તાની પેલે પાર જે આધ્યાત્મિક સંવાદ છે તેમાં પોતાની જાતને કેમ ગોઠવવી તે એને ઓછું આવડે છે. તેને માનવેત્તર તત્વો પર પ્રભુત્વ સ્થાપતાં આવડે છે તેવી કુદરતી રચના છે. માટે આ વધારે મહત્વનું છે. એક તરફ વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાન સ્વરૂપની માનવબક્ષિસ અને બીજી તરફ ધર્મ અને સામાજિકતા અંગેની તેની રુચિ; આ બન્ને વચ્ચે મોટો ભેદ છે. મારી દ્રષ્ટિએ આ ભેદ – એ જ માનવનું મહત્વનું દર્દ છે. કમનસીબી છે, તેના ભયસ્થાનો છે. માનવજાત સમતુલા ગુમાવી બેઠી છે.

‘નૈતિકતાના ગાળા’ ની માફક ‘શ્રદ્ધેયતાનો ગાળો’ પણ હોય છે. કેટલાક રાજકારણીઓમાં આ બંને પ્રવર્તે છે તેવો આક્ષેપ કરવામાં આવે છે. આપણે માનવ બન્યા ત્યારથી સમગ્ર માનવજાત પર ‘નૈતિકતાના ગાળા’ નો આક્ષેપ મૂકી શકાય. સંચિત પુરુષાર્થના પરીણામે ટેકનોલોજીનું જ્ઞાન વધતું જાય છે, તેમ તેમ નૈતિકતાની ગતિ રૂંધાતી જાય છે અને આ ગાળો વિસ્તરતો જાય છે.

ટેકનોલોજી આપણને ભૌતિક શક્તિ આપે છે. નૈતિક રીતે તે તટસ્થ છે – નૈતિકતા સાથે તેને કોઈ સંબંધ નથી. આપણી મરજી પ્રમાણે સદ અસદ હેતુ માટે તેનો ઉપયોગ થઈ શકે. ભૌતિક શક્તિ જેમ વિશેષ તેમ આ શક્તિનો વિનિયોગ મંગળ માટે થવો જોઈએ અમંગળ માટે નહીં તેવી આધ્યાત્મિક સૂઝ અને સદગુણ માટેની જરૂરીયાત પણ વધારે. ભૌતિક શક્તિનું, સમુચિત આધ્યાત્મિક શક્તિથી એટલે કે પ્રેમ અને જ્ઞાનથી સંતુલન ન થાય તો એ વરદાનને બદલે અભિશાપ બની રહે. ભૌતિક શક્તિ ઓછી હોય તે જ સારું. નૈતિકતાનો ગાળો – નો અર્થ એ કે આપણે માનવ બન્યા ત્યારથી આપણી દુન્યવી શક્તિનો ઉપયોગ કરવા જેટલી આધ્યાત્મિક શક્તિ કદી ધરાવી નથી; મને લાગે છે આ ખાઈ, આગળના કોઈ પણ સમય કરતા આજે વધારે ઉંડી અને પહોળી છે.

ભૌતિક શક્તિના વિશેષ વિકાસ માટે અનુદાનો આપીને સરકારો – રાજ્યતંત્રો – આ અસમતુલા વધારવામાં સહાયભૂત થાય છે કારણકે ભૌતિક શક્તિ – સંપત્તિ અને લશ્કરી તાકાતની જનની છે. પૃથ્વી પરના ૧૪૦ સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે પ્રવર્તતી સત્તાની સ્પર્ધામાં આ તત્વ મદદરૂપ બની રહે છે. આ પ્રકારની સફળતાની ઝંખના ટૂંકી દ્રષ્ટિની સૂચક છે. સત્તાની આ સ્પર્ધાને અંકુશિત કરવામાં ન આવે તો હવે થનારા વિશ્વયુદ્ધમાં વિજેતા સહિત બધા પક્ષોનો વિનાશ તેને કારણે જ સર્જાશે, વાસ્તવમાં વિજેતા શબ્દ જ અર્થહીન બની ગયો છે. ભવિષ્યનું યુદ્ધ એટમ યુદ્ધ હશે. આવા આણ્વિક યુદ્ધમાં કોઈ વિજેતા નહીં હોય. બધા શિકાર જ હશે. નૈતિકતાના ગાળાને પરિણામે અનેક સંસ્કૃતિઓની સ્થિતિ કરૂણ બની ગઈ છે. આપણી સરકારો રાજકીય અને લશ્કરી સત્તા સ્પર્ધાના સાધનરૂપ બનેલ વિજ્ઞાન અને સત્તાપોષક સંશોધનને ગતિ આપવાના કાર્યથી વિરમે, પાછી વળે તેવા પગલાં લેવા જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજીએ પ્રાપ્ત કરેલ સિદ્ધિઓ નિર્મૂળ તો ન થાય પણ કમસેકમ આ ક્ષણથી આપણો પુરુષાર્થ અને આપણી શક્તિ વિજ્ઞાન અને ટેકનોલોજી પાછળ વેડફવાને બદલે ધર્મ અને નીતિ માટે યોજવાં જોઈએ.

(આર્નોલ્ડ ટૉયન્બી કૃત ‘ભાવિમાં ટકી રહેવા માટે’ માંથી સાભાર, અનુ. તખ્તસિંહ પરમાર)

માનવ જીવનનું અસ્તિત્વ ટકાવવાનો પ્રશ્ન પ્રત્યેક યુગમાં વિચારાયો છે, ચર્ચાયો છે. કાળના પ્રબળ પ્રવાહ સામે, વિશ્વના પ્રત્યેક પળે પલટાતા સંયોગોમાં અર્થાત ભાવિમાં ટકી રહેવા માટે, આમ તો બધા વર્ગને, ખાસ કરીને યુવાનોને માર્ગદર્શન મળે, તેઓનું દ્રષ્ટિબિંદુ કેળવાય તેવી, બે દેશો વચ્ચેના વિદ્વાનો – પશ્ચિમના ટૉયન્બી અને પૂર્વના વકાઈઝુમી વચ્ચેના સંવાદ દ્વારા સર્જાયેલી આ ઉદબોધક પ્રશ્નોત્તરી ‘ભાવિમાં ટકી રહેવા માટે’ પ્રગટ કરાયેલી, શ્રી તખ્તસિંહ પરમાર દ્વારા તેનો ગુજરાતી અનુવાદ કરાયેલો છે. ધર્મનું ભાવિ, આધ્યાત્મિક સમૃદ્ધિ અને ભૌતિક સમૃદ્ધિઓ વચ્ચેની ભેદસૃષ્ટિ, ટેકનોલોજીને મદદ કરી રહેલ વિજ્ઞાન ધર્મને મદદ કરી શકે કે નહિં જેવા અનેક પ્રશ્નોને પોતાની તર્કબદ્ધ દલીલો સાથે પ્રસ્તુત લેખમાં ટોયન્બી સ્પર્શે છે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “ધર્મ – એક શાશ્વત આવશ્યકતા? – આર્નોલ્ડ ટૉયન્બી, અનુ. તખ્તસિંહ પરમાર

  • PH Bharadia

    એક્દમ ઉંડુ ચિન્તન માંગી લ્યે તેવો લેખ,શ્રી તખ્તસિંહ પરમારને અભિનન્દન.
    ધર્મ અને ‘ટેકનોલોજિ’નો સમન્વય ઘણો મુસિબત ભરેલો છે! જેને ધર્મ કહીએ છીએ તેતો અત્યારે તેના અનુસરનારા આંધળી દોટે છે! ધર્મના ઘણા રોજિંદા કામોમાં ‘ટેક્નોલોજી’ નો ઉપયોગ થાય છે પણ ‘ટેક્નોલોજી’ના કામમાં ધર્મનો ઉપયોગ થતો જાણ્યો નથી!!