અંધેર નગરી – ભારતેન્દુ હરિશ્ચંદ્ર અનુ. જિજ્ઞેશ અધ્યારૂ 8


પાત્ર પરિચય

મહંત
નારાયણદાસ – મહંતના શિષ્ય
ગોવર્ધનદાસ – મહંતના શિષ્ય
ચૌપટ રાજા – અંધેર નગરીનો રાજા
શાકવાળી(કાછીયણ) , કંદોઈ, ફરીયાદી, કલ્લુ વાણીયો, કારીગર, ચૂનાવાળો, ભિશ્તી, કસાઈ, ભરવાડ, કોટવાળ, સિપાહી

પ્રથમ દ્રશ્ય

(સ્થાન – શહેરની બહારનો રસ્તો, મહંતજી અને બે ચેલાઓ વાતો કરી રહ્યા છે.)

મહંત – બેટા નારાયણદાસ, આ નગર તો દૂરથી ખૂબ સુંદર દેખાય છે, જો કાંઈક ભિક્ષા મળે તો પ્રભુને ભોગ લાગે, બીજુ શું.

નારાયણદાસ – ગુરુજી મહારાજ, નગર તો ખૂબ જ સુંદર છે, પરંતુ ભિક્ષા પણ એવી જ સુંદર મળે તો બહુ આનંદ આવે.

મહંત – બેટા ગોવર્ધનદાસ, તું પશ્ચિમ દિશા તરફ જા અને નારાયણદાસ પૂર્વ દિશા તરફ જશે.

(ગોવર્ધનદાસ જાય છે.)

ગોવર્ધનદાસ – (શાકવાળીને) ભાજીનો શું ભાવ છે?

શાકવાળી – બાબાજી, ટકે સેર

ગોવર્ધનદાસ – બધી ભાજી ટકે સેર, વાહ વાહ, બહુ આનંદ છે, બધી વસ્તુઓ ટકે સેર.

(કંદોઈ પાસે જઈને)

ગોવર્ધનદાસ – કેમ ભાઈ, મિઠાઈ શું ભાવ છે?

કંદોઈ – ટકે સેર

ગોવર્ધનદાસ – વાહ, વાહ ! બહુ આનંદ છે, બધુ ટકે સેર કેમ બચ્ચા ? આ નગરીનું નામ શું છે ?

કંદોઈ – અંધેર નગરી

ગોવર્ધનદાસ – અને રાજાનું નામ શું છે ?

કંદોઈ – ચૌપટ રાજા

ગોવર્ધનદાસ – અંધેર નગરી, ચૌપટ રાજા, ટકે સેર ભાજી, ટકે સેર ખાજા.

કંદોઈ – તો બાબાજી, કાંઈ લેવું હોય તો લઈ લો !

ગોવર્ધનદાસ – બચ્ચા, ભિક્ષા માંગીને સાત પૈસા લાવ્યો છું, તો સાડાત્રણ સેર મિઠાઈ આપી દે.

(મહંતજી અને નારાયણદાસ એક તરફથી આવે છે અને બીજી તરફથી ગોવર્ધનદાસ આવે છે.)

મહંત – બચ્ચા ગોવર્ધનદાસ, શું ભિક્ષા લાવ્યો ? પોટલી તો ભારી જણાય છે.

ગોવર્ધનદાસ – ગુરુજી મહારાજ ! સાત પૈસા ભિક્ષામાં મળ્યા હતાં, તેમાંથી સાડા ત્રણ સેર મિઠાઈ લઈ આવ્યો છું.

મહંત – બેટા, નારાયણદાસે મને કહ્યું હતું કે આ નગરમાં બધી વસ્તુઓ ટકે સેર મળે છે ત્યારે મેં તેની વાત પર વિશ્વાસ કર્યો નહોતો, આ કયું નગર છે જ્યાં ટકે સેર ભાજી અને ટકે સેર ખાજા મળે છે, અને તેનો રાજા કોણ છે ?

ગોવર્ધનદાસ – અંધેર નગરી, ચૌપટ રાજા, ટકે સેર ભાજી, ટકે સેર ખાજા !

મહંત – તો બેટા, આ નગરમાં રહેવું ઉચિત નથી, જ્યાં ટકે સેર ભાજી અને ટકે સેર ખાજા વેચાય છે, હું તો આ નગરમાં એક ક્ષણ પણ નહીં રહું.

ગોવર્ધનદાસ – ગુરુજી, હું તો આ નગર છોડીને ક્યાંય નહીં જાઊં, બીજે આખો દિવસ ભિક્ષા માંગો તો પણ પેટ નથી ભરાતું, હું તો અહીં જ રહીશ.

મહંત – જો બેટા, મારી વાત માન, નહીં તો પછીથી પસ્તાઈશ. હું તો જાઊં છું, પણ ક્યારેય સંકટ આવી પડે તો મને યાદ કરજે.

(આમ કહીને મહંત જતા રહે છે.)

બીજું દ્રશ્ય

(રાજા, મંત્રી અને નૌકરો પોતપોતાના સ્થાને બેઠા છે, પડદા પાછળથી ‘દુહાઈ દુહાઈ’ એવો અવાજ થાય છે.)

રાજા – કોણ બૂમો પાડે છે, તેને બોલાવો.

(બે નોકર એક ફરીયાદીને લાવે છે.)

ફરીયાદી – દુહાઈ મહારાજ દુહાઈ

રાજા – બોલો, શું થયું ?

ફરીયાદી – મહારાજ, કલ્લૂ વાણિયાની દુકાન પડી ગઈ, મારી બકરી તેની નીચે દબાઈને મરી ગઈ, ન્યાય કરો –

મહારાજ – કલ્લૂ વાણિયાને પકડી લાવો

(નોકરો દોડીને જાય છે અને વાણિયાને પકડીને લાવે છે.)

રાજા – કેમ રે વાણિયા ! આની બકરી દબાઈને મરી ગઈ ?

કલ્લૂ વાણિયો – મહારાજ, મારો કોઈ દોષ નથી, કારીગરે એવી દિવાલ બનાવી કે પડી ગઈ.

મહારાજ – સારૂ, કલ્લૂને છોડી દો, કારીગરને પકડી લાવો.

(કલ્લૂ જાય છે અને નોકરો કારીગરને પકડી લાવે છે.)

રાજા – કેમ રે કારીગર, આની બકરી કઈ રીતે મરી ગઈ ?

કારીગર – મહારાજ ચૂનાવાળાએ ચૂનો એવો ખરાબ બનાવ્યો કે દિવાલ પડી ગઈ.

રાજા – સારૂ, એ ચૂનાવાળાને લઈ આવો.

(કારીગર નીકળી જાય છે અને ચૂનાવાળાને પકડીને લવાય છે)

રાજા – કેમ ચૂનાવાળા, આની બકરી કઈ રીતે મરી ગઈ ?

ચૂનાવાળો – મહારાજ, ભિશ્તીએ ચૂનામાં પાણી વધારે નાખી દીધું એટલે ચૂનો નબળો થઈ ગયો.

રાજા – તો ભિશ્તીને પકડો

(ભિશ્તીને લાવવામાં આવે છે.)

રાજા – કેમ રે ભિશ્તી, એટલુ પાણી કેમ નાખી દીધું કે દિવાલ પડી ગઈ અને બકરી તેની નીચે દબાઈને મરી ગઈ ?

ભિશ્તી – મહારાજ, ગુલામનો કોઈ વાંક નથી, કસાઈએ મશક એટલી મોટી બનાવી દીધી કે એમાં પાણી વધારે આવી ગયું.

રાજા – સારુ, ભિશ્તીને કાઢો, કસાઈને લાવો

(નોકર ભિશ્તીને કાઢે છે અને કસાઈને લાવે છે)

રાજા – કેમ કસાઈ, તેં એવી મશક કેમ બનાવી?

કસાઈ – મહરાજ, ભરવાડે એવી મોટી બકરી મને વેચી કે મશક મોટી બની ગઈ.

રાજા – સારુ, કસાઈને જવા દો, ભરવાડને લાવો.

(કસાઈ જાય છે, ભરવાડને લાવવામાં આવે એ.)

રાજા – કેમ રે ભરવાડ, એવી મોટી બકરી કેમ વેચી?

ભરવાડ – મહારાજ, ત્યાંથી કોટવાળની સવારી નીકળી, ભીડને લીધે મેં નાની મોટી બકરીનું ધ્યાન ન રાખ્યું. મારો કાંઈ વાંક નથી.

રાજા – આને કાઢો, કોટવાળને પકડી લાવો.

(કોટવાળને પકડીને લવાય છે.)

રાજા – કેમ કોટવાળ ? તેં ધૂમધામથી સવારી કેમ કાઢી કે ભરવાડે ગભરાઈને મોટી બકરી વેચી મારી?

કોટવાળ – મહારાજ, મારો કાંઈ વાંક નથી.

રાજા – કાંઈ નહિં – લઈ જાઓ અને કોટવાળને હમણાં જ ફાંસીએ ચડાવી દો.

(બધા કોટવાળને પકડીને લઈ જાય છે.)

ત્રીજું દ્રશ્ય

(ગોવર્ધનદાસ બેસીને મિઠાઈ ખાઈ રહ્યો છે.)

ગોવર્ધનદાસ – ગુરુજીએ અમને નાહક જ અહીં રહેવાની મનાઈ કરી, માન્યું કે દેશ ખરાબ છે, પણ આપણે શું ? આપણે તો ખાઈ પીને મસ્ત પડ્યા રહીએ છીએ.

સિપાહી – ચાલ હવે, ઉભો થા, મિઠાઈ ખાઈને ખૂબ જાડો થયો છે, આજે મજા મળશે,

ગોવર્ધનદાસ – (ગભરાઈને) અરે, આ આફત ક્યાંથી આવી ? અરે ભાઈ, મેં તારૂ શું બગાડ્યું છે કે મને પકડે છે?

સિપાહી – વાત એમ છે કે કાલે કોટવાળને ફાંસીનો હુકમ થયેલો, જ્યારે તેને ફાંસી આપવા લઈ ગયા તો ફાંસીનો ફંદો મોટો નીકળો, કારણકે કોટવાળ સાહેબ દૂબળા પાતળા છે. અમે મહારાજને આ વાત કહી તો હુકમ થયો કે કોઈ જાડીયાને પકડીને ફાંસીએ લટકાવી દેવો કારણકે બકરી મરવાના અપરાધમાં કોઈકને સજા થવી જરૂરી છે, નહીંતો ન્યાન નહીં થાય.

ગોવર્ધનદાસ – દુહાઈ પરમેશ્વરની, અરે, હું નાહકનો જ માર્યો જાઊં છું. અરે, અહીં તો અંધેર જ અંધેર છે. ગુરુજી તમે ક્યાં ઓ? મારા પ્રાણ બચાવો.

(ગોવર્ધનદાસ બૂમો પાડે છે, સિપાહી તેને પકડીને લઈ જાય છે.)

ગોવર્ધનદાસ – હાય, બાપરે, મુજ નિર્દોષને ફાંસી આપે છે.

સિપાહી – હવે ચૂપ રહે ને ! જે હુકમ થયો છે તે થોડો ટળવાનો છે?

ગોવર્ધનદાસ – હાય, મેં ગુરુજીની આજ્ઞા ન માની તેનું જ આ પરિણામ છે. ગુરુજી ! ક્યાં છો તમે ? ગુરુજી, બચાવો !

મહંત – અરે બેટા ગોવર્ધનદાસ, તારી આ દશા કેમ થઈ ?

ગોવર્ધનદાસ – (હાથ જોડીને) ગુરુજી, દિવાલની નીચે દબાઈને બકરી મરી ગઈ, તેના માટે મને ફાંસી આપી રહ્યા છે, બચાવો.

મહંત – કોઈ ચિંતા નહીં, (મોઢું ચડાવીને સિપાહીઓને) તમે મને મારા શિષ્યને અંતિમ ઉપદેશ આપવા દો.

(સિપાહીઓ તેને થોડી વાર માટે છોડી દે છે, ગુરુજી ચેલાને તેના કાનમાં કંઈક સમજાવે છે.)

ગોવર્ધનદાસ – તો તો ગુરુજી, હું હમણાં જ ફાંસીએ ચડીશ.

મહંત – નહીં બેટા, હું વૃદ્ધ છું, વડીલ છું, મને ચડવા દે.

(આ પ્રકારે બંને ચડસાચડસી કરે છે, સિપાહીઓ પરસ્પર આશ્ચર્ય વ્યક્ત કરે છે. રાજા, મંત્રી અને કોટવાળ આવે છે.)

રાજા – આ શું ગોલમાલ છે?

સિપાહી – મહારાજ ચેલો કહે છે કે હું ફાંસીએ ચડીશ અને ગુરુ કહે છે કે હું ફાંસીએ ચડીશ. શું છે કાંઈ સમજ પડતી નથી.

રાજા – (ગુરુજીને) બાબા, કહો તમે કેમ ફાંસીએ ચડવા માંગો ઓ?

મહંત – રાજા, આ સમયની અત્યંત શુભ ઘડીમાં જે મરશે તે સીધો સ્વર્ગમાં જશે.

મંત્રી – તો તો હું ફાંસીએ ચડીશ.

ગોવર્ધનદાસ – નહીં, મને હુકમ છે.

કોટવાળ – હું જ લટકીશ, મારા કારણે જ દિવાલ પડી હતી.

રાજા – ચૂપ રહો બધા, રાજાના જીવતા બીજુ કોઈ સ્વર્ગ જશે ? અમને ફાંસીએ ચડાવો, જલ્દી કરો, જલ્દી કરો.

(રાજાને સિપાહીઓ ફાંસીએ લટકાવી દે છે, પડદો પડે છે.)

– ભારતેન્દુ હરિશ્ચંદ્ર

સપ્ટેમ્બર ૧૮૫૦માં બનારસમાં જન્મેલા ભારતેન્દુ હરિશ્ચંદ્ર આધુનિક હિન્દી સાહિત્યના જનક કહેવાય છે. તેમના અનેક પ્રખ્યાત નાટકોમાં વૈદિક હિંસા હિંસા ન ભવત્તિ, ભારત દુર્દશા, સત્યવાન હરિશ્ચંદ્ર તથા અંધેર નગરી મુખ્ય છે. આ સિવાય તેમણે પદ્ય તથા નિબંધ અને અનુવાદ ક્ષેત્રે પણ નોંધનીય કામ કર્યું છે. અંધેર નગરી એક ધારદાર વ્યંગ ધરાવતું અને રાજકીય પશ્ચાદભૂમાં રાચતું અનોખું અને સબળ નાટક છે. ૧૮૮૧માં લખાયેલ આ નાટક હિન્દી નાટ્ય જગતનું એક પ્રમુખ અને અત્યંત પ્રચલિત નાટક છે, અનેક ભાષાઓમાં એના અનુવાદો પણ થયા છે. આજે પ્રસ્તુત છે ચુને હુએ બાલ એકાંકી માંથી તેનો અનુવાદ.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “અંધેર નગરી – ભારતેન્દુ હરિશ્ચંદ્ર અનુ. જિજ્ઞેશ અધ્યારૂ