કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૭ 5


Invoice Creator

નાની સંસ્થાઓ કે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતા વ્યાપારી સાહસોમાં બિલ બનાવવા માટે એક વ્યવસ્થિત એપ્લિકેશન બનાવવી અથવા જરૂરતો મુજબનું સોફ્ટવેર ડીઝાઈન કરવું ખર્ચાળ બની રહે છે. આવા કિસ્સાઓમાં ઉપરોક્ત વેબસાઈટ મદદે આવે છે. આ વેબસાઈટ ઓનલાઈન, (એક નાનકડા રજીસ્ટ્રેશન બાદ) જરૂરતો મુજબના બિલ બનાવવાની સગવડ આપે છે. અહીઁ બનતા ‘ઇનવોઇસ’ માં જરૂરત મુજબ ક્ષેત્રો ઉમેરી કે રદ કરી શકાય છે. વળી ગૂગલ એપ્લિકેશન્સ સાથે પણ આ સુવિધાને સાંકળી શકાય છે. સાથે તે આવક જાવકનો હિસાબ પણ રાખે છે. ઇનવોઇસને તમે ભવિષ્યમાં મોકલવા માટે શેડ્યૂલ પણ કરી શકો છો. અને સાથે મોડા પડતા ઇનવોઇસ માટે આપોઆપ દંડ ઉમેરવાની પણ સગવડ મળે છે. એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી વેબસાઈટ.

Google – Browse Our Body

માનવ શરીરના સમગ્ર ત્રિપરીમાણીય મોડેલને દર્શાવતી આ વેબસાઈટ શરીરના વિવિધ સ્તરો સહિત સમગ્ર રચના, શરીરના વિવિધ ભાગોને ખૂબ વિગતે બતાવે છે. જો કે WebGL આધારીત ઇન્ટરનેટ બ્રાઊઝરમાં જ જોઈ શકાતી હોવાને લીધે આ વેબસાઈટ જોવા તમારે ગૂગલ ક્રોમનું બીટા વર્ઝન અથવા ફાયરફોક્સનું બીટા વર્ઝન ઇન્સ્ટોલ કરવું પડશે. WebGL એ વેબ બ્રાઊઝરમાં ત્રિપરીમાણીય ચિત્રો બતાવવા માટેની આગવી વ્યવસ્થા છે. તેનુ પૂર્ણ સ્વરૂપ થાય છે વેબ ગ્રાફિક્સ લાઈબ્રેરી એમ્બેડેડ સિસ્ટમ, જેની મદદથી કોઈ બ્રાહ્ય સોફ્ટવેર અથવા પ્લગિન ઇન્સ્ટોલ કર્યા વગર સામાન્ય બ્રાઊઝરમાંજ ચિત્રોમાં ત્રીજુ પરીમાણ અનુભવી શકાય છે. ગૂગલની આ વેબસાઈટ તેના ઉપયોગનું સૌથી સબળ પ્રરૂપ રજૂ કરે છે, આંગળીના વેઢે ગણી શકાય તેવી WebGL વાપરતી વેબમાંની એક હોવાને માટે પણ એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી વેબસાઈટ.

Houzz…

એક સિવિલ ઈજનેર માટે, આર્કિટેક્ટ માટે અથવા ઘર બાંધનાર કોન્ટ્રાક્ટર માટે ઇમારતોના નિર્માણ અને તેની વિવિધ સંરચનાઓ તથા સ્વરૂપોનો ખ્યાલ આપતા સામયિકો ખરીદીને તેમાંથી નવા વિકલ્પો જોઈ ગ્રાહકોને સૂચવવા એ ખૂબ મોંઘી પ્રક્રિયા બની રહે છે, કારણકે એ પ્રકારના બધા સામયિકોના લવાજમ ખૂબ જ મોંઘા હોય છે. તો સામે નવું ઘર બાંધવા માટે ઉત્સાહી લોકોને પણ પોતાના સ્વપ્નના ઘરને અનોખુ બનાવવા નવા વિચારોની જરૂર હોય છે, એ બંનેની જરુરતો એક સાથે પૂરી કરતી વેબવિશ્વની મકાન સંરચના અને આંતરીક નિર્માણ તથા વ્યવસ્થા અંગેના ફોટાઓ દર્શાવતી ખૂબ વિશાળ ડેટાબેઝ ધરાવતી અનન્ય વેબસાઈટ એટલે ‘હાઊઝ’. અહીં ફોટોગ્રાફ્સનો ભંડાર તો છે જ, સાથે તમારી પસંદના ફોટાઓ ભેગા કરીને એક ‘આઈડીયા બુક’ તમે અહીં ઓનલાઈન બનાવી શકો છો, અને બાંધકામને લગતા કે એ ફોટાઓને લગતા તમારા સવાલો પૂછી શકો છો. નવા વિકલ્પો માટે એક ખૂબ જરૂરી વેબસાઈટ.

Pinta Project

ફોટો અને ચિત્રોમાં જરૂરી ફેરફાર કરવા માટેના વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા ક્રિએટીવ કોમન્સ હેઠળ મફત ડાઊનલોડ માટે ઉપલબ્ધ સોફ્ટવેર પેઇન્ટ.નેટ નો ઉદભવ વિન્ડૉઝ સિસ્ટમમાં માઈક્રોસોફ્ટ પેઇન્ટ ને બદલે મફત આપી શકાય તેવું સોફ્ટવેર બનાવવાના ઉદ્દેશ સાથે થયેલો. વિકાસના ક્રમમાં એ માઇક્રોસોફ્ટ પેઇન્ટથી ઘણું આગળ નીકળીને આ કાર્ય માટે સબળ મફત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું. તેને અડોબ ફોટોશોપ અને કોરલ ના સોફ્ટવેર સાથે પણ સરખાવાયું, પરંતુ સૌથી મોટી ખામી એ છે કે તેને વિન્ડોઝ સિવાયના ઓપરેટિંગ સિસ્ટમ માટે ચલાવવાની સગવડ નથી. આ જ સોફ્ટવેર જેવું પરંતુ વિન્ડોઝ અને લિનક્સ એ બંને પર ચાલી શકે તેવું નવું સોફ્ટવેર બનાવવાનું સ્વપ્ન ૨૦૧૦ ફેબ્રુઆરીમાં પૂર્ણ થયું. પિન્ટા ઓપનસોર્સ અને ક્રોસ પ્લેટફોર્મ સોફ્ટવેર છે. બંને ઓપરેટિંગ સિસ્ટમ માટે વાપરી શકાય છે અને ડાઉનલોડ માટે તદ્દન મફત ઉપલબ્ધ છે. ચિત્રો બનાવવા માટે બ્રશ, પેન્સિલ, ઇરેઝર, આકારો વગેરે જેવા વિકલ્પોની અન્ય સોફ્ટવેર જેવી જ સુવિધા અહીં ઉપલબ્ધ છે આ ઉપરાંત વિવિધ લેયરની તથા ચિત્રો માટે અવનવી ઇફેક્ટસની પણ સગવડ આ સોફ્ટવેર આપે છે.

Koobits

ઇન્ટરનેટ પર ઇ-પ્રકાશન માટે કામ કરતી સંસ્થાઓમાં સૌથી મનપસંદ મારા મતે અને સુવિધાજનક વેબસાઈટ એટલે ‘કુબિટ્સ’. આ એક નાનકડું સોફ્ટવેર છે જેને તમારા કોમ્પ્યુટરમાં મફત ડાઊનલોડ કરી ઇન્સ્ટોલ કરો. અહીં મુખ્ય વિભાગ ઇ-પુસ્તકો માટેના એક સંગ્રહને સાચવવાની ગરજ સારે છે. તે એક બુકશેલ્ફ બની રહે છે. તમે તમારી ઇ-પુસ્તકો અહીં વાંચી તથા સાચવી અને આયોજિત કરી શકો છો. મોટાભાગના ઇ-પુસ્તક પ્રકારો અહીં ચાલે છે, પુસ્તકોમાં જરૂરી વસ્તુઓને હાઈલાઈટ પણ કરી શકાય છે અને ઉપરાંત વેબસાઈટ પર ખાતું ખોલાવવાથી રોજ એક ઇ-પુસ્તક મફત તમારા ખાતામાં પહોંચે છે. ગુજરાતી ઇ-પુસ્તકો માટે પણ આવી જ કોઈક વેબસાઈટ હોવી જોઈએ એવું મારું સ્વપ્ન હવે આ જોઈને આળસ ખંખેરી રહ્યું છે.

કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ વિશે જણાવતી અક્ષરનાદની આ વિશેષ શ્રેણી અંતર્ગત આજે જાણીએ કોમ્પ્યુટર પર કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વગર શરીર રચનાની ત્રિપરીમાણીય સફર કરાવતી વેબસાઈટ, ગૃહશોભાના વિવિધ વિકલ્પો, ચિત્રો તથા ફોટૉગ્રાફ્સને સુધારવા – બદલવા માટેનું ઓનલાઈન મફત સોફ્ટવેર, બિલ બનાવી આપતી ઓનલાઈન સુવિધા તથા ઈ-પુસ્તકોના શેલ્ફ રૂપ મફત સોફ્ટવેર જેવી સુવિધાઓ આપતી વેબસાઈટ્સ વિશે વિગતે વાત.

આ શૃંખલાની અગાઊની કડીઓ અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૭