લાડકડી – બાલમુકુંદ દવે 5


પીઠી ચોળી લાડકડી !
ચૂંદડી ઓઢી લાડકડી !
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા,
ને કરમાં કર સોંપ્યા લાડકડી !

મીઠી આવો લાડકડી !
કેમ કહું જાઓ લાડકડી !
તું શાની સાપનો ભારો ?
તું તુલસીનો ક્યારો લાડકડી !

ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી !
આછેરી શીમળાની છાયા;
એવી તારી માયા લાડકડી !

સોડમાં લીધાં લાડકડી !
આંખ ભરી પીધાં લાડકડી !
હીબકાંને હૈયામાં રૂંધ્યા
ને પારકાં કીધાં લાડકડી !

– બાલમુકુંદ દવે

[‘સહવાસ’ માંથી, સંપાદક – શ્રી સુરેશ દલાલ, નવભારત પ્રકાશન]

વહાલી લાડકડી દીકરીને વિદાય આપતી વખતે, કન્યાદાન કરતી વખતે માતા પિતાના મનમાં ઉગતા મનોભાવો, સુખ અને દુ:ખની મિશ્ર લાગણીઓની વાત શ્રી બાલમુકુંદ દવેની આ રચનામાં અદભુત રીતે ઝીલાય છે. કન્યાવિદાયના ગીતો અને કાવ્ય રચનાઓની આપણા સાહિત્યમાં કોઇ ખોટ નથી.

“કાળજા કેરો કટકો મારો” થી લઇને “સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઉઘલતી મ્હાલે, કેસરીયાળો સાફો ઘરનું, ફળીયું લઇને ચાલે.” જેવી કેટકેટલી ભાવપૂર્ણ રચનાઓ પહેલેથી જ ભાવકોને આકર્ષતી રહી છે. આજે પ્રસ્તુત છે એવી જ એક વહાલભરી, પ્રેમસભર સુંદર રચના.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “લાડકડી – બાલમુકુંદ દવે