અસ્મિતાપર્વ “સ્વર અક્ષરનો મહાકુંભ” – હરિશ્ચંદ્ર જોશી (ભાગ ૨) 3


ગતાંકથી ચાલુ, આ લેખનો પ્રથમ ભાગ વાંચવા અહીં ક્લિક કરો.…..

બાપુના સાહિત્યપ્રેમના કે કલાપ્રેમના માર્ગ પર લોક અને શ્લોક સમાંતરે ચાલ્યા છે. તેમની ભૂમિકા હંમેશા સમન્વયની રહી છે. તેમના વ્યવહારમાં સમતા સહજ ઝીલાય.

કથા દરમ્યાન જે તે ગામ શહેરના ગાયકો, કવિઓ, લલિતકલાના સર્જકો, ચારણદેવ કે દુહાગીરોને મળવાનું, સાંભળવાનું, સન્માનવાનું અને સંવાદ રચવાનું તેઓ ચૂક્યા નથી. આ તેમનો સ્વભાવ છે અને એટલે આ બધું સહજ થાય છે. કથા વિદેશમાં હોય તો ત્યાં પણ આપણા કલા સાધકોને મળ્યા છે. આદિલ મન્સૂરી, અદમ ટંકારવી કે અહમદ ગુલ જેવા અનેક ડાયસ્પોરા સાહિત્ય સર્જકોને મળવા-સાંભળવાનું થતું રહ્યું છે.

વર્ષો પૂર્વે તલગાજરડાની કથામાં એક રાત્રિએ શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેના ગીતો સવાર સુધી સાંભળેલાં. પછી પ્રાતઃ સંધ્યા કરીને તુરત વ્યાસપીઠ પર ગાયેલાં. મુંબઈની કથાઓમાં કે અન્યત્ર શ્રી ગની દહીંવાલા, શૂન્ય પાલનપુરી, બરકત વીરાણી ‘બેફામ’ જેવા શાયરોની સાથે મોડી રાત સુધી કાવ્યસત્સંગ ચાલતો. એંશીના દાયકામાં મ્હુવાના બાલાશ્રમના મેદાન પર એક મુશાયરાનું આયોજન કર્યું હતું. સર્વશ્રી સુરેશ દલાલ, શૂન્ય, ઘાયલ, બેફામ, રમેશ પારેખ, શેખાદમ, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરીયા જેવા પંદરેક કવિઓએ મોડી રાત સુધી કવિતાના દોર ચલાવેલા. મહુવાના કવિ શ્રી રાજેશ પંડ્યાએ તેમની તરુણવયમાં સાંભળેલા – દર્શન કરેલા એ વરિષ્ઠોનું અને કાર્યક્રમનું સુખદ સ્મરણ આજેય સાચવી રાખ્યું છે.

એ જ મેદાન પર એક વાર શ્રી રાસ બિહારી, વિભા દેસાઈ અને ઉ. સુલતાનખાઁ સાહેબને નિમંત્રેલા. મહુવાના લોકોને બાપુના પ્રેમના પ્રસાદરૂપ એ કલાકારો સાંભળવા મળેલા.

શ્રી વિનુ મહેતાના સાહિત્યિક આયોજનોમાં પૂ. બાપુની ઉપસ્થિતિ હોય. કૈલાસ ગુરૂકુળમાં પણ એક મુશાયરો થયો જેમા શ્રી વિનુ મહેતા મુંબઈથી કવિઓને લઈને આવેલા. હિન્દી-ઉર્દુ ભાષાના કવિઓ સાથે શ્રી ગોપાલદાસ શર્મ – નીરજ અને કવિ શ્રી રમેશ પારેખે કાવ્યપાઠ કર્યો હતો.

આપણા વરિષ્ઠ વાર્તાકાર શ્રી મોહમ્મદ માંકડને રણજિતરામ સુવર્ણચંદ્રક જાહેર થયો તે પછી તેમણે મને કહ્યું કે, “હું રોમાંચિત થઈ ગયો જ્યારે સવારના પહોરમાં અભિનંદનનો પ્રથમ ફોન મોરારિબાપુનો આવ્યો.” બાપુ આપણી ભાષાના સર્જકોનું હંમેશા ગૌરવ કરે, ગુજરાત સાહિત્ય અકાદમી કે ગુજરાતી સાહિત્ય પરિષદના પારિતોષિકો જાહેર થાય ત્યારે બાપુ અચૂક ફોન કરીને અભિનંદન પાઠવે.

પ્રસંગોપાત કોઈ કવિનો ફોન આવે તો તેમને તાજા કલમ – એકાદ શેર સંભળાવવાનું કહે. કોઈ હાસ્ય લેખક કે હાસ્ય કલાકાર સાથે વાત થાય તો નાનકડો રમૂજી ટૂચકો સંભળાવવાનું કહે.

નવનીત-સમર્પણ, પરબ, કવિતા, શબ્દસૃષ્ટિ જેવા સામયિકોમાં કોઈની રચના વાંચવામાં આવે કે કોઈ પાસેથી સાંભળવા મળી હોય અને સ્પર્શી જાય તો તે કવિનો ફોન નંબર મેળવી તેમનો આનંદ વ્યક્ત કર્યા વિના ન રહે. કોઈ સર્જકની નાદુરસ્તીના સમાચાર મળે કે મુશ્કેલ સંજોગોની જાણ થાય તો ફોનથી કે રૂબરૂ જઈને સધિયારો આપે, પૃચ્છા કરે.

કવિઓએ ભેટ આપેલા કાવ્યસંગ્રહો અવકાશે વાંચતા રહે. ક્યારેક કોઈ કથામાં સંગ્રહમાંથી કવિતાઓ લેતા આવે અને કાવ્યપાઠ કરે. એ રીતે એ કવિની કલમ વિશે રાજીપો વ્યક્ત કરે. લાખો શ્રોતાઓ (વિદેશમાં પણ) સુધી કવિના શબ્દને પહોંચાડી માતૃભાષાના દૂત પણ બને. મહાનગરોમાં અને વિદેશોમાં ભૂલાતી જતી દૂધભાષાને વળગી રહેવાનો, ગુજરાતી ભાષાના સૌંદર્યને જાણવાનો, સમજવાનો, તેની મધુરતાને આત્મસાત કરવાનો સંદેશ પણ આપે. ઉદાહરણ રૂપે ઉત્તમ શેર કે ગીત પંક્તિ સંભળાવે.

બે વર્ષ પૂર્વેની ગુરૂપૂર્ણિમાએ તેમણે દાદા ગુરૂની ચેતનાને વંદના અર્ચના તો કરી જ. પરંતુ સમસ્ત ગુરૂતત્ત્વની વંદના પણ કરી હતી. જેમાં શિક્ષણ ગુરૂઓ, કલાગુરૂઓને વંદના કરી. ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ સર્જકો (સાહિત્ય ગુરૂઓ) ને એ દિવસે સવારે ફોન કરીને તેમનો હ્રદયભાવ વ્યક્ત કર્યો હતો, વંદના કરી હતી.

સૌ જાણે છે કે બાપુને સાહિત્ય કલા પ્રિય છે. લેખકોનો એ આગ્રહ હોય કે તેમના પુસ્તકોનું વિમોચન બાપુના હસ્તે થાય. એમની વ્યસ્તતા વચ્ચે ક્યારેક સમયાવકાશ ન હોય તોય કોઈના અતિ પ્રેમાગ્રહ કે દુરાગ્રહને કારણે ગમે તેમ કરીને સમય ફાળવે. ક્યારેક એ સમયનો ભોગ પરિવારે પણ આપવો પડ્યો હોય તેમ બન્યું છે. કવિને કે આયોજકોને તેઓ કેટલી વિપરીતતા વચ્ચે આવ્યા છે તેની જાણ સુધ્ધાં ન થવા દે. અન્યને હંમેશા રાજી રાખે.

ઘણીવાર લોકાર્પણ કાર્યક્રમમાં કાવ્યસંગ્રહમાંથી એકાદ બે કવિતા કે ગદ્યાંધ વાંચીને સર્જકની યોગ્યતા પ્રમાણે, વિમોચન કોઈ વરિષ્ઠ સર્જકના પુસ્તકનું હોય કે નવોદિતનું… બાપુ પાસેથી સમાદર જ મળે. કથામાં જલન માતરી, શોભિત દેસાઈ કે નિરંજન ભગત, રાજેન્દ્ર શુક્લનું સ્મરણ કરે તેમ હરદ્વાર ગોસ્વામી, પ્રણવ પંડ્યા કે અંકિત ત્રિવેદીના શેર કે કાવ્ય કલ્પનાને લોકો સમક્ષ મૂકે. અત્યંત ગમેલી કૃતિની વાત નીકળે તો શ્રી હરિન્દ્ર દવેની નવલકથા ‘માધવ ક્યાંય નથી’ ને ટાંકે. એ કૃતિએ તેમના હ્રદય પર ચિરંજીવી અસર મૂકી છે. ક્યારેક ચિત્રાત્મક રીતે એકાદ પ્રસંગને પ્રસ્તુત પણ કરે.

ભૂતકાળમાં બાપુના સાન્નિધ્યમાં કેટલીક યુવા શિબિરોનું આયોજન થયું છે. એવી જ એક શિબિર તલગાજરડામાં હતી. સમાપન દિવસે રમેશ પારેખ ઉપસ્થિત હતાં. એ દિવસોમાં રમેશ પારેખની કલમ મીરાં કાવ્યોના સર્જનમાં ડૂબેલી હતી. ‘મારા સપનામાં, ફળિયામાં, ઓરડામાં હ્રદિયામાં આવ્યા હરિ !’ નું ઝૂમખું નવનીત સમર્પણમાં પ્રગટ થયેલું. એ ઝૂમખું તેમણે મોરારીબાપુને અર્પણ કર્યું હતું. બાપુએ એકાદ રચના યુવાનોને સંભળાવવા માટે કહ્યું. રમેશ પારેખે ‘ગઢને હોંકારો તો ….” નો કાવ્યપાઠ શરૂ કર્યો. પૂરી રચના વાંચી ન શક્યા. આંખોમાંથી અશ્રુધાર વહે. ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. રમેશ પારેખની એ ભાવસ્થિતિના બાપુ સાક્ષી રહ્યા છે. પછી તો ‘મીરાં સામે પાર’ કાવ્ય સંગ્રહ તૈયાર થયો. રાજકોટની કથા દરમ્યાન ‘મીરાં ગાન ગંભીરા’ સાંગિતિક કાર્યક્રમમાં બાપુના હસ્તે તેનું વિમોચન થયું હતું.

બાપુની મનુષ્યપ્રીતીનો વ્યાપ અસીમ છે. બધાં જ એમાં સમતાપૂર્વક સમાઈ જાય છે. નાના મોટા, વર્ગ કે ધર્મનો ભેદ વચ્ચે આવતો નથી. તેમની પાસે કોઈ વાર ચોપાઈ કે ગીતાનો શ્લોક કે અંગ્રેજી બાલગીત ગાતો બાળક હરખાતો હોય, તો કોઈ વાર સપાખરુ કે રેખતાની ચાલ સંભળાવતા કોઈ ચારણદેવ, નાનાની મોટી વાત માંડતા બારોટજી બેઠા હોય, ક્યારેક બજાણિયા આવી ચડે તો ક્યારેક બાપુ વિસરાતી જતી ભવાઈના વેશ જોતા હોય. છેક વૃંદાવનથી રાસલીલા મંડળી આવે કે આપણા લોકવાદ્યકારો તેમની સાધનાનો પરિચય દેતા હોય. ક્યારેક રાવણહથ્થો વગાડનાર ભરથરીનું કથાગીત ગાતો હોય, કોઈ સાખી સંભળાવે તો કોઈ સંતવાણીનો ચોહર પૂરો કરે. ક્યારેક કવ્વાલો પરમની પ્રાર્થના કરતા હોય તો ક્યારેક કોઈ ‘શબદ’ ગાન પણ કરતું હોય. એક તરફ મીર-સંધાની સૂફી ગાયકીનો લેબાન મઘમઘે તો બીજી તરફ વેદપાઠીના ઋચા ગાનથી વાતાવરણમાં કમળની સુરભિ પ્રસરતી હોય. કોઈ વિચારકની વાત ને બાપુ એકચિત્તે સાંભળતા હોય તો કોઈના રમુજી ટૂચકાને સાંભળી મરકતા હોય. કોઈની સાથે વાત કરતાં શુધ્ધ ગુજરાતી સાંભળવા મળે તો કોઈ સાથે પૂર્ણ ગામઠી પ્રયોગ આવે, બોલીનો ઉપયોગ કરે. એમની કાળી શાલમાં કેટ કેટલા રંગો રસાયેલા હશે. !!

બાપુ ઘણી વાર કહેતા હોય છે, “મને બીજી કશી ખબર પડે છે કે નહીં તે જાણતો નથી. પણ શબ્દ અને સૂરને માણી શકું છું એ ચોક્કસ.” ગાયક કે વાજીંત્ર બેસૂર હોય તો બાપુના કાન પારખી લે. તેઓ તબલાંય વગાડી જાણે. મંજીરા-ઝાંઝ તો સાધુ પરિવારનું હાથવગું વાજીંત્ર. કવિતા ય બેસૂરી હોય તો પામી જાય. કંઈક ખૂટે એવું જાણે છતાં બધું સંભાળી લે. કવિતામાં પ્રયોજાયેલો નગદ સિક્કા જેવો શબ્દ કે કુંવારી કલ્પના વાંચીને સાંભળીને હર્ષ પામે.

એકવાર કાવ્યપાઠ વખતે કવિ જે કાફીયા કહેવા જતા હોય તે બાપુ પણ બોલી ઊઠે. ચિનુ મોદીએ કહેલું, “બાપુ, જે રીતે તમને કાફિયા સૂઝે છે એ પરથી લાગે છે કે તમે કવિતા કરતાં હશો?” બાપુએ વિનમ્રતાથી ‘ના’ કહેલી.

બાપુને ભાગવતનું ગોપીગીત, રમેશ પારેખનું મીરાંગીત, ‘કાગ’ બાપુનું ગાંધીગીત કે ‘દાન’ અલગારીનું ‘મૌજ’ ગીત એટલું જ પ્રિય. ચોપાઈઓની જેમ કાગબાપુની અનેક રચનાઓ તેમને કંઠસ્થ, કાગબાપુ પ્રત્યેનો વિશેષ પ્રેમ સમજી શકાય. બે શબ્દની વચ્ચે કે બે પંક્તિ વચ્ચેનો અવકાશ તેઓ બખૂબી સમજાવે. શાસ્ત્રોના અધ્યયનમાં ગુરુની સાચી જરૂર એ અર્થમાં મૂલવે. દાદા દાદીનું, બા બાપુજીનું સ્મરણ હંમેશા ભીની આંખે, આંસુમાં ઝળહળતું દેખાય.

લાખો શ્રોતાઓને વેદની ઋચા કે ઉપનિષદ મંત્ર ટુકડે ટુકડે ‘સંવદધ્વં’ ની ભાવના સાથે બોલાવે. ક્યારેક દુહાને પણ દશમા વેદ તરીકે ઉલ્લેખતા મેઘાણીજી, કાગબાપુ, શંકરદાનજી કે કવિપાલના દુહાનો મર્મ પ્રગટ કરે.

નૈવાશાની (કેન્યા) કથાયાત્રામાં ગુજરાતી ઉર્દુના વરિષ્ઠ કવિઓ, સંસ્કૃત, ગુજરાતી અને લોકસાહિત્યના વરિષ્ઠ વિદ્વાનો, દુહા અંદ લોકવાર્તા, લોકગીતો, ભજન, ગીત ગઝલના ગાયકોને (સવાસોની સંખ્યામાં) સાથે લઈ ગયેલાં. રોજ સાંજે ઘાસ પર બેઠકો જામે. સૌ એક બીજાને સાંભળે – સમજે, હ્રદય હ્રદય વચ્ચે તંતુ જોડાય. લોક અને શ્લોક ‘સંગચ્છધ્વમ’ ને આત્મસાત કરે એવી સદભાવના પણ સહજ રીતે રહી હશે. શ્રી રણજીતરામ મહેતા (જેમના નામે સાહિત્યનો પ્રતિષ્ઠિત એવોર્ડ છે) એ નાગર સ્ત્રિઓના લોકગીતોનું સંપાદન કર્યું છે. શ્રી મેઘાણી જીએ શિષ્ટ સાહિત્યના મંચ પર લોકસાહિત્યના બેસણા કરાવેલા. કાગબાપુએ શ્રી ઉમાશંકર જોશી વગેરેને મજાદરમાં નિમંત્રીને આવો જ પ્રયાસ કરેલો. નૈવાશામાં સૌ એવી રીતે એકરસ થયેલા કે સૌનું ગોત્ર ઓગળી ગયેલું.

મોરારિબાપુના બુલંદ – તેજસ્વી સ્વરથી, અષાઢ-ભીના આર્દ્ર અવાજથી, પૂજ્ય ત્રિભુવનદાદા-ગુરૂના પાવિત્ર્યથી સંસ્કારાયેલા કંઠથી સૌ પરિચિત છીએ જ્ બાપુના બોલાયેલા શબ્દમાં આત્મિયતા અનુભવાય. સત્ય, પ્રેમ અને કૃઉણા શબ્દ રૂપે પ્રવાહિત થાય. વિશ્વાસનો રણકો સંભળાય.

રામચરિતમાનસ એમનો આધાર. માનસને વળગીને એમની ઉડાન અનેક શાસ્ત્રો સુધીની, પરંતુ વિશ્રામ સ્થાન તો તુલસીની ચોપાઈ. રામચરિતમાનસનું કથાનક અને પ્રસંગો તેમજ ઠેરઠેર પ્રગટેલા તુલસીના દર્શનો બાપુએ અદભુત રીતે સમજાવ્યાં છે. તેમણે આપેલા અર્થઘટનો અભ્યાસનો, સંશોધનનો વિષય બની રહેશે. મુદ્દાના સ્પષ્ટીકરણ માટે તેઓ જેમ વેદથી લોક સુધીના સંદર્ભો આપે તેમ ચોપાઈ, ગીત, ગઝલ, મંત્ર, છંદ, શબદ, કવ્વાલી-નાત, સ્તુતિને શાસ્ત્રીય રાગોના ભાવમાં, સુરમાં ગાય. એ અવર્ણનીય અનુભૂતી શબ્દોમાં ઢાળવી શક્ય નથી.

તેમની સંગીત પ્રીતી – પરંપરિત ઢાળો તેમજ ભૂપાલી, આશાવરી, કલ્યાણ, સારંગ, દરબારી કાનડા, આભોગી, ચારુકેશી, ભિન્નષડજ, માલકૌંસ, રાગેશ્રી-બાગેશ્રી, મ્હાંડ, દેશ, મેઘમલ્હાર, કલાવતી, ઝિંઝોટી, ભૈરવી, દુર્ગા, બૈરાગી વગેરે રાગોના રંગોને ઓઢીને પ્રગટે છે.

વિવિધ કથાશૈલી, આખ્યાનો, રંગભૂમીના ગીતો, ભવાઈના ઢંગ – હરીકથાના ઢાળોથી બાપુ પરિચિત. એ રીતે લુપ્ત થતી જતી આપણી મૌખિક પરંપરાના ઢંગો અને વિવિધ શૈલીઓને બાપુ પોતાનામાં સાચવીને બેઠા છે.

સાહિત્ય અને કલાક્ષેત્રને મોરારિબાપુએ કેટકેટલી રીતે હુંફ આપી છે એ સૌ જાણે છે. માત્ર પુરસ્કાર આપીને અટકી જવાની વાત નથી. મનુષ્યને ધબકતો રાખવા માટે જે કોઈએ આજીવન સેવા કરી છે, સાધના કરી છે તેનું સાચું ગૌરવ અને વંદના કરવાનો એમાં સહજ ભાવ નિહિત છે. ગુજરાતી કવિતાનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત ‘નરસિંહ એવોર્ડ’, સંસ્કૃત સાહિત્ય – સેવા માટે ‘વાચસ્પતિ એવોર્ડ’, ભારતીય શાસ્ત્રીય સંગીતની અપરિમેય સેવા- સાધના માટે, ‘હનુમંત એવોર્ડ’, લોકસાહિત્યની સેવા માટે, ‘કાગ એવોર્ડ’, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ‘ચિત્રકૂટ એવોર્ડ’, ગ્રામ-લોક સમાજ એવા માટે ‘વજુભાઈ શાહ એવોર્ડ (સહયોગ), સુગમ સંગીત માટે ‘અવિનાશ વ્યાસ એવોર્ડ’, લલિતકલા ક્ષેત્રમાટે ‘કૈલાસ એવોર્ડ’ જેવા પારિતોષિકોથી સર્જકોની આરતી વંદના કરવાનો આનંદ બાપુએ સમગ્ર સમાજને ભેટ ધર્યો છે.

બાપુને હિન્દી – ઉર્દુ ભાષાના સાહિત્ય પ્રત્યે પણ એટલો જ પ્રેમ. કવિ ‘નિરાલા’જીને સ્મરણાંજલી રૂપે તેમના વતનમાં કથા કરી ચૂક્યા છે. મુંબઈ, રાજસ્થાન, પંજાબ, બિહાર, ઉત્તર કે મધ્યપ્રદેશની કથાઓમાં સર્વશ્રી નિદા ફાઝલી, મુનવ્વર રાણા, રાહત ઈન્દોરી, સૂર્યભાનુ ગુપ્ત, વિરેન્દ્રસિંહ ‘પરવાઝ’, ખુમાર બારાબંકવી, કિશનબિહારી, ‘નૂર’, વિજ્ઞાનવ્રત, કવિ ‘નીરજ’, શિવમંગલ સિંહ ‘સુમન’ કે મઝબૂર સાહેબ જેવા અનેક શાયરોની સાથે સાહિત્યગોષ્ઠીઓ જામે. એકાદ વાર મુશાયરાનું ય આયોજન થાય. કોઈ વાર પાકિસ્તાનથી આવેલા ફરાઝ એહમદ જેવા શાયરો પણ બાપુના પ્રેમના ભાજન બને. જે કેટલાક શાયરો આજે હયાત નથી તેમના પરિવારને બાપુ ચૂક્યા વિના મળતા રહ્યાં છે, ખબર અંતર પૂછતાં રહ્યાં છે.

શોભિત દેસાઈએ મરીઝ અને રમેશ પારેખને શ્રધ્ધાંજલિ રૂપે તેમની જ કવિતા આધારીત તૈયાર કરેલા કાર્યક્રમની પ્રસ્તુતિ કૈલાસ ગુરૂકુંળમાં કરવામાં આવી હતી. એ જ રીતે મનોજ ખંડેરીયાની સ્મૃતિમાં યોજાતા કાર્યક્રમોમાં બાપુની ઉપસ્થિતિ રહે છે.

એ ક્ષણોને પણ યાદ કરવી રહી જે ક્ષણે એક સંતનો મનુષ્ય પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ રૂપે ઝળક્યો છે, આંખના આંસુઓમાં તરતું ‘હેત વિનાનું હેત’ સમજાયું છે. બાપુએ ખુમાર સાહેબની મઝાર પર માથું ટેકવ્યું છે, શ્યામ સાધુની અંતિમ વાત સાંભળી છે, મનહર મોદી કે રૂસ્વા મઝલૂમીના પરિવારની આંખો લૂછી છે, મનોજ ખંડેરીયા અને રમેશ પારેખને કાંધ આપી છે….. સર્જકો અને વિદ્વાનોની અંતિમ વિદાય વેળાએ રડ્યા છે.

સંતની આવી સાહિત્યપ્રીતીમાંથી અસ્મિતાપર્વ ન જન્મે તો જ નવાઈ !

અસ્મિતાપર્વને લોકો સુધી લઈ જવાનો / સદભાવ સમાચાર પત્રો, સામયિકો અને અન્ય માધ્યમોએ જે રીતે દાખવ્યો છે એ ખરેખર ઉલ્લેખનીય છે. સામયિકોએ અહેવાલ અને સહભાવકોના પ્રતિભાવો પ્રગટ કર્યા છે. વર્તમાનપત્રોએ વક્તવ્યસાર, કાવ્યપંક્તિઓ, વિશેષ ઉપક્રમની નોંધ, સમગ્ર અહેવાલ, શબ્દો અને ફોટોગ્રાફ દ્વારા વાચકો પાસે મૂકીને અસ્મિતાપર્વ પ્રત્યે આદર વ્યક્ત કર્યો છે.

કવિશ્રી ઝવેરચંદ મેઘાણી અને શ્રી હરિન્દ્ર દવે જેવા કવિ-સાહિત્યકારોની કલમનો સ્પર્શ જેમને મળ્યા છે એ ‘ફૂલછાબ’ અને’જન્મભૂમી’ તો પોતાના પ્રતિનિધિઓને મોકલી અસ્મિતાપર્વની એક એક ક્ષણને શબ્દો અને છબીઓમાં ઝીલવાની ઉત્સુકતા અને પ્રેમ દાખવે છે એ પ્રસન્નકાર બાબત છે. ક્ષણે ક્ષણે આઘાત પામતા સમાજને ઉપચાર રૂપે આવી સર્જનાત્મક ઘટનાઓનો સંદેશ પહોંચાડનાર પત્રકારો, તંત્રીઓ, સંપાદકો, ફોટોગ્રાફર, ટીવી ચેનલના કેમેરામેન, સંવાદદાતા- વગેરે અસ્મિતાપર્વનું અભિન્ન અંગ છે.

કૈલાસ ગુરૂકુળના પરિસરમાં સરસ્વતિ મંદિર છે. માં શારદાના ખોળામાં સૌ આવીને બેસે છે, સાહિત્ય અને સંગીતનું પાન કરે છે. સાહિત્યંડપિ સંગીતં, સરસ્વત્યા સ્નજ્દ્વયમ ! પર્વના દિવસોને શ્રી સુમન શાહ ‘ઉપનિષદ પર્વ’ કહે છે. ‘સાચા અર્થમાં આ દિવસોમાં સાહિત્યપાસે બેસવાનું મળે છે.’

ભાઈ વિનોદ (જોશી), જયદેવ માંકડ, દેવાભાઈ વગેરેના સ્મરણ સાથે અસ્મિતાપર્વ અંગે માંડીને વાત કહેવા ધારેલી વાતમાં અહીં અટકું છું.

પ્રણામ

ગુજરાતી સાહિત્યના મર્મજ્ઞ – કવિ – અધ્યાપક એવા શ્રી હરિશ્ચંદ્રભાઈ મોરારિબાપુના જ્ઞાનયજ્ઞના સાક્ષી જ નહીં, જાણતલ છે. અસ્મિતાપર્વની સાચી સમજણ, અર્થ અને સમગ્ર ઉપક્રમ વિશે તેમના સિવાય બીજુ કોણ આપણને આવી સુંદર રીતે સમજાવી શકે. લેખક શ્રી રમેશ આચાર્યના મતે અસ્મિતાપર્વ એ ઈયળમાંથી પતંગીયું બનવાની પ્રક્રિયા છે. અસ્મિતાપર્વ ૧૩, તા. ૨૭ માર્ચ ૨૦૧૦ થી ૩૦ માર્ચ ૨૦૧૦ દરમ્યાન મહુવા ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આ સમજણ સમયોચિત અને યથાર્થ થઈ રહેશે તેમાં શંકાને સ્થાન નથી. પ્રસ્તુત લેખ જૂન ૨૦૦૮ના સમણું સામયિક માંથી સાભાર લેવામાં આવ્યો છે. આ લેખ પ્રસ્તુત કરવાની અક્ષરનાદને પરવાનગી આપવા બદલ શ્રી હરિશ્ચંદ્ર ભાઈનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “અસ્મિતાપર્વ “સ્વર અક્ષરનો મહાકુંભ” – હરિશ્ચંદ્ર જોશી (ભાગ ૨)