બે ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ 8


૧) ભીતરે…

સાવા લીલું પાન જ્યાં કોઈ ખરે;
ઝાડ ભીતરથી અચાનક થરથરે.

મેં અગાશી પર મૂક્યો છે વાયરો,
એટલે તે મન ભરી ઉડ્યા કરે.

એટલું જાણું છું હું સમજણ વિશે,
કો’ક મારું થઈ વસે છે ભીતરે.

મ્હેકની સૌગાત સૌને આપવા,
ફૂલની ભીતર પવન ડગલા ભરે.

હા, હજી ભીનાશ મનને વાગતી,
જો હવે તું, આંખ મારી નીતરે.

૨) ગઝલ છે ….

હ્રદયથી કદી નીકળે એ ગઝલ છે,
પછી અશ્રુ ભેળી ભળે એ ગઝલ છે.

ભલે હો સદા એક રેતી જ રેતી,
હરણના લિબાસે છળે એ ગઝલ છે.

હશે પ્યાસ એના મુલાયમ અધર પર,
તરસના વળાંકે વળે એ ગઝલ છે.

મહેફિલ મહીં એ શમા થઈ જલે છે,
ટપકતી રહી ઓગળે એ ગઝલ છે.

થયો ફૂલ સમ હું ગુલાબી ગુલાબી,
ચમન પણ હવે સાંભળે એ ગઝલ છે.

– જિતેન્દ્ર પ્રજાપતિ, મુ. પો. બગદાણા, તા. મહુવા, જી. ભાવનગર

મૂળ મહેસાણાના અને હાલ બગદાણા, તા. મહુવાના રહેવાસી શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ બગદાણા પાસેના સરા ગામમાં પ્રાથમિક શિક્ષક છે. તેઓ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. આજે તેમની બે ગઝલ પ્રસ્તુત છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ ભીતરની વાતને મર્માળુ ઉદાહરણો દ્વારા સમજાવીને, એ લાગણીઓને અભિવ્યક્ત થવાનો અવસર આપે છે તો બીજી ગઝલ તો ગઝલની જ વ્યાખ્યા એક અનોખા સ્વરૂપે સ્થાપે છે. બંને ગઝલ ખૂબ સુંદર અને મનનીય થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “બે ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ

  • Kalidas V. Patel { Vagosana }

    મનનીય ગઝલો આપી. આભાર. ….. પ્રથમ શબ્દ — ‘ સાવા ‘ ને બદલે ” સાવ ” જોઈએ. … કદાચ ટાઈપ ભૂલ છે.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Mayank Patel

    JITENDRA VERY NICE GAZALS. I AM PROUD OF U MY FRIEND. I AM ALWAYS WITH YOU…
    I KNOW VERY WELL THAT YOU HAS WRITTEN MANY GAZALS. PLEASE PUBLISH MORE GAZALS AND BECOME FAMOUS… AND RISE UP NAME OF YOUR PARENTS. THANK U.

  • himanshu patel

    ગઝલમાં બદલાયેલું ડીક્શન ફરી ક્યાંકથી મળી આવ્યાનો આનંદ મળ્યો આ બન્ને ગઝલમાંથી
    મ્હેકની સૌગાત સૌને આપવા,
    ફૂલની ભીતર પવન ડગલા ભરે……..આ અને
    ભલે હો સદા એક રેતી જ રેતી,
    હરણના લિબાસે છળે એ ગઝલ છે….આ વધારે ગમ્યા.

  • kiran mehta

    શ્રિ જિતેન્દ્રભાઈની બન્ને ગઝલ સુન્દર છે. પહેલી ગઝલ વધારે ગમી. મહેકની સૌગાત સૌને આપવા ફૂલની ભીતર પવન ડગલા ભરે! સરસ પન્ક્તિ છે

  • MANOJ KHENI

    very nice “GHAZALS” dear jitendrabhai prajapathi
    send me some your poetry for publishing in my mothaly guj. magazine ” jeevan yatri” from surat.
    plzzzzzzz. do not forget to send me a massage… i am waits for tour reply, thanks.
    your hearty friend MANOJ KHENI
    editor,owner and publisher
    manoj.28286@gmail.com

    JEEVAN YATRI MAGAZINE surat.