ધ મંગલાષ્ટક લિમિટેડ – ઉમાશંકર જોશી 6


ગઈ અખાત્રીજે ગુજરાતના કવિઓને જે ગંજાવર નુકસાન થયેલું તેની ઉપર વિચાર કરી કરીને પુરું એક વરસ મેં રિબાયા કર્યું છે. હવે વિક્રમના શુભ વર્ષ ૨૦૦૦ ની અખાત્રીજે એક યોજના રજૂ કરું છું. જેથી ભવિષ્યમાં તો કવિઓના લાભ કદી જોખમાય નહીં.

હમણાં એક સામયિકે ક્યાંક ટકોર કરેલી કે આજકાલ લેખકો – અરે કવિઓ પણ – વેપારી વૃત્તિના થઈ ગયા છે. શા ઉપરથી એમ કહ્યું હશે તે મને આ ઘડી સુધી સમજાયું નથી. દિનરાત રાતદિન જેમની નજર આગળ ધનના ગંજ ખડકાતા જાય છે, પણ જેમનું તો ઉંમર અને કદાચ દેવા, સિવાય કાંઈ જ બીજું વધ્યું નથી એવા લેખકો, એવા કવિઓ આ પ્રમાણપત્રને લાયક નીવડ્યા ક્યાંથી? ક્યાંથી આવ્યું એમનામાં એટલું બધું ડહાપણ ? ક્યાંથી થયો એકાએક આ વ્યવહારદક્ષતાનો ઉદય ? વર્ડ્ઝવર્થ બૂમ પાડતો કે બૂટની દોરી ખરીદી શકાય એટલું પણ પોતે કવિતામાંથી પામ્યો નથી. આપણા કવિઓને જો વર્ડ્ઝવર્થ રસ્તે ક્યાંક મળી જાય તો કદાચ તેઓ તેને સંભળાવે – અલ્યા ડોસા, તું તો દોરીની ચિંતામાં દૂબળો થયો ને અહીં તો બૂટમાં પણ ‘અમદાવાદી ઓલબૂટ’ (ઉઘાડા પગ) છે એ જ.

લોકોનો પણ વાંક છે? એમને એમ છે કે કવિઓને શા માટે કાંઈ પણ મળવું જોઈએ ? એ કવિતા કરે છે એમાં ખર્ચ શું ? કટકો કાગળ ને પેન્સિલનો ટુકડો. અને એવી ઉડાઉગીરી ન કરે તો પણ ન ચાલે ? આંખો મીંચીને મનમાં મનમાં ક્યાં કવિતા નથી થઈ શક્તી ? તૈયાર થઈ જાય એટલે પછી આપણી આગળ લલકારવા માંડે. ને એમાં પણ કોડીનુંય ખર્ચ નહીં. સહેલાઈથી ભૂલી જાય છે ને લોકો કહે કે આ મનમાં કવિતા ગોઠવનારાને કાંક પેટમાં તો પધરાવવું પડતું જ હશે ? અને ઊછરીને આવડો મોટો પણ એમનો એમ તો નહીં જ થઈ ગયો હોય? ના, પણ એ ક્યાં કવિઓ જેવા ભોળા છે? તંબૂર, સતાર હારમોનિયમ, તબલાં – પોતાની આજુબાજુ પૂરો ઠાઠ જમાવે છે. લોકોને પછી થાય જ ને કે આ બધું મફત ઓછું આવે છે?

આવી ઘડભાંજ મગજમાં ચાલતી હતી ને દૈનિક ‘પરોઢ’ નાં પાનાં હું ફેરવતો હતો. કાંઈ વાંચવા ઉપર મન બેસતું ન હતું. ત્યાં એકાએક નાનકડા સમાચાર પર આંખો સ્થિર થઈ ગઈ –

આ અખાત્રીજે એકલા અમદાવાદમાં જ પાંચ હજાર લગ્ન.

છેવટે ! કવિઓનું કિસ્મત જાગ્યું ખરું ! આ સમાચારમાં મને કવિઓ માટે એક ઉમદા તક દેખાઈ. આંખના પડળ ખૂલી ગયાં, વિષાદ દૂર થયો, હાથમાંથી સરી ગયેલુ ગાંડિવ ધનંજયે અંતે પાછું ઉપાડ્યું હતું તેમ મેં ‘નષ્ટો મોહો મતિર્લબ્ધા’ કહીને પડખે પડેલી પાર્કર ઉપાડી ને હિસાબ માંડ્યો. આ અમે કવિઓ કેવા તો લાપરવાહ છીએ ? આ દિવસોમાં મંગલાષ્ટક લખવા મંડી પડતા હોઈએ ને શ્લોક દીઠ એક એક રૂપિયો લઈએ તો પણ કમાણીનો સુમાર રહે ? ગણી જોયું તો આ એકલી અખાત્રીજની જ કવિઓને ૫૦૦૦ X ૮ = ૪૦,૦૦૦ રૂપિયાની ખોટ ગઈ હતી ! તે ઓછું હોય એમ બે દિવસ રહીને વાંચ્યુ કે સૂરતમાં પણ અખાત્રીજે ત્રણ હજાર લગ્ન હતાં. તો તો ગુજરાતના કવિગણને એક દિવસની જ રૂપિયા ૫૫,૦૦૦ ની ખોટ ગઈ !

કવિઓને આવી ખોટ ફરીથી ન આવે એનું શું કરવું એની તો બહુ ચિંતા જ ન હતી. આ કમબખ્ત ભેજામાં યોજનાઓની તો કદી કમી વરતાઈ જ નથી. મારે કબૂલ કરવું જોઈએ કે એ વસ્તુ કાંઈ એનો એકનો ઈજારો નથી. આપણા જમાનાનું અને આપણા દેશનુ શું એ અહોભાગ્ય કહેવાય કે આપણે ત્યાં મહાન યોજનાઓથી ફાટું ફાટું થતી આટઆટલી ખોપરીઓ છે ? જો એથી અડધા પણ માણસો એ યોજનાઓને પાર પાડવા બહાર પડે તો આ દેશમાં અને સ્વર્ગમાં કાંઈ ફરક રહે ખરો કે ? પણ ક્યાં છે એ માણસો ? ઈંગ્લૅંડ અને જાપાન ટાપુ હોઈ મહત્વ ભોગવે છે એ જાણ્યા પછી હિંદને બેટ બનાવવાની યોજના મેં ક્યારનીય ઘડી રાખી છે. બીજુ કાંઈ કરવાનું નથી, હિમાલયની ઉતર તરફ સિંધુ અને બ્રહ્મપુત્રના મૂળને વચ્ચેના થોડા માઈલોની નહેરથી જોડી દીધાં એટલે હિંદ આખોયે એક સુંદર ટાપુ બની ગયો ! હિંદની વાત જવા દઈએ, આ અમદાવાદ શહેરની વાત કરીએ. નદી ઉપર ઝૂલતા બગીચાની યોજના, અમદાવાદ ઉપર (ખુલ્લી ખુલ્લી જગ્યા ઉપર) બીજા એક માળની યોજના મારી પાસે આખી તૈયાર પડી છે. અને રસ્તાઓ ઉપર માણસો ચાલે છે એ તો આજના વિજ્ઞાનયુગમાં મારાથી જોયું જતું નથી, રસ્તો ચાલે તો જ કાંઈ આપણે કર્યું કહેવાય, માણસ શાનો ચાલે ? કોટની રાંગે રાંગે એક વર્તુલાકાર રસ્તો રચવો જોઈએ, જે આખો વખત ચાલ્યા કરે અને અમુક આંતરે આંતરે વચ્ચે લોકોને લેવા-ઉતારવા ઉભો રહે. મુંબઈમાં તો આ અખતરો કેટલો બધો સરળ થઈ શકે ?

તમે જોઈ શક્શો કે એક વાર કોઈ મંગલ ક્ષણે કમાણીના સાધન તરીકે મંગલાષ્ટક ઉપર નજર ગઈ કે પછી આખી યોજના ઘડવી એ તો મારે દુર્ઘટ હતું જ નહીં. તેમ છતાં જાહેર જનતા આગળ એવી યોજના લાવતાં પહેલાં આખું વરસ બહુ પુખ્ત વિચાર કરી જોયો છે. અને ‘ધ મંગલાષ્ટક લિમિટેડ’ ની રૂપરેખા જાહેર જનતા સમક્ષ રજૂ કરું છું.

સૂચનાપત્ર (પ્રોસ્પેક્ટસ)

‘ધ મંગલાષ્ટક લિમિટેડ’ માં હરકોઇ કવિ જોડાઇ શકશે. કવિ હોવું એ હકીકતને જ ‘શેર’ રૂપ ગણવામાં આવશે. કવિ એટલે ગુજરાતના કોઈ પણ માસિકમાં પહેલે પાને જેની એકાદ કાવ્યકૃતિ પણ ચમકી ગઇ હોય તેવી વ્યકિત. (આ ઉદ્દેશથી પ્રેરાઇને પોતે કાઢેલા માસિકમાં એ રીતે કૃતિ છપાઇ હશે તો તેનો વાંધો લેવામાં આવશે નહીં.)

‘ધ મંગલાષ્ટક લિમિટેડ’ દર લગ્નદીઠ આઠ શ્લોકનું મંગલાષ્ટક ઘડી આપશે અને ગરીબ તવંગરનો ભેદભાવ રાખ્યા વગર સૌની પાસેથી એકસરખો ભાવ – રૂ. આઠ રોકડા – લેશે. હા, વધારાના કામની વધારાની ફી નિયમ મુજબ જરૂર લેવામાં આવશે. સામાન્ય ધોરણ પ્રમાણેના મંગલાષ્ટકમાં વરવધૂનાં નામ અને તે બન્નેના માતાપિતાનાં નામ ગૂંથી આપવામાં આવશે. પણ એ ઉપરાંતનાં નામો અંદર દાખલ કરાવવાં હશે તો નામદીઠ રૂપિયો એક વધુ લેવામાં આવશે.

અહીં એક સંવાદ મારે કાને અથડાવા માંડે છે :

‘તે ભાઈ, તારી વહુનું નામ તું મંગલાષ્ટકમાં કોડે કોડે ઘલાવી આવ્યો, પણ હું ખોટની એકની એક બહેન છું તેનો રૂપિયો તને બહુ ભારે પડયો?’ – બહેન મરડમાં બોલતાં હતાં.

માજી કહેવા લાગ્યાં – ‘અમે તો ઘૈડિયાંમાં ગયાં.’

‘અમારો હવે કોણ ભાવ પૂછે ?’ – વિધવા જેઠાણીએ છીંકણીનો ઊંડો સડાકો લઇ આંખમાં ઝળઝળિયાં લાવીને કહ્યું.

‘અમે તો આટાલૂણમાં.’ નખ જેવડી દેરાણી ટહુકી.

કંટાળીને વરનો બાપ બૂમ પાડી ઊઠયો : ‘આ મંગલાષ્ટકની પણ મોકાણ ઓછી છે ! અમારાં નામ જ કઢાવી આવું છું.’

‘એથી કાંઈ બે રૂપિયા કંપનીવાળો સગલો કાપી નહીં આપે.’ વરની માએ વ્યાવયહારિક વાત કહી. ‘કાંઇ નહીં હવે, ખરચ ભેગું ખરચ.’

‘હાસ્તો, ભાઇ જેવો જોરાવર કમાનાર બેઠો છે, પછી શું ?’ બહેને અનુમોદન આપ્યું ને વરનો બાપ હાથમાં પાંચની નોટ રમાડતો આપણી કંપનીનાં પગથિયાં ચઢવા લાગ્યો…

સ્પેશયલ મંગલાષ્ટકનો પ્રકાર પણ રહેશે. વરનું આખું નામ દરેક લીટીના પહેલા અક્ષર વાંચતા મળી રહે એ રીતનાં મંગલાષ્ટકો પણ ઓર્ડરથી તૈયાર કરી આપવામાં આવશે. ફી રૂ. પચીસ, બમણા ભાવથી વરનું પહેલા અક્ષરે અને વહુનું છેલ્લા અક્ષરે નામ વંચાઈ રહે એવા મંગલાષ્ટક રચી દેવામાં આવશે.

મંગલાષ્ટકની નકલ સોંપવામાં આવશે એ જ. ગાવા માટે જો કવિઓ જ જોઈતા હોય તો એક કવિ આવીને મંગલાષ્ટક ગાઈ જવાના રૂ. દસ બીજા બેસશે. (વાહનખર્ચ વરને માથે.) એક એક શ્લોક એક એક કવિ પાસે ગવડાવવો હશે તો રૂ. પચાસ અને એક એક લીટી એક એક કવિ પાસે ગવરાવવાના રૂ. દોઢસો. (આવી માગણી એકીસાથે અનેક લગ્નમંડપો માટે આવી હશે તોપણ કંપની એવી માંગને પૂરી પડી રહેવાની ભરપૂર શ્રદ્ધા સેવે છે; કેમ કે કવિઓની સંખ્યા બાબત કંપનીનો ભારે આશાવાદ છે.)

આમજનતા માટે ખાસ અનુકૂળતા કરી આપવામાં આવશે. છેવટે તો કંપનીનું ભાવિ લગ્નસંસ્થાનાં સુભગ પરિણામો પર અવલંબતુ હોઈ, એ સંસ્થાને મદદરૂપ થવું એ એના પોતાના પણ લાભની વાત છે. લગ્નસરામાં એક મુહૂર્ત એવું રાખવામાં આવશે જ્યારે મફત મંગલાષ્ટક પૂરું પાડવામાં આવશે. એ દિવસે, ગોરજટાણે રેડિયો પરથી ગાવામાં આવે એ માટે પ્રયત્ન થશે, જેથી આખું ગુજરાત – મહાગુજરાત અને બૃહદ ગુજરાત તેનો લાભ લઈ શકે.

હવે પેટ્રન અને ડિરેક્ટરોની (ટૂંકી) યાદી આપવામાં આવે છે –

પેટ્રન :
કાવ્યકેસરી ન્હાનાલાલ દલપતરામ,
કવિદિગ્ગજ બલવંતરાય ક. ઠાકોર,
કવિશાર્દૂલ અરદેશર ફ. ખબરદાર,
કવિતાકરકંકણકૂજન લલિતજી.

ડિરેકટરો :
કવિજનમનગર્વગંજન શેષ (રા. વિ. પાઠક),
અર્થઘનકવિકુલવિદ્રાવણ મેઘાણી,
કવીનામ પ્રિયાઃ ઋતુનામ કુસુમાકર,
કવિતાલલાટચંદ્રક ચંદ્રવદન,
કવિતાકર્ણકુંડલમ્ સુંદરમ્,
કવિતામનોમંડન મનસુખલાલ ઝવેરી,
કવિતાહ્રદયરંજન કરસનદાસ માણેક,
કવિતાચલશૃંગશિરોમણિ સ્નેહરશ્મિ,
કાવ્યમેરુ બાદરાયણ,
કાવ્યામ્ભોધિબુદરવ સુંદરજી બેટાઈ,
શાયરીસમશેરબહાદુરજંગ શયદા,
કવિતાનેત્રાંજન સ્વપ્નસ્થ,
કાવ્યોકોલાહલ કોલક,
કવિજન-પદરજ ઉમાશંકર જોશી.

૧. લગ્નમંડળમાં નાસભાગ ન થાય એ ખાતર કદી પણ શ્રી બ. કા. ઠા.નું મંગલાષ્ટક આપવામાં આવશે નહીં. એટલે જાહેર પ્રજા એ બાબત નિશ્ચિંત રહે.

૨. આજીવન બ્રહ્મચર્યવ્રત લેવાનો જેમનો નિરધાર હોય તેવાં દંપતીને માટે શ્રી ન્હાનાલાલને ખાસ વિનંતી કરી મંગલાષ્ટક તૈયાર કરી આપવાનો પ્રયત્ન થશે

૩. શ્રી ખબરદારે રચેલા મંગલાષ્ટકમાં એક શરત રહેશે કે ‘વરકન્યા સાવધાન !’ ને ઠેકાણે ‘વરકન્યા ખબરદાર !’ ઉરચારવું પડશે. શ્રી લલિતજી રચિત મંગલાષ્ટક , અલબત્ત , મંજીરા જોડે ગાવાનું રહેશે.

૪. જેમને તાત્કાલિક શીઘ્ર કવિતાની પેઠે શીઘ્ર મંગલાષ્ટક જોઇતું હોય – સુધારક લગ્નોમાં ઘણી વાર ભાવિ દંપતી પાસે સપ્તપદી ફરવા પૂરતો સમય પણ હોતો નથી – તેમને માટે શીઘ્ર મંગલાષ્ટકની પણ સગવડ પૂરી પાડવામાં આવશે

૫. રજિસ્ટ્રેશનથી થતા લગ્નોમાં જુનવાણી રૂઢિને તિલાંજલિ આપવામાં આવતી હોય છે. પણ છેવતે તે પણ લગ્ન તો છે જ અને લગ્નમંગલનો ઉલ્લાસ તેમાં પણ પૂરવામાં તો આવે જ છે, તો તેવાં દંપતિ પોતાની ઈચ્છા અનુસારનું સુધારક મંગલાષ્ટક પણ ઓર્ડરથી મેળવી શક્શે. સામ્યવાદી દંપતી માટે ‘સ્તાલિન કરો મંગલ !’ ‘લેનિન કરો મંગલ !’ ‘એંગલ્સ કરો મંગલ !” ‘કાર્લ માર્ક્સ કરો મંગલ !’ – એ રીતનું મ્ંગલાષ્ટક પણ ઘણી ખુશીથી રચી આપવામાં આવશે.

૬. ઍડિટરો તરીકે શ્રી જ્યોતીન્દ્ર દવે, શ્રી ગગનવિહારી મહેતા, શ્રી મસ્તફકીર અને શ્રી બેકાર કામ કરશે.

પ્રજા આ યોજનાને સહર્ષ વધાવી લેશે એવી આશા છે.

પરિશિષ્ટ ૧ – ન કરે નારાયણ ને લગ્ન માટે અમારી કંપનીનું મંગલાષ્ટક ગવાયું હોય તો પણ સંસાર ઠીક ન ચાલે અને દરમ્યાન લગ્નવિચ્છેદનો કાયદો પસાર થઈ જતાં તેનો લાભ લેવાનો અવસર આવે તો તેને માટેનું લગ્નમંગલાષ્ટક પણ રચી આપવામાં આવશે.

પરિશિષ્ટ ૨ – એ જ પ્રમાણે પુત્રજન્માષ્ટક પણ રચી દેવામાં આવશે. જે બાળકનું પુત્રજન્માષ્ટક કંપનીએ બનાવ્યું હશે તેને આગળ ઉપર તેના મંગલાષ્ટકમાં કંપની ૨૫ ટકા કમિશન આપશે, આ પ્રવૃત્તિ કંપનીની ખાસ માનીતી રહેશે.

પરિશિષ્ટ ૩ – વિરહાષ્ટકની પણ સવડ રહેશે… લગ્ન પછી વિચ્છેદ કે વિરહ કશાનો લાભ ન પામી શકે તેવાઓ માટે ખડાષ્ટક, બખેડાષ્ટક, અખાડાષ્ટક, આંખ આડા કાનાષ્ટક ઈત્યાદિ વિવિધ પ્રકારના અષ્ટકો પણ તૈયાર કરી આપવામાં આવશે. આ બાબતમાં પત્રવ્યવહારને ઉત્તેજન આપવામાં નહીં આવે. કંપનીની ઓફિસે આવી રૂબરૂ વાતચીતથી પોતાનો કેસ રજૂ કરવાનો રહેશે.

જેઓની મંગલાષ્ટકની સોનેરી તક આગળ મુશ્કેલીઓ મૂકાતી જતી હોય તેમને પણ પ્રણય, અનુનય, પ્રશ્રયનાં પત્રવ્યવહારનાં અષ્ટકો રચી દેવામાં આવશે. મળો રૂબરૂ.

પરિશિષ્ટ ૪ – ઉપરના પરિશિટ ત્રીજા પ્રમાણેની ઓફિસમાં ઘરભંગ અને હ્રદયભંગ આત્માઓ સાથે થતો વાર્તાલાપ પૂરેપૂરો સાંભળી શકાય એ રીતે પાર્ટિશનની બીજી બાજુ ગુજરાતના ભાવિ નવલકથાકારો, નવલિકાકારો માટે તાલીમવર્ગ ચલાવવામાં આવશે. અલબત્ત, એની પન ફી લેવામાં આવશે જ.

પણ હાલ પૂરતું તો પ્રજા અને આખી કવિતાઆલમ મંગલાષ્ટકના કાર્યક્ષેત્ર પૂરતો પણ રસ લે અને ‘ધ મંગલાષ્ટક લિમિટેડ’ ને સંપૂર્ણ સફળતા અપાવે એવી આશા રાખીએ.

– ઉમાશંકર જોશી (એપ્રિલ ૧૯૪૪)

ઉમાશંકર ગાંધીયુગના પ્રમુખ કવિ, પણ આ કવિઓની પ્રવૃત્તિ કેવળ કાવ્ય પૂરતી સીમિત ન રહી. ગદ્યને પણ એમણે આરાધ્યું. તેમનામાં કવિ અને ચિંતક જોડાજોડ છે, એનું અજોડ પરિણામ એમના નિબંધમાં પ્રગટ્યું છે. તેમની કલમમાં હળવું હાસ્ય પણ છે પણ એ હળવા હળવા હાસ્યને ક્યારે હાસ્યની છોળો બનાવી મનને ભીંજવી દે એ વાચકને સમજાય એ પહેલા તો રસતરબોળ થઈને તે કૃતિ સાથે એકરસ થઈ જાય છે. ધ મંગલાષ્ટક લિમિટેડ તેમની એવી જ એક અનોખી રચના છે. કવિઓ પર મંગલાષ્ટક રચવાની ને એ રીતે આજીવિકા માટેની નવી વ્યવસ્થા ઉભી કરવાની સમગ્ર વાતને એટલી તો હળવાશથી તેઓ મૂકે છે કે આ અનોખો હાસ્ય-નિબંધ એક અજોડ વાંચન બની રહે છે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ધ મંગલાષ્ટક લિમિટેડ – ઉમાશંકર જોશી

  • Govind Maru

    શ્રી જીગ્નેશભાઈ,

    લેખક, પત્રકાર અને મીત્ર શ્રી દીનેશભાઈ પંચાલને મંગલાષ્ટકના આઠ શ્લોક અને તેનું ભાષાંતરની જરુર છે. નેટ ઉપરથી મેળવવાના મારા પ્રયાસમાં ‘ગુગલ’માં સર્ચ કરતા આપની આ પોસ્ટ ઉપર આવી ગયો… આ અંગે આપ મદદ કરવા વીનંતી છે.

  • શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

    સ્નેહી શ્રી,
    મજા પડી.
    આપશ્રી જ્યારે ઉમાશંકરભાઈને મળો ત્યારે મારા અભિનંદન પહોંચાડજો.(ખોટુ ન લગાડતા)ઉતાવળ નથી.
    તમારા પહેલાં હું મળીશ તો હું હર્ષ વ્યક્ત કરીશ.
    અત્યારે સ્વર્ગમાં ક્યાં વસે છે તે જરા શોધી કાઢવું પડશે.ત્યાં કદાચ આ બધા કવિઓને મંગલાષ્ટક સંભળાવતા હશે.
    બાકી મજો પડ્યો.

  • ભાવિન સંગોઇ

    તમે આ બ્લોગ દ્વારા ગુજરાતી સાહિત્ય ઓનલાઈન ઉપલબ્ધ કરવો છો એ ખુબજ સ્તુત્ય પ્રયાસ છે. આ રીતે જૂની ગુજરાતી સાહિત્યિક રચનાઓને પુનર્જીવન પણ મળે છે અને ઘર બેઠા સરસ વાંચન પણ મળે છે. એ માટે ખુબ ખુબ આભાર.