દેશ માટે બળતરા અને ચચરાટ… – પ્રવીણ ઠક્કર 6


“ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે.”

પણ તો ય

બળતરા ને ચચરાટ આ હૃદયે,

શૂળ ભોંકાય છે હૃદયે,

કવિવર રવિન્દ્રનાથ ટાગોરે ઇશ્વરને સંબોધીને પ્રાર્થના કરી છે. પ્રાર્થના કોઇ અંગત સ્વાર્થ માટેની નથી. ભારત દેશ કેવો હોવો જોઇએ; તે માટે તેમના મનમાં એક ચિત્ર છે, દેશ માટે દિલમાં અરમાન છે. દેશ માટે ગૌરવ હોવાની વાત છે. પોતાનો દેશ પોતાને ગમે તેવો તો હોવો જોઇને? માતૃભૂમિ પ્રત્યેના અનેરા પ્રેમે કરીને આ મહર્ષિએ ઇશ્વર સમક્ષ માંગણી કરી છે. દેશ વિશે કવિવરને જે અપેક્ષા છે; તેની પ્રાર્થના પ્રયોજીને મહર્ષિએ ઇશ્વરને તે સંભળાવી છે. દુનિયાએ તે પ્રાર્થનાને કવિતા તરીકે ઓળખી છે. તેમના અરમાન અને અપેક્ષાઓ –

 • આપણા દેશમાં ક્યાંય ભયનું સામ્રાજ્ય ના હોય,
 • ભારતીયોનું શિર હંમેશા ઉન્નત રહે.
 • ભારતની ભૂમિના નાના ટુકડાઓ કોઇએ કરી નાંખ્યા ન હોય.
 • આ દેશના લોકોની વાણી સીધી હૃદયરૂપી શાંત અને શીતળ ઝરણામાંથી આવે.
 • આ દેશના લોકોના વિચારરૂપી ઝરણાને કદી પણ તુચ્છ આચારની મરુ રેતી ચૂસી શકે નહી.- હીન આચરણ ના હો.
 • દેશના લોકોનો કર્મપ્રવાહ સફળતા ભણી વહે.
 • પૌરૂષત્વ છિન્નભિન્ન થાય નહી.
 • ઇશ્વર જ જ્યાં કર્મ અને વિચારનો અગ્રણી હોય તેવા સ્વતંત્ર અને સ્વર્ગસમા આ દેશને,
 • હે પરમેશ્વર, જરૂર પડ્યે તારા પોતાના નિર્દય હાથે આઘાત કરીને
 • આ દેશને જાગ્રત કરો.

આ રહ્યું રવીન્દ્રનાથ ટાગોરના હૃદયમાંથી નીકળીને કલ કલ વહેતુ તે શબ્દ ઝરણુ, ગુજરાતી અનુવાદ નગીનદાસ પારેખે કરેલો છે.

“ચિત્ત જ્યાં ભયશૂન્ય છે,

શિર જ્યાં ઉન્નત રહે છે,

ઘરઘરના વાડાઓએ જ્યાં રાતદિવસ

વસુધાના નાના નાના ટુકડા કરી મૂક્યા નથી.

વાણી જ્યાં સીધી હૃદયના ઝરણામાંથી વહે છે

કર્મનો પ્રવાહ જ્યાં દિશાએ દિશાએ

અસસ્રપણે સફળતા ભણી ધસે છે,

તુચ્છ આચારની મરુ-રેતી,

જ્યાં વિચારના ઝરણાને ચૂસી લેતી નથી,

પૌરુષને શતધા છિન્નભિન્ન કરી નાખતી નથી,

તું જ્યાં સકલ કર્મ અને વિચારનો અગ્રણી છેઃ

તે સ્વાંત્ર્ય-સ્વર્ગમાં, હે પિતા,

તારે પોતાને હાથે નિર્દય આઘાત કરીને,

ભારતને જાગ્રત કર.

-રવીન્દ્રનાથ ટાગોર

ક્યાં આ આશા અને સોનેરી સ્વપ્ન !! પરંતુ આજે વાસ્તવિક સ્થિતિ આ મુજબ છે.

બીગ બોસ, રાખીકા ઇન્સાફ અને ઇમોશનલ અત્યાચારના ટી.વી. કાર્યક્રમોમાં દેશ ફસાઇ ગયો છે. આવા કાર્યક્રમો કયા સમયે દર્શાવવા તેની ચિંતામાં અને નિર્ણયમાં સત્તાવાળાઓ મથામણમાં છે. બીજાઓને ઇન્સાફ અપાવવાના કાર્યક્રમો ચલાવનારી ચેનલો હવે પોતે જ કોર્ટના ચક્કરો કાપે છે ! મુક્ત અભિવ્યક્તિની ભારતના બંધારણે આ દેશના નાગરિકોને આપેલી સમાન તક તેમની ચેનલ પાસેથી છીનવાઇ જશે તો? તેઓ ન્યાયાલયને હવાલે છે !

વિવાદવાળો આ કાર્યક્રમ અમુક તારીખ સુધી પ્રાઇમ ટાઇમે રાત્રિના નવ વાગ્યે જ દર્શાવવાના જંગમાં ચેનલોને આંશિક સફળતા મળે છે. એ આજની નક્કર વાસ્તવિક્તા છે!! આ દેશમાં બધાએ ચિંતા કરી અને રા‘ડા રા‘ડ કરી કે, આવા કાર્યક્રમોથી સંસ્કૃતિનું નિકંદન નીકળી જશે – નવી પેઢીમાં બહુ ખરાબ સંસ્કારો પડશે. સત્તામાં અને નિર્ણાયક ભૂમિકામાં બેઠેલાઓએ (અલબત્ત જૂની પેઢી જ) આ કાર્યક્રમ મોંડી રાત્રે બતાવવાલાયક અને એડલ્ટસ માટે છે એવા નિર્દેશ સાથે કાર્યક્રમ બતાવવો જોઇએ એવા નિર્દેશો આપ્યા. ૫ણ હમણાં અમુક દિવસો સુધી આ કાર્યક્રમો પ્રાઇમ ટાઇમે રાત્રે નવ વાગ્યે બતાવવાથી મુશ્કેલી નહીં થાય !! અમુક તારીખ પછી બરાબર છે. મોંડી રાત્રે શો બતાવવાનો !

ત્રીસેક વર્ષ પહેલાં આ દેશમાં અનાજની અછત હતી. અમેરીકાથી પી.એલ. ૪૮૦ ના ઘઉં આયાત કરવામાં આવતા. આ ઘઉં ખાવાલાયક છે કે કેમ તેના પ્રશ્નો ઉઠાવીને આખા દેશમાં હોબાળો થતો. હવે અનાજની સમસ્યા રહી નથી. આપણો દેશ સમૃધ્ધ થઇ રહ્યો છે એમ ઓબામા પણ અમેરીકાથી આવીને સતત ત્રણ ત્રણ દિવસ સુધી કહી ગયા.

ધીમી ગતિનો ભારે અને ગંભીર અવાજ અને બેકગ્રાઉન્ડ મ્યુઝીક સાથે ન્યુઝ ચેનલોએ એક સમાચાર પુનરાવર્તીત રીતે પ્રસાર કરીને કાગારોળ મચાવેલો કે, સફેદ બમ આ રહા હૈ. જેઓ ટીવીનો અવાજ સાંભળી શકતા હોય પણ દૂર હોવાથી ટીવી સ્ક્રીન જોઇ શકતા ના હોય તેમને તો પહેલો એ વિચાર આવે કે, આતંકવાદીઓએ કરેલા કોઇક બોમ્બમારાના સમાચાર આવતા લાગે છે… આ સફેદ બમ વળી શું હશે ધીમી ગતિના ભારે અવાજથી પ્રેરાઇને દર્શક જિજ્ઞાસાવૃત્તિ સાથે ટીવી પાસે જાય ત્યાં તો તે દર્શકના મનમાંનો આતંકવાદનો વિચાર ક્યારે અસ્ત થઇ ગયો તે દર્શક ભૂલી જાય !! બસ ટીવી જે બતાવે તે જોયા કરો, તેના પ્રવાહ સાથે વહ્યા કરો.

બીજી એક ચેનલના કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ વ્યક્તિને રીયાલીટી શો ની મહિલા એંકર નાટ્યાત્મક ગુસ્સાના ભાવ સાથે ‘નામર્દ’ નું સંબોધન કરે જેને કારણે કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ તે વ્યક્તિનું પાછળથી આવા અપમાનજનક સંબોધનના આઘાતથી મોત થયું હોવાની પોલીસ ફરીયાદ થઇ છે. તેમ છતાં આ રીયાલીટી શો એ જ મહિલા એન્કર દ્વારા એવા નખરાઓ સાથે ચાલુ રહે!! ક્યાં કવિવરની કલ્પના ‘વાણી જ્યાં સીધી હૃદયના ઝરણામાંથી વહે છે, જ્યાં વિચારના ઝરણાને ચૂસી લેતી નથી.પૌરુષને શતધા છિન્નભિન્ન કરી નાખતી નથી’ અને આજના ભારતની વાસ્તવિક દશા !

રીયાલીટી શોની ટીકા કરવા આ અંગેની ચર્ચાને ન્યુઝ ચેનલો ચકડોળે ચઢાવે. પેલી મહિલા એંકરના જીવનના બીજા કૃત્યોને જોર-શોરથી ન્યૂઝ ચેનલો દ્વારા ઉજાગર કરવામાં આવે. વિવાદાસ્પદ એ કાર્યક્રમની અડધા કપડાં પહેરેલી તે મહિલા એક પુરૂષને સવાલ પૂછે છે; ‘તુમ કહાં દેખ રહે હો તુમ્હારા પૂરા સેટીંગ બિગાડ દૂંગી’ ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે આવી ગૌરવભરી પ્રાર્થના જે દેશ માટે મહર્ષિએ કરી છે, તે દેશનું આજે કેવું ચારિત્ર્ય ઉપસી રહ્યું છે ?

એક ટીવી ચેનલ અભદ્ર અને અશ્લીલ કાર્યક્રમ ચલાવે છે તેની ચર્ચા ન્યુઝ ચેનલો સવાલવાળા પ્રોગ્રામનો પ્રોમો પ૦-૫૦ વખત બતાવીને ચર્ચા કરે. ન્યુઝ ચેનલો તેનો વિશેષ કાર્યક્રમ તાબડતોબ તૈયાર કરીને, અગ્રણીઓને હાજર રાખીને લાઇવ પ્રસારણ જ શરૂ કરી દે. એક ચેનલના કાર્યક્રમમાં પીરસાતી નગ્નતાની ટીકા કરવા એની એ જ નગ્નતા યથાવત સ્વરૂપે વારંવાર દેખાડતા દેખાડતા જ તેની ટીકા કરવાની. નાના બાળકને અપશબ્દ કે ગાળની ખબર ના પડતી હોય અને જે રીતે બાળક એવો અપશબ્દ સાંભળીને બિન્દાસ રીતે તે શબ્દો થયાવત બોલીને કોઇએ શું કહ્યુ હતું, તેની વાત કરે, અસ્સલ એ જ અંદાઝમાં ન્યુઝ ચેનલો ૨૫-પ૦ વખત સવાલવાળા શોનો પ્રોમો બતાવીને તેની આલોચના કરે. અલબત્ત આવી ન્યુઝ ચેનલો એ અબુધ બાળકો તો નથી જ !! ટી.આર.પી. વધારવાની હોડમાં કોઇ બાકાત નથી. ગુરુદત્તની ફિલ્મનું એક ગીત યાદ આવી જાય જવા જિસ્મ સજતે બાઝાર બનકર, તુમ્હારી યે દુનિયા હૈ, તુમ્હી સંભાલો, જલા દો, યે દુનિયા.

આ દેશમાં હવે પીએલ ૪૮૦ ના ઘઉં આયાત નથી કરવા પડતા પણ ટીવી ચેનલના માધ્યમ થકી આ દેશમાં અમેરીકાથી પામેલા એન્ડરસનની નગ્નતાને આયાત કરવામાં આવે છે. પડોશી દેશ સાથે ભલે દુશ્મનીનો નાતો હોયઆપણાં ગૌરવને છિન્ન ભિન્ન કરી નાંખવા તે દેશ આતંકી ગતિવિધિઓ કરે છે માટે તેવા દેશ સાથે ભારતને કોઇ સંબંધ હોઇ ના શકે; તેવા લેખો લખી લખીને છાપાના પાને પાના ભરી નાંખવામાં આવે, અને બીજી બાજુ સંસ્કૃતિ (!) ના આદાન પ્રદાન રૂપે તે દેશની વીણા મલિક નામની નટીની બેશરમીને આયાત કરવામાં આ દેશને કોઇ વાંધો નથી. આજે આવા ટીવી કાર્યક્રમોમાં આ દેશ ફસાતો જાય છે. પરદેશથી આયાત કરેલી હીરોઇનને કેટલા દિવસના કેટલા કરોડ
મળશે, તે પણ ટીવી પર સમાચારમાં હોય!! આ દેશમાં હવે શાના મૂલ થાય છે; અને તેના મૂલ કેટલા મોંઘેરા છે,તેની નવી પેઢીને (જુની પેઢી કેવી રીતે બાકાત હોય !) સમઝણ પાડવાના ડીસ્ટન્સ લર્નીંગના કાર્યક્રમો હિન્દુસ્તાનના ટી.વી. શોમાં આવી રહ્યા છે. સંદેશાવ્યવહાર અને માહિતી પ્રસારણમાં આ દેશે ઘણી પ્રગતિ કરી છે!

ભ્રષ્ટ્રાચારતો હોય જ ! ભ્રષ્ટ્રાચાર હોઇ ના શકે એવી અપેક્ષા રાખાનારને કે તેવી વાત કરનારને સાવ મૂરખ માનવામાં આવે, એટલી હદે વાત આગળ વધી ગઇ છે. ૬૪ કરોડનું બોફોર્સ કૌભાંડ બહુ મોટુ ગણાતુ હતુ. પછી તો જે જે કૌભાંડો આવ્યા તે આગળના કૌભાંડનો રેકોર્ડ બ્રેક કરતા ગયા. ભ્રષ્ટ્રાચારના એક પછી એક નવા નવા એપીસોડ આવતા જ રહ્યા ફટાફટ ખબરેં ની જેમ. તેલગીનું સ્ટેમ્પ કૌભાંડ ઘણાં રાજ્યોમાં પથરાયેલું હતુ. તેલગીને સજા થઇ કે કેમ; અને કેટલી સજા થઇ; તેની બહુ વાત સમાચારવાળા બહાર લાવતા નથી. કારણ કે, નવા નવા કૌભાંડો થયા કરે એટલે નવા નવા સમાચાર આપવામાંથી ટીવી ચેનલો નવરી પડતી નથી.

શાસક પક્ષ ઉપર ભ્રષ્ટ્રાચારના આક્ષેપો. વિરોધ પક્ષ ઉપર પણ એવા જ આરોપો. વિરોધ પક્ષો શાસક પક્ષને અને શાસક પક્ષ વિરોધ પક્ષને એમ અરસ-પરસ એક-બીજાને હંફાવવા આ જ આરોપો કર્યા કરે. પોતાનો ભ્રષ્ટ્રાચાર છાવરવા અને ટાળવા સામેવાળાનો ભ્રષ્ટ્રાચાર ચગાવવાનો. બંને એક-બીજાને બીવડાવે. બે વાંદરા એક-બીજા સામે દાંતિયા કરે તેમ !

આ દેશે ઘણો વિકાસ અને પ્રગતિ કર્યા છે અને દેશ આગળ આવી રહ્યો છે – એમ ઓબામા શાના આધારે કહી ગયા; તે વિચારવા જેવો પ્રશ્ન છે. આ દેશમાં નેતાઓ અને વેપારીઓએ પેદા કરેલા કાળા નાણાંને પરદેશની બેંકોમાં મુકવામાં આવેલી માતબાર અને અ-સાધારણ મોટી રકમો પરથી ઓબામાએ આમ કહ્યુ હશે? જે દેશ એક સરકારી ખાતાની એક જ યોજનામાં પોણા બે લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટ્રાચારમાં ફસાઇ જઇ શકતો હોય તો તે દેશની કલ્યાણકારી સરકારી બીજી યોજનાઓ કેવડી મોટી રહેતી હશે !! તેના પરથી ઓબામાએ કહ્યું હશે ? પડોશી દેશ તરફથી થતા આઘાતજનક હુમલાઓ પરત્વે (અ-સાધારણ સહિષ્ણુતા દાખવીને !!) પર થઇને વિકાસમાં રચ્યા-પચ્યા રહેવાની આપણી આગવી સૂઝને કારણે કહ્યું હશે? જો કે ઓબામા આપણને શસ્ત્રો વેચવા આવ્યા હતા ત્યાં સુધી ઠીક છે, જે દિ બંગડીઓ..

ભ્રષ્ટ્રાચારમાં સપડાયા પછી પણ હોદ્દો અને પદ છોડવાની ધરાર ના પાડી દે તેવા નેતાઓ પડ્યા છે. ગમે તેવા વિરોધી પૂર સામે પણ લઢી લેવા માટેના લોખંડી મનોબળ ધરાવતા નેતાઓ આ દેશમાં ઉપલબ્ધ છે તેથી આપણે સમજવું જોઇશે કે, આ દેશમાં પહેલાં તો એક જ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ હતા. હવે તો ઘણાં પાકતા જાય છે. કોઇનો ય ડર નહીં. ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે.

મેડીકલ કોલેજો ખોલવામાં ભ્રષ્ટ્રાચાર આચરનારાઓને બીજા હોદ્દાઓ પર પહોંચતા કોઇ રોકી શકતું નથી. આવાઓને કેવી રીતે નાથવા, તે ચિંતા છે. આવા લોકો બીજા હોદ્દા લઇ લેશે, તેમને રોકો !! આવો કાગારોળ છે. કેવા લોકો છે આ? કોઇ શરમ જ નહીં. અને સત્તાવાળા? તેમના હાથપગ કેમ ટૂંકા પડે છે? આવું કેવી રીતે બની શકે?ભ્રષ્ટ્રાચારના ક્ષેત્રોમાં પણ આ દેશે એટલી મોટી હરણફાળ ભરી છે કે, જેઓ મગજની સીમાઓ વિસ્તાર્યા વગર તેના વિષે વિચારે તો કંઇ સમજાય જ નહી. નાનું મગજ તો શું મોટુ મગજ ય નાનું પડે !

શહેર શહેરમાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટ થાય. તેને નાથવા લશ્કરને શહેરોમાં વારંવાર બોલાવવું પડે. પડોશી દેશના આતંકીઓ ઇચ્છા થાય ત્યારે અહીં ધડાકા કરવા આવે. જાણે કે ભાણિયો કસાબ મામાને ઘેર દીવાળી કરવા આવ્યો હોય. ભાણિયો જાણે ફટાકડા ફોડે છે. ભાણિયો બહુ તોફાન કરે તો ય મામા ચલાવી લે.. ભાણિયાને સાચવીને-સંભાળીને રાખે આ ભારત !

ભારત દેશની બોર્ડર ક્યાં ગાંધીનગરના અક્ષરધામની બાજુમાં? મુંબઇમાં ગેઇટવે ઓફ ઇન્ડિયા પર? હોટેલ તાજ ખાતે? અમદાવાદની ગલીઓમાં? દેશનું ગૌરવ ક્યાં? ગરીમા ક્યાં? આવી ઘટનાઓ બન્યાં પછી શરમજનક !! શરમજનક !! ના પોકારો જ કરવાના? પછી શું? સવાર પડે ને છાપા-ટીવીના એવા ને એવા સમાચારો સાંભળીને આ દેશના નાગરિકોનું ખિન્ન થવાનું જ ભાગ્ય છે? કોઇ આનંદ આપે એવી ઘટનાઓ કેમ બનતી નથી?

રવીન્દ્રનાથ ટાગોરે આ દેશ માટે કેવી ઉન્નતિની પ્રાર્થના યોજી હતી તેનું શું ? ધારો કે, આજે કવિવર હયાત હોત તો, આ દેશ માટે તેમણે આજે કેવા ગીતો રચ્યા હોત ? આશાભરી પ્રાર્થનાના કે ખિન્નતાના? સાંપ્રત સમયની ઘટનાઓ જોતાં દેશ માટે આશાનું કિરણ ક્યારે દેખાશે? આપણું ગૌરવ ક્યારે જળવાશે?

દિશા લગીરે સૂઝતી નથી.

સીરીયલ બ્લાસ્ટના લીસ્ટમાં,

સામેલ શહેરોનો મારો આ દેશ,

ક્યાં છે, અત્યાચારની સીમા ?

ક્યાં છે આ દેશની સીમા ?

આ જવાનો તૈનાત કેમ, ગેઇટ વે ઓફ ઇન્ડિયા પર?

અમદાવાદની ગલીઓમાં ઘૂમતી, સશસ્ત્ર આ ફોજ ?

શરમનું કે બહાદુરીનું ? શાનું આ પ્રદર્શન ?

‘અક્ષરધામ’ !!  તે મંદિર કે સમારાંગણ ?

ક્યાં છે સીમા, આ તે કેવી ઉલઝન ?

બળતરા ને ચચરાટ આ હૃદયે,

શૂળ ભોંકાય છે હૃદયે,

દિશા લગીરે સૂઝતી નથી.

જૂના ઘાની કળ વળી ના વળી,

તો ય એ ઘાની પરવા નથી,

ભ્રષ્ટ્રાચારના નવા ઘા ઝીંકાય છે,

નવો ને ઉંડો હરેક ઘા, અસહ્ય જણાય છે,

હર નવો ઘા જૂનાને ભૂલાવે છે,

તે જૂનાને નાનો કહાવે છે,

૬૪ કરોડના બોફોર્સથી પ્રગતિ પામી,

ઘાસચારા, સ્ટેમ્પ અને સીક્યોરીટી….

કઇંક સ્કેમ થકી વિસ્તરી,

પહોંચ્યો જુમલો પોણા બે લાખ કરોડે,

રાજા રહ્યા કે રાજા ના રહ્યા,

તો ય, ગરીબ મારો આ દેશ બિચારો…!

બળતરા ને ચચરાટ આ હૃદયે,

શૂળ ભોંકાય છે હૃદયે,

દિશા લગીરે સૂઝતી નથી.

માહિતીના પ્રસારમાં નથી પાછળ આ દેશ,

સેટેલાઇટનો ઉપયોગ ને,  ટીવી ચેનલોની ભરમાર,

બસ, એ જ પ્રગતિ પામ્યો ભારત !!

વધારે નહીં !!  એક વાર જ પ્રસારેલી,

એક ચેનલની નગ્નતા ઉજાગર કરવા –

બાકીની બધી મેદાને આવે છે,

એક વખતની નગ્તાને આલોચી પચાસ વાર,

ટીઆરપી માં નામ નોંધાવવા બાકીની ચાળે ચઢે છે,

સંસ્કૃતિના નિકંદનની આ હોડ,

ટીવી ચેનલોના યુદ્ધનું આ સમરાંગણ,

અનાજની તંગીના જમાનામાં આયાત કરેલા,

પી.એલ. ૪૮૦ ના ઘઉં ની વાત જવા દો,

હવે તો બેશરમી પણ આયાત થાય છે,

બોસ, અહીં ઇન્સાફનો જવાબ આમ થાય છે..

બળતરા ને ચચરાટ આ હૃદયે,

શૂળ ભોંકાય છે હૃદયે,

દિશા લગીરે સૂઝતી નથી.

ગૌરવગાથા તો જવા દો,

આત્મસન્માન પણ જળવાતું નથી,

દેશાભિમાન ને દેશદાઝ જવા દો,

સીમાઓ ઉપર પડોશી ઘા ઝીંકે છે,

કોનો આ દેશ ? છે અમારો જ આ દેશ,

પણ, એમ કોઇને કેમ લાગતું નથી ?

કેમ કોઇ લાજતુ નથી?

ધારો, કવીવર ટાગોર હયાત હોત,

આ હિન્દુસ્તાનના ગીત કેવા લખ્યા હોત ??

સ્વપ્નાઓ ચકનાચૂર થયાં હોત,

ને – શું તેઓ ભાંગી પડ્યા ના હોત ??

વ્યથિત એ થયા હોત, એ શોધતા હોત,

કઇ કલમે આમ લખાયું હતું ?

ક્યાં ગઇ એ કલમ, ક્યાં ગયા એ સ્વપ્ન?

‘‘ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે,

વાણી જ્યાં સીધી હૃદયના ઝરણામાંથી વહે છે…’’

….‘‘ભારતને જાગ્રત કર.’’

બળતરા ને ચચરાટ આ હૃદયે,

શૂળ ભોંકાય છે હૃદયે,

દિશા લગીરે સૂઝતી નથી.

– પી. યુ. ઠક્કર


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “દેશ માટે બળતરા અને ચચરાટ… – પ્રવીણ ઠક્કર

 • Kedarsinhji M Jadeja

  મહાન દેશ

  દેશ મહાન હમારા યારોં, દેશ મહાન હમારા…

  આગ લગી હે બર્ફ કે અંદર, સુલગ રહા હે હિમાલા
  પાક પડોશી નાપાક ઇરાદે, કરતાં ખેલ નિરાલા
  ખૂરચ રહા સર માતૃભૂમિ કા, લેકે હાથ હમારા…ફિરભી…-૧

  કૌન હે હિંદુ કૌન હે મુસ્લિમ, કૌન હે શીખ ઈસાઈ
  જન્મ લિયાથા જબ માનવ ને, કૌન થી જાત દીખાઇ
  આજ લગાહે લહુ બાંટને, લેકે જૂઠ સહારા… ફીરભી…-૨

  નાચા માનવ આજ તલક તો, હાથ થી રામ કે ડોરી
  આજ રામ કો લગા નચાને, ખેલ અવધ મેં હોલી
  અગન ઉઠીહે ઘટ ઘટ મેં અબ, બનતા કૌન ફૌવારા….ફીરભી…-૩

  દશો દિશા મેં લૌ લગીહે, નાચત લપટહે જાકી
  ગરીબ ઘર કા જલા ના ચૂલા, એક જગહ હે બાકી
  શકલ જગત ફિર શાંતિ આકે, લેતી જહાં સહારા…ફીરભી…-૪

  કૌન હે નેતા કૌન પ્રનેતા, કૌન બનાહે નાયક
  સબ કુરસીકા ખેલ બનાહે, કૌન રહા હે લાયક
  અબ “કેદાર” કી એકહી આશા, કર ઉદ્ધાર કિરતારા…ફિરભી…-૫

  સાર- ભારતના રખોપા કરી રહેલા અણનમ સંત્રી એવા હિમાલય પર આપણા જવાનો અવિરત ચાંપતી નજર રાખેછે, છતાં આપણા નાપાક પડોશી પોતાના દેશનું નામ “પાક” હોવા છતાં નાપાક કામ કરીને પોતાના દેશના નામ ને વગોવેછે. અને આપણાં અમુક દેશદ્રોહી લોકોને ભરમાવીને ભારત માતાના રૂપેરી મુકુટ ધારી સર સમાન હિમાલયને જંગલી ઉંદરની જેમ કોતરી રહ્યા છે.-૧

  આજે માનવી નાત જાતના ઝગડામાં એક બીજાનો દુશ્મન બનતો જાય છે, પણ આ એક નિમ્ન કક્ષાના લોકોનું સમજી વિચારીને કરેલું ષડ્યંત્ર છે, જેથી આપણે અંદર અંદર ઝગડીને આપણાં ભાઈઓની સાથે દુશ્મની કરી લઈએ છીંએ. જ્યારે કોઈ બાળકનો જન્મ થાય અને તેને એક બાજુ રાખીને કોઇ પણ નિષ્ણાત પંડિત મૌલા કે વિજ્ઞાનિકને બતાવો તો તેની જાતી નક્કી કરી શકાશે? ના, કારણ કે કુદરતે તો તેને માનવ બનાવ્યો છે, સ્વાર્થી, કાળા કામ કરનારા માનવ જાતના દુશ્મનોએજ આ વાડા ઉભા કરીને ઝગડા ઉભા કાર્યાછે, અને ભાઈ ભાઈને લડાવ્યા કરીને પોતાનો સ્વાર્થ સાધતા રહેછે.-૨

  યુગો યુગોથી દરેક જીવ ઈશ્વરે બનાવેલા કાયદા નું ચુસ્ત પણે પાલન કરતો રહ્યોછે, રાવણ જેવો રાવણ રાક્ષસ હોવા છતાં પણ અમુક મર્યાદાથી આગળ વધતો ન હતો તે આપણે જાણીએ છીએ, પણ આજના અમુક લોકો રાક્ષસ શબ્દને પણ લાંછન અપાવે તેવા કાર્યો કરેછે. અયોધ્યા ના રામ મંદિર ને મુદ્દો બનાવીને કેટ કેટલા લોકો પોતાનો રોટલો શેકવા લાગ્યાછે, આજે ભાગ્યેજ કોઈ એવો સેવાભાવી માનવ દેખાયછે અને શાંતિનો પ્રયાસ કરેછે, છતાં આવા લોકોને પછાડવાનો અને બનેતો રામ ભક્તને રામ શરણ પહોંચાડવાનો કારસો આવા નિમ્ન કક્ષાના લોકો કરતા પાછા પડતા નથી,એથી પણ શરમ ની વાત તો એ છેકે આમાં ઘણીવાર કોઈ એવા લોકો સંડોવાયા હોય છે જેની કલ્પના કરવી મુશ્કેલ હોયછે.-૩

  આજે આપણે જોઈએં છીએ કે કેવા કેવા અધમ કામ આજે અધમ લોકો કરી રહ્યાછે, સંસદ પર હુમલો, અક્ષર ધામ પર બ્લાસ્ટ, કારગીલ યુદ્ધ, અરે આ લોકોએ તો બુદ્ધ ભગવાનને પણ છોડ્યા નથી, શું શું લખું? લાગેછે સમગ્ર ભારત માં આજે શાંત જગ્યા માટે સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા શોધ કરવી પડે. હા, એક જગ્યા હજુ જરૂર બાકી છે, જ્યાં શાંતિ દેવી આરામથી પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યાછે, અને તે જગ્યા છે ગરીબ લોકોના ઘરનો ચૂલો, કે જ્યાં અન્નના અભાવે આગ પેટાવવાની જરૂરત પડતી નથી.-૪

  આજે આપણે જેને આપણો પવિત્ર મત આપીને દેશની ધુરા તેના હાથમાં સોંપીએ છીએ તેમાંનાજ લોકો અધમ કાર્ય કરીને આપણી મા ભારતીને અભડાવતા હોય તો બીજા પાસે શી અપેક્ષા રાખી શકાય? મોટા ભાગે રાજ નેતાઓ ફક્ત સત્તા મેળવીને પોતાનો સ્વાર્થ સાધવા માટેજ રાજ કારણમાં આવેછે અને સાચી રાજનીતિ નું કારજ કરીને પોતાના ઘર (ઘર તો આમના માટે નાનો શબ્દ કહેવાય) ગોદામો ભરેછે, અને જે થોડા ઘણા ઈમાનદાર લોકો છે તેમને કાંતો દબાવી દેવામાં આવેછે અથવાતો તેમને આંખ આડા કાન કરવા મજબૂર કરી દેવામાં આવેછે.

  હવેતો પ્રભુ એકજ અરજ છે કે આપજ કંઈક કરો બાકી અમારા ચપટીભર ઈમાનદાર લોકોથી આ આગ શાંત થાય એમ લાગતું નથી.-૫.

  તા.ક. ભજનો અને ગરબા લખતાં લખતાં ક્યારેક મા ભોમની અવદશા જોઇને મૂળ રસ્તો ચાતરી જવાય છે, અને કેમ ન આવું થાય? મારી મા ભોમ માટે અનેક લોકો શહીદ થઈ ગયાછે, હું મારા અંતર ને તો બાળી શકુંને?
  જય ભગવાન.

 • Dipak Patel

  kharekhar …..
  khub j vichar purna lekh
  abhinandan ……
  mara mat mujab aa lekh ni piblish karvo joie jethi vastvikta no kyal smagra desh ne ave ..ane kadach….kadach…aa desh pachho MAHAN bane ……………….
  jay hind jay bharat

 • Ramesh Patel

  આજની વિકટ પરિસ્થિતિ માટે પ્રજા જાગૃતિનો અભાવ કે
  તમાશા દેખ્યા કરવાની વૃતિ …પતન ભણી જ લઈ જાય.
  આપનો આ મનનીય લેખ અને મનની વ્યથા ,એક
  વિચાર આંદોલનનું પગથીયું બનશે..એવી અપેક્ષા.
  રમેશ પટેલ(આકાશદીપ)