વર્ડપ્રેસ વડે બનાવો તમારી વેબસાઈટ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 15


આજકાલ વેબસાઈટ્સ અને બ્લોગ્સની બોલબાલા છે. એક તરફ જ્યાં વર્ડપ્રેસ.કોમ અને બ્લોગર જેવી અનેક બ્લોગ સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યાં સામે પક્ષે અક્ષરનાદ જેવી અનેક વેબસાઈટ્સ જે પ્રણાલીને લઈને ચાલે છે તે વર્ડપ્રેસ.ઓર્ગની મદદથી પોતાના ડોમેઈન પર વેબસાઈટ બનાવવા માંગતા અનેક મિત્રોને એ વિશે પ્રાથમિક માહિતિ અને વેબસાઈટ બનાવવાની સરળ રીત બતાવવી એવા જ હેતુઓને લઈને વર્ડપ્રેસ.ઓર્ગથી વેબસાઈટ બનાવવાની રીત તથા ઉપયોગી સૂચનાઓ સાથેની એક ઈ-પુસ્તિકા આજે પ્રસ્તુત કરી છે. અહીં આપેલી માહિતિ આ વિષયની ખૂબ પ્રાથમિક અને શરૂઆત કરનારાઓ માટેની છે. વર્ડપ્રેસ.ઓર્ગનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે તેને વિગતે સમજાવવા એક અલગ મોટું પુસ્તક લખવું પડે, એટલે અહીં ફક્ત વેબસાઈટ બનાવવા જેટલી જ માહિતિ આપી છે.

વર્ડપ્રેસ (http://wordpress.org) એક કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ = CMS (વિષયવસ્તુને નિયંત્રિત કરવાની અને ગોઠવવાની કાર્યપ્રણાલી) છે. વેબસાઈટ બનાવવા અને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે સૌથી સક્ષમ અને શીખવામાં સરળ એવી આ વ્યવસ્થામાં એક સુંદર વહીવટી ગોઠવણ છે, જેમાં સ્વયંસંચાલિત રીતે વેબસાઈટના વિવિધ વિભાગો બનાવવા માટેના કોડ સુધી પહોંચી શકાય તેવી સગવડ મળે છે. (પેજ મેનુ વગેરે) વળી આ સુવિધાનો ઉપયોગ કરવા HTML અથવા એવી કોઈ અન્ય ભાષા શીખવાની જરૂર નથી. આ વિષય વિશે અજ્ઞાત મિત્રો માટે થોડાક કલાકોમાંજ વર્ડપ્રેસ શીખવું અને એ પણ મોકળાશની કોઈ પણ વ્યવસ્થા છોડ્યા વગર, એ જરૂરતથી ખરેખર વધુ સુવિધા છે. તમે વર્ડપ્રેસ સાથે લગભગ એક ડીઝાઈનર બનાવી તમને આપે તેવી બધી જ સુવિધાઓ / વ્યવસ્થાઓની ગોઠવણ જાતે કરી શકો છો.

વર્ડપ્રેસ એક ઓપન સોર્સ (વપરાશ અને વિકાસ માટે તદ્દન સ્વતંત્ર અને મફત), વિશ્વભરના હજારો પ્રોગ્રામ કરનારાઓ દ્વારા બનાવાયેલું અને પબ્લિક ડોમેઇન (સાર્વજનિક અધિકાર ક્ષેત્ર) હેઠળ મૂકવામાં આવેલું સાર્વત્રિક ઉપલબ્ધ સોફ્ટવેર છે, તેથી તેને વાપરવા તમારે કોઈ નાણાં ચૂકવવાની જરૂર નથી.

વર્ડપ્રેસ વેબ આધારિત સગવડ છે, અને તે PHP અને MySQL જેવી કોમ્પ્યુટર ભાષાઓમાં લખાયું છે, લિનક્સ સર્વર પર ચાલવા માટે બનાવાયેલ PHP વેબ સગવડો માટેની પ્રોગ્રામિંગની ભાષા છે. MySQL એ આધારભૂત જ્ઞાન કે સ્વીકૃત માહિતી સબંધી સંગ્રહ છે (જેમ કે માઇક્રોસોફ્ટ એક્સેસ) અને Linux વેબ સર્વર માટેની સંચાલન પદ્ધતિ છે – આ બધાં પણ ઓપન સોર્સ છે.

2009 અંત સુધીમાં વર્ડપ્રેસ સૌથી વધુ પ્રચલિત, 200 લાખથી વધુ વેબસાઈટ માટે વપરાતી કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ – CMS છે.

નાની ઔદ્યોગિક અથવા વ્યવસાયિક વેબસાઈટ બનાવવા માટે વર્ડપ્રેસ ઉત્તમ માધ્યમ છે. જો કે મુખ્યત્વે બ્લોગિંગ માટે તૈયાર કરવામા આવેલ આ માધ્યમ સામાન્ય સ્થિર ધંધાકીય અથવા સીમીત ક્ષેત્ર કે વપરાશકારો માટેની વેબસાઈટ બનાવવા પણ ખૂબ ઉપયોગી છે. આશા છે સાહિત્ય સિવાયના ક્ષેત્રની આ પ્રથમ ઈ – પુસ્તિકા આપને ગમશે. અક્ષરનાદના પ્રથમ લોકમત અને ભેટ યોજનાના વિજેતાઓને આ ઇ-પુસ્તિકા થોડાક સમય પહેલા મોકલાઈ ગઈ છે.

આજથી આ ઈ-પુસ્તક પણ ડાઊનલોડ વિભાગમાં તદ્દન મફત ઉપલબ્ધ છે.

– જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક


આપનો પ્રતિભાવ આપો....

15 thoughts on “વર્ડપ્રેસ વડે બનાવો તમારી વેબસાઈટ (ઈ-પુસ્તક ડાઉનલોડ)