મિલે સૂર મેરા તુમ્હારા… અક્ષરનાદના જૂના સંપાદક 1


પ્રિય મિત્રો,

આજે જે ઉમેરો અમારે અહીં કરવાનો છે એ વિશે કેમ વાત કરવી એવું વિચારતા થોડાક વિશાળ પરીપ્રેક્ષ્યમાં ઉંડા ઊતરી જવાયું. આ ઊમેરો થઈ રહ્યો છે ત્યારે તેની સાથે સાથે એક વિચાર – વિશ્વના બ્લોગજગત વિશે ની વાત.

ગુજરાતી બ્લોગજગત સિવાય – ભારતીય ભાષાઓના બ્લોગ્સ સિવાય – ફક્ત અંગ્રેજી બ્લોગ્સ- વેબજગતને ધ્યાનમાં રાખીને જો કોઈ કાયમી વાંચક / બ્લોગર ધ્યાન આપે તો એ વાત વિશેષ ઉડીને આંખે વળગશે કે એમાંથી મહદંશે બ્લોગ્સ વ્યવસાયિક ધોરણ જાળવે છે – અથવા વ્યવસાયિક છે, અંગત ગમા અણગમા અને ચોવટીયા વૃત્તિથી પર છે, અંગત વાતો કરતા ઉપયોગી વિગતો પર વધુ ધ્યાન અપાય છે અને ડોનેશન બોક્સ લગભગ બધે જ ઉપલબ્ધ છે, પણ એ બ્લોગ થકી નિપજતા સંબંધો ના નામ પર પ્રતિભાવ પર જવાબ આપવા સિવાય, લગભગ શૂન્ય જ મળશે. જો કે આ બે વિવિધાઓની સરખામણી તો ન જ કરી શકાય, પણ કેટલીક ભિન્નતાઓ તારવી શકાય ખરી?

થોડીક વધુ વિગતે વાત કરીએ તો ફ્રિલાન્સ ડેવલોપરો પણ તેમના બ્લોગ્સથી રળી શકે એટલા સધ્ધર બ્લોગ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, ગુજરાતીમાં આવા ટેકનીકલ (અથવા અન્ય કોઈ પણ વિષયના) નાણાં રળી આપતા (મની મશીન) બ્લોગ્સ ઉપલબ્ધ નથી કે ઉપલબ્ધ થાય તો પણ ચાલી શકે કે કેમ એ વિશે શંકા રહે છે. અંગ્રેજીમાં જ્યાં ખૂબ વિશાળ ક્ષેત્ર એવા વેબ ડીઝાઈન થી લઈને વર્ડપ્રેસ જેવી સુવિધાઓ માટે જરૂરી એક નાનકડું પ્લગિન બનાવતા ઘણા લોકો, સતત વૈવિધ્યપૂર્ણ બ્લોગિંગ કરતા અનેક બ્લોગરો અહીં છે જે ફક્ત આ કામ પર આધારીત નથી હોતા, એમાંથી ઘણાં વિદ્યાર્થીઓ પણ છે, જેમને આવા કામથી ખીસ્સાખર્ચ મળી રહે છે. કોઈક નવા ઉપલબ્ધ થયેલા ઇલેક્ટ્રોનિક સાધન વિશે પ્રતિભાવો અને માહિતિ આપતા, કે સિવિલ ઈજનેરી જેવા વ્યવસાયિક વિષયને લઈને, ઇન્ટરનેટ વિશે વિવિધ સુવિધાઓ વિશે, જનજાગૃતિ વિશે, સગર્ભાની સારસંભાળ વિશે, ફોટૉશોપનો ઉપયોગ કરી વિવિધ ઇમેજ બનાવવા વિશે, ફોટોગ્રાફી અને કેમેરા વિશે, ફિલ્મોના રિવ્યુ વિશે, ફિલોસોફી વિશે, એવી અનેક – કેટલીય બાબતો વિશે સ્વતંત્ર બ્લોગ ચાલે છે અને જેટલા ક્લિક્સ સૌથી વધુ વંચાતા ગુજરાતી બ્લોગ્સને મહીને મળતા હશે, એટલા એમને સહેજે અઠવાડીયા અને ક્યારેક દિવસોમાં મળી જાય છે, જો કે આપણા માટે અહીં ભાષાનું બંધન ખરું, અને એ રીતે વાંચકો સીમીત થઈ જાય એ પણ એક હકીકત છે., તો આપણી ભાષા પાસે ફક્ત સાહિત્યના બ્લોગ છે એ બીજી વાત . અગ્રગણ્ય અંગ્રેજી બ્લોગ્સની આર.એસ.એસ ફીડ ફોલો કરનારા કે ગૂગલ રીડર સંખ્યા હજારોમાં હોય છે, પ્રતિભાવ સંખ્યા પણ ત્રણ આંકડાઓમાં મળે છે અને ડોનેશન પણ સરસ મળે. સોશીયલ નેટવર્ક્સ પર તેમને શેર કરનારાય કેટલાં ! એ રીતે આપણા બ્લોગજગતને એક નાનકડું સરોવર સમજીએ ત્યારે સામે પક્ષે એ વિશ્વને સમુદ્ર સમજી શકાય એમ મને લાગે છે. પણ આ સરોવરનું પાણી મીઠું કેમ છે ?

જે વાત મને અહીં, આપણા બ્લોગવિશ્વમાં ગમે છે તે કહું? જે ખેવના અને ઈચ્છા અહીં બ્લોગિંગ કરવાની સતત પ્રેરણા આપે છે એ છે સંબંધો, પ્રેરણા અને હુંફ. કદાચ આ ભારતીયોની અને ખાસ કરીને ગુજરાતીઓની અંગત ખાસીયત કહો તો ખાસીયત અને કમજોરી કહો તો એમ, કે કોઈની પણ સાથે આપણે સંબંધ કેળવીએ તો તેને વધુ સમય વ્યવસાયિક રાખી શક્તા નથી, એમાં ક્યાંક ને ક્યાંક અંગત થઈ જવાય છે.  (એક આડવાત, તમે અંગત ઓળખતા હોવ એવા ઓનલાઈન મિત્રો કેટલા?) જો કે હજુ સુધી મને (બે ચાર કોમેન્ટસને બાદ કરતા) કોઈ ખરાબ અનુભવ થયા નથી, એટલે સંબંધોમાં અંગત ગમા અણગમા ઉમેરાઈ જ જાય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અક્ષરનાદને લીધે અનેક ઓનલાઈન મિત્રોનો અંગત સંપર્ક થયો છે, મળાયું છે અને ખૂબ જ સહ્રદયી મિત્રતા પણ થઈ છે. આવા મિત્રો આપણી ઓનલાઈન દુનિયાની જ નિપજ છે, મિત્રો પામવાનું આ એક નવું ક્ષેત્ર છે. મને એમ થયું કે અંગ્રેજી બ્લોગજગતમાં પણ આવા જ સંબંધો હશે, પણ ત્યાં ચિત્ર સાવ ઉંધુ નીકળ્યું. “આવું ખૂબ જૂજ, નહીવત પ્રમાણમાં જોવા મળે” એમ એક મિત્ર – અંગ્રેજી બ્લોગરે કહ્યું, જેમની સાથેની ઓળખાણ સંપૂર્ણ વ્યવસાયિક છે. કહે છે કે શાળાની – બાળપણની મિત્રતા જ સાચી સ્વાર્થવિહીન હોય છે, પછીની બધી મૈત્રીમાં ક્યાંક સ્વાર્થ તો હોવાનો જ ! કદાચ આ વાતને હું ખોટી પડતી જોઈ રહ્યો છું.

આજથી લગભગ ત્રણેક વર્ષ પહેલા શરૂ થયેલ આવો જ એક સંબંધ જે અક્ષરનાદની જ નિપજ છે, ઘણાં ઓનલાઈન મિત્રો માંથી એક, વડીલ અને છતાં યુવાન, જેમને હું ફક્ત એકાદ વખત ફક્ત અડધા કલાક પૂરતો અલપઝલપ જ મળ્યો છું અને છતાં દિવસમાં એક – બે ફોન ન થાય તો એમને કે મને અડવું લાગે એવા સહજ સ્વભાવવાળા વાપીના શ્રી ગોપાલભાઈ પારેખને અક્ષરનાદના સંપાદક તરીકે આજે ઉમેરી રહ્યો છું ત્યારે આ કરવામાં ખૂબ મોડું કર્યું હોવાની લાગણી સહેજે થઈ જાય છે, અને એ માટે શ્રી ગોપાલભાઈ અમને ક્ષમા કરે.

અક્ષરનાદની વર્ડપ્રેસથી સ્વતંત્ર વેબસાઈટ નિર્માણની પ્રક્રિયા દરમ્યાન બનાવેલ સંપાદક પરિચય અંતર્ગત અમારા વિશે વિગત આપતું પાનું ફક્ત એટલે બનાવેલું કે જેથી કઈ લાગણીને વશ આ વેબસાઈટ ચાલી રહી છે તે વાચકો સમજી શકે. લગભગ છેલ્લા એક વર્ષથી સતત અક્ષરનાદ સાથે સક્રિયપણે જોડાયેલા ગોપાલભાઈની મહેનત ડાઊનલોડ વિભાગમાં ઉગી નીકળી છે, અને હજી તેને પાંદડા – ફળ – ફૂલ લાગવાના છે. સતત હુંફ, પ્રેરણા અને દિવસના બે નવા અઈડીયાઓ સાથે સવાર સાંજ ફોન પર હાજર ગોપાલકાકા એક વૃદ્ધ યુવાન છે, અને સાહિત્ય સેવા માટેના જોમને જોઈએ તો એ કોઈને ગાંઠે એમાંના નથી. કયા હેતુથી તે ‘અક્ષરનાદ’ સાથે સંકળાયા છે તે તેમના જ શબ્દોમાં જાણીએ. તેમનો પરિચય ‘સંપાદક પરિચય’ … એ પાનામાં ઉમેર્યો છે. અને હવે આ વિભાગમાં અક્ષરનાદ સાથે સતત સંકળાયેલા વધુ મિત્રોની પણ આવી જ કેફીયતો મૂકવી છે.

શ્રી ગોપાલભાઈ પારેખની આ વાત વાંચવા જાઓ સંપાદક પરિચય … એ પાના પર.

આભાર.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “મિલે સૂર મેરા તુમ્હારા… અક્ષરનાદના જૂના સંપાદક

  • Mansoor N Nathani

    Jignehsbhai,

    You are exceptional in the field of Gujarati literature on the webworld which I think is in the process developing and upcoming. Whenever in the future, describing of web on Gujarati your name would come first.