અસ્મિતાપર્વ “સ્વર અક્ષરનો મહાકુંભ” – હરિશ્ચંદ્ર જોશી (ભાગ ૧) 2


શ્રી હનુમાનજી મહારાજ પૂ. મોરારીબાપુના આરાધ્યદેવ. બાપુનો વિશ્વાસ. રામકથાનું પ્રેરકબળ, પ્રાણવાયુ. બાપુના હ્રદયમાં તેમના પ્રત્યેની ભક્તિ અને સમર્પણભાવ સહજ હોય જ. પરંતુ એ ભાવ ત્રીસેક વર્એ પૂર્વે નૂતન સ્વરૂપે, વિશિષ્ટ રીતે ય પ્રગટ્યો છે. – શાસ્ત્રીય સંગીત, નૃત્ય મહોત્સવના રૂપે.

શ્રી હનુમાનજી ભારતીય શાસ્ત્રીય સંગીતના ચતુર્થ આદ્યસ્તંભોમાંનો એક આદ્યસ્તંભ છે. પરમ ગાયનાચાર્ય, રાગોના સર્જક, હનુમંતમતના પ્રવર્તક, નર્તન-સંકીર્તનના આ પુરસ્કર્તાની પ્રાગટ્ય તિથિએ, ચિત્રકૂટધામ-તલગાજરડામાં સંગીત વંદનાનો ૧૯૭૮માં પ્રારંભ થયો.

સંતના પ્રેમને વશ, સંગીત નૃત્યના દિગ્ગજ કલાકારો સૌરાષ્ટ્રના દૂરના સ્થાન સુધી પ્રતિવર્ષ આવતા રહ્યાં છે. જેઓ આવ્યા છે તેઓ આ મહોત્સવનો ગૌરવપૂર્વક ઉલ્લેખ કરે છે. સર્વશ્રી પં. રવિશંકર, ઉસ્તાદ બિસ્મિલ્લાખાઁ, વી.જી.જોગ, કિસન મહારાજ, બિરજુ મહારાજ, જસરાજજી, ભીમસેન જોશી, કુમાર ગંધર્વ, ગોપીકૃષ્ણ, રામનારાયણ, નિખિલ બેનર્જી, વિલાયતખાઁ વગેરેએ શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ પાસે સ્વર નૃત્ય વંદના કરી છે. તો વળી અનેક યુવા પ્રતિભાઓ પણ અવિસ્મરણીય પ્રસ્તુતિ કરી ચૂકી છે.

સંગીત મહોત્સવના આશરે વીસેક વર્ષ પછી ૧૯૯૭ની હનુમાનજયંતીના દિવસે બાપુએ એક વિશિષ્ટ ઉપક્રમ રચ્યો. સાંજના ચાર પાંચ વાગ્યે ગુજરાતી ભાષાના સમર્થ કવિઓ – સર્વશ્રી રમેશ પારેખ, અનિલ જોશી, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, હર્ષદ ચંદારાણા, માધવ રામાનુજ, વિનોદ જોશી વગેરેી શ્રી હનુમાનજી મહારાજ પાસે ઓસરીમાં બેસીને કાવ્યપાઠ કર્યો. શ્રોતાઓમાં પૂ. બાપુ ઉપરાંત ત્યાં ઉપસ્થિત થોડા ભાઈ બહેનો હતાં. અનાયાસ બનેલી આ ઘટનામાં ‘જ્ઞાનીઓમાં અગ્રણી’, અને ‘બુધ્ધિમંતોમાં વરિષ્ઠ’ એવા હનુમંતલાલજી પાસે કવિઓએ શબ્દ વંદના કરી. અહીં અસ્મિતાપર્વનો વિચાર અંકુરીત થયો. અલબત્ત સાહિત્ય અને કલાની વંદના – અર્ચનાનું બીજ બાપુના હ્રદયમાં વર્ષો પૂર્વેથી પડેલું જ હશે.

૧૯૯૮ મા શ્રી હનુમાનજયંતિના ઉપાલક્ષ્યમાં યોજાતા શાસ્ત્રીય સંગીત મહોત્સવ સાથે સાહિત્ય જોડાયું અને ‘અસ્મિતાપર્વ’ નો પ્રારંભ થયો. પ્રથમ અસ્મિતાપર્વના દિવસો નજીક આવતા હતા તે વખતે બાપુએ કહેલું, “અસ્મિતાપર્વ જેમ જેમ નજીક આવતું જાય છે તેમ તેમ અંતરનો આનંદ વધતો જાય છે.” અસ્મિતાપર્વ દરમ્યાન હંમેશા તેઓ કહેતા હોય; “બીજુ બધું તો ઠીક, મોજ ખૂબ આવે છે.”

આ ‘મોજ’ એમણે સૌની વચ્ચે વહેંચી છે. બન્ને હાથની ભીડેલી હથેળીઓ પર ચહેરાને ટેકવી, નાળિયેરીને અઢેલીને શ્રોતાઓથી ઘેરાયેલ સમર્થ વક્તાને અસ્મિતાપર્વમાં શ્રોતારૂપે નિરખવા એ ય એક લ્હાવો છે. તેઓ પ્રસંગોપાત સાહિત્યકારોને કહેતા હોય; “મને આ બધું ગમે પણ હું કથાઓને કારણે તો સૌ પાસે તો ન જઈ શકું, આપ સૌ અહીં આવો એવી મારી વિનંતિને સૌ સ્વીકારો છો એ તમારું ઔદાર્ય છે, મોટાઈ છે. કથા તો સત્સંગ છે જ પરંતુ અહીં જે વાત, વિચાર, સિધ્ધાંત રજૂ થાય, કાવ્યપાઠ થાય, સર્જકો અને સહભાવકોની અનૌપચારીક ગોષ્ઠિઓ યોજાય, સ્વર વિલસે, નૃત્ય પ્રગટે એ પણ મારે મન સત્સંગ છે. મને અહીં જે ગમ્યું હોય તેને ગમતાન ગુલાલ કરી સર્જકના નામ સાથે વહેંચી દઊં છું.”

‘અસ્મિતાપર્વ-૧’ થી જન વરિષ્ઠ સાહિત્યકારોનો આ પ્રેમ આ સાહિત્યયજ્ઞને મળતો રહ્યો છે. પર્વ – ૧ની પૂર્વે જ શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ ને સરસ્વતી સન્માન પ્રાપ્ત થયું હતું. ગુજરાતી સાહિત્યની આ ગરિમાપૂર્ણ ઘટનાથી પ્રત્યેક ગુજરાતી આનંદ અનુભવે તે સ્વાભાવિક છે. છેલ્લા દિવસે દર્શકદાદાના ગુજરાતમાં પ્રથમ સન્માન સાથે અસ્મિતાપર્વ-૧નું સમાપન થયેલું. ગુજરાતી સાહિત્યની અનન્ય સેવા કરનાર સર્વશ્રી ‘દર્શક’, આચાર્ય યશવન્ત શુક્લ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ભોળાભાઈ પટેલ, રઘુવીર ચૌધરી, ધીરુભાઈ ઠક્કર, જયન્ત પાઠક, નારાયણ દેસાઈ, રમેશ પારેખ, ભગવતીકુમાર શર્મા, ચીનુ મોદી, માધવ રામાનુજ, મનહર મોદી, મનોજ ખંડેરીયા, રાજેન્દ્ર શુક્લ, ગુણવંત શાહ, નામવર સિંહ, હબીબ તનવીર, સુક્રદેવસિંહ, સતીશ આળેકર, નગીનદાસ સંઘવી, દિંગત ઓઝા, પ્રકાશ શાહ, માર્કન્ડ ભટ્ટ, મધુ રે, કુમારપાળ દેસાઈ, લાભશંકર પુરોહિત, નરોત્તમ પલાણ, સુરેશ દલાલ, સુમન શાહ, વિનોદ ભટ્ટ, ચન્દ્રકાન્ત શેઠ, વસુબહેન, મહાવીરસિંહ ચૌહાણ, ભાણદેવ, ગૌતમ પટેલ, વસંત પરીખ, જોસેફ મેકવાન, વિજય પંડ્યા, દલપત પઢિયાર અને નિરંજન રાજ્યગુરુ તેમજ સાહિત્યના વિવિધ સ્વરૂપોમ આં સર્જનરત વરિષ્ઠ અને યુવા સર્જકોથી આજ સુધીના ‘પર્વો’ રળીયાત બન્યા છે.

પર્વમાં નક્કી થતા વિષય માટે જે તે વિષયના અભ્યાસી, સંશોધક અને વિદ્વાન વક્તાઓની પસંદગી થાય છે. વક્તવ્યો પેપર રિડીંગને બદલે મૌખિક સ્વરૂપના રહે છે. પ્રત્યેક વક્તવ્યને ૪૫ થી પચાસ મિનિટનો સમય આપવામાં આવે છે. પૂર્ણ સજ્જતાથી રોચક શૈલીમાં અહીં થયેલા બહુધા વક્તવ્યો અવિસ્મરણીય બની રહ્યાં છે. કોઈ વિષય કે મુદ્દાથી અજાણ કે અલ્પપરિચિત શ્રોતાઓને સમર્થ વક્તાઓ પોતાની સાથે એ ભાવપ્રદેશની ઊંચાઈએ લઈ ગયા છે. વક્તાઓની સજ્જતા માટે બાપુ હંમેશા અહોભાવ પ્રગટ કરતાં હોય છે. શ્રી ભીખુદાન ગઢવી બાપુને તેમજ મને કાયમ કહે, “આ લોકો (વક્તાઓ) કેટલી તૈયારી કરતા હશે ! નિષ્ઠા અને અભ્યાસ કોને કહેવાય એ જોવા સાંભળવાય અહીં આવવાનું મન રહે છે.”

તો વળી શ્રી અજીત ઠાકોર જેવા વિદ્વાન કાયમ એમ કહેતા હોય, “બાપુની પ્રેમવર્ષામાં ભીંજાવા કોણ ન ઈચ્છે? અહીં આવીને, આ બધું માણીને સભર થઈએ છીએ. બાપુને આપણે શું આપી શકીએ ? હા, સોંપાયેલા વિષયના મૂળ સુધી જવાનો ઉદ્યમ કરીએ; પૂરી નિષ્ઠાથી અને લગનથી અભ્યાસ કરીએ. મહીનો બે મહીના અંદર ઉતરીને શબ્દ સાધના કરીએ. બાપુના પ્રેમનો બીજી તો કઈ રીતે પ્રતિસાદ દઈ શકીએ?”

ચારેક અસ્મિતાપર્વ થયાં પછી અનેક સાહિત્યકારો અને સહભાવકો એવી લાગણી વ્યક્ત કરતા રહ્યા કે અહીં બોલાયેલો શબ્દ પુસ્તકરૂપ પામે. સામાન્ય રીતે શ્રોતાઓ પર્વની સી.ડી કે ડી.વી.ડી. ‘સંગીતની દુનિયા’ પાસેથી લઈ જતા હોય છે. પરંતુ પુસ્તકનુ સ્થાન અન્ય ઉપકરણો ક્યારેય ન લઈ શકે. સૌનો પ્રેમાગ્રહ વધતો ચાલ્યો. સૂચન ઉત્તરોત્તર દ્રઢાતું ગયું. પૂજ્ય બાપુ પાસે આ અંગે પ્રસ્તાવ મૂકાયો જે એમણે પ્રસન્નતાથી સ્વીકાર્યો.

કેટલા પુસ્તકો? કેમ કરવા? કોણ કરે? વગેરે વિચારણાને અંતે નક્કી કરવામાં આવ્યું અને પર્વ-૮ માં જાહેર કરાયું કે દસ પર્વો પછી દરેક પર્વનું એક પુસ્તક એવા ૧૦ પુસ્તકોનો સંપુટ પ્રગટ કરવો. પ્રકાશન ઉત્તમ રીતે કરવું. આ માટે ‘શબ્દસૃષ્ટિ’ ના સંપાદનથી પોતાની વિશિષ્ટ મુદ્રા પ્રગટાવનાર કવિશ્રી હર્ષદ ત્રિવેદીને મુખ્ય સંપાદક તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. લેખિકા બિન્દુ ભટ્ટ, પ્રાધ્યાપકો નરેશ શુક્લ અને દીપક પંડ્યાએ સહસંપાદક તરીકે છેલ્લા બે વર્ષ ‘અસ્મિતાપર્વ’મય ગાળ્યા છે. બહુધા લેખ વક્તવ્ય સ્વરૂપના છે. આ પણ એક વિશિષ્ટ બાબત છે જેને અભ્યાસીઓ ભવિષ્યમાં મૂલવશે.

પૂ. બાપુની પ્રેરણા સાથે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ, જૂનાગઢ ‘સંપુટ’નું પ્રકાશન છે. સુધડ સ્વચ્છ, ત્વરિત પ્રિન્ટિંગની જવાબદારી શ્રી રોહિત કોઠારી (શારદા મુદ્રણાલય, અમદાવાદ) એ અને વિતરક તરીકે શ્રી મનુભાઈ શાહ (ગુર્જર એજન્સી, અમદાવાદ) કાર્ય સંભાળ્યું હતું.

અસ્મિતાપર્વ – વાકધારા ૧ થી ૧૦ (સંપુટ) નો લોકાર્પણવિધિ મોરારિબાપુ અને વરિષ્ઠ સર્જકો કલા સાધકોની સાન્નિધિમાં ગુજરાતી ભાષાના વરિષ્ઠ કવિવર શ્રી રાજેન્દ્ર શાહ (નરસિંહ એવોર્ડ અને જ્ઞાનપીઠ એવોર્ડથી પુરસ્કૃત) ના વરદહસ્તે થયો. વાકધારા સંપુટના લોકાર્પણ સાથે અસ્મિતાપર્વ ૧૧ નો પ્રારંભ થયો. આ સંપુટ ગુજરાતી સાહિત્યની સમૃધ્ધિમાં અસ્મિતાપર્વ દ્વારા થયેલો નોંધપાત્ર ઉમેરો ગણાશે તેવી શ્રધ્ધા છે.

પર્વમાં વિષય વૈવિધ્ય રહ્યું છે. ગુજરાતી સાહિત્યના સિધ્ધાંતરૂપ મુદ્દાઓ વિષે વક્તવ્યો થયાં છે. તેમ લોકભોગ્ય વિષયો પણ પસંદ કરાયા છે. કવિતા, નવલકથા, આત્મકથા-જીવનકથા, પ્રવાસ, દલિત સાહિત્ય, ગાંધી વિચાર, નાટક, કાવ્યાસ્વાદ, પત્રકારત્વ, પ્રસિધ્ધ કૃતિઓ, સર્જકો, સ્ત્રી સંવેદના, લોકસાહિત્ય, પ્રાચીન ભજન સાહિત્ય, સંસ્કૃત વાંડ્મય, ભારતીય અને વિશ્વસાહિત્ય વિષે રસપૂર્ણ વક્તવ્યોથી પર્વો ધન્ય થયાં છે. પર્વમાં યોજાતા સાંધ્ય કાવ્યાયનોમાં કવિઓએ પોતાના શબ્દરંગ પૂર્યાં છે. માલણ તીરે, કૈલાસ ગુરુકુળના રમણીય પરિસરને કાવ્ય સુરભિથી મધમધ કર્યો છે.

પર્વ માટે વક્તાઓ અને કવિઓની પસંદગીમાં તટસ્થતા રખાઈ છે. કોઈ જૂથ કે વાડાઓનો સ્પર્શ થયો નથી. કોઈને વ્યક્તિગત ચોપાટોમાં રસ દાખવ્યો નથી. ભલામણો કે બાયોડેટાને ધ્યાને લીધા નથી. અહીં આવનારે પણ પોતાના ગમા અણગમા વિશારીને જ આવતા હોવાના સુખદ અનુભવો કરાવ્યા છે. અહીં શબ્દની ઉપાસના કરવાની છે એ મંત્ર જ હંમેશા નજર સામે હ્રદયમાં રહ્યો છે. અહીં કોઈનો અનાદર નથી, સર્વનો સ્વિકાર છે.

અસ્મિતાપર્વમાં સર્જકો આવે, પૂર્ણ થતાં સુધી સૌ રોકાય, શબ્દગોષ્ઠિથી વાતાવરણ ભર્યું ભર્યું રહે, રાત્રિએ સ્વર ઝંકૃતિથી સૌનો માંહ્યલો પુલકિત થાય એવો બાપુનો હ્રદયભાવ રહ્યો છે. ક્રમે ક્રમે સર્જકો અને સહભાવકોની સંખ્યા વધતી ગઈ છે. અસ્મિતાપર્વ ૧૨માં ખૂબ મોટી સંખ્યામાં કવિઓ, લેખકો, ગાયકો, સંગીતકારો, ચિત્રકારો, કલા ફોટોગ્રાફરો, શિક્ષણશાસ્ત્રીઓ, નાટ્ય કલાકારો, દિગ્દર્શકો, વર્તમાનપત્ર-સામયિકોના તંત્રીઓ-સંપાદકો, પત્રકારો, વિવિધ મીડિયાના પ્રતિનિધિઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ‘પર્વ’ માં મુખ્યત્વે સર્જકોને – કલા સાધકોને નિમંત્રણ મોકલાય છે. સ્થળ અવકાશ હોય ત્યાં સુધી સાહિત્ય કલાપ્રેમી સહભાવકોને પણ આવાસ વ્યવસ્થા અપાય છે. આ સમગ્ર ઉપક્રમ જાહેર સ્વરૂપનો છે તેથી સૌ કોઈ પર્વનો આનંદ લઈ શકે છે. થોડાંક વર્ષોથી તેનું જીવંત પ્રસારણ પણ ટી.વી. ચેનલોના માધ્યમથી કરવામાં આવે છે જેનો લાભ દેશમાં તેમજ વિદેશમાં રહેલા સહભાવકો લે છે. અસ્મિતાપર્વ ૧૩ નું પણ જીવંત પ્રસારણ ‘આસ્થા’ ચેનલ પરથી થનાર છે.

બાર વર્ષથી અસ્મિતાપર્વ સાતત્યપૂર્ણ રીતે યોજાતું રહ્યું છે. અનિવાર્ય સંજોગોમાં એક વાર અસ્મિતાપર્વની તિથિઓમાં પરિવર્તન કરવું પડ્યું છે. ગુજરાતના ભીષણ દુકાળના કારણે શાસ્ત્રીય સંગીત-નૃત્ય મહોત્સવ બેએક વાર બંધ પણ રહ્યો છે.

પર્વમાં વિષયો, વક્તાઓ-કવિઓ, કલાસાધકોના નામ ઉમેરાતા ગયાં અને પર્વનો ઘાટ રચાતો ગયો છે. સમયાંતરે પરિવર્તન અને નવા ઉમેરાને પણ અવકાશ છે જ. પર્વ – ૧ માં આવેલા શ્રી રઘુવીરભાઈ જેવા સર્જકો કે શ્રી અનિલ ખંભાયતા જેવા અનેક સહભાવકો મોટાભાગના પર્વોમાં અચૂક ઉપસ્થિત રહ્યાં છે. શ્રી રમેશ પારેખની પણ મોટાભાગના પર્વોમાં ઉપસ્થિતિ રહી છે. કૈલાસ ગુરુકુળના પરિસરમાં, સ્વાગતના પ્રત્યુત્તરમાં રમેશ પારેખે કહેલું, “જયદેવભાઈ, આવી ગયા છીએ, ઉતારો મળે કે ન મળે, હું છું ત્યાં સુધી અસ્મિતાપર્વમાં આવીશ.” રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ કે નીતિન વડગામા જેવા અનેક સર્જકો-વક્તાઓ, વક્તવ્ય કે કાવ્યપાઠ ન હોય તો પણ સહભાવક તરીકે ઉપસ્થિત રહ્યાં છે. થોડાક નામો એવા પણ છે જે વક્તવ્ય માટે કે કાવ્યપાઠમાં આવ્યા છે. અલબત્ત યુવાસર્જક પ્રતિભાઓ આ મહાકુંભમાં સ્નાન કરીને ધન્ય બને છે. જાણ્યે અજાણ્યે તેમની કલમનું અહીં ઘડતર થાય છે. એમને મન આદરણીય હોય તેવા અનેક વરિષ્ઠ સર્જકોના દર્શન પામે છે. કોઈ કોઈને વરિષ્ઠોનું માર્ગદર્શન પણ મળી જતું હોય છે. મંદિરના પ્રાંગણમાં, ઓટલા પર કે વૃક્ષની છાંયમાં જામતી ગોષ્ટિઓમાં નવી રચનાઓનું આદાન પ્રદાન અનૌપચારિક રીતે ચાલતું જ હોય છે. સાહિત્યકારો સાથે સંપર્ક સેતુ રચાય છે. અનેકોને એમ કહેતા સાંભળ્યા છે કે પર્વની સમાપન ક્ષણે આગામી પર્વની પ્રતિક્ષા સાથે વિદાય લઈએ છીએ.

સર્જક પ્રતિભાના સ્ફુલ્લિંગો જ્યાં પણ, જેમ પણ જોવા મળ્યા છે ત્યાં બાપુએ હંમેશા આદર કર્યો છે. મોરારિબાપુની આ કલાપ્રીતિ સાહિત્યપ્રીતિના મૂળ તો ઘણાં ઊંડા છે.

મહાભારતની કથાઓ, આખ્યાનો-ઉપાખ્યાનો ગાનાર અને તુલસીજીના ગ્રંથોનું અધ્યયન કરનાર પૂ. ત્રિભુવનદાદા તેમના ગુરૂ. એ વારસો તો એમને મળ્યો જ. ઉપરાંત અભ્યાસકાળમાં સાહિત્યપલ્લવોને રસપૂર્વક આત્મસાત કર્યા હશે. (એમાંની અનેક કૃતિઓનો કથામાં સંદર્ભ આવે. એ રચનાઓ એમને આજે પણ કંઠસ્થ છે) તેમના શિક્ષકજીવે અભ્યાસક્રમોનો અને ચહેરાઓનોય અભ્યાસ કર્યો. બાપુ ઘણીવાર કહેતા હોય, “મેં પુસ્તકો બહુ નથી વાંચ્યા પણ ચહેરાઓ બહુ વાંચ્યા છે.” એ લોકદર્શન પણ અનેક રીતે ઉપકારક બન્યું હશે.

રામચરિત માનસ તેમજ તુલસીજીના અન્ય સાહિત્યના અભ્યાસ સાથે પ્રાચીન ભજન સાહિત્ય, મધ્યકાલીન સંત સાહિત્ય, મહંત પુરુષોનું અધ્યાત્મદર્શન, ગીતાભ્યાસ, પુરાણૉ, વેદ, ઉપનિષદ વગેરેનો ઉત્તરોત્તર ઉમેરો થતો ગયો. ગ્રામ્યપ્રદેશના વસવાટને કારણે લોકસાહિત્ય, ભવાઈ, લોકવાર્તા, દુહા-છંદ તો ગળથૂથી જેમ મળ્યા હશે. આજેય ગ્રામ્ય પ્રદેશના વૈષ્ણવ સાધુ પરિવારોમાં હાર્મોનિયમ, રામસાગર ને તબલાં મળી આવે. કથા કીર્તન નિમિત્તે તેમનો સંગીત સાથે નાતો. સૂર અને લય સ્વાભાવિકપણે તેમનામાં મળે.

પ્રસ્તુત લેખનો બીજો ભાગ અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.

{ ગુજરાતી સાહિત્યના મર્મજ્ઞ – કવિ – અધ્યાપક એવા શ્રી હરિશ્ચંદ્રભાઈ મોરારિબાપુના જ્ઞાનયજ્ઞના સાક્ષી જ નહીં, જાણતલ છે. અસ્મિતાપર્વની સાચી સમજણ, અર્થ અને સમગ્ર ઉપક્રમ વિશે તેમના સિવાય બીજુ કોણ આપણને આવી સુંદર રીતે સમજાવી શકે. લેખક શ્રી રમેશ આચાર્યના મતે અસ્મિતાપર્વ એ ઈયળમાંથી પતંગીયું બનવાની પ્રક્રિયા છે. અસ્મિતાપર્વ ૧૩, તા. ૨૭ માર્ચ ૨૦૧૦ થી ૩૦ માર્ચ ૨૦૧૦ દરમ્યાન મહુવા ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આ સમજણ સમયોચિત અને યથાર્થ થઈ રહેશે તેમાં શંકાને સ્થાન નથી. પ્રસ્તુત લેખ જૂન ૨૦૦૮ના સમણું સામયિક માંથી સાભાર લેવામાં આવ્યો છે. આ લેખ પ્રસ્તુત કરવાની અક્ષરનાદને પરવાનગી આપવા બદલ શ્રી હરિશ્ચંદ્ર ભાઈનો ખૂબ ખૂબ આભાર. }


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “અસ્મિતાપર્વ “સ્વર અક્ષરનો મહાકુંભ” – હરિશ્ચંદ્ર જોશી (ભાગ ૧)

  • Pravinsagar

    જય સિયારામ

    શ્રેીમાન
    પ્રવિણસાગર નો અભ્યાસ અધ્યન કરવા માટે

    મહન્તશ્રેી અતુલદાસ ઘનશ્યામદાસ દુધરેજિયા
    રામયણ, મુ.પો. રોયલ, તા.તળાજા