અક્ષરનાદ આયોજિત “અક્ષર પર્વ” – શબ્દ સુગંધી, સૂર ઉમંગી…. 12


આદરણીય મિત્રો,

સાહિત્યકારો જેને નિરુદ્દેશ ભ્રમણ કહે છે, એ ભ્રમણ કદાચ સૌથી વધારે સત્વ ધરાવતું ભ્રમણ હશે… કારણકે તેનો ઉદ્દેશ કોઈ દુન્યવી પરીબળોને આધારિત નથી, એ સહજ છે, ફળની ચિંતા વગરનું. એ બ્રાહ્ય ભ્રમણ હોઈ શકે – પણ ભ્રમણ અને ભ્રમણા વચ્ચે બહુ પાતળો ફરક છે – તો આંતરીક ભ્રમણ વિશે પણ કાંઈક એવું જ અનુભવાયું છે. આપણે બધા કહેવાતા આધુનિક સમાજના લોકો કેટકેટલા મહોરા હેઠળ જીવીએ છીએ. આ મહોરાઓમાં આપણું ‘સ્વત્વ’ ક્યાંક ઢંકાઈ-ઢબૂરાઈને રહી જાય છે. ફીલીંગ્સ ફક્ત આપણા માટે એક શબ્દ રહી ગયો છે. રસ્તા પર અકસ્માતનો ભોગ બનેલ કોઈ માણસને આપણે એટલે મદદ નથી પહોંચાડતા કે આપણે નકામી પડપૂછની ભાંજગડમાંથી બચીએ, ચાની લારીએ કે કોઈ હોટલે કામ કરતા બાળકને જોઈને, તેની આંખોમાંથી ડોકાવા તત્પર બાળપણને જોઈને આપણને કાંઈ અજુગતુ અનુભવાતું નથી. હજારોનું દાન કરીને મોટા મંદિરોમાં પોતાના નામની આરસની તક્તી લગાડનાર ઓફીસમાં લાખોની લાંચ લેતા ખચકાતો નથી, ત્યાગનો ઉપદેશ કરનારાઓ પોતે વૈભવમાં મહાલતા રહે છે અને અબજોના સામ્રાજ્ય ભોગવે છે, નબળાને દબાવવા અને બળવાનને નમવા બધા તત્પર રહે છે, ખેડૂત પોતાના ખેતરમાં પાક વાવવા – લણવા કરતા એ જગ્યા પર બનેલ કારખાનામાં મજૂરી કરવા તૈયાર થઈ જાય છે, નાની અણસમજો કુટુંબોને છિન્નભિન્ન કરી રહી છે, પોતાની પ્રગતિ કરતા બીજાની અધોગતિથી અહીં વધુ આનંદ અનુભવાય છે. અનુભૂતિ શબ્દ હવે શબ્દકોશની બહાર ભાગ્યે જ નીકળે છે. સમાજ, ધંધા, રસના વિષયો, શહેર, રાજ્ય, દેશ, ધર્મ, જાતિ, જ્ઞાતિઓ, પેટાજ્ઞાતિઓ …. કેટકેટલા વાડાઓ એક પછી એક આપણી ભીતર ઘેરો ઘાલીને પડ્યા છે ! એકમાંથી છટકીને બીજે – બીજેથી ત્રીજે એમ ભૂલભૂલામણીમાં ભટકતાં જ રહેવાની કળા એટલે જીંદગી એવી વ્યાખ્યા બંધાઈ રહે એવો યોગ સર્જાયો છે. એક માણસને માણસ સાથે જોડતી કોઈ કડી હવે શોધવી મુશ્કેલ થઈ પડે એવો અનોખો વિકસિત સમાજ આપણે બનાવી રહ્યા છીએ.

હકારાત્મક સાહિત્ય – આધ્યાત્મિક સાહિત્યથી આજના પુસ્તકો ઉભરાઈ રહ્યા છે – એ જ સાહિત્ય જે આપણા ધર્મગ્રંથો વર્ષોથી ગાઈ વગાડીને કહે છે – અનેક રીતે કહે છે – અનેક દ્રષ્ટાંતોથી કહે છે, પણ આપણા બહેરા માનસ પર અથડાઈને એ હજુય પાછું પડે છે. આંખો તો એ વાંચી લે છે, મન વાંચતુ નથી. હ્રદય ભલેને ધડક્યા કરે પણ જ્યાં સુધી અંતરમાં લાગણીની, ભીનાશની, કુદરતની અનુભૂતિ નહીં હોય ત્યાં સુધી બધાંય દુન્યવી સુખવિચારો નકામા છે. તદ્દન શુષ્ક વિષયમાં છેલ્લા દસ વર્ષથી પેટના સંતોષ માટે નોકરી કરી રહેલા મારા માંહ્યલાએ કાંઈક કહેવા માટે સૌપ્રથમ જ્યારે કી-બોર્ડ પર આંગળા ચલાવેલા એ ઘટનાને પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે. ગીરના વનોમાં અનુભવેલી અવર્ણનિય શાંતિ અને આંખ બંધ કરીને બેસો તો તરત અનુભવાતા સંતોષની, એ ભટકતા સહજ થયેલી માનવ સ્વભાવના મૂળભૂત પાસાઓની જાણની, કુદરતે આપણી આસપાસ પાથરેલી તેની અફાટ સમૃદ્ધિની અને સૌથી વધુ તો અંતરનો અવાજ સાંભળવાની વાત વિચારવાની તકો મને આપનાર એકમાત્ર પરિબળ છે – અક્ષરનાદ. પીપાવાવની આસપાસ દરીયામાં છેલ્લા પાંચ વર્ષથી કામ કરતા ફક્ત એટલું જ આત્મસાત કરી શક્યો છું કે – દરીયાની જેમ જીવવું. અગાધ ઉંડાણ અને અંતરતમ રહસ્યોનો ભંડાર, સમૃદ્ધિથી છલોછલ અને છતાંય વહીને કિનારે આવી શકવા જેટલી સરળતા, ઉછળતા મોજાના ફીણામાં ઝળકતી સફેદી જેટલો ઉલ્લાસ અને તેના ધીરગંભીર અવાજ જેટલો જ સજ્જડ સંભળાતો અંતરનો અવર્ણનીય અ-ક્ષર નાદ.

મે ૨૦૦૭, પ્રથમ પોસ્ટ કરી ત્યારે ક્યાં ખબર હતી કે આ સફર શરૂ ભલે આવી નાનકડી પોસ્ટથી થાય, પણ તેના પડછાયા ઘણાં લાંબા થવાના છે. એ પ્રથમ પોસ્ટ તો પછી જોડણી સુધારણા અભિયાન દરમ્યાન સુધારી દીધેલી, પણ એ કેવી હતી તમને બતાવવા માંગું છું.

કૉઇક (પથ્થર ની) ઠૉકરનૅ નસીબ સમજૅ છૅ, કૉઇ પૉતાની ભુલ સમજીનૅ ભૂલી જાય છૅ, અનૅ કૉઇ રસ્તાનૉ વાંક કાઢૅ છૅ,પણ ઍનૉૅ બૉધ્પાઠ ભાગ્યૅજ કૉઇ સમજૅ છૅ.

આ દિવસ પછી જાન્યુઆરી ૨૦૦૮ સુધી બ્લોગિંગ ખૂબ અનિયમિત રહ્યું,  જાન્યુઆરી ૨૦૦૮થી રોજ એક પોસ્ટ મૂકવાની શરૂઆત કરી. ૧૦ એપ્રિલ ૨૦૦૯ના રોજ વર્ડપ્રેસ.કોમ પર એ બ્લોગ બંધ કર્યો અને ૭ જુલાઈ ૨૦૦૯ ના દિવસે અમારી મનભૂમિ એવા મધ્ય ગીરમાં રાવલ નદીના કાંઠે એક મઢૂલીમાં બેઠેલા સંતના હાથે અક્ષરનાદને તરતી કરી. ત્યારથી લઈને અક્ષરનાદ અમારા, કેટલાય વાંચકોના – સહભાવકોના અંતર મનના ભાવોને ગૂંજવતો શબ્દ રહ્યો છે.

દૂંટી, હૃદય, કંઠ, તાળવું અને મુખ એ પાંચ ભાગોમાં પ્રેરણા થવાથી આવિર્ભાવ પામેલા અવાજને નાદ કહેવાય છે. શબ્દકોષ મુજબ નાદના બે પ્રકાર છે – આહત અને અનાહત, આ નાદની ચાર અવસ્થા છેઃ આરંભાવસ્થા, ઘટાવસ્થા, પરિચયાવસ્થા ને નિષ્પત્ત્યવસ્થા, અને ચારેય પરિસ્થિતિઓમાંથી પસાર થતા અભ્યાસીને ઉત્તરોત્તર આંતરપ્રાપ્તિ અને સ્વસંતોષની અનુભૂતિ થતી રહે છે, તેમ અક્ષરનાદ પણ અંતરની અમીટ અનુભૂતિને ધ્વનિત કરવાનો હેતુ લઈને આગળ ધપી રહ્યું છે. નવા વિચારો, નવા અખતરાઓ અને નાવિન્યસભર માધ્યમ વડે ચિરકાળ ઉપસ્થિત એવી સનાતન ભાવનાઓના વહનનો માર્ગ પ્રશસ્ત કરવાનો આ એક નાનકડો પ્રયત્ન છે.

Shabda Sugandhi Sur Umangi

અક્ષર પર્વ - શબ્દ સુગંધી, સૂર ઉમંગી

અક્ષરનાદને મે, ૨૦૧૧ માં ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. મિત્રોના આગ્રહ અને તે પછી પ્રસ્થાપિત સાહિત્યકાર વડીલોના માર્ગદર્શન તળે ગુજરાતી બ્લોગજગતનો – એક વેબસાઈટ દ્વારા અને વેબસાઈટ માટે જ આયોજિત થયો હોય એવો પ્રથમ કાર્યક્રમ અક્ષરનાદ તારીખ ૧૪ મે, ૨૦૧૧ ના રોજ સાંજે ૬ થી ૯ વાગ્યા દરમ્યાન, શ્રેયસ વિદ્યાલય, માંજલપુર, વડોદરા મુકામે કરવા જઈ રહ્યું છે.

વિગતે કહું તો બેએક મહીનાઓ પહેલાથી આ પાંચમા વર્ષમાં પ્રવેશને વિશેષ બનાવવા અનેક મિત્રોના મગજ કામે લાગ્યા હતાં, બધાંના વિચારો જેમ જેમ પ્રગટ થતાં ગયાં તેમ તેમ વાત વધુ સ્પષ્ટ થતી ગઈ. બધાના મનમાં કાંઈક વિશેષ આયોજન કરવાનો એક માત્ર ધ્યેય. અને સામે લાલબત્તીઓ પણ એટલીજ.

કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આર્થિક પાસું સૌપ્રથમ આવે, અને જ્યાં આવડો મોટો કાર્યક્રમ વિચાર્યો હોય ત્યાં તો એ પાસું એક કે બે માણસોના ગજા બહારની વાત થઈ જાય. જો કે પહેલા જ દિવસથી અનેક વડીલો અને મિત્રો એમ કહેતા આવ્યા છે કે આ કાર્યક્રમનો સમગ્ર ખર્ચ આપણે સૌ વહેંચી લઈશું, પણ એ વાત કહી શકવાની સહેજ પણ ખચકાટ વગરની તેમની નિખાલસતા મારા માટે અત્યારે પણ આ આખોય ખર્ચ વસૂલ કરાવી ગઈ છે. આર્થિક રીતે હજુ આ કાર્યક્રમ મારા એકલાના શિરે જ રાખવાનો નિર્ણય અત્યારે કર્યો છે. જો કે કેટલાક મિત્રોએ સ્પોન્સર શોધવાની પણ સલાહ લાગણીને વશ થઈને આપેલી, એ વિશે પ્રયત્ન પણ કર્યો અને નિષ્ફળ પણ થયો. સ્વભાવ બહારની વાતોને પચાવવી સરળ હોતી નથી. હું માર્કેટીંગનો નહીં સિવિલ એન્જિનીયરીંગનો માણસ છું, એટલે કદાચ ……. છોડોને ભાઈ ….

હવે વાત મૂળ કાર્યક્રમની કરીએ, તો કાર્યક્રમની મૂળ વિગત મુખ્યત્વે નીચે મુજબના પ્રસંગોમાં વહેંચાયેલી છે,

અક્ષરનાદ પરિચય અને કર્મવિશેષ

કવિ મિલન – શબ્દ સુગંધી

સંગીત સંધ્યા – સૂર ઉમંગી

અનેક વરિષ્ઠ સાહિત્યકાર, વડીલ મિત્રોએ, બ્લોગર મિત્રોએ, સહભાવકોએ કાર્યક્રમમાં આવવા માટે તેમની સંમતિ આપી છે, અને મને જણાવતા આનંદ થાય છે કે કવિમિલન સમગ્રપણે, દબદબા સાથે, અનેક આદરણીય વડીલોની હાજરીએ શોભી ઉઠવાનું છે.

જે વડીલ-મિત્રો કવિ, ગઝલકારોએ અહીં આવવાની સંમતિ આપી છે તેમાં,

શ્રી શકીલ કાદરી
શ્રી ગૌરાંગ ઠાકર
શ્રી જગદીપ ઉપાધ્યાય
શ્રી સોલીડ મહેતા
શ્રી જશવંત મહેતા
શ્રી અલ્પ ત્રિવેદી
શ્રી તહા મન્સૂરી

સાથે અક્ષરનાદ મિત્રો

શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ
શ્રી હાર્દિક યાજ્ઞિક
શ્રી વિમલ અગ્રાવત
અને જિગ્નેશ અધ્યારૂ

આ બધાંજ આદરણીય મિત્રોનો આભાર માનવા મારી પાસે શબ્દ નથી, અને આભાર માનીને તેમણે અક્ષરનાદ પ્રત્યે દર્શાવેલી લાગણી અને સહ્રદયતાની વાત કહી શકવા જેટલી ક્ષમતા પણ મારામાં નથી. અને આ સર્વેની સાથે અનેક વડીલો કે જેમના તરફથી સંમતિ મળવાની બાકી છે – ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમનું સંચાલન પ્રસારભારતી રાજકોટના શ્રી તરુણ મહેતા કરવાના છે.

અને સંગીત સંધ્યાનું સંચાલન દૂરદર્શન અમદાવાદના સમાચારવાચક મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક કરવાના છે. આ વિષયક વધુ વિગતો હજુ આયોજન હેઠળ છે. આ સિવાય અનેક વડીલ સાહિત્યકાર મિત્રો પણ કાર્યક્રમમાં સહભાવક બનીને અક્ષરના આ પર્વને શોભાવવા આવી રહ્યા છે. આશા છે આપ સ્વયં અને / અથવા આપના મિત્રોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા અક્ષરનાદના આ આમંત્રણને સ્વીકારશો. જેમ જેમ વિગતો સ્પષ્ટ થતી જશે તેમ અહીં ઉમેરાતી રહેશે.

મારા જેવા એક અ-સાહિત્યિક માણસ માટે આવું આયોજન એક ખૂબ મોટી ઘટના છે, એથીય વધારે હિંમત છે. અને એમાં સૌથી વધુ જો ટેકો જોઈએ તો એ અક્ષરનાદના વાંચકો સિવાય કોનો હોય?

આ પ્રસંગે અક્ષરનાદના ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગને શોભાવવા માટે પણ એક થી વધુ પુસ્તકોનું ઉમેરણ કરવાનું આયોજન છે. આશા છે આ પ્રસંગની સફળતા માટે છેલ્લા પંદરેક દિવસથી અનેક લોકો દ્વારા નિઃસ્વાર્થભાવે થઈ રહેલી અથાગ મહેનત અને પ્રોત્સાહનના શબ્દો તેને અનેરી ઉંચાઈ સુધી પહોંચાડશે.

તો નોંધી લેશો વિગતો –

અક્ષર પર્વ – શબ્દ સુગંધી, સૂર ઉમંગી

તા. ૧૪ મે ૨૦૧૧

સમય સાંજે ૬ થી ૯

સ્થળ – શ્રેયસ વિદ્યાલય, માંજલપુર, વડોદરા.

આપ આવશો ને ?


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “અક્ષરનાદ આયોજિત “અક્ષર પર્વ” – શબ્દ સુગંધી, સૂર ઉમંગી….

  • PRAFUL SHAH

    AKHARNAAD AND YOU, FRIENDS..
    AT NO.7 I CONGRATULATED YOUR GOOD WORK AND WISHED GOD BLESS YOU.
    NOW READING HOW YOU STARTED AND HOW IT GROW AND HOPE IT WILL GROW ON ITS OWN STRENGTH,
    AS YOU KNOW I HAVE NO ENGLISH GOOD WORDS OR LANGAGUE BUT TRY AS IT IS HARD FOR ME TO TYPE SKILL OR PATIENCE TO TYPE OR WRITE IN OUR MOTHER LANGAUGE, I FEEL ASHAMED. HOWEVER I UNDERSTAND HOW GREAT WORK EVERY DAY YOU FRIENDS DO FOR US, ONCE AGAIN KEEP ON, GOD WILL HELP THIS NOBAL WORK.
    I AM UNABLE TO VISIT AT AGE 88 IN SUMMER OR RAINY SEASONS, I am enjoying in New York and pass my golden years with good health and happiness by GRACE OF GOD AND GOVT of this my adopted nation, still i hold oci and want to come back to enjoy to live with you friends. i enjoy every night your e.mail and enjoy sleep and next day wait for the other one. also enjoy best libraries here. thank you all.

  • ravindrakumar sadhu

    I am very inspired for words bhakti, dharma,aagam-nigam,alakh niranjan,bavanbaro, shunya shikhar,dhruva mandal, . . ..etc adhyatmik words,but not fully understands . I feels to pursuade through aksharnaad.
    with warm regards,
    thanking you in anticipation.
    yours trully,
    ravi sadhu

  • Raj Adhyaru

    Jigneshbhai,

    I may be one of the unlucky who will not be able to participate on these fabulous moments of AKSHARNAAD..because I am not in India..but ofcourse because of Aksharnaad.. I am always feeling my entire country besides me…

    Thanks alot for sharing such beautiful & cultured literature of our GUJARATI and wishing you a grand success for the event…

    I wish that all SHABDA will be SUGANDHI.. and when its a SOOR.. it will be come only if UMANG is there…

    ALL THE BEST
    Regards
    Raj

  • PRAFUL SHAH

    CONGRATULATIONS FROM BOTTOM OF OUR HEARTS TO AKSHARNAAD ON HIS AKSHAR PARVA…
    GOD BLESS YOU ALL WHO ARE MAKING OUR LIFE ENJOYABLE BY YOUR HARD LABOUR WE ALL LOVE OUR MOTHER LANGAUGE..KEEP UP

  • Yogesh Chudgar

    અક્ષરનાદની પાંચમી વર્ષગાંઠ પ્રસંગે ખૂબખૂબ અભિનંદન .

    ઉજવણી ના કાર્યક્રમમાં હાજર રહેવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં
    હાલ શિકાગો હોવાથી શક્ય નથી.

    સીડી મારફતે કાર્યક્રમ માણી શકાય તેવું આયોજન કરી શકાય ખરું ?

  • Atul Jani (Agantuk)

    અમારી શુભેચ્છા આપની સાથે હંમેશા રહેશે – આ કાર્યક્રમ પુરતી તો ખાસ. હજુ ભાવનગરમાં પણ કોઈ લઈ જાય ને મુકી જાય તો બહાર નીકળી શકું છું તેથી વડોદરા તો નહીં આવી શકાય પણ અમારી લાગણીઓ આપની સાથે જરૂર હશે.

  • nilam doshi

    અભિનંદન..અભિનંદન…જિગ્નેશભાઇ… અને મબલખ શુભેચ્છાઓ… કાશ..પ્રત્યક્ષ આવી શકાતું હોત…! દિલથી તમારી સાથે જ છીએ..હમેશા…

    કાર્યક્રમ પાછળ જયારે આવી નિષ્ઠા હોય ત્યારે એ સફળ થઇને જ રહે.. શંકાને કોઇ સવાલ જ નથી.

    આપની ભાવના ..નિષ્ઠાને સલામ…. ગુજરાતમાં ગમે ત્યાં હોત તો ચોક્કસ આવી શકાત..આમંત્રણની પણ રાહ જોયા સિવાય… .

  • Suresh Jani

    આમંત્રણ સ્વીકારી આપના આમંત્રણ બદલ અક્ષરનાદ નો આભાર.
    એક સિવિલ એન્જીનીયર તરીકે આપનું આમંત્રણ સ્વીકારી અને અક્ષર પર્વ માં સામેલ થવાનો વિશેષ આનંદ આવશે .