તું પાસ નહીં, સહવાસ નહીં, તારા વિનાની જીંદગી,
ઘાયલ ઘણી છે ને ઘણી બદનામ છે આ જીંદગી,
તારી અસર ના હોય તો, એ કઇ રીતે હસતી રહે?
બેસીને ખૂણામાં, કદી રડતી રહે છે જીંદગી,
મથતી રહે તારા ઉપરની ઇશ્કીયતથી છુટવા,
ઘટતી નથી ને ઓર વધતી જાય છે આ જીંદગી,
પુછે છે સહુ, કોને કહું? આ મારી અંગત વાત છે,
મારા જ દિલથી બેદિલી કરતી રહી છે જીંદગી,
ના આશ પણ રાખે અને, ના પ્રશ્ન પણ પુછે કોઇ!
કોને ખબર કઈ રીતથી, વીતી રહી છે જીંદગી ?
દિલ એક છે તો, એ ‘રૂષભ’ કઇ રીતથી બનતું હશે?
સાથે શ્વસે, સાથે ચહે, સાથે રહે બે જીંદગી!
-વિકાસ બેલાણી ‘રૂષભ’
સૂરતમાં એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રીકલ ઈજનેર તરીકે કામ કરતા મિત્ર વિકાસ બેલાણી અમારા જૂના સહકર્મચારી હતાં. તેમની આ રચના ઘણાં વખતે આવી છે. જીવનને, પ્રેમને એકબીજાની જરૂરત કેટલી છે એ સ્પષ્ટ કરવાનો અહીં તેમણે પ્રયત્ન કર્યો છે. પ્રિયતમ વગરના એકલા પ્રેમીની હાલત અહીં વ્યક્ત કરવાનો પ્રયાસ થયો છે. તેમની હજુ વધુ રચનાઓ, ભાવપ્રધાન એવી તેમની ગદ્ય-પદ્ય રચનાઓ વધુ રચાતી રહે અને આપણને મળ્યા કરે તેવી ઈચ્છા સાથે તેમને શુભકામનાઓ.
પ્રિય હેમંતભાઈ,
આપની ટકોર કે પ્રતિભાવ કે સુધારણાના અવકાશ વિશેની કોમેન્ટ સદાય આવકાર્ય છે અને રહેશે. જો કે હું અહીં ફરી એક વખત એ કહેવું ઉચિત સમજું છું કે ગઝલ સંરચનામાં (કાવ્યના ભાવની નહીં, છંદની અને અન્ય ગઝલ નિયમોની) જે ભૂલ હોય એ વિશે પણ આપ જો વિગતે ધ્યાન દોરી શકો તો અહીં રચનાઓ મોકલતા મિત્રો તેને વધુ ધ્યાનથી અને નિયમોના બંધનમાં રહીને રચી શકે. જો કે હું સમજુ છું કે બધી રચનાઓ માટે એ શક્ય નથી, પરંતુ છતાંય આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે.
આશા છે આપનું તથા સૌ વિદ્વાન મિત્રોનું માર્ગદર્શન મળી રહેશે.
જીજ્ઞેશ અધ્યારૂ.
જીગ્નેશભાઈ,
ફરી એક વાર ધ્યાન દોરવાની ઈચ્છા છે કે આ રચના ગઝલ નથી. કાવ્યતત્વ પણ સામાન્ય કક્ષાનું કહી શકાય પણ એની વાત નથી કરવી. ગઝલને પોતાના સ્વરૂપના બંધનો હોય છે. ગઝલના મૂળભૂત અંગ જેમ કે છંદ અને કાફિયાની ગેરહાજરી હોય તો એને ગઝલ ન કહી શકાય.
વધુમાં વધુ ગઝલ સદૃશ રચના છે એમ કહી શકાય.
તમે જાહેરમાં કંઈ મૂકો એમાં તમારી જવાબદારી વધી પડે છે. તમે આને ગઝલ કહો એટલે આ પ્રકારનું લખીને એને ગઝલ ગણી બેસનારાની સંખ્યા વધે. જો આમ થાય તો સાહિત્યની કુસેવા થઈ ગણાય. પાછો તમારો બ્લૉગ ખાસ્સો વંચાય છે ત્યારે આ વાતોનું તમે ધ્યાન રાખો એ ઈચ્છનીય છે.
મિત્ર સમજીને, કાવ્ય/ગઝલ અંગે લોકોમાં સારી અને સાચી સમજ ફેલાય એવા સદહેતુથી, આ ટકોર કરું છું. આશા છે કે આપ મારી વાતને સમજી શકશો.
ના આશ પણ રાખે અને, ના પ્રશ્ન પણ પુછે કોઇ!
કોને ખબર કઈ રીતથી, વીતી રહી છે જીંદગી ?
વિકાસભાઇ
તમારી ઉપરોક્ત પંક્તિ પરથી સુજ્યુ…
એક જ રીતથી વહેતી અને સરતી જોઈ નદી કોઇ!
ઢાળ આવે ઉલાળ પછી, રુઆબ ત્યારે જોજે જિંદગીનો.
સરસ ગઝલ છે…
તારી અસર ના હોય તો, એ કઇ રીતે હસતી રહે?
બેસીને ખૂણામાં, કદી રડતી રહે છે જીંદગી…
સરસ પંક્તિ.