‘અલબેલા’ ની દરિયાઈ સાહસકથા – હસમુખ અબોટી 6


આપણા સાહિત્યમાં દરિયાઈ સાહસકથાઓનું આગવું સ્થાન છે, સત્યઘટના પર આધારિત શ્રી ગુણવંતરાય આચાર્યની રચના એવી ‘હાજી કાસમની વીજળી’ હોય કે ‘દરિયાલાલ’, ‘સક્કરબાર’ હોય કે ‘દરીયાપીર’, એ બધીય વાતો જકડી રાખનારી દરિયાઈ સાહસકથાઓ છે, ગુજરાતના કિલોમીટરો લાંબા દરિયાકિનારા અને પેઢીઓથી ચાલતી દરિયાઈ ખેડને લઈને અનેક કથાઓ અને ઘટનાઓ પ્રચલિત થઈ છે. માડાગાસ્કર જવા રવાના થયેલ જહાજ ‘અલબેલા’ ની સફરનો અંતિમ ભાગ ખૂબજ મુશ્કેલ રહ્યો અને તેનો કેવો કારમો અંત આવ્યો તેની વાત પ્રસ્તુત રચનામાં શ્રી હસમુખ અબોટી દ્વારા તાદ્દશ થઈ છે. હવે આવી સાહસકથાઓની રચના ભાગ્યે જ થાય છે, આશા કરીએ કે આપણા લોકોના કૌવત અને આવડતને દર્શાવતી આવી વધુ કૃતિઓ આપણને મળતી રહે. દરિયાઈ પારિભાષિક શબ્દોનો અર્થ સહિતનો એક નાનકડો સંગ્રહ પણ વાતને અંતે આપ્યો છે.

* * * * * * * *

એ રાત કેમેય કરી વિસરાય તેમ ન હતી. સુમેળભરી આઠ રાત્રિઓ પછી આવનારી નવમી રાત એકાએક કેમ દુશ્મન બની ગઈ તે આજે પણ સમજાતું નથી. નવમા દિવસની બપોર પછી બધું બરોબર ચાલતું હતું. ભૂરું ભૂરું આકાશ, મનભાવન માતરિશ્વા અને મગરૂબીભર્યાં મોજા દરિયાની છાતીમાં પોતાના લયમાં આળોટી રહ્યાં હતાં. આવા વાતાવરણ વચ્ચે કાતરો, સઢ અને કલમી જેવા સઢોના વાઘા પહેરી પરણવા ઉતરેલા વરરાજાની જેમ ગર્વિષ્ઠ અદામાં વહાણ ‘અલબેલા’ ચાલ્યુ જતું હતું. હીંજવાનનો કિનારો હજુ પણ લગભગ પચ્ચાસ સાઈઠ માઈલ દૂર હશે. બપોર પછી વાતાવરણમાં એકાએક ગરમી આવી. પવને દિશા બદલી. આકાશના ઉદરમાં વાદળોનો ગર્ભ ધીરે ધીરે વિકસવા માંડ્યો. આકાશે કાલિમાનું વસ્ત્ર ઓઢી વાતાવરણના રહસ્યને અકબંધ રાખ્યું. એના વચ્ચે ઉડતાં દરિયાઈ સફેદ પક્ષીઓ આકાશની પશ્ચાદભૂમીમાં એકદમ ઊજળા દેખાઈ રહ્યાં હતાં. દૂરના દિગંતના પટમાં થતી આછી આછી વીજળી સૌને ચિંતા પ્રેરી રહી હતી. વહાણના મોરાએ જેવું દક્ષિણ દિશામાં મોઢું ફેરવ્યું કે ‘છારગલો’ વાયરો ફૂંકવા માંડ્યો.આવી સ્થિતિમાં સઢની ધામણ જરા મુકાવી પડી જેના થકી સઢના ગાલ ફુલાયા અને વહાણ માર માર કરતું મોજાઓને તોડતું આગળ વધી રહ્યું હતું.

અર્ધી રાત આમ જ વીતી ચૂકી હતી. આખા દિવસના કાર્યભારના કારણે નાખુદા ભુદા રામજી જેઠવા સુખાણની (સુકાનની) બાજુમાં સુતો હતો. સુખાણ સંભાળવાની ત્રણ ત્રણ કલાકની પોરી ચાલુ હતી. અત્યારે સુખાણની ચકરી પર ભણજી બેઠો હતો અને તેની બાજુમાં ખીમજી અને લક્ષ્મણ નાની મોટી જવાબદારીઓ લઈ વાતોમાં તલ્લીન હતાં. બાકીના ખલાસીઓ ધભૂસામાં નિરાંતે ઉંઘ ખેંચી રહ્યા હતા. જેમ સમય નીકળતો ગયો તેમ મેઘલી રાતના પાખંડ વધતા ગયાં. વિકૃત ભયાનક અને કોઈ પાગલ સ્ત્રીની જેમ મેઘલી રાત્રિએ ક્ષિતિજના ઘરમાં ગડગડાટીનું અટ્ટાહાસ્ય શરૂ કરી દીધું હતું. વીજળીની આતશબાજી પણ ભેંકાર દિશાઓમાં ખોફ પાથરી રહી હતી.

એવા સમયે ભાણજીએ ખીમજીને સાદ પાડતા જણાવ્યું, ‘કાકા, નાખવાને (નાખુદાને) પૂછ તો કે ચોકીના ઘરમાં સાં કરી વીજ થાઈસ જોઈ લ્યે.’ ખીમજીએ ભુદાના શરીરને ઢંઢોળ્યું, નાખવો આંખને મસળતો તરત ઉભો થયો કે ભાણજી સુખાણના તખત પર બેઠો બેઠો ભુદા સામે મોઢું ફેરવી પૂછવા લાગ્યો, ‘ખાખવા (ખારવા), ચોકીના ઘરમાં જોરદાર વીજ થાઈસ તો કાઊ કરશું?’ નાખવાએ દરિયાની ચારે બાજુ નજર ફેરવી પણ કશું દેખાયું નહીં તોય થોડી વાર માટે ઉભો રહ્યો. પછી વીજળીના ચમકારે તેણે દરિયાનો તાગ મેળવ્યો. નાખવાએ ભાણજીને પૂછ્યું, ‘વાણ (વહાણ) કીમાં આવેશ?’ સુખાણીએ લક્ષ્મણને સુખાણ પર બેસાડી પોતે લાલટેનના સહારે હોકાયંત્રમાં નજર નાંખતા કહ્યું, ‘માલમ, વાણ બખાઈલાલમાં આવેશ.’

‘એમ? ભલે ભલે.’ નાખવાએ જવાબ દીધો.

‘પણ કાવું નરમ પરી ગઈસ અને ચોકીના ઠંડી ઘરમાં કાવ લાગેસ. એટલે જેમ બને તેમ ઓઝાવ જલદી મકાવી દઈએ કાં ભરાભરબે?’ ભાણજીએ પ્રશ્નસૂચક દ્રષ્ટિએ પૂછ્યું. નાખવો સુખાણ પાસે આવી ભાણજીને કહેવા લાગ્યો, ‘તું જરા હટ, મને સુખાણ દે.’ નાખવો સુખાણ પર બેઠો અને સરંગને બોલાવી કહ્યું, ‘તમે બધા ભેરા થઈને કલમી મકાવી દો.’ સરંગ, વીરમ, ભચું અને ખીમજી સાથે મળી પહેલા કલમી અને પછી કાતરો મુકાવી બન્ને સઢને બાંધી મૂક્યાં. તેવામાં નાખુદાએ રાડ પાડી, ‘એ… સરંગ ! છાંટા પરેસ જપાટે સઢ મુકાવી દીયો. બીજું પછે કરજો. જો… જો ચોકીના ઘરમાંથી કોસ વાવરો ચાલુ થાઈસ અને સઢમાં વાવરો ભરાઈશ એટલે સઢ જપાટે આરિયા કરો.’

વરસાદ ધીમે ધારે ચાલુ થઈ ગયો હતો. પવનના સુસવાટા વચ્ચે સરંગે વિરમને હુકમ કર્યો, – ‘તું હંજાને ઝપાટે છોડી આવ.’ વીરમ પરમણ ઉપર ચઢી ગયો. પવનની ભયંકરતા વચ્ચે ઉપરથી તે મોટા સાદે બોલ્યો, ‘આ હંજો કોણે બાંધીઓસ યાર… મારાથી આ નથી છૂટતો.’ સરંગે નીચેથી સલાહ આપતાં કહ્યું કે, ‘અવેર મકર વેલો ન છૂટે તો એને ઝપાટે કાપ.’ સરંગનો સાદ સાંભળી લક્ષ્મણને સુખાણ સોંપી ભુદાએ આકરા અવાજે સાદ પાડતાં કહ્યું, ‘ખીમા, ભાણા, ભયું, ક્યાં ભાગી ગ્યા? જલદી હંજો મેકાવો, એ રામા ! તું મરખના છેવાને કસમાંથી છોર જલદીથી. પછી કસમાં હોદાર નાખ, સમજ્યો?’ નાખવાના હુકમ મુજબ વિરામે કામ કરતા કરતા જરા નીચે નમીને પૂછ્યું, જો તો ભરાભર છે ને?’ નાખવાએ બધું તપાસ્યું અને પછી બોલ્યો, ‘હા, હા, બધું ભરાભર છે, એને તાણતો રહેજે. પરમણ આગર મોરામાં વટાઈ ન જાય ઈ પણ જોજે.’ નાખવાએ નીચે કામ કરતા માણસો સામે જોઈ ફરીથી કહ્યું, ‘એક જણ હંજો મકાવો અને બે જણા મરખ દબાવે, ખીમા! તું પરમણ આગરથી નમી ન જાય ઈ ધ્યાન રાખજે. ધામણ મકાવે પછી એય… વિરામ, માથેથી જોજે કે સઢ ક્યાંય ફાટે નંઈ ભલાં !’

આમ, સઢનું બધું કામ આટોપાઈ લેવાયું. આ બાજુ વરસાદ બરોબરનો ખાબક્યો, વીજળી પવન અને મોજાઓએ પોતાનો તાયફો એક તવાયફની જેમ માંડ્યો હતો. સુખાણ ફરી ભાણજીએ સંભાળી લીધું. તેની બાજુમાં તાલપત્રીને છાંયો બાંધી લક્ષ્મણ અને ખીમજી બેઠા હતા. વરસાદના પાણીએ સૌને ભીંજવી દીધાં હતાં જેના થકી ભીનાં કપડે ખવાસીઓ ધ્રુજતા ધભૂસામાં બેઠા રહ્યાં. નાખુદાને પણ શરીરે ઠંડી ચડી આવી હતી. તેણે ભંડારીને આદેશ આપતાં કહ્યું, ‘એ રામા, ઢુક ઢુક ચા મેલજે તાં.’ કીતલીને પ્રાઈમસ ઉપર ચઢાવતાં રામો ભંડારી બોલ્યો, ‘માલમ, આવા ટાણે કીંયા તોફાન નર્યું, કૈંએ એનામાંથી જાન છૂટે?’ તેની વાત સાંભળી ભૂદાએ જવાબ આપ્યો, ‘રામ, આવી વેલાલી વાત કાં કરસ? નકાં આપરે કુદરતને માનીએ ખરાં?’

બધાં જણે ચા પીને શરીરને ગરમી આપી. થોડી વાર પછી નાખવો ચપટી વગાડતાં બોલ્યો, વેલા જેનો પોર હોય તે ઘામટ જાંટી આવે.’ ભચુએ બંડોલમાં લાઈટ મૂકી બધી જગ્યાએ નજર કરતા ઘામટ જોઈ લીધું. સીઢી ચડીને નાખવાને જવાબ આપ્યો, ‘નાખવા, ઘામટ તો કાંઈ નથી.’ સળગેલી બીડી જરા આડી જતાં તે જગ્યાએ થૂંકની ભીની આંગળી અડાડતાં નાખવાએ કહ્યું, ‘ તો.. બેસી જા.’

વહાણ દરિયામાં બેકાબૂ અને હાલકડોલક સ્થિતિમાં પડ્યું હતું. તોફાન બંધ થવાનું નામ લેતું ન હતું. પ્રભાતનું અજવાળું ધીરે ધીરે બહાર આવી રહ્યું હતું. તેનું હજુ પહેલું કિરણ દરિયાના પાણીને અડવાં જાય ત્યાં તો તોફાને પોતાની લીલા સંકેલવાની શરૂ કરી. નાખુદા ભુદો અને સરંગ રામજીએ રાહત અનુભવી. ફરી સઢ ખોલાયો અને વહાણે હીંજવાન – માડાગાગસ્કરની દિશા પકડી. હવે કિનારો ઝાઝો છેટે ન હતો. રામજીએ પોતાના મનની વાત નાખુદાને પુછી લીધી, ‘નાખવા, ભૂરદ નાખવોસ?’ ખમીસને નીચોવીને પાણી કાઢતો ભુદો બોલ્યો, – ‘નાખી જોને, હમરા જ ખબર.’ રામજીએ લચુને ભુરદ સેવા કહ્યું, રામજી અને ભચુ ફના આગળ ઉભા રહ્યાં, ભચુએ ભુરદની દોરનું મોટું ફીંડલુ વાળીને તેનો એક છેડો ડાબા હાથે પકડી રાખ્યો અને જમણે હાથે ફીંડલાને ફેંકવાની તૈયારી કરી. ભાણજીએ સઢ ઢીલું કર્યું કે ભચુએ સુખાણીએ સુખાણ ફેરવ્યું. ભચુએ દોરીના ફીંડલાને બે ત્રણ ઝાટકા મરાવી ભુરદને મોરાની આગળ ફેંકતા અવાજ દીધો, ‘ફેસ’ ભુરદ જ્યાં ફેંકાયું હતું ત્યાં વહાણ એક સાઈડમાં આવી ગયું. ભચુએ દોરને કડક તંગ કરતાં બે ચાર વખત તેને ખેંચી ભુરદને જમીન પર પટકાવ્યું, જેથી જમીન અને પાણીની ઉંડાઈની તપાસણી થઈ શકે. સરંગે ભચુને પ્રશ્ન કર્યો, ‘પટ કેવુંસ?’ ભીંજાયેલી દોરનું નિશાન રાખી દોરને વહાણ ઉપર છતાં બોલ્યો, ‘પટ કાદવ અને ખરકવારો છે.’ સરંગે બીજો પ્રશ્ન કર્યો, ‘જોતાં કેટલી વામ થાઈસ?’ ભચુએ દોરીની વાસ ગણતાં કહ્યું, ‘સારી તેર વામ.’ ઢીલા સઢની ધમણને ભણજીએ તંગ કરી બે કલાક પછી ગરમી વધી અને ફરી વરસાદે આક્રમણ કર્યું પણ હવે કિનારો બિલકુલ નજીક આવી ગયો હતો જે ઘણું કરીને હશે અર્ધોએક – એકાદ માઈલ દૂર.

મોંસૂઝણાં પ્રકાશમાં ‘અલબેલા’ હિંજવાનમાં માડાગાસ્કરના ટાપુ પાસે આવી પહોંચ્યુ હતું. પવન, વરસાદ અને મોજાંઓની ચોમક થકી વહાણ ફુરદા સાથે પટકાવવા માંડ્યું છતાં વહાણને તોફાનમાં મહામહેનતે ફુરદાના ખૂણામાં બાંધ્યું પણ જેમ ખીલે બાંધેલ ભડકેલી ગાય ભાગંભાગ કરે તેમ ખૂંટે બાંધેલ વહાણ નિરંકુશ બની મોજાંઓ ઉપર કૂદવા માંડ્યું. આ જોઈ નાખવાએ સૌને ફૂરદા ઉપર કૂદી જવા આદેશ કર્યો. સૌ એક પછી એક કૂદવા લાગ્યા. ભીંજાયેલા શરીરે ધ્રુજતા સૌ કિનારે બેઠાં. રામજી સરંગે ભુદાને પણ કિનારે આવી જવા કહ્યું, પણ નાખવો એમ થોડો માને? તેણે પોતાની ફિકર ન કરવા સરંગને જણાવ્યું. સૌ અલબેલાને જોતા રહ્યાં, તે પટકાઈ પટકાઈ નબળું પડવા લાગ્યું. પ્રભાતના કિરણો જલસતહ પર જ્યોતિકળશ છલકાવે ત્યાં એક વિકરાળ મોજાએ અલબેલાને પાછળથી પકડી કુરદા સાથે પછાડ્યું. વહાણના ફુરચે ફુરચા ઉડી ગયાં, ત્યાં જ ભુદો લાપતા બન્યો. કલાકો સુધી તેની ભાળ મેળવાતી રહી છતાં તે ન મળ્યો. છેક સવારે દસેક વાગ્યે તોફાન બંધ પડ્યું ત્યારે વહાણના હાડકારૂપી કૌંચ વચ્ચે ભુદો દબાઈને મૃત્યુ પામેલો નજરે પડ્યો. તેનું શબ વિકૃત બની ચૂક્યું હતું. સૌએ તેને સજળ નેત્રે ત્યાં જ અગ્નિસંસ્કાર આપી દીધાં.

પચ્ચીસ દિવસની સફરમાં ન ધારેલી ઘટના અઠ્યાવીસમી જૂન ૧૯૪૬ ના દિવસે કેમ ઘટી? એવાં તે કયાં ચોઘડીયાં તેને માટે શાપિત બન્યા? અલબેલાના નાખુદા ભુદા રામજી જેઠવાના મૃત્યુનો આઘાત ન માત્ર વહાણમાલિક વ્હોરા કાદર ઈસ્માઈલજીને લાગ્યો, પણ બચી ગયેલાઓ પૈકી સરંગ રામજી દેવજી ધાયાણી, વીરમ નારણ બાલાપાડિયા, ભાણજી મુળજી મુંદરાવાળા, ખીમજી કાનજી અને ભચુ બાલુ ઝાલા સલાયાવાળા તેમજ લક્ષ્મણ હરદાસ કંડલાવાળાને વર્ષો સુધી દિલના એક ખૂણે ઘટનાની તારીખ, વાર, તિથિ, ચોઘડીયાં આદી કષ્ટમય બની રહ્યં, જાણે તેઓ ન કહેતા હોય,

‘દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવે સમે ખુદા તને પડકારવો હતો.’

– હસમુખ અબોટી ‘ચંદન’ (કુમાર સામયિક, જૂન 2008 અંકમાંથી સાભાર.)

દરિયાઈ પારિભાષિક શબ્દો

મોરો – વહાણનો આગળનો ભાગ
છરગલો – સાઈડનો પવન
ધામણ – સઢનો રસ્સો
ધભુસો – પેટાળની ઉપરનો માળ
ચોકીના ઘરમાં – દક્ષિણ દિશામાં
કીમાં – કઈ બાજુ
બખાઈલાલ – નૈઋત્ય
કાવુ – હવા
સરંગ – કામનું દિશાસૂચન કરનાર
હંજો – સઢ
પરમણ – કૂવાસ્તંભે આડો બાંધેલ દંડ જેના સહારે સઢ બાંધવામાં આવે છે
ભુરદ – દરિયાઈ ઓળંબો
મરખ – પરમણને પાળથી નીચું ખેંચવા માટેનો રસ્સો
હોદાર – રસ્સાનું નામ
ઘામટ – દરિયાનું પાણી
બંડોલ – ધડો, વહાણનું પેટાળ
ફના – વહાનની આગળની, મોરા પાસેની જગ્યા
કૌંચ – લાકડાના ટુકડા, પાટીયા
સઢના નામ – કલમી, કાતરો, ગાબિયો, મુખ્ય સઢ અને ગોસી,
ઓઝાવ – સઢ
સુખાણ – સુકાન


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “‘અલબેલા’ ની દરિયાઈ સાહસકથા – હસમુખ અબોટી