ગીરયાત્રા – પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… (ભાગ ૧) – જીજ્ઞેશ અધ્યારૂ 6


ગીર ગુજરાતી માટે ફક્ત જંગલ નથી, એ વન્યસૃષ્ટિ અને માનવી વચ્ચેનો એક અનેરો સંબંધ સાચવીને સદીઓથી જળવાયેલી અનેરી સાંસ્કૃતિક ધરોહર છે, ઉપરછલ્લી રીતે તેની ઓળખ ભલે વનરાજ સિંહને લીધે થતી હોય, ગીર સિંહ અને શિકારથી ક્યાંય વધુ સજીવ ભાવવિશ્વ છે. પદ્મશ્રી દુલા ભાયા કાગ અને રાષ્ટ્રીય શાયર ઝ્વેરચંદ મેઘાણી જેમાંથી પ્રેરણા મેળવતા આવ્યા છે, રસધાર આપણા સુધી વહાવતા રહ્યાં છે તે સ્થળવિશેષનો પરિચય તો શુ આપી શકીએ? અમે જે જે જગ્યાઓમાં ભમ્યાં, જે જોયું અને અનુભવ્યું તેનું સવિસ્તાર વર્ણન અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જરૂરત મુજબ સ્થળો અને અમુક પાત્રોના નામ બદલ્યાં છે, પરંતુ ભાવ બદલી શકાયો નથી. આ પહેલાની ગીર યાત્રાઓની જેમ આ જાતરા પણ આપને આનંદ આપશે તેવી આશા સહ પ્રસ્તુત છે આજે પ્રથમ ભાગ. મિત્રોની દર વખતની માંગણીને માન આપીને આ વખતે ઓડીયો, વિડીયો અને ફોટા દરેક ભાગમાં ભરપૂર પીરસ્યાં છે.

Click here to see the album

* * * *

નીંદરા કહે હું નહીં રે ધુતારી,
હું છું શંકર નારી રે…
પશુ પંખીને સુખડાં આપું,
દુઃખડાં મેલું વિસારી રે…

જા જા નીંદરા ! હું તને વારું…

માતાના ગર્ભમાંથી વિશ્વમાં પ્રવેશ કરનાર બાળકની પ્રથમ નજરે આસપાસનું જગત, લોકો અને પદાર્થો વિશેની અનુભૂતી કેવી હશે? આસપાસના વિશ્વ વિશે તેનું ભાવજગત કેવા ખ્યાલો સર્જતું હશે? સ્થૂળ રીતે તેની આંખો એ બધુંય જુએ છે જે આપણે જોઈએ છીએ, બધાંય પ્રસંગો જે આપણા મનોજગતને સ્પર્શે છે તેનું એ સાક્ષી તો હોય જ છે, પરંતુ છતાંય તેને એવી નિર્લેપતા ક્યાંથી મળતી હશે જે ભલભલા હઠયોગીઓને પણ મળવી અશક્ય છે? જો અભિમન્યુ માટે એમ કહેવાતું હોય કે તે માતાના ગર્ભમાં ચક્રવ્યુહના સાત કોઠા ભેદી શકવા જેટલી વિદ્યા શીખી શક્યો, તો એ બાળકની ગ્રહણશક્તિની સંભાવનાઓ પણ ઓછી ન આંકી શકાય, અને છતાં તેને મૂલવણી માટે કોઈ દ્રષ્ટિ મળી નથી, એથીજ કદાચ કોઈ પદાર્થ, વ્યક્તિ કે ઘટનાવિશેષ માટે તેના મનોજગતમાં કોઈ ભાવ નથી. ગમે તેવા સિદ્ધ સંતો પણ ફરી એવી જ અવસ્થાને પ્રાપ્ત કરી શક્તાં હશે ખરાં? કહેવાય છે કે વૃદ્ધો અને બાળકો બંને લગભગ સમાન ભાવવિશ્વના યાત્રીઓ છે, કદાચ એ કારણે કે નિંદ્રામાંથી જાગ્યા પછી તરતની અને નિંદ્રા પામવા પહેલાની તરતની અવસ્થાઓ સમાનતા દર્શાવતા લક્ષણો સર્જાતા હશે !

ભર ઉંઘમાંથી આંખો ખૂલે છે અને સામે જ નવલખી ચૂંદડીમાં આભલા મઢ્યાં હોય તેવું તારાઓથી ભર્યું ભર્યું આકાશ છે, ચંદ્રદેવ અસ્ત થવાની તૈયારીમાં છે, પરંતુ એ ગતિમાંય એક અનોખી સહજતા છે, તેની ચાંદની સર્વત્ર આછેરો ઉજાસ ફેલાવી રહી છે, વાતાવરણમાં તમરાંનો અવાજ ગૂજી રહ્યો છે, ઝાડનાં થડ કે મોટી ડાળીઓ જમીનમાં ખોડીને તેના પર આડાં ટેકા મૂકીને બનાવાયેલ ઝૂંપડીથી થોડીક મોટી એવી રચનામાં નળીયાંને બદલે સૂકૂં ઘાસ પાથરીને બનાવાયેલ કોઢિયામાં પાથરેલા, સીંદરી કસોકસ બાંધીને બનાવાયેલ ખાટલા પર હું પડ્યો છું. યંત્રજગતના સમયની છડીદાર એવી કાંડા ઘડીયાળ સાડાચારનો સમય બતાવી રહી છે. અને વાતાવરણમાં અચાનક ભજનમાં વગાડાતાં મંજીરા જેવો રણકાર પડઘાતો રહે છે.

કાંઈક અર્ધજાગૃત અવસ્થામાં એ અવાજ ક્યાંથી આવે છે એ જોવા હું આંખ ખોલું છું, માથું ફેરવીને જોયું તો ખાટલાની એક તરફ રાજીબેન ભેંસ દોહી રહ્યાં છે, મંજીરા વગાડતાં હાથ જેમ તાલબદ્ધ રીતે ચાલે છે તેમ રાજીબહેનના હાથ એકદમ લયમાં દૂધ દોહવાનું કામ કરી રહ્યાં છે. જમુનાના આંચળમાંથી બોઘરણામાં જોશભેર અથડાતી દૂધની સેરનો અવાજ સિક્કાના રણકાર જેવો લાગે છે. ઝોકમાં ઉભીને આશાભરી નજરે આંચળ તરફ જોતાં તેના પાડરડાને નિહાળીને જમુના તેની સામે વાત્સલ્યભરી આંખે જોઈ રહે છે ત્યારે ‘હાં માં, હાં’ જેવો કાંઈક અસ્પષ્ટ ઉચ્ચાર તેઓ કરી રહે છે. બોઘરણામાંથી ‘બોરડી નેસ, ભેંસ’ એવું લખેલા કેનમાં દૂધ ઠાલવતાં અને ફરી દોહવા બેસતા, ખાણ નીરતાં અને દોહવાઈ રહે એટલે ભેંસનો ઉપકાર માનવા મનની ભાષામાં કહેતા તેના શરીરે સ્નેહાળ હાથ ફેરવી રહેલા રાજીબેનને જોઈને કોને યશોદા યાદ આવ્યા વગર રહે? અને આ વિચારોમાં ફરી રહેલા મનને એકધ્યાન કરતો એ જ સ્વર…

જોગી લૂંટ્યા, ભોગી લૂંટ્યા,
લૂંટ્યા નેજા ધારી રે,
એકલશૃંગીને વનમાં લૂંટ્યા,
નગરના લૂંટ્યા નરનારી રે…

જા જા નીંદરા ! હું તને વારું …

સમયભાન વીસરાઈ જાય એવો સુંદર અને આહલાદક યોગાનુયોગ છે. ઉપરોક્ત પરિદ્રશ્યને સમયના કે સદીઓના કયા નામમાં ને આંકડાઓમાં બાંધી શકો? અને તોય એ ચેષ્ટા કરવી કેટલી મૂર્ખામી છે એ વાત અનુભવે જ કહી શકાય. આ જ કદાચ આપણી, એક સોરઠીની અસલ જીવન પદ્ધતિ છે, વર્ષો પહેલા આપણા વડવાઓ પણ આમ જ રહેતા હશે ને? એ સમયની જીવનરીત, સગવડો, માનવ – માનવના અને માનવના કુદરત સાથેના પરસ્પરના સંબંધો, આસ્થાનાં વિવિધ ઉંડાણો અને શ્રદ્ધાની ઉંચાઈઓ એ બધાં વિશે વિચારવું તો જ્ઞાનીઓનું કામ છે. તર્કશાસ્ત્રની એરણે બધી વાતને ચડાવવી નકામી છે. તર્કસંગત વિચારને મનની બધી સીમાઓમાં સાથે લઈને જઈ શકાતું નથી. સ્થૂળ દ્રષ્ટિએ વિચારતા એ બધુંય કદાચ આપણા આજના યોગ્ય-અયોગ્યના કાટલાંમાં બરાબર ન પણ બેસે, એને સમજવું મુશ્કેલ થઈ પડે એમ પણ બને. પણ કેટલુંક આપણી સમજણની હદ બહાર અસ્તિત્વ ધરાવે છે એવું સ્વીકારીએ એટલે ભયો ભયો.

મને થયું કે હું સૂતો ત્યારે તો ૨૦૧૦માં જ હતો, આ અચાનક કયા સમયમાં આવી પડ્યો. મોબાઈલના એલાર્મે ઉઠતાં, ઘડીયાળના કાંટે આખીય સવાર હડીયાપાટીમાં જેમતેમ વીતાવી, બ્રશથી બ્રેકફાસ્ટ અને ઓફીસ સુધીની આખીય સફર ઉભડક મને જીવતાં, અને તે પછી આખોય દિવસ પોતાના જ સંકુલ જગતમાં સદાય તાણમાં જીવતા આપણને આમ, હજી સવાર પણ પડી નથી ત્યાં, આવી સુંદર રીતે દિવસની શરૂઆત કરવા મળે એ કેટલું મનોગમ્ય સંજોગ છે? પણ થયું, માં ના ખોળામાં રમતાં નવજાત શિશુને કોઈ પણ વાત વિશે ચિંતિત થવાની શું જરૂર? એણે તો એ ખોળાનો આનંદ માણવા કોઈ વિચાર કરવાની પણ જરૂર પડતી નથી. એ સ્નેહવર્તુળમાં ખિલખિલાટ હસતાં, કિલકારીઓ કરતાં અને હાથપગ ઉછાળતાં એ બાળકની આંખોમાં કેટલી નિર્ભિકતા અને નિરાંત હોય છે? અને માતાના સ્નેહ અને સંભાળની ઢાલની વચ્ચે જીવતા એ ભાગ્યશાળીને દુન્યવી ચિંતાઓ અને તકલીફો ક્યાંથી સ્પર્શે? હું વિચારું છું કે અનેક રોજીંદી તકલીફો વચ્ચે ગીરમાં મને આટલી નિરાંત ક્યાંથી મળે છે? અહીં દોડી આવવા હું તત્પર હોઊં છું એનું કારણ શું હોઈ શકે? લોકો કહે છે, જંગલમાં શું જોવાનું, હું કહું છું, તો પછી આ શહેરો શું છે? ગાડીઓમાં અને બસોમાં ઠૂંસાઈને જતા હરણાં અને સાબરોના ટોળાઓ, બોસ નામના ડાલમથ્થાની સામે હથિયાર નાખી દેતા આવા જ લોકો અને પગારના દિવસની મોટા શિકારની જેમ રાહ જોતા શિકારીઓ, જંગલ ક્યાં નથી? પણ એવું સાંભળતા લોકો મારી બુદ્ધિ વિશે શંકાશીલ થઈને મારી સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહે છે.

ગયર મારી બીજી જનની છે. એક જીવનજનની અને આ વનસૃષ્ટિ, આ અનોખું સ્થિર ચેતનવંતુ વન એ મારી બીજી સત્વજનની. જનનીના ખોળામાં તે વળી ચંત્યા શેની? એટલે બધાંય વિચારોને દૂર ભગાવવાનો પ્રયત્ન કરતા સફેદ દૂધ જેવા ગોદડાઓમાં પડ્યો આળોટતો રહું છું. પાસે ભેંસો અને ગાયો ફરી રહી છે, માંના આંચળ તરફ દોડીને જતાં ભેંસના ને ગાયનાં બાળસ્વરૂપોને જોઈને કોને આનંદની હેલી ન ચઢે? એ જોવામાં, અનુભવવામાં તત્વજ્ઞાનની કે બુદ્ધિની કોઈ જરૂર નથી. મનના કોઈક ખૂણામાં આ વાતોને સંગ્રહવા મથતા હું એ ક્ષણોને પૂરેપૂરી ઉત્કટતાથી માણવાનો પ્રયત્ન કરતો રહું છું. અને વાતાવરણમાં આ ધ્વનિ ગૂંજતો જ રહે છે,

પહેલે પહોરે રોગી જાગે,
બીજે પહોરે ભોગી રે,
ત્રીજે પહોરે તસકર જાગે,
ચોથે પહોરે જોગી રે…

જા જા નીંદરા ! હું તને વારું
તું છે નાર ધૂતારી રે… જા જા નીંદરા !

નરસિંહે આ પ્રભાતીયું સર્જ્યું હશે કે તેનાથી સર્જાઈ ગયું હશે ત્યારે એનામાં કદાચ એ નવજાતના જેવી જ મનોદ્રષ્ટિ હ્શે, એવું જ ભાવજગત અને વિશ્વને જોવાની એવી જ નિભ્રાંત દ્રષ્ટિ. સ્થૂળ રીતે તો એણે નિંદ્રાની વાત કરી છે, પણ એ કઈ નિંદ્રા એ સમજવું સાવ આસાન થઈ પડે એમ છે. વહેલા ઉઠવા માટે અપાતા સૂચનો કરતાં આવા પ્રભાતીયાંઓમાં ભંડારાયેલા સ્થૂળ અને સૂક્ષ્મ ઉપદેશો એ આપણી સંસ્કૃતિની જ ઉપજ હોઈ શકે.

ભેંસોને ને ગાયોને વારાફરથી ઝોંકમાંથી વાડામાં લાવતાં ને દોહવાનું કામ પૂરું થાય એટલે વાડામાંથી ઝોકમાં પાછા લઈ જતાં, કોઈકના ઘા ને સાફ કરતા તો કોઈકને પસવારતાં આતાભાઈનું પ્રભાતીયું આખાંય બોરડી નેસને ભર્યો ભર્યો કરી દે છે. શહેરોમાં ગાડીઓમાં ને હોટલોમાં જોરશોરથી વાગતા ને છતાંય સંતોષની આછેરી આભા પણ ન આપતા ઘોંઘાટીયા સંગીતની સામે આતાભાઈનો એકનો જ અવાજ પૂરતો થઈ પડે છે. આટલી સાત્વિક નિરાંત, પ્રકૃતિ સાથેનું આવું અદમ્ય તાદામ્ય ભાગ્યશાળીને જ મળે. શહેરોમાં વાહનોના ઘોંઘાટ ને ઔદ્યોગિકીકરણને પ્રતાપે સંધ્યાનું સૌંદર્ય સાવ નષ્ટભ્રષ્ટ થઈ ગયું છે અને સવારે કેમિકલભર્યા વાયુઓના વાદળો વસ્તીઓ પર ઓળા બનીને ઉતરે છે, ભેળસેળીયા જીવનમાં પાણીથી લઈને શ્વાસમાં આવતી હવા સુધી બધુંય જોખમી છે ત્યારે આ સ્થાનને કુદરતની અનોખી કૃપા મળી છે. મધ્યગીરના એક નેસમાં, મુખ્ય ડામરીયા સડકથી પણ કેટલાંય કિલોમિટરો દૂર, ફક્ત ત્રણથી ચાર ખોરડાં વાળા આહિરોના આ નેસમાં મને જે ધન્યતા, પ્રકૃતિ સાથે મૌન સંવાદ કરવાની જે તક મળી છે, તે કલ્પના બહારનો વિષય છે. પ્રભાતીયું પૂરું થાય એટલે જાણે જાગૃત અવસ્થાની સમાધિનો અંત આવે છે. મેં ઉભા થઈને પથારીમાં જ બેઠક લીધી, એક તરફનાં ખાટલામાં વિપુલભાઈ અને બેલાબેન જાગી ગયાં છે, તો બીજી તરફના ખાટલાઓમાં વિનયભાઈ, માયાભાઈ અને મૂળૂભાઈ પોતપોતાના ગોદડાઓની અંદર આ નિંદ્રાધીન સમાધિ અવસ્થાનો આનંદ માણી રહ્યાં છે.

* * * *

પીપાવાવથી મહુવાની રોજની અપ-ડાઊન સફર દરમ્યાન એક દિવસ મુંબઈથી અક્ષરનાદના એક વાંચક મિત્ર શ્રી વિનયભાઈ ઓઝાનો ફોન આવ્યો, અક્ષરનાદ.કોમ પર ગીરના અનેક પ્રવાસવર્ણનો તેમણે વાંચેલા, જેવો ઉત્સાહી અવાજ એવો જ કાર્યક્રમ તેમણે વિચારી રાખેલો. મને કહે, “તમે સાથે આવશો? અમારે આ વર્ણનો વાળું ગીર જોવું છે.”

અક્ષરનાદ પર આ પહેલા જ્યારે જ્યારે ગીર વિશેના પ્રવાસવર્ણનો મૂક્યાં છે, ખાસ કરીને અમારી ત્રણ દિવસની યાત્રા ‘ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરી મેં’ એ મૂક્યું હતું તે દરમ્યાન અને તે પછી પણ અનેક વાંચકમિત્રોના આવા જ ફોન આવતાં, ‘હવે જાવ તો અમને પણ સાથે લઈ જજો’ કે ‘અમને આવું ક્યારે દેખાડશો?’ પૂછનારા બધાંયને મેં જે કહ્યું હતું એ જ વિનયભાઈને પણ કહ્યું, “તમારે જવું જ હોય તો પ્લાન કરી અમને કહો, હું અમારી અનુકુળતા અને રજાઓ વગેરે જોઈ આવી શકાશે તો ચોક્કસ આવવાનો પ્રયત્ન કરીશ.”

પણ ચાર દિવસ પછી ફરી તેમનો ફોન આવ્યો, “અમે ફલાણી તારીખનું બુકિંગ કરાવીએ તો તમને ફાવશે?” મેં હા કહી કારણકે શનિ-રવિવારનો જે સંયોગ તેમણે કહેલો એ બેય દિવસ મારે રજાઓ હતી, એટલે મેં હા પાડી. જો કે એ પછી સતત તેઓ સંપર્કમાં રહ્યાં. એક વખત આવી જ ચર્ચા દરમ્યાન મેં કહ્યું, “દેવાળીયા નેશનલ પાર્કમાં સિંહસદનથી ટિકીટ લઈને નેશનલ પાર્કમાં સિહ જોવા જઈ શકાય છે.” પણ તેઓ કહે, “એ તો અમે ગમે ત્યારે જોઈ શકીએ, અને આમેય સિહ જોવો એ પ્રાથમિકતા નથી, ત્યાંના લોકો સાથે રહેવું છે, કોઈ ઓળખાણ વગરનું, લેબલ વગરનું ગીર જોવું છે. પ્રવાસ નહીં, ટ્રેકીંગ નહીં, જાતરા કરવી છે ગીરની, બતાવશો? શું જોવું છે કે અનુભવવું છે એ શબ્દોમાં કેમ કહેવું? આ બે દિવસ અમે તમારે હવાલે…”

અરે ભાઈ ! આ તો ગીર છે, કોઈની જાગીર નથી, જ્યાં હું જ હજી અટવાતો હોઊં એવામાં તમને ક્યાં ને શું બતાવું? હું પણ હજી સહયોગીઓ અને મિત્રો સાથે જ અહીં જઈ શકું છું. કાયદાઓનું પાલન પૂરેપૂરું થાય અને છતાંય સ્થૂળ નહીં, ઉપરછલ્લી નહીં, અંતરની મજા પડે એવી મજા કરવાનો પ્રયત્ન કરી રહ્યો હોઊં છું. એટલે જેવું હું જોઊં છું, સમજું છું અને માણું છું એવું વનદર્શન કરાવવાના હેતુથી મેં તેમને હા પાડી. પત્નિ વડોદરા હતી, અને તેનેય ખબર છે કે બે’ક દિવસ મોબાઈલ કવરેજ વિસ્તારની બહાર જતો રહે તો એ અવશ્ય ગીરમાં પડ્યો પાથર્યો હોવાનો. નક્કી કાર્યક્રમ મુજબ વિનયભાઈ અને તેમની સાથે આવતા બે મિત્રો એમ ત્રણ જણાની ટિકીટો તેમણે બુક કરાવી લીધી અને ભાવનગર ઉતરીને ગાડી ભાડે કરી, મહુવા પહોંચ્યા ત્યાં સુધી સતત સંપર્કમાં રહ્યાં. શનિવારે સવારે અમે મહુવામાં મળ્યાં, તેમની સાથે હતાં વિપુલભાઈ અને તેમના પત્નિ બેલાબેન.

ગાડી રાજુલા તરફ આગળ વધી એટલે પરિચય શરૂ થયો, વિપુલભાઈ અને વિનયભાઈ બંને કોલેજકાળના મિત્રો, અને અભ્યાસ પછી ગુજરાતી રંગમંચ સાથે પણ તે એકસાથે જોડાયેલાં. જો કે વિનયભાઈ ટૂંક સમયમાં જ એ છોડીને એક ફાર્મા કંપનીમાં જોડાયેલા અને એ જ નોકરીમાં સ્થિર થઈ ગયાં. તો વિપુલભાઈ તખ્તા સાથે સંકળાયેલા રહ્યાં. રસ્તામાં માઢીયા પાસે શીતલ હોટલે ચા પીને અમે આગળ વધ્યાં. તેમણે તખ્તાના અનેક જાણીતા કલાકારો સાથે કામ કરેલું એ અનુભવોની વાત ચાલતી હતી ત્યાં ગાડી હિંડોરણા ચોકડી પહોંચી, મારા આવી રખડપટ્ટીના કાયમના સાથીદાર માયાભાઈ અને તેમના મિત્ર મુળૂભાઈ પણ અમારી સાથે જોડાયા. ધાતરવડીનો પુલ પસાર કરી ડેડાણ તરફ સંઘ આગળ વધ્યો, તો વિપુલભાઈની એ બંને મિત્રો સાથે ઓળખાણ કરાવી. વિપુલભાઈના રંગમંચના અનુભવોની વાત આગળ વધી. ગોપાલ ગોડસેના પુસ્તક આધારીત ખ્યાતનામ નાટક ‘ગાંધી અને ગોડસે’ તેમના દિગ્દર્શનમાં તૈયાર થયેલું, એ ઘણું પ્રસંશા પામ્યું, એ પછી તેનું મરાઠી સંસ્કરણ ‘મી નથુરામ ગોડસે બોલતોય’ મૂળ કૃતિથી અલગ પડીને અનેક ફેરફારો સાથે પ્રસ્તુત થયું અને અનેક વિવાદોમાં અને કાયદાકીય ગૂંચવણોમાં સપડાયું. કોર્ટ દ્વારા પ્રતિબંધિત થયા પછી તેના ખેલ બંધ થઈ ગયાં. તખ્તાને અલવિદા કહીને તે પછી વિપુલભાઈ એક વિદેશી કંપનીમાં સેલ્સ અને માર્કેટિંગ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહ્યાં છે. તેઓ અને તેમના પત્નિ બેલાબેન ફરવાના ખૂબ શોખીન છે, હિમાચલ પ્રદેશ, લદ્દાખ જેવા પ્રદેશો પણ તેમણે ખૂંદેલા છે.

ડેડાણથી હનમાનપુરા, દલડા અને કંટાળા પસાર કરીને અમે બેડીયા પહોંચ્યા. બેડીયામાં વિનયભાઈની ઈચ્છાપૂર્તીના સાધનો જોયા એટલે અમે ગાડી ઉભી રખાવી. તેમને અસ્સલ કાઠીયાવાડી મસાલેદાર ગોટી વાળી સોડા પીવી હતી. એમની સાથે અમે બધાંય જોડાયાં. બાજુની દુકાનમાં વણાતા ફાફડા ગાંઠીયાને જોઈને બેલાબહેન કહે, આ ગાંઠીયા તો ઘણી વાર ખાધાં છે, પણ એ કેમ બને છે એ આજે જ જોયું.” વિપુલભાઈએ ગાંઠીયા બંધાવ્યા અને વિનયભાઈએ પચીસેક ડેરીમિલ્ક બંધાવી એટલે અમે ફરી ગાડીમાં ગોઠવાયાં. ફરી ગાડી ચાલી. વિનયભાઈ રાજુલા પાસે આવેલા જોલાપર ગામનાં છે, પરંતુ વર્ષોથી મુંબઈ સ્થાયી થયેલાં. સાડા બારની આસપાસનો સમય થયો, વાતોવાતોમાં ધોકડવા આવ્યું, અમે એક ચા ની રેકડી પાસે ગાડી ઉભી રખાવી અને જમવા માટે કોઈ સારી હોટલ હોય તો બતાવવા કહ્યું, રેકડીવાળા ભાઈ કહે, “આવી જાઓ, પાછળ દુકાન છે એમાં બેસી જાવ, જમવાનું તૈયાર છે.” પાછળ નાનકડી ઓશરીમાં ટેબલ ખુરશી નાંખેલા અને બાજુમાં એક ઓરડાની ઓફીસ હતી, એમાં અમને બેસાડ્યાં અને કૂલર ચાલુ કરી આપ્યું. બધાં વારાફરથી હાથ પગ ધોઈ આવ્યા, જમવાનું આવ્યું, સેવ ટમેટાનું શાક, ઉંધીયુ, રોટલા, પરોઠા, ગોળ, ઘી, છાસ, પાપડ જેવી વસ્તુઓનો ખડકલો થઈ ગયો. બધાંએ મનભરીને ખાધું અને મુળૂભાઈ તલની પડીઓ લઈને આવ્યા એને ન્યાય આપીને અમે ગાડીમાં ગોઠવાયા. જસાધાર પહેલાના એક ફાંટે વળીને રાવલ ડેમ તરફ જવાના રસ્તે અમે આગળ વધ્યાં. ચીખલકૂબા પહોંચીને અમે ગાડીમાંથી ઉતર્યા અને રાવલનદી તરફ, તેને ઓળંગવા આગળ વધ્યાં.

ચીખલકૂબાથી એક સીધો ઢાળ ઉતરીને રાવલનદીમાં ઉતરવું પડે છે, જો કે પાણી ફક્ત ગોઠણસમું હતું એટલે નદી પસાર કરવામાં ખાસ તકલીફ પડે એવું નહોતું, ને છતાંય વહેણ ખૂબ ઝડપી હોવાને લીધે અમે પસાર કરવા કોઈ ઉંચી જગ્યાની શોધમાં લાગ્યાં, ગાય ભેંસને નદી પસાર કરવા પથ્થરો હારબંધ નાખીને બનાવાયેલી પાળા જેવી જગ્યાએથી અમે નદી પસાર કરવાનું નક્કી કર્યું. ચપ્પલ બૂટ બધાંએ હાથમાં લઈ લીધાં, સૌથી પહેલા મેં પાણીમાં પગ મૂક્યો, સામેથી આવતા ભાઈને જોઈને હું ઘડીક ખચકાઈને ઉભો રહી ગયો, પણ તેઓ નજીક આવ્યા ત્યારે તેમને ઓળખ્યા, અમારી આ પહેલાની ચિખલકૂબાની અનેક મુલાકાતોના તેઓ સંગાથી, કાંતિભાઈ. અમને જોઈને તેઓ ઉત્સાહમાં આવી ગયાં, જોશભેર “સીતારામ” કર્યાં અને પછી મારો હાથ પકડીને તેઓ નદી પસાર કરાવવા લાગ્યા, મારા પછી વિનયભાઈ, બેલાબેન, વિપુલભાઈ, માયાભાઈ અને મૂળૂભાઈ એમ આખી લંગરે એકમેકના સહારે નદી પસાર કરી. પછી આવ્યું બાવળ, બોરડીને અનેક ઝાંખરાઓ સાથેનો ભાગ, એ ચઢીને અમારે ટેકરીની ટોચ સુધી જવાનું હતું, જો કે આમ તો નદીથી તેની ઉંચાઈ ખાસ વધારે નથી, એટલે ચઢાણ જેવું વધારે નથી, પણ ઝાડીઓમાં રસ્તો ભૂલી જવાનો ડર તો હોય જ, ને વળી આ વિસ્તારમાં દિપડા ને સિંહનો ભય પણ ખરો, એટલે કાંતિભાઈ મળ્યા તો મનેય હાશ થઈ. પંદરેક મિનિટ આ ઝાડીમાં ચાલીને અમે જંગવડ પહોંચ્યા. નાનકડી ડાળીઓના ટેકે, બે ત્રણ ડાળીઓ આડી ઉભી ગોઠવીને બનાવાયેલ ઝાંપા જેવી ગોઠવણ ખોલીને અમે અંદર પ્રવેશ્યા. જંગવડ વિશે આ પહેલાના લેખમાં લખેલું જ છે એટલે એ વર્ણનનું પુનરાવર્તન કરવાનું ટાળું છું.

બાપુ અમને જોઈને ખૂબ ખુશ થયાં, જંગવડમાં તેમણે ભક્તિની અખંડ ધૂણી ધખાવી છે, નવરાત્રીના દસેય દિવસ તેઓ અન્નજળ ત્યાગીને નકોરડા ઉપવાસ કરે છે. અમે ત્યાં પહોંચ્યા તે દિવસે નોમ હતી, પણ બાપુના શરીરમાં, કે ઉત્સાહમાં ક્યાંય કોઈ ઘટાડો નહીં, ઉલટાનું તેમની આભામાં આ ઉપવાસોને લીધે અનેકગણો વધારો થયેલો. ગઈકાલે જે હવનકુંડમાં આઠમનો હવન થયેલો, તેમાં આજે પણ રોજીંદી વિધી હમણાં જ પૂરી થઈ હોવાના નિશાન રૂપે દેવતા હજીય ઝળહળતા હતાં. બાપુને વારાફરથી પગે લાગીને અમે એ હવનકુંડની આસપાસ કુંડાળામાં ગોઠવાઈ ગયાં. બાપુએ બધાંના ખબર અંતર પૂછ્યાં, માયાભાઈ કહે, “કેમ સે બાપુ?” બાપુ કહે, “બસ, આનંદ”. વિનયભાઈ અને વિપુલભાઈતો જગ્યાની સુંદરતા જોઈને ખોવાઈ જ ગયાં. બાપુએ ઝાડની ડાળે તારના સ્ટેન્ડમાં લટકતી દૂધની તપેલી ઉતારી, (અહીં આવતા અમારા જેવા મુસાફરો માટે ગામના લોકો થોડુંક દૂધ રોજ સવારે અહીં આપી જાય છે.) અને કૂબામાં ધખતા ધૂણા પર તેની ચા બનાવી. અમે બધાંએ અસ્સલ કાઠીયાવાડી રીતે સ્ટીલની રકાબીઓ ભરીને ચા પીધી, વિપુલભાઈ બાપુને કહે, “બાપુ, વધારે મળશે?” બાપુ કહે, “અરે ભાઈ, મન ભરીને પીવો.”

ચા નો કાર્યક્રમ પત્યો એટલે કાંતિભાઈ કાવડ લઈને પાછળ નદી પર જઈ આવ્યા, અને પાણી ભરી આવ્યા, પછી માયાભાઈ અને તેમણે તપેલી અને રકાબીઓ સાફ કર્યાં. અમારી નહાવા જવાની ઈચ્છાનો પડઘો પાડતા હોય તેમ બાપુ કહે, “નહાવુ હોય તો પાછળ નદીએ જઈ આવો.” કાંતિભાઈને માલની ચિંતા હતી (ગાય ભેંસને માટે વપરાતો સામાન્ય શબ્દ એટલે માલ), તેમનો ભાણો ધણને લઈને નીકળેલો, પણ ધણના બે ભાગ થઈ ગયાં, એક ઝુંડ આ તરફ ચરતું હતું, અને ત્રણેક સિંહ – સિંહણો આ જ વિસ્તારમાં હતાં એટલે કાંતિભાઈને ત્યાં જવાનું હતું. બાપુ કહે, “હારો ગોવાળીયો કે’વાય, ધણ નોખું થૈ જાય ને તોય ઈનાથી કાબૂ ન થાય?” કાંતિભાઈ કહે, “બાપુ, હાવ નરસીં જેવો સે, કાંય કે’વા જોગું રયું નથ.” એટલે છએક વાગ્યે પાછા આવવાનું કહીને તેઓ ગયા. જો કે અમને તેમણે નદી સુધી પહોંચાડી દીધા. હું, વિનયભાઈ અને મૂળૂભાઈ તો પાણી જોતાં જ ધૂબાકા મારવા માંડ્યા, પાણી બહુ ઉંડુ નહોતું, માંડ એકાદ માથોડા હશે. પણ નીચે પથ્થરો બહુ હતાં અને પાણીમાં માછલીઓ પણ બહુ, છતાંય અમે ખાસ્સા કલાકેક નહાયા. પછી કપડા સૂકાયા ત્યાં સુધી ત્યાં જ ઉભા રહ્યાં. એ દરમ્યાન વિપુલભાઈ અને બેલાબહેને પગબોળણ વિધિ કર્યો, અને આસપાસમાં વેરાયેલી કુદરતની લીલોતરીભરી અમીનજરને કેમેરામાં મઢતા રહ્યાં.

[youtube=http://www.youtube.com/watch?v=vAMRmYu2mXc]

(ક્રમશઃ)


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ગીરયાત્રા – પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… (ભાગ ૧) – જીજ્ઞેશ અધ્યારૂ

 • Sushma Sheth

  ગીર નજર સમક્ષ તાદ્રક્ષ્ય થયું. સિંહ ઊપરાંત જોવા માણવા જેવું. તમે કોણીએ ગોળ ચોપડી દીધો.

 • Heena Parekh

  ધ્રુવ ભટ્ટની નવલકથા અકૂપાર વાંચીને ગીરની કંઈક નવી જ દુનિયાનો પરિચય થયો. અને હવે તમે પણ એજ પગલે આગળ વધી રહ્યા છો. તમારા આ ખાસ ગીરને જરા અમારી પણ ભલામણ કરજો કે અમને પણ બોલાવે. તમારે સાથે આવવું પડશે એ વાત તો નક્કી જ.

  • Nilam doshi

   આજે ફરી એકવાર આ લેખ વાંચવાનો સમય મળી જવાથી..મજા પડી ગઈ.

 • Kalpana

  કેટલુઁ સુન્દર કામ કરો છો, જીગ્નેશભાઈ!
  આપને ખૂબ ખૂબ અભિનન્દન.
  સહજ ભાવે માનવીના મન સુવિચારોથી, સુન્દર લેખોથી વાળી ઘોળી ચોખ્ખા કરી સુસઁસ્ક્રુત કરો અને કરતા રહો એ શુભકામના સાથે વિરમુ.
  દિપાવલી તથા નવુઁ વરસ આપને સઘળી રીતે શૂભ રહે.
  કલ્પના

 • nirlep

  we are also taking tour of Gir region through amazing description & words. A few are interested to enoy natural beauty & way of living of local ppl…..looking forward to next part.