આપણે… – ‘રાઝ’ નવસારવી 5


મનને એ ગૌરવ હતું સૌથી સવાયા આપણે,
પણ થયું એવું હયાતીમાં ભુલાયા આપણે

ઇશની દુનિયામાં નહિતર કેટલી છે મોકળાશ,
ભેદના વાડા રચી એમાં ફસાયા આપણે.

ફક્ત એની મહેરબાની ઉપર બધું નિર્ભર હતું,
એની જ્યાં ઈચ્છા થઈ ત્યાં લઈ જવાયા આપણે.

રાહના વિઘ્નો તો કીધા હસતા હસતા પાર પણ,
છેક ઘરના આંગણે આવી ફસાયા આપણે.

‘રાઝ’ આ નૂતન અનુભવ માણવા જેવો ખરો,
જાતની સાથે જરા થઈએ પરાયા આપણે.

– રાઝ નવસારવી
(‘આચમન’ માંથી સાભાર)

સૈયદ સગીરઅહમદ અલીજાન ઉર્ફ રાઝ સાહેબની ઉપરોક્ત ગઝલ ‘આપણે’ શબ્દને રદીફ તરીકે તેના વિશાળ અર્થમાં લઈ સરસ ગઝલ પ્રયોજે છે. ગઝલ પોતાની સાથેની જ વાત અથવા અંતરંગ સંવાદની પરિભાષામાં છે. શે’રની પ્રથમ પંક્તિઓમાં આપણને મળેલા અવસરોની વાત કરાઈ છે, અને બીજી પંક્તિઓમાં તેને આપણે કઈ રીતે વેડફી રહ્યા છીએ તેનું ચિંતન વ્યક્ત થયું છે. તો ગઝલની રવાની એની ચરમસીમા પર પહોંચે એવા મક્તાના શેરમાં ગઝલકાર એક ચોટદાર વિકલ્પ પણ આપે છે. આજે પ્રસ્તુત કરેલી, સ્વની સાથેના સંવાદરૂપી આ ગઝલ ખરેખર માણવાલાયક થઈ છે.

Advertisement

આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “આપણે… – ‘રાઝ’ નવસારવી