કાશ્મીરના સરોવરો – શાન્તાબહેન કવિ 2


અમે ડાલ સરોવરમાં ઘણી વખત ગયાં, પણ બે- ત્રણ સહેલ ખાસ યાદગાર છે. શરૂઆતમાં બધા બગીચાઓમાં થઈ શિકારામાં પાછા આવતાં હતાં, તેવામાં એકાએક જોરથી પવન ફૂંકાયો. સલામતી ખાતર બોટને હલેસાં મારનાર માંજીએ શિકારાનું છત્ર ઉતારી લીધું અને હલેસાં ખાતો ઝડપથી શિકારો આગળ વધ્યો. કાંઈક ધાસ્તી લાગી અને થોડા વખત પહેલાં જે સરોવર શાંત હતું ત્યાં મોજાં ઊછળવા માંડ્યાં. કેટલાંક માણસો કિનારા તરફ પાછાં જતાં હ્તા અને અમને પણ પાછા ફરવા વણગામી સલાહ મળી. પણ અમે તો ઈશ્વરને આશરે અમારું નાવ હંકારે રાખ્યું હતું. જેવો પવન ફૂંકાયો હતો તેવો જ એકાએક થોડીક વારે બંધ પડ્યો. અને સરોવર શાંત થયું; અને શિકારો હલેસાં વગર સરળ અને ધીમી ગતિએ ચાલ્યો. પછી સંધ્યા ખીલી એ દ્રશ્ય અલૌકિક હતું. અહીં તેનું વર્ણન કરવું શક્ય નથી. સરોવરના થોડા ભાગમાં કમળપત્રનો લીલો ગાલીચો બિછાવ્યો હતો. ખુલ્લું પાણી શાંત અને પારદર્શક આછા આસમાની રંગનું હતું. અને તેમાં બાજુ ઉપરનાં ડુંગરનાં પ્રતિબિંબ ઘણાં જ ચોખ્ખા પડ્યાં હતાં. એટલે સુધી કે ખરા પર્વત બહારના કે અંદરના એની ભ્રાંતિ થાય. પર્વતો ઉપર ઘણા રંગોની છાયા હતી, પણ પ્રધાન રંગ આછો કિરમજી હતો, ટોચ ઉપર બરફ હતો. તેના ઉપર આથમતા સૂર્યનાં કિરણોને લઈને કાંઈક ઓર રંગ જણાતો હતો અને પર્વતની વચમાં વાદળો ઘુમી રહ્યાં હતાં. આકાશ તદ્દ્ન સ્વચ્છ હતું. સૂર્યનારાયણ ડુંગર પાછળ આથમતો હતો. કાશ્મીર તેના રંગનાં દ્રશ્યને માટે મશહૂર છે અને ગુલમર્ગમાં તેવાં દ્રશ્યો ઘણાં જોયાં પણ આવું દ્રશ્ય ફરી જોવાનું મળ્યું નહિ.

એક પૂનમની રાતે ડાલ સરોવર ગયાં હતાં. સરોવર શાંત હતું. પણ પાણીની લહેરો થતી હતી. સંઘ્યાનો વખત હતો. ચંદ્રમાં પર્વતની પાછળ હતો અને બહાર આવવાની તૈયારી કરતો હતો. કબૂતરખાનામાં અને કિનારા ઉપરના રાજમહેલમાં વીજળીની રોશની થયેલી હતી. શંકરાચાર્ય પર્વત ઉપર પાંચ હજાર કૅન્ડલ પાવરનો વીજળીનો દીવો ઝગમગતો હતો; અને પૂર્વ દિશામાં શિકારો જતો હતો. પછી ચ્ંદ્રે ડોકિયું કર્યું અને ધીમે ધીમે બહાર આવી અંધકાર હતો ત્યાં શાંત અને અહલાદક પ્રકાશ થયો. આ વખતે અમે રૂપલંકા પહોંચ્યા અને પછી પાછાં ફર્યાં.

ડુંગરની મધ્યમાં જગ્યા કુદરતી વિશાળ તેમ જ ઘણે સ્થળે હોવાથી અને વરસાદના અને બરફના ઓગળીને થયેલા પાણીને એકત્ર થવાની સવડ હોવાથી કાશ્મીરમાં સરોવરો ઘણાં છે; અને તે સ્થળો રમણીય પણ ઘણાં હોય છે. આવાં સ્થળોને ઘણે ભાગે ‘બલ’ કહે છે. જેમકે ગાંડરબલ, ગગરીબલ, ખાનબલ વગેરે. ડાલ સરોવર ઉપરાંત મનસબલ અને વુલર સરોવરો જોવા ઘણે ભાગે શ્રીનગરથી મુસાફરો જાય છે. મનસબલ ૨૦ માઈલ દૂર છે અને તે અષ્ટંગ પર્વતની તળેટીમાં તે લગભગ ગોળાકાર છે અને તેનો ઘેરાવો લગભગ ૩માઈલનો છે. પાણી સ્વચ્છ ને પારદર્શક હોય છે. તળિયે પડેલી ઝીણી વસ્તુ પણ દેખાય છે. ત્યાં બસ કે ટાંગામાં જઈ શકાય છે.

આખા ભારતમાં મોટામાં મોટું કાશ્મીરમાં આવેલું વુલર સરોવર છે. તે શ્રીનગરથી પાંત્રીસ માઈલ દૂર છે. ત્યાં કાર કે બસમાં જવાય છે. તે તેર માઈલ લાંબું અને છ માઈલ પહોળું અનિયમિત આકૃતિનું છે. ઈ. પૂર્વે ૨૦૫૦માં ભારે ધરતીકંપ થયો તે વખતે આ સ્થળે સન્દીયતનગર નામનું શહેર હતું. તેનો નાશ થઈને જમીન ચીરાતાં પાણી નીકળીને આ સરોવર બનેલું છે.

તેની ચારે બાજુ ઊંચા પર્વતો છે ને એક બાજુથી જેલમ નદી દાખલ થઈને બીજી બાજુ સોપુર પાસેથી તે નીકળી જાય છે. સોપૂરથી લગભગ બે માઈલ જેલમના સામા પ્રવાહે શિકારામાં ગયા પછી સરોવર આવે છે તેની અંદર થોડે દૂર જતાં અતિશય વિશાળતાને લીધે તેનું રુદ્ર સ્વરૂપ દેખાય છે. લગભગ દરરોજ બપોર પછી એકાએક વાયુ ફૂંકાઈ તોફાન થાય છે. તે વખતે સરોવરમાં રહેવું જોખમ ભરેલું છે. અમે બપોરે ત્યાં પહોંચ્યા હતાં અને એકાદ કલાકમાં તો અમારા શિકારાવાળાએ અને બીજી હોડીવાળાઓએ અમને પાછાં ફરવાની ચેતવણી આપી. શિકારાવાળા મહેનત કરવાની દાંડાઈ કરે છે એમ સમજી અમે આગળ ચાલવાનું કહ્યું, પણ એકાદ માઈલ આગળ ગયા પછી થોડો પવન નીકળ્યો એટલે અમે પાછા ફર્યા અને સોપુર પહોંચતા પહેલાં તો પવન અને મોજાં વધી પડ્યાં તેથી કાંઈક ધાસ્તી તો લાગી, પણ હેલ ખાવાની ઠીક મઝા પડી.

ચોમાસાની ઋતુમાં ઉદેપુરના પ્રદેશમાં સરોવરની શોભા સારી હોય છે, પણ તે નાનાં છે અને પર્વતો પણ નાના છે. તેના ઉપર બરફ હોતો નથી. મુંબઈને પાણી પૂરું પાડતું ટાન્સા સરોવર સાત ચોરસ માઈલ છે. ત્યાં પણ એક સાંજે પવન અને હેલાનો અનુભવ થયો હતો અને અમદાવાદ જિલ્લાના ધોળકા, સાણંદ અને વીરમગામ તથા લીમડી રાજ્યની હદે નળકંઠાનું તળાવ છે. તે લગભગ ૧૦-૧૨ ચોરસ માઈલ છે. તેમાં ચોમાસા પછી થોડી મુદત પાણી મીઠું રહે છે અને પાછી ખારું થાય છે. પહેલાં અહીં સુધી સમુદ્ર હશે એમ કહેવાય છે. ભંડારધારા, ખડકવાસલા, ભાટગર, કૃષ્ણરાજસાગર વગેરે સરોવરો જોયાં, પણ કાશ્મીરનાં સરોવરોનું દ્રશ્ય, બરફ આચ્છાદિત પર્વતો અને અસંખ્ય સુંદર કમળો વગેરેને લીધે ઘણું સુંદર હોય છે. શેષનાગ અને અલ્પથેરના સરોવરનાં દ્રશ્ય તો આખી દુનિયામાં ઉત્તમ ગણાય છે. તેનો ઉલ્લેખ અમરનાથ અને ગુલમર્ગ વખતે કરીશું.

હાલમાં જે દિલ્હીના તાપમાંથી બચવા સરકાર સિમલા જાય છે, તેમ મોગલ બાદશાહોના વખતમાં સવારી કાશ્મીર જતી હતી અને તેથી કાશ્મીરના નૈસર્ગિક સૌંદર્યમાં તેમની સહેલ અને સગવડ ખાતર કલા – કોશલ્યથી ઘણો વધારો થયો. તેમાં મુખ્ય સ્થાન બાદશાહી બગીચાઓનું છે. જુદે જુદે રમણીય સ્થળે જ્યાં પાણીનું ઝરણ હોય, ત્યાં બગીચો અને આરામગૃહ તૈયાર કરવામાં આવતાં. કેટલાક બગીચાઓમાં આરામગૃહ નહિ બાંધતાં તંબૂઓ નાંખવામાં આંવતા અને કેટલેક સ્થળે ફૂલઝાડ નહિ ઉગાડતાં ચિનારાની ઝાડની – આપણા વડને કાંઈક મળતાં – ઘટા કરવામાં આવતી. એમ કહે વાય છે કે આવા સુમારે સાતસો બાગ હતા. હવે તો દસ-બાર બાગ જ જોવા મળે છે. તેમાંના ડાલ સરોવરને એક કાંઠે નગીનબાગ અને નિસીમબાગ અને બીજે કાંઠે ચશ્મેશાહી, નિશાત અને શાલેમાર તથા શ્રીનગરથી ચાલીસ માઈલ દૂર અછબલ અને સાઠ માઈલ દુર વેરીનાગ અમે જોઈ શક્યાં હતાં. નગીન અને નિસીમબાગમાં ચિનારનાં ઝાડની ઘટા છે; અને બાકીના બાગની રચના લગભગ એકધારી છે. દરેક બાગમાં પ્રથમ તો તેનું સ્થળ સૌંદર્ય આકર્ષક હોય છે. ઘણે ભાગે પર્વતની તળેટીમાં આ સ્થળ હોય છે. બાગમાં ખોદાણ કે પુરાણ કરીને જમીનની સપાટી ઊંચીનીચી કરીને ત્રણથી દસ સુધી અગાશીઓ કરેલી હોય છે અને દરેક અગાશીમાં એકેક નાનો હોજ હોય છે. અને એક હોજમાંથી બીજા હોજ સુધી નાની નહેર કાઢેલી હોય છે; એથી એક અગાશીમાંથી બીજી અગાશીમાં ઉતરતો નાનો ધોધ બને છે. તે ધોધ પથ્થરમાં કોતરેલી જુદીજુદી આકૃતિ ઉપરથી પડે છે એટલે પાણીનો આકાર તે આકૃતિ જેવો લાગે છે. અને તેના ઉપર સૂર્યનાં કે ચંદ્રના કિરણો પડે છે, ત્યારે દેખાવ ઓર લાગે છે. નહેરની અંદર અને બાજુ ઉપર અસંખ્ય ફુવારા હોય છે, ઘણું ખરું જે દર રવિવારે ઉડાડવામાં આવે છે. દરેક આગાશી ઉપર નહેરની બાજુમાં કે નહેર ઉપર આરામગૃહ હોય છે. નહેરની બંને બાજુસુંદર લૉન, પુષ્પો અને વૃક્ષો હોય છે અને તેની અંદર ફરવાના સ્વચ્છ માર્ગ હોય છે. તેમ જ ત્યાં આરામ લેવાની પણ ગોઠવણ કરેલી હોય છે. બગીચાની સામાન્ય રચના આવી હોય છે. ક્ષેત્ર, રચના, અગાશી અને ફૂવારાની સંખ્યા વગેરેમાં વિવિધતા હોય છે. સાયંકાળ અને ચાંદનીમાં નહેર ધોધ અને ફુવારાનું દ્રશ્ય અતિશય રમણીય લાગે છે અને આહ્લાદક શીતળતા અનુભવાય છે. તેમાં ત્યાંના સંગીત, તાજા મીઠા ફળ અને તાજા શીતળ જળથી ઓર વધારો થાય છે. આવો બગીચો માઈસોર પાસે કૃષ્ણરાજસાગરના કાવેરી નદીના બંધ નીચે કરેલો છે. આનું નામ વૃંદાવન છે અને ત્યાં હોટલ વગેરે રહેવાની સગવડ પણ થઈ છે. તેમાં વીજળીના જુદા જુદા રંગના પ્રકાશથી ઓર શોભા કરેલી છે.

આના જેવા વીજળીના ફુવારા કાશ્મીરના બાગમાં પણ કરેલા છે. અને અમદાવાદમાં પણ ભદ્ર પાસેના બાગમાં સર ચીનુભાઈના બાવલા પાસે આવો ફુવારો છે.

અમે ૧૯૩૦માં આ સ્થળે ગયા ત્યારે અગાશીઓ તૈયાર થયેલી હતી અને બગીચાની રચના થતી હતી. દર રવિવારે હજારો માણસો બાગમાં આવે છે અને ચાર પાંચ કલાક આનંદથી ગાળે છે. સદભાગ્યે અમે દર રવિવારે કાશ્મીરી, પારસી, ગુજરાતી અને પંજાબીની સોબતમાં પિકનિકનો લાભ મળ્યો હતો. રવિવાર સિવાયના દિવસે મનુષ્યમેદનીના અભાવે સંધ્યાકાળે તે સ્થળ આનંદને બદલે ગંભીર લાગે છે અને અંધારામાં મોગલ બાદશાહનાં ભૂત ફરતાં હોય એવો વિચાર સહેજે થઈ આવે છે.

–  શાન્તાબહેન કવિ – ‘કાશ્મીર’ (૧૯૫૪)

મહીપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા ઈ.સ. ૧૮૬૨માં પ્રકાશિત, ગુજરાતી ભાષાનો જેને પ્રથમ પ્રવાસગ્રંથ મનાય છે તે ‘ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન’ અને કરસનદાસજી મૂળજી દ્વારા ૧૮૬૬માં પ્રગટ ‘ઈંગ્લાંડમાં પ્રવાસ’ આપણા આદ્ય ભ્રમણવૃતો છે. આ પુસ્તકોનું ઐતિહાસીક મૂલ્ય છે તો પ્રવાસવર્ણનની ગુજરાતી પરંપરાના તે સ્તંભો છે. આ જ પુસ્તકોની શ્રેણીમાં એક મહિલા લેખીકા દ્વારા, ૧૯૩૬માં શ્રી શાન્તાબહેન ચી. કવિએ કરેલા કાશ્મીર પ્રવાસનું વિગતપ્રચૂર છતાં સરળ અને રસપ્રદ શૈલીમાં કરેલું પ્રવાસવર્ણન તેમનાં પુસ્તક ‘કાશ્મીર’ (૧૯૫૪) માંથી મળી આવે છે. અડધી સદીથી પણ વધારે સમય પહેલા લખાયેલા આ પુસ્તકના વર્ણનો તથા વિગતો કાશ્મીર આ ધરતી પરનું સ્વર્ગ હતું એ વાતની સહજ પુષ્ટિ કરે છે. તો પ્રવાસવર્ણનના લેખ લખતી વખતે વિગતો અને સ્થળવિશેષ વર્ણનો સાથે પ્રવાહી શૈલી કઈ રીતે જાળવી રાખી શકાય એ કળા પ્રસ્તુત લેખ પરથી સમજી શકાય છે. પ્રવાસવર્ણનોના ગુજરાતીના અનેક પુસ્તકોની વચ્ચે આ એક આદ્યપુસ્તક સમાન રચના છે એમાં બે મત નથી.

પ્રસ્તુત લેખ એ પુસ્તક ‘કાશ્મીર’ માંથી લઈને શ્રી રઘુવીર ચૌધરી તથા અનિલા દલાલના સંપાદિત પુસ્તક ‘વીસમી સદીનું ગુજરાતી નારીલેખન’ માં સમાવવામાં આવ્યો છે, એ જ અહીં પ્રસ્તુત કર્યો છે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “કાશ્મીરના સરોવરો – શાન્તાબહેન કવિ

  • pragnaju

    ગર ફ઼િર્દૌસ બર રુએ જ઼મીન અસ્ત, હમીં અસ્ત, હમીં અસ્ત

    ભગવાન શિવ કી પત્ની દેવી સતી રહા કરતી થીં, ઔર ઉસ સમય યે વાદી પૂરી પાની સે ઢકી હુઈ થી યહાઁ એક રાક્ષસ નાગ ભી રહતા થા, જિસે વૈદિક ઋષિ કશ્યપ ઔર દેવી સતી ને મિલકર હરા દિયા ઔર જ઼્યાદાતર પાની વિતસ્તા (ઝેલમ) નદી કે રાસ્તે બહા દિયા૤ ઇસ તરહ ઇસ જગહ કા નામ સતીસર સે કશ્મીર પડ઼ા૤ ઇસસે અધિક તર્કસંગત પ્રસંગ યહ હૈ કિ ઇસકા વાસ્તવિક નામ કશ્યપમર (અથવા કછુઓં કી ઝીલ) થા૤ ઇસી સે કશ્મીર નામ નિકલા
    કશ્મીર કા અચ્છા-ખ઼ાસા ઇતિહાસ કલ્હણ (ઔર બાદ કે અન્ય લેખકોં) કે ગ્રંથ રાજતરંગિણી સે મિલતા હૈ પ્રાચીન કાલ મેં યહાઁ હિન્દૂ આર્ય રાજાઓં કા રાજ થા