શબ્દોથી પર એક લાગણી તે પ્રેમ – વિકાસ બેલાણી 6


“ જેના ઉપર હક ના હતો, ના છે, ના બનવાનો કદી,
મનમાં નિરંતર એ જ વ્યક્તિનું સ્મરણ કર્યા કરો,
એ નામ લખવાનું અગર મુમકીન નથી તો કંઇ નહી
ખાલી જગાના બેઉ છેડે અવતરણ કરતા રહો.”

વિશ્વાસ પોતાની પ્રેમકથા કહેતા-કહેતા જ્યારે રડી પડ્યો ત્યારે મને એના માટે આ પંક્તિઓ યાદ આવી ગઇ.

લગભગ બધીયે પ્રેમકથાઓમાં હોય છે તેમ વિશ્વાસની આ કથામાં પણ એક કોલેજ, મુગ્ધ વયના એક યુવક-યુવતી, આર્થિક પરિસ્થિતિઓના વિરોધાભાસ, એ બધું સમાન હતું. બસ એક જ વસ્તુ અસમાન અને અસામાન્ય હતી. અને તે હતી વિશ્વાસની દર્શના માટેની લાગણી.

વિશ્વાસ અને દર્શના બન્નેની પૃષ્ઠભૂમિ તો શહેરની હતી, પણ એ એક બાબત સિવાય બધું ભિન્ન હતું. વિશ્વાસ સીધો, સરળ, શરમાળ અને તદ્દન સાદો હતો, જ્યારે દર્શના વાચાળ, ફેશનેબલ અને મોર્ડન યુવતી. એક ઉત્તર ધ્રુવ તો બીજો દક્ષીણ ધ્રુવ. પણ જેમ અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણનું બળ લાગે છે તેમ વિશ્વાસ પણ દર્શનાથી ખેંચાઇ ગયો. જીંદગીમાં ક્યારેય કોઇ છોકરી સામે જોવાની દરકાર પણ નહી કરનારો વિશ્વાસ પ્રથમ નજરે જ પ્રેમ માં પડી ગયો. અલબત,એક તરફી પ્રેમમાં !

વિશ્વાસે ધીમે-ધીમે દર્શના સાથે વાતચીતનો વ્યવહાર તો કેળવી લીધો,પણ હ્રદયની વાત કહેવાની આવડત ન કેળવી શક્યો. એની અવ્યક્ત લાગણીઓ કવિતાઓ બની કોલેજના નોટીસબોર્ડ પર દરરોજ લટકતી.

ઘણા દિવસોની ગડમથલ બાદ વિશ્વાસે છેવટે હ્રદયની વ્યથાને દર્શના સામે ખોલી નાંખવાનું નક્કી કર્યું. આખરે એક દિવસે તેણે એક પત્ર લખ્યો, કવિતાઓથી મઢેલો, લાગણીઓથી તરબતર પત્ર. પોતાની ઇઝહારે મહોબ્બત લખી દર્શનાને મોકલાવી. પરિણામ વિશ્વાસની અપેક્ષા મુજબ જ આવ્યું. પ્રણયની પરીક્ષામાં દર્શનાએ તેની ઉમેદવારી જ અમાન્ય ઠરાવી દિધી. વિશ્વાસ હારી ગયો. એ પોતાના આ પરાભવને ન પચાવી શક્યો. એના વાણી, વર્તન, અભ્યાસમાં આની સીધી અસર દેખાઇ. પોતાની તમામ ઉર્મીઓને તેણે પોતાના હ્રદયમાં જીવતે જીવ દફનાવી દિધી.

થોડા મહીના પસાર થયા. વિશ્વાસે હ્રદયની લાગણીઓ પર વિજય મેળવી લીધો હતો. દર્શના રૂપી મૃગજળને પામવાનો વિચાર છોડી દીધો હતો. એ હવે સ્વસ્થ હતો. પણ એવામાં એક સવારે દર્શનાએ વિશ્વાસ પાસે આવી એના અકળ મૌન વિશે પુછ્યું. એના અબોલા તોડવા વિનંતીઓ કરી, એ રડમસ થઇ ગઈ.

દર્શનાની નજર સાથે નજર મિલાવી ત્યાંતો વિશ્વાસના હ્રદયમાં ભયંકર ભૂકંપ આવ્યો, મનોબળની ઇમારત ધ્વસ્ત થઇ ગઇ. હ્રદયમાં દફ્નાવેલી લાગણીઓ કબર તોડીને બહાર નીકળી આવી. છતાંયે વિશ્વાસે જાત પર કાબુ રાખી સસ્મિત વદને દર્શના સાથે વાત કરી.

બીજા છએક મહીના વીતી ગયાં. વીતેલા એક વર્ષ દરમિયાન વિશ્વાસે દર્શના સાથે ખૂબ જ સંયમપૂર્વકનો વ્યવહાર રાખેલો. ત્યા જ એક દિવસે એને સમાચાર મળ્યાં કે દર્શના કોલેજ છોડી રહી છે, એનુ શહેર પણ છોડી રહી છે અને પરિવાર સાથે મુંબઇ શીફ્ટ થઇ રહી છે. દર્શનાના દરરોજ દીદાર કરીને શ્વસતા વિશ્વાસના હ્રદય માટે આ વજ્રાઘાત હતો. વિશ્વાસે રીતસર દોટ મૂકી. દર્શનાનો હાથ પકડી બહાર ખેંચી ગયો. બસ, પછી તો અવ્યક્ત લાગણીઓનો ધોધમાર વરસાદ ચાલુ થયો અને અત્યાર સુધી કોરી રહેનાર દર્શના ભીંજાવા લાગી. વિશ્વાસ માટે સમય વહી ગયો હતો. હવે શક્યતઓને અવકાશ ન હતો. વિશ્વાસ તે દિવસે દર્શનાને બસ-સ્ટોપ સુધી મૂકી આવ્યો.

સમયનાં વહેણ વર્ષો બની વહેતા રહ્યાં. વિશ્વાસ એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર બની ગયો હતો. વડોદરાના એક પોશ વિસ્તારમાં એની ઓફિસ હતી. એના લગ્ન થઇ ગયા હતાં. વિશ્વાસ પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. પણ્ પોતાના પ્રથમ પ્રેમને ક્યારેય ભૂલી શક્તો નહોતો. દર્શનાની યાદોને એણે શબ્દોમાં ઢાળવાની શરૂઆત કરી હતી. એક દિવસે વિશ્વાસ દર્શનાને યાદ કરી રહ્યો હતો. તે દિવસ દર્શનાનો જન્મદિવસ હતો. અચાનક વિશ્વાસ ઉઠ્યો, સાત વર્ષ જુની યાદોના પાના ફંફોસ્યા અને યાદ કર્યો દર્શનાનો એના જુના શહેરનો નંબર. વિશ્વાસે નંબર જોડ્યો. સામે દર્શના તો ન મળી પણ દર્શનાનો મુંબઇનો નંબર. વિશ્વાસે મુંબઇ ફોન લગાડ્યો અને સામે જે સ્વર સંભળાયા  એનાથી વિશ્વાસના સ્નેહનો ગુલમહોર ખીલી ઊઠ્યો. દર્શના કોસ્ચ્યુમ ડિઝાઇનર બની ગઇ હતી. સાત વર્ષ બાદ પણ દર્શના વિશ્વાસનો અવાજ ઓળખી ગઈ.

પછી તો વાતો વધતી ગઈ, ફોન વધતા ગયા, ઔપચારીક વાતોનું સ્થાન સ્નેહ્ભરી વાતોએ લીધું. બે-હ્રદય બધું ભૂલીને એકબીજામાં ઓગળી ગયાં. વિશ્વાસ અને દર્શના બન્ને હવે એકબીજાને મળવા તલપાપડ બની ગયા હતાં.

ત્યાં એક દિવસે દર્શના વડોદરા આવી. એ વખતે વડોદરામાં રમખાણો ચાલી રહ્યાં હતાં. વિશ્વાસની પત્ની એ જ વખતે બહારગામ ગયેલી હતી. વિશ્વાસે દર્શનાને પોતાને ત્યાંજ રોકાઇ જવા આગ્રહ કર્યો કારણકે દર્શનાને શહેરના એવા વિસ્તારમાં જવાનું હતું જે વિસ્તાર એ સમયે સલામત નહોતો.

દર્શના વિશ્વાસ સાથે એના ઘરે આવી. વિશ્વાસ માટે બધું સ્વપ્નવત હતું. સાંજ ઢળી અને બન્ને બારી પાસે બેઠા. બન્નેએ નક્કી કર્યું કે આખી રાત જાગી વાતો કરીશું, જુની યાદો ને ઢંઢોળીશું. વાતો થતી રહી, બે હ્રદય વચ્ચેનું અંતર ઓગળતું ગયું. વિશ્વાસે હાથ લંબાવ્યો, દર્શનાએ હાથમાં હાથ આપ્યો અને હસ્ત-મેળાપ થયો. આંખો સાથે આંખો મળી અને છેડા-છેડી જોડાયા. ઇશ્વરની સાક્ષીએ સ્નેહના ફેરા ફરાયા. આંસુઓથી દર્શનાનો સેંથો પુરાયો. સામ-સામે બેઠા-બેઠા જ પ્રણય પરિણયમાં ફેરવાઇ ગયો. સવાર પડી અને વિદાયનો સમય થયો. દુનિયાના કોઇ પણ ખૂણે રહીને પણ એકબીજાને યાદ કરવાના, ચાહવાના કોલ સાથે દર્શનાએ વિદાય લીધી.

તે પછી દર્શનાએ પરિવાર સહીત મુંબઇ છોડી દીધું. વિશ્વાસ પાસે છેલ્લા બે વર્ષથી દર્શનાનો કોઇ ફોન નંબર – સંપર્ક નથી. દર્શનાના કોઇ સમાચાર નથી. અત્યારે વિશ્વાસ મારી સામે બેઠા છે. મને પોતાની વીતક કથા આ માધ્યમ થકી દર્શના સુધી પહોંચાડવા વિનંતી કરી રહ્યાં છે.

શરૂઆતમાં મને વિશ્વાસનો દર્શના માટેનો પ્રેમ એમની પત્ની તરફનો દ્રોહ લાગ્યો હતો. પણ જ્યારે મેં વિશ્વાસની આંખોમાં જોયું તો મને દેખાયું કે એમની એક આંખમાં દર્શના હતી તો બીજી આંખમાં એમની પત્ની હતી. એક તરફ રાધા હતી તો બીજી તરફ રુકમિણી હતી. એમની સચ્ચાઇને કારણે એમના જીવનની દશ વર્ષની કથાને મેં અહીં બે પાનાંમાં સમાવવા પ્રયત્ન કર્યો છે.

(શિર્ષક પંક્તિ- હિતેન આનંદપરા )

– વિકાસ બેલાણી.

કોઈકના જીવનની સત્યકથા એક વાર્તા માત્ર ન હોઈ શકે, અને લાગણીઓનું એ ઘોડાપૂર, વ્યક્તિવિશેષ માટે વીતેલા એ પ્રસંગોની મહત્તા આમ કોઈ કૃતિમાં પૂર્ણપણે વ્યક્ત પણ ન જ થઈ શકે એવું મારું સ્પષ્ટ માનવું છે. એટલે જ્યારે શ્રી વિકાસ બેલાણીએ તેમના મિત્ર એવા વિશ્વાસની આ વાત અક્ષરનાદ માટે મોકલી ત્યારે બે ઘડી થયું કે આ વાત મૂકવી જોઈએ કે નહીં? સૂરતમાં એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રીકલ ઈજનેર તરીકે કામ કરતા મિત્ર વિકાસ બેલાણી અમારા જૂના સહકર્મચારી હતાં. અને આ વાત સત્યઘટના છે, કોલેજમાં ભણતા, મુગ્ધાવસ્થાના આકર્ષણમાં પ્રેમરોગી થતાં કોઈને પણ આ વાત સામાન્ય લાગે, પરંતુ એ વ્યક્તિવિશેષ માટે તો એ અસામાન્ય જ રહેવાની. આ વાત અહીં મૂકવાનો હેતુ પૂર્ણ થાય એવી શુભકામનાઓ સાથે અનેક શુભેચ્છાઓ.

– વિકાસ બેલાણી

બિલીપત્ર

Of all the bonds, you chose love,
Of all the ones, I chose you,
Of all the ends, god chose this,
And of all the mess, I am still alive

– Bala Arjunan


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “શબ્દોથી પર એક લાગણી તે પ્રેમ – વિકાસ બેલાણી