(ગુજરાતી સાહિત્યના ઉત્તમ લેખકોમાં અવશ્ય સ્થાન પામે એવા એક સર્જક ગુણવંતરાય આચાર્ય (૧૯૦૦-૧૯૬૫) હતાં, માનગૌરવ, ગુજરાતગૌરવ, ગુજરાતી વહાણવટનું ગૌરવ, ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ગાતું વિપુલ સાહિત્ય એમણે રચ્યું. જેમાં સવાસો જેટલી નવલકથાઓ, વીસ જેટલા નવલીકાસમ્ગ્રહો, નાતકો, હાસ્યસાહિત્ય, કિશોરસાહિત્ય અને રહસ્યસાહિત્યનો સમાવેશ થાય છે. દરિયાખેડના સાહસો અને એ જમાનાની વાતો સાથે વણાયેલી જીવનપધ્ધતિ સૂચવતી તેમની નવલકથાઓ પૈકીની એક એવી ‘સક્કરબાર’ આપણા સાહિત્યવારસાનો અગત્યનો ભાગ છે, ક્લાસિક છે. સક્કરબાર મારી અનેક મનપસંદ દરિયાઈ સાહસકથાઓમાં શીર્ષ છે. આજે પ્રસ્તુત છે તેમાંથી એક નાનકડો અંશ. – જીજ્ઞેશ અધ્યારૂ)
‘મોર મુખી?’ પીઠાવાળાને અચરજ લાગ્યું. ‘આ ગયો એ જ મોર મુખી?’
‘હા, મોર મુખી, પોતે, તને કેમ નવાઈ લાગે છે?’
‘નવાઈ તો એટલા માટે કે મોર મુખી હોય તો હું ઓળખું. ગામમાં બીજા પણ ઓળખે, અરે ખુદ મંછુ કોટવાળ પણ ઓળખે.’
સક્કરબારે ખુલ્લું હાસ્ય કર્યું. જાણે વહાણની પાછળ શિરોટો ખળખળ્યો. ‘તું જાણે મારી વાત માની લે. ગામને તો બેળેબેળે ખબર પડશે ને મંછુ કોટવાળનેય ખબર પડશે.’
‘પણ એ બન્યું કેમ?’ પીઠાવાળાએ પૂછ્યું, ‘શિકારી કૂતરાઓએ પણ ગજબની થાપ ખાધી.’
‘એ તો બિચારા ગંધે ગંધે ગયા. જે ગંધ એને આવી એનો એણે શિકાર કર્યો.’
‘પણ મંછુ તો ગંધે નહોતો જતો ને! એને તો આંખ હતી ને?’
‘આંખ તો તારેય ક્યાં નહોતી? ને તેંય એને ન પારખ્યો?’
‘ના, મેં એને ન પારખ્યો.’
‘કેમ કે એના ઉપર સક્કરબારના હાથ ફરી ગયા હતા, હું આટલું જોખમ ખેડીને ખાસ મોર મુખીનો હિસાબ પતાવવા જ તો આંહીં આવ્યો. મને થયું કે હું જાતે હિસાબ પતાવું એના કરતાં પિયરસન જ મારા વતી હિસાબ પતાવે તો સારું.’
પીઠાવાળાના ચહેરા ઉપર અચરજ એવું ને એવું જ હતું.
‘તમે તો જાણે જીવતાજાગતા મારી સામે જ છો. એટલે આંખો છળી જાય એવો એ ભયંકર શિકાર તમારો તો થયો જ નથી. ને તમે કહો છો એટલે માની લઉં કે મોર મુખીનો જ થયો છે, પણ હજી એનો ચહેરો, માળુ સમજાતું નથી!’
‘મેં તને કહ્યું ને કે હું છેક ઈરાનને સામે કાંઠેથી ખાસ મોર મુખી માટે જ આવ્યો હતો. પણ મોર મુખીનો હિસાબ છાને ખૂણે પતાવું તો એમાં મારી શોભા શી? મારી પ્રતિજ્ઞાની કિંમત પણ શી? સક્કરબારની પ્રતિજ્ઞા તો જૂથ વચ્ચે ધોળે દહાડે પૂરી થવી જોઈએ ને? ને એમાંય મોરના ભાઈબંધોને હાથે જ પૂરી થાય તો વળી ઓર રંગ ચઢે.’
‘અરે એના રંગમાં તો મણા નહીં રહે, પણ તમે હદ કરી. મને તો કૂતરાની બીક લાગતી હતી ને હરણફડકો રહ્યા જ કરતો હતો. તમે એ જ કૂતરાઓ મારફતે તમારી પ્રતિજ્ઞા પૂરી કરી. પિયરસનનું કાળજું ન ફાતી જાય ને મીણા કોમ આખીની છાતી ન ભાંગી જાય તો કહેજો મને!’
‘એ તો મારે કરવું હતું, એટલે તો મેં ગોઠવણ કરી હતી. મોર મુખીને કાલે રાતે હું પકડી લાવ્યો. એને તો તેં જોયો હતો ને?’
‘કેમ ન જોઉં? એના મોંએ ડૂચા મેં જ માર્યા હતા ને. તમે કહ્યું એ ઘરમાં હું જ એને નાખી આવ્યો હતો ને?’
‘પછી તો સાવ સીધી સાદી વાત. મોર મુખીના અંદર મોઢામાં પોથી ભરી મેં, ને બહાર મોઢામાં રાઈનો જાડો લેપ કરો. રાતના દરિયાની વચ્ચે લઈ જવો પડ્યો હતો મારે. એની ચીસો સાંભળવા જેવી હતી.’ સક્કરબારનો ચહેરો એકદમ કરડો બની ગયો. ‘જેટલા જેટલા બિચારાઓને એ નીચ માણસે ચીસો પડાવી હતી તે તમામનું વળતર મને મણી ગયું એની એ વખતની ચીસોમાં.’
‘એણે કંઇકના લોહી પીવામાં બાકી જ ક્યાં રાખી હતી? મોર મુખીએ તો આડો આંક વાળ્યો હતો. આપણે જ આ ગામની રૂખી ખારવણને માળે ચડાવી દીધી.’
‘એ રૂખી ખારવણના જ ઘરમાં એને નાખ્યો હતો ને ત્યાંથી જ એ ભાગ્યો હતો.’
‘પણ રૂખી તો ગઈ ને… એ કાંઈ થોડી પાછી આવે એમ છે?’
‘કેમ તારે વળી કાંઈ રૂખીનું લાગતું ખરું?’
‘આઠ દિવસ પછી મારું ઘર માંડવાની હતી એ.’
‘હજીયે હેતપ્રીત ખરી?’
‘યાદ આવે તોય શું કરું? મડાં તો હજીયે મસાણેથી પાછાં આવે. જીવતાં મડાં પાછાં આવ્યા સાંભળ્યાં છે?’
‘તેં તો બીજું ઘર કરી લીધું હશે ને?’
‘ના રે ભાઈ!’
‘ત્યારે તને હજી માયા ખરી?’
પીઠાવાળાનો ચહેરો ઘડીક ભાંગ્યો, આંખ જરા વીલી થઈ, પોતે બોલવા જશે તો રડી પડશે ને આવા પથ્થર કાળજાના માણસ પાસે રડવું સારું નહીં – રડતો અવાજ પણ સારો નહીં એમ સમજી એણે ખાલી માથું ધુણાવ્યું.’
‘તો હું સક્કરબાર, ભાંગ્યાનો ભેરુ ને માંડ્યાનો ભાંગતલ. તારી રૂખી મજા કરે છે.
‘હેં… હેં… ભાઈ સાહેબ! સાચું કહો છો?’
‘ભલા તારી રૂખીને હું ન મળ્યો હોઊં તો આંહીં સીધો તારી પાસે આવું કેમ? તારી વગર ઓળખાણે તને મારી ઓળખાણ કેમ આપું? ને મોર મુખી સામેનો મારો હિસાબ ચૂકવવામાં તારી મદદ કેમ માંગું?’
‘હા… એ તો સાચું, એ મને નહોતું સૂઝ્યું. પણ ત્યારે રૂખી…’
‘ખુશખુશાલ છે, સારી સાજી છે, તને યાદ કરે છે.’
‘ક્યાં છે?’
‘જ્યાં છે ત્યાં હેમ ને ખેમ બેય છે, સમજ્યો? તારે ને એને હેતપ્રીત હોય તો તું એને મળી શકીશ પણ ખરો.’
‘બસ, તો મારે બીજું કાંઈ જાણવું નથી. મને એને મેળવી દેશો ને?’
‘તો તારે આ ગામ છોડવું પડશે.’
‘તો છોડીશ. એના વગર મને ચેન નથી પડતું.’
‘તો મારી સાથે નીકળી આવ.’
‘નીકળી આવું’
‘પણ મારી સાથે નીકળનાર માણસ પાછો જીવતો ઘેર નથી જવાનો હો.’
‘જીવતે મૂવા કરતાં મૂવે જીવતા સારા. મને એક વાર રૂખી સાથે મેળવી દ્યો, પછી… પછી..’
‘મેળવી દઉં પછી છે કાંઈ? તારું નામ શું?’
‘રૂખીએ નથી કહ્યું?’
‘રૂખીએ તો કહ્યું હતું પણ ભૂલી ગયો. નાથુજી કે એવું જ.’
‘નાથુજી જ’
સક્કરબાર હસ્યો. ‘નામ તો નાથુજી જ. પણ મને એમ કે તારા જેવા જુવાન ને રંગીલા માણસનું એવું તે નામ હોય?’
‘અરે ભાઈ, નામમાં શું છે? પણ ત્યારે રૂખીની વાત પાકી.’
‘પાકી. મેળવી દઉં તો મેળવી દઉં. તેય આજ ને આજ મેળવી દઉં પછી છે કાંઈ?’
‘આજ ને આજ?’
‘ભગવાનેય મડાં જીવતા નથી કરતો. તમે તો મારે માટે મડું જીવતું કર્યું ભાઈસાહેબ! શું કરું તમને?’
‘શાંતિ રાખ’
‘હવે મને મોરની વાત કરો. હવે એ વાતમાં કોઈ અનેરો રંગ આવશે મને.’
‘લાબી વાત નથી, મધદરિયે અમે એને લઈ ગયા ને તને કહ્યું એમ એના મોઢામાં અંદર ભરી પોથી ઠાંસી ઠાંસીને. મોઢા ઉપર બહાર લગાવ્યો રાઈનો લેપ. રૂખી કાંઈ મણા રાખે? એને તો મોસાળ જમવું અને મા પીરસે એવી વાત થઈ.’
‘તમેય ભાઈ કીડીને કણ ને હાથીને મણ પહોંચાડો છો હોં. રૂખીને ભેગી લાવ્યા છો ને રૂખીને હાથે જ કરાવ્યું એમ. રૂખી શેની મણા રાખે?’
‘ચીસો પાડી એટલી પાડવા દીધી. બે ત્રણ કલાક થયા એટલે મોઢું સૂઝીને ગાગર જેવડું ને બહારની ખાલ માત્ર ઉતરી ગઈ. મારે તો એની જીવતાં ખાલ ઉતારવી હતી ને.’
‘ઉતારી, ઉતારી, બરાબર ઉતારી, ને પછી તો એવો ચહેરોય કોણ પારખી શકે?’
‘પછી?’
‘પછી તલનું તેલ ને ચૂનાનું પાની ને બટાટાની છાલ ને એવું એવું લગાવ્યું. ને એની વેદના શમી એટલે એને લાવ્યા રૂખીને ઘેર. ને એને ત્યાં નાખ્યો.’
‘પછી?’
‘એને હાથે, પગે, કેડે, માથાના વાળમાં બધેય અસલ ઈરાની કસ્તૂરીનું અત્તર ચોપડ્યું.’
‘કાં?’
‘ભૂલી ગયો શિકારી કૂતરા? કૂતરા તો ગંધે ગંધે પકડે ને? ને કસ્તૂરી જેવી બીજી ગંધ કઈ?’
‘પણ કૂતરાને તો ખાસડું…?’
‘ગાંડા, એ કૂતરાને તો હું રમાડતો હતો ને એ ખાસડું એનેન ફરી ફરીને સૂંઘાડતો હતો ને? મેં એ ખાસડાનેય કસ્તૂરીનું અત્તર જ લગાવ્યું હતું પહેલેથીજ. ને વળી પાછું તાજુ કર્યું, ને વધારામાં રૂખીના ઘર આગળ પણ વાપર્યું હતું, કામી નહીં ને ત્રણ તોલા વાપરી નાખ્યું મેં.’
‘ત્રણ તોલામાં મોર મુખી સોંઘો પડ્યો.’
(‘સક્કરબાર’ માંથી સાભાર)