સદવિચારોની ગંગોત્રી – સંકલિત 6


આપણી તકલીફો વિશે જાહેરાત કર્યા કરવાનો કોઈ અર્થ નથી, તેને માટે કોઈ તૈયાર બજાર અસ્તિત્વ ધરાવતું નથી.

સફળતામાંથી નિષ્ફળતા તરફ જવા માટે એક જ ડગલાનું અંતર છે, નિષ્ફળતામાંથી સફળતા તરફ જવાનો રસ્તો લાંબો છે.

જ્યારે રસ્તા સૂકા (વિઘ્નરહિત) હોય ત્યારે ડ્રાઈવર વધુ સલામત હોય છે, જ્યારે ડ્રાઈવર સૂકો (નશા રહિત) હોય ત્યારે રસ્તા વધારે સલામત હોય છે.

જીવન એ વાટ કે મીણબત્તી નથી, એ તો જલતી જ્યોત છે.

જો લોકો તમારા વિશે સારૂ વિચારે એમ તમે ઈચ્છતા હો તો તમારા પોતાના વિશે તમે સારૂ ન બોલશો.

જે માણસ ભૂલો નથી કરતો તે સામાન્ય રીતે કશું કરતો હોતો જ નથી.

ઘણી વાર હિંમતની કસોટી મરી જવામાં નથી હોતી, જીવતા રહેવામાં હોય છે.

પ્રેમ એ શ્રદ્ધાનું કામ છે, અને જે માણસ પાસે શ્રદ્ધા નથી તેની પાસે પ્રેમ હોતો નથી.

જે વસ્તુ થવાની શક્યતા હોય, તેના વિશે ઘણાં લોકો પહેલેથી જ ચિંતા સેવે છે. અન્ય લોકો જે વસ્તુ થવાની શક્યતા ન હોય તેના વિશે ચિંતા કરે છે. પણ બહુ થોડા લોકો ચિંતા કરવાની ના પાડે છે અને કાર્ય સિદ્ધિ માટે બધું જ કરી છૂટે છે.

– પ્રો. ચંદુલાલ ઠકરાલ

દેખીને લેવાની ઈચ્છા થાય તે અતિક્રમ, લેવાની તૈયારી તે વ્યતિક્રમ, લેવા માટે હાથ લગાવવો તે અતિસાર અને લઈ લો તે અનાચાર. અતિસારમાં લક્ષણ હોય છે, અનાચારમાં રક્ષણ હોતું નથી.

માનવહ્રદયમાં જ્યોતિરૂપી સાચી સમજણના જ્ઞાનનો પ્રકાશ પ્રાર્દુભાવ પામે તો જીવનનો અંધકાર દૂર થાય, ઉજાસભણી આગેકૂચ કરી શકાય.

ધન, બળ અને બુદ્ધિ નહીં, સદભાવ, સદજ્ઞાન અને સદાચરણ જ એકબીજાના પૂરક બનીને માનવીને શ્રેષ્ઠતાના શિખરે પહોંચાડે છે.

બીજાને ગબડતો જોઈને પોતે સંભાળીને ચાલે તે જ્ઞાની, એકવખત પોતે ગબડ્યા પછી સંભાળીને ચાલે તે અનુભવી અને પોતે વારંવાર ગબડ્યા છતાં ઉન્નત બનીને ચાલે તે અજ્ઞાની.

કૂવાના કાંઠે પથ્થર પર સતત દોરીના ઘસાવાથી ઘાવ લાગે છે, તેમ શબ્દો રૂપી દોરાથી હ્રદયમાં સંસ્કાર પડે છે.

– સંકલિત

બિલિપત્ર

બહુમાળી મકાનમાં ભોંયતળીયેથી દાદરો ચડીને સ્તરો પાર કરીને જ ઉપલા માળે જઈ શકાય છે, બહુસ્તરીય સરકારી કે ખાનગી વ્યવસ્થાતંત્રમાં કામ કરાવવા પટાવાળાથી શરૂઆત કરીને જ ઉપરના સ્તરો સુધી કામ કઢાવી શકાય છે. કેવો દુ:ખદ વિરોધાભાસ !

– અજ્ઞાત મિત્ર

કેટલાક વિચારો એક નાનકડા બીજ રૂપે હોય છે, એક વિચારબીજ અનેક વિચારમંથનોને પ્રેરે છે, અને તેમાંય સદવિચારો તો અમૃતસ્વરૂપ હોય છે. મન માટે તે એક સફાઈ કામદારની ગરજ સારે છે, પ્રસ્તુત છે એવા જ કેટલાક વિચારો, આ વિચારબિંદુઓ જનકલ્યાણ સામયિકના વિવિધ અંકોમાંથી સંકલિત કર્યા છે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “સદવિચારોની ગંગોત્રી – સંકલિત

  • દીપક શાહ

    સુખ અને દુ:ખ કોઈ પરિસ્થિતિનું નામ નથી, પરંતુ ભાવનાઓ અને માન્યતાઓથી થાય છે. એટલા માટે સુખ-શાંતિની પરિસ્થિતિ શોધતા ફરવાને બદલે પોતાના દૅષ્ટિકોણને જ પરિમાર્જિત કરવાનો પ્રયત્ન કરીએ એ જ યોગ્ય છે. આ પ્રયત્નમાં આપણે જેટલા સફળ થઈશું, એટલા જ શાંતિની નજીક પહોંચી જઈશું.

  • દીપક શાહ

    હું એટલું શીખ્યો છું…

    ….કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે.

    ….કે પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાય છે.
    …..કે જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમ નજીક આવે તેમ તેમ વધારે ઝડપથી ભાગવા લાગે !

  • દીપક શાહ

    કશુ ના હોય તો અભાવ નડે છે.થોડુક હોયતો ભાવ નડે છે અને બહુ હોય તો સ્વભાવ નડે છે. આ માનવની દુખી થવાની જગ્યા છે.

  • Ankita Solanki

    બીજાને ગબડતો જોઈને પોતે સંભાળીને ચાલે તે જ્ઞાની, એકવખત પોતે ગબડ્યા પછી સંભાળીને ચાલે તે અનુભવી અને પોતે વારંવાર ગબડ્યા છતાં ઉન્નત બનીને ચાલે તે અજ્ઞાની

    સરસ્

  • harin

    ઘણી વાર હિંમતની કસોટી મરી જવામાં નથી હોતી, જીવતા રહેવામાં હોય છે.
    મનનીય વિચાર…..