કુંભ લગ્ન – ભારતી દલાલ 7


અંતરાના હાથમાં દસ દિવસનું બાળક ટૂંટિયું વાળીને સમાઈ ગયું છે પણ એના મનમાં આનંદ સમાતો નથી. ચારે બાજુ બીજાં બાળકોના અવાજથી ઓરડો ભરાઈ ગયો છે પણ એના માટે તો આ જ બાળકનું નિર્માણ થયું છે એની મનોમન ખાતરી થઈ ગઈ છે. એનું પેટ ખાલી છે છતાં જાણે કશુંક ફરક્યું કે એવી ધ્રુજારી આખા શરીરમાં ફરી વળે છે….

આજથી દસેક વર્ષ પહેલાં એના હાથમાં આવી કોઈક ઘડીએ કુંભ હતો. કૂવા પાસે એને લઈને એ ઊભી હતી અને મહારાજ એના વિસર્જનની વિધિ કરાવતા શ્લોકો ભણતા હતા. ના, વિસર્જનના વિધિથી એનાં મનમાં કોઇ શોક કે દુઃખ નહોતાં પણ કોઈ શાપ માંથી મુક્ત થયાનો આનંદ એની નસનસમાં પ્રસરી રહ્યો હતો….

એને થયું, હવે એ અને કેદારશાંતિથી એકબીજાનાં થઈ શકશે. મહારાજની આજ્ઞાથી એણે કુંભને કૂવામાં પધરાવી દીધો પણ એક છૂપી ધ્રુજારી તેને ઘેરી વળી. આ ક્ષણે એને કેદારની હાજરી જરૂર લાગી. કુંભને પધરાવી એ મોઢું ફેરવીને ચાલવા લાગી અને એની નજર માના ઉદાસ ચહેરા પર પડી. ક્ષણભર માટે એનો આનંદ ચ્હેરાઈ ગયો. હદયમાં તડ દઈને કંઈક તૂટ્યું હોય એવું લાગ્યું.

એને નાની અંતરા એમાંથી નીકળી પડી હોય એવું લાગ્યું. મા એને ખૂબ લાડ કરતી, બાપુ પણ. પણ કોઇ વાર એ સામે ચાલીને પૈસા માગતી તો બાપુને ગુસ્સો આવી જતો. કહેતા ‘આજે તે પૈસા માગ્યા એટલે નહીં મળે.’ એનું મોઢું પડી જતું. પૈસા માટે છેક બીજા દિવસ સુધી રાહ જોવાનું એને આકરું લાગતું.

દિવસો ગયા, વર્ષો વીત્યાં અને ક્યારે જોતજોતામાં એના જીવનમાં કેદાર પ્રવેશી ગયો. એનો તો જાણે ખ્યાલ પણ ન રહ્યો. હવે મા-બાપ પાસેથી પૈસા નહીં પણ લાગણીની આવશ્યકતા હતી. પણ માગ્યું માટે નહીં આપવાનો એમનો નિયમ આટલા વરસે એનો એ જ રહ્યો. કોણ જાણે કેમ કેદારને એમણે સ્વીકાર્યો નહીં. પછી તો એને માટે ચાખીચાખીને એમણે છોકરા પસંદ કરવા માંડ્યા, પણ બધું ફોક.

એક દિવાસ વહેલી સવારે કાન પર વાત પડી. બાપુ માને કહેતા હતા, ‘તું પેલી વાત ભૂલી તો નથી ગઈ ને?’

‘કંઈ વાત?’

‘કંઈ તે અંતરાની પેલી જન્માક્ષરવાળી વાત.’

‘કઈ પેલી વિધવા-યોગ વાળી?’

અંતરાને કુતુહલ થયું કે વળી આ કેવી વાત? હજુ સુધી એ આવું તેવું કશું સમજતી નહોતી પણ કેદારનો તેના જીવનમાં પ્રવેશ થયો તે પછી આવી તેવી વાતો એને અગત્યની લાગવા માંડી હતી. એકવાર તો આવો ‘વિધવાયોગ’ જેવો શબ્દ સાંભળીને એનું લોહી થીજી જ ગયું હોય એવું લાગ્યું પણ માબાપુની વાતથી પાછી ભાનમાં આવી ગઈ.

‘તો હવે એનું શું કરીશું?’ બાપુ બોલ્યા. માએ એમને સમજ પાડતાં કહ્યું.

‘મહારાજ મળેલા. એમણે કહ્યું છે કે આને માટે કુંભ-લગ્ન કરવાનાં અને પછી કુંભને કૂવામાં ફેંકી દેવાનો, એટલે છોકરી વિધવા થઈ ગણાય અને પછી એ યોગમાંથી એ છુટ્ટી ! આપણે કહીએ તો મંદિરમાં જઈને એ વિધિ કરાવવા રાજી છે.’

બાપુ વિચારમાં પડી ગયા હોય એવું લાગ્યું. આમા તો એમનો ગુસ્સો બહુ આકરો પણ માંદગીને લીધે થોડા નરમ. આવી તેવી વાતોમાં એ માનતા નથી પણ દીકરીના સુખ ખાતર હા પાડી દીધી હશે. અંતરા પણ મનોમન જાણે ઘા ગઈ હોય એટલી ખુશ થઈ ગઈ. માએ બીતાં બીતાં એને આ વાત જણાવી ત્યારે ખુશી એણે મનમાં દબાવી રાખી અને હા પાડી.

સારો દિવસ જોઈને અંતરાનાં ‘કુંભ-લગ્ન’ નક્કી થયાં. ગામથી દૂર એક મંદિરમાં જગ્યા પસંદ થઈ. નાનપણમાં છોકરાઓ સાથે ખૂબ રમતી એટલે ઢીંગલી રમવાનું ચૂકી ગયેલી. એને મન આ ઢીંગલીની રમત કરતાં વિશેષ નહોતું. છતાં જવાનો સમય થયો ત્યારે મનમાં કંઈક વિચિત્ર ભાવો જાગવા લાગ્યા. ટેવ પ્રમાણે માને પુછાઈ ગયું.

‘મા, શું પહેરું?’

માના મોઢા પરની ઉદાસી એનાથી છાની નહોતી પણ પુછાઈ ગયા પછી શું?

‘તારે જે પહેરવું હોય તે.’ એમ કહીને માએ આંસુ છુપાવવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ન થઈ.

અંતરા માને વળગી પડી, ‘તું જ કહેને હું શું કરું? આવું બધું કાંઈ મેં નક્કી કર્યું છે?’

માએ પરાણે સ્વસ્થ થઈને એક સાડી કાઢી. તૈયાર થઇને બંને નીકળ્યાં. નહીં શરણાઈ, નહીં લગ્નગીત, નહીં વરઘોડો, નહીં સાજન મહાજન, નહીં જમણ, આ તે કેવાં લગન! કોઈ સખી પણ તૈયાર કરનાર નહીં. જાતે જાતે તૈયાર થવાનું. અંતરાને મનમાં ને મનમાં સહેજ હસવું આવી ગયું કે ત્યારે આ લગન પણ દેખાવનાં જ છે ને! છતાં પણ મોઢા પર ગંભીરતા ધારણ કરીને એ મા સાથે મંદિરે પહોંચી.

મહારાજે બધું તૈયાર રાખેલું. મંત્રો ભણવા માંડ્યા. થોડી વિધિ પતાવીને એમણે અંતરાને પાટલા પર બેસવાનું સૂચન કર્યું. અને જાણે હજારોની હાજરીમાં પરણવા બેસતી હોય એવા ભાવથી એ ચાલી અને કુંભની બાજુમાં બેસી ગઈ. હવે એણે મનમાં આ બનાવટ નહીં પણ સો ટકા સાચું સત્ય હોય એવું લાગતું હતું. મહારાજ સૂચવે તે બધું ધ્યાનથી સાંભળીને કરવા લાગી અને આખરે એ સમય આવી લાગ્યો.

મહારાજે એને કુંભ ઊંચકીને ઊભા થવાનું કહ્યું ત્યારે ભારે હદયે એ ઉભી થઈ અને કૂવા તરફ ગઈ અને એમની સૂચના મુજબ કુંભને કૂવામાં પધરાવ્યો અને એ વિધવા થઈ.

એનાં મનમાં ચચરાટ થવા લાગ્યો. એણે આ શું કરી નાખ્યું ? એકાદ કલાકના કુંભના સહવાસથી જાણે એના પ્રત્યે કોઈ ભાવ ઉત્પન્ન થયો હતો કે શું? એના શરીરે જાણે ખાલી ચઢી ગઈ હોય એમ બધું જૂઠું પડી જવા લાગ્યું. આ સુંદર સાડીનો એને ભાર વરતાવા લાગ્યો. કશું અજુગતું બની ગયાનો અણસાર આવવા લાગ્યો. વૃક્ષોથી ઘેરાયેલું આ મંદિર, કોયલનો ટહુકાર – કશુમ જાણે મનને ગમતું નથી. જાણે એ ઉજ્જડ મેદાનમાં પોતે ઉઘાડી પડી ગઈ હોય એવું લાગ્યું. મહારાજનો અવાજ કાને પડ્યો અને એ અચાનક ઝબકી, ‘ બેન, હવે પાછળ જોયા વગર પેલી ઓરડીમાં જઈને વસ્ત્રો બદલી કાઢો, નવાં વસ્ત્રો પહેરી લો અને જૂનાને બોળીને સૂકવી દો. પછી પાછાં આવો એટલે તમને શુદ્ધ કરીએ.’

અંતરા આવા બધા ભાવપલટાથી મૂંઝાઈ જાય છે. એને કશી સૂઝ પડતી નથી પણ યંત્રવત એ બધી સુચનાઓને અમલ કરે છે. વિધવાયોગના ભારમાંથી મુક્ત થઈને હળવા થવાને બદલે કોઈ નવી લાગણીનો ભાર એના મન પર હોય એવી અવસ્થામાં એ મૂંગી મૂંગી ઘરે પહોંચી. આ તે કેવાં લગ્ન આનંદ કે શોક?

પછી બે-ચાર દિવસ રહીને એ કેદારને મળવા ગઈ હતી. એને જોઈને કેદાર ચોંકી ગયો. ‘આ એની અંતરા નહી !’ અંતરાએ હસીને સ્વાભાવિક થવાનો પ્રયત્ન કર્યો.એમ કરીને એણે કેદારને તો પટાવ્યો પણ એને પોતાને, આ ન સમજાતી વેદનામાંથી કેમ કરી મુક્ત થવું. તે સમજાયું નહીં. બધું ગુચવાયેલું જ રહ્યું.

હવે તો એ કેદારની સાથે સંસાર માંડવા એને ઘરે આવી ગઈ છે. થોડા લોકોની હાજરીમાં ફફડતા હદયે એ અને કેદાર પરણી ગયાં. ‘કુંભ-લગ્ન’માં એ અને મા અને આમાં? થોડાં બીજાં. કુંભ-લગ્ન જેટલોય ઉત્સાહ નહીં. કોઈ પાનેતર લાવ્યું. કોઈ મંગળસૂત્ર અને કોઇ મહારાજ. મા ખિજાઈને કોઈવાર કહેતી, ‘લાવ ઘોડો ને કાઢ વરઘોડો – એમ કાંઈ લગન થતાં હશે?’ પણ અંતરાનાં લગન તો એમ જ થયાં!

થોડા દિવસો આ બધી ઘટનાઓના પડધા શમવામાં ગયા પણ અંતરાના મનમાંથી વૈધવ્યનો પડઘો શમ્યો નહીં. એ અને કેદાર એકબીજામાં કેટલા ખોવાઈ ગયાં હતાં છતાં એક ભાવ કોઈ આકાર લઈ રહ્યો હોય એવું એને લાગ્યા કરતું હતું. કશુંક એનો પીછો ન છોડતું હોય એવું લાગ્યા કરતું હતું. યોગાનુંયોગ કહો કે ગમે તેમ પણ અંતરાનો ખોળો ખાલી રહ્યો.

કેદારનો પ્રેમ, સાથ્, સહવાસ છતાં અંતરા સૂની થતી ચાલી. કેદારે ઘર બદલી જોયું, ગામ બદલી જોયું પણ કાંઈ અર્થ સર્યો નહીં અંતરાને એકલવાયાપણૂં કોતરી ખાવા લાગ્યું. સજાવેલું ઘર ખાવા ધાતું હોય એવું લાગવા માંડ્યું. બાળકોના ફોટા, કૅલેન્ડર, અરે બીચારો સેવાનો લાલજી પણ એને આકરો લાગ્યો. કેદાર પણ મૂંઝાવા લાગ્યો. હવે તો અંતરા એકદમ નીરસ બની ગઈ છે. નથી સરખા વાળ ઓળતી કે નથી ઢ્ંગથી કપડાં પહેરતી. વાતે વાતે ઝઘડી પડે છે.

એક દિવસ નાનકડાને લઈને આવી ચઢી સંજુ. કેદારતો મૂઝાઈ ગયો કે અંતરા એને આવકારશે કે અવગણશે? બંનેના આશ્વર્ય વચ્ચે અંતરાતો નાનકા સાથે એવી ખીલી કે ન પૂછો વાત. ઘણા વખત પછી ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું. કેદાર તો આઘો જાય ને પાછો આવે. અચાનક એના મનમાં એક વત ઝબકી. અંતરાને ઘણે દિવસે આનંદમાં જોઈને એણે પ્રસ્તાવ મૂક્યો.

‘આપણે એક બાળક દત્તક લઈએ તો…. કેવું લાગે છે ને?’

સરી ગયેલો કુંભ પાછો હાથમાં આવી ગયો હોય તેમ અંતરાએ એકદમ એ પ્રસ્તાવને ઝડપી લીધો અને બંને એ નક્કી કરી લીધું.

‘ક્યાં ખોવાઈ ગઈ અંતરા? આ દીકરો તને ન ગમ્યો?’ કેદારે એને ઢંઢોળીને પૂછ્યું.

આવેશથી બાળકને વહાલ કરતી અંતરા બોલી, ‘ના શું ગમે, આતો મારા માટે જ જન્મ્યો છે. જોને મારામાં કેવો સમાઈ ગયો છે. હવે હું એને સરી જવા નહીં દઉં.’

– ભારતી દલાલ

(શ્રી યોગેશ જોષી દ્વારા સંપાદિત પુસ્તક ‘ગુજરાતી નવલિકાચયન ૧૯૯૯’ માંથી સાભાર)

સંજોગો ક્યારેક તદ્દન વિરુદ્ધનું કામ કરતા હોય તેમ લાગ્યા કરે છે. જે વસ્તુની વાંછના હોય તે ન જ મળે એવું સતત બનતું પણ અનુભવાય. આવી જ એક સ્ત્રીની મનોવેદના, નસીબની વાતો, બાળક માટેની ઇચ્છા વગેરેને સાંકળીને એક સરસ વાત અહીં પ્રસ્તુત થઈ છે. સરી જતા નસીબને, ક્ષણોને, સંબંધોને પકડી રાખવાનો એક પ્રયાસ થતો અહીં જોઈ શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “કુંભ લગ્ન – ભારતી દલાલ