હિન્દી ભાષાની કેટલીક સુંદર વેબસાઈટ/બ્લોગ્સ – જીજ્ઞેશ અધ્યારૂ 11


થોડા દિવસ પહેલા એક સુંદર હિન્દી બ્લોગના લેખક સાથે સંપર્ક થયો, તેમની મારફત હિન્દીના બ્લોગ જગતમાં એક લટાર મારવાનો અવસર મળ્યો. હિન્દી ભાષાનું બ્લોગ અને ઈન્ટરનેટ વિશ્વમાં યોગદાન ખૂબ વધી રહ્યું છે અને આપણા સૌ માટે એ પણ આનંદની વાત જ કહેવાય. એ મિત્રએ પાઠવેલી કેટલીક વેબસાઈટ માંથી થોડીકનો આજે પરિચય. આ શ્રેણી કદાચ બે ત્રણ ભાગમાં વહેંચવી પડે એટલી બધી વેબસાઈટ અને બ્લોગ મળ્યા છે. બ્લોગવૈવિધ્ય એટલું તો વિશાળ છે, વિષયોની પસંદગી અને છણાવટ પણ એટલી સરસ છે કે વાંચવાની ખરેખર મજા આવી જાય.  તો ચાલો હવે જઈએ એક અનોખા સફર પર, સ્થળ છે હિન્દી બ્લોગ જગતની કેટલીક સુંદર વેબસાઈટસ / બ્લોગ્સ ….

કવિતાકોશ

કોઈ કવિ કે રચનાકાર મારફત નહીં પરંતુ એક આઈટી પ્રોફેશનલ એવા શ્રી લલિતકુમાર દ્વારા હિન્દી કવિતાઓને એક મંચ પર લાવવાના હેતુથી કરાઈ, જો કે બ્લોગ સ્વરૂપે તે ફક્ત એક જ યોગદાનક્રર્તા સુધી સીમીત રહી જાત, એટલે એનું વિકિ સ્વરૂપ વિકસાવાયું. મહીને આઠ લાખથી વધુ ક્લિક્સ ધરાવતી આ વેબસાઈટ, વિકિપીડીયા પછીની બીજા નંબરની હિન્દી વેબસાઈટ હોવાનો દાવો તેના સ્થાપક કરે છે. ૨૭૦૦૦ થી વધુ પાના, લગભગ ૧૨૦૦થી વધુ રચનાકારો ધરાવતી આ હિન્દી કવિતાઓની ખૂબ વિશાળ વેબસાઈટ છે. આ એક વિકિ પ્રોજેક્ટ જેવું છે જેમાં લોકો પોતાનું યોગદાન આપી સમૃધ્ધ કરી શકે છે. દિન પ્રતિદિન ખૂબ સમૃધ્ધ થઈ રહેલી આ વેબસાઈટમાં તુલસીદાસથી લઈને આમિર ખુસરો સુધી અને રસખાનથી મિર્ઝા ગાલિબ સુધીના રચનાકારોની રચનાઓ છે. અહીં ગઝલો, કવિતાઓ તથા અનુવાદિત કવિતાઓનો વિશાળ સંગ્રહ છે. જો કે હજુપણ અહીં કેટલાક કવિઓના નામ છે તો કવિતા નથી, અથવા કવિતાની કેટલીક કડીઓ માત્ર છે, પરંતુ આ એક કદી પૂરી ન થનારી યોજના છે. કવિતાઓ સિવાય અહીં ભક્તિગીતો, આરતીઓ, દોહા, શ્લોક વગેરે ઘણી રચનાઓ મળી રહે છે. જો કે કવિતાકોશ વિશે ખૂબ ઓછી જાણીતી વાત એ છે કે આ અવ્યવસાયિક પ્રયત્ન છે, અહીં કોઈ એડવર્ટાઈઝ નથી, અને સંસ્થાપકો પોતે એનો બધો ખર્ચ ઉપાડે છે. જો કે અનેક સદસ્યો થઈ જવાને લીધે અહીં અનેક ભૂલો પણ જોવા મળે છે પણ અન્ય કોઈ સદસ્ય તેને સુધારી પણ લે છે, કારણકે અહીં કોઈ પણ નવા પેજ ઉમેરી શકે છે કે તેમાં બદલાવ કરી શકે છે. આ કેટલીક પસંદગીની કવિતાઓનું સંકલન નથી પણ બધી કવિતાઓનો કોશ છે, એટલે અહીં પસંદગીના કોઈ પણ માપદંડ નથી. ભારતીય અને વિશ્વની ઘણી ભાષાની કવિતાઓના ભાષાંતર પણ અહીં મળી આવશે.

ગુજરાતી ભાષામાં પણ આવો જ એક કોશ હોવો જોઈએ કે બનાવવો એવી મારી ઈચ્છા છે. તેના મુખ્ય બે ફાયદા છે, એક તો એ કે એક જ જગ્યાએ બધી કવિતાઓ વાંચવા મળી જશે અને તેનો બ્લોગ કે વેબસાઈટ મારા બ્લોગ કે મારી વેબસાઈટથી મોટો કેમ એવો કોઈ પ્રશ્ન નહીં રહે કારણકે આ એક સહીયારો પ્રયત્ન છે, અહીં પ્રસ્તુતિકર્તાથી ધ્યાન લેખક પર જવાના અવસર વધુ છે, અને બીજો એ કે કોપી પેસ્ટ કરવાની કોઈને જરૂરત નહીં પડે, કારણકે અહીં બધા લખી શકે છે.

રચનાકાર

એક થી વધુ લોકો દ્વારા ચલાવાતો બ્લોગ અલગ અલગ સામગ્રી અને વૈવિધ્યપૂર્ણ સાહિત્ય છતાં કેમ ખૂબ સુંદર રીતે ચાલી શકે તે સ્પષ્ટપણે દર્શાવતું સાહસ એટલે રચનાકાર. રચનાકાર હિન્દી સાહિત્યના ઓનલાઈન દસ્તાવેજીકરણનો એક સાર્થક પ્રયાસ છે. અહીં ૬૦૦૦ થી વધુ કૃતિઓ છે, એ પણ અપ્રસ્થાપિત લેખકો દ્વારા, અને છતાંય બ્લોગ સાહિત્યની દ્રષ્ટિએ ખૂબ સમૃધ્ધ છે. વાંચનની અપાર વૈવિધ્યતા દર્શાવતો ખૂબ સુંદર બ્લોગ આલેખ, ઉપન્યાસ, કવિતા, વાર્તા, વાર્તાસંગ્રહ, ગઝલ, બાળકથાઓ, લઘુકથાઓ, વ્યંગ્ય, સંસ્મરણ અને સમીક્ષા જેવા અનેકવિધ વિભાગો છે તો અહીં ઘણી હિન્દી ઈ-પુસ્તકો નિઃશુલ્ક ઉપલબ્ધ છે. ભોપાલ, મધ્યપ્રદેશના રવિશંકર શ્રીવાસ્તવની આ સફર ૨૦૦૫માં શરૂ થઈ હતી અને આજે તે ૨૦૦૦થી વધુ નિયમિત વાચકો સાથે સતત પ્રગતિ કરી રહી છે. વૈવિધ્યપૂર્ણ નાવિન્યસભર અને વાંચનક્ષમ હિન્દી સાહિત્યનો આંગળીના ટેરવે ઉપલબ્ધ ખજાનો એટલે રચનાકાર.

તીસરા ખંભા

બ્લોગવિશ્વનો ઉપયોગ ફક્ત સાહિત્યના પ્રચાર પ્રસાર પૂરતો જ સીમીત ન રહેતા અનેકવિધ જનસામાન્યને ઉપયોગી એવા પ્રકારો સાથે પણ સંકળાય છે અને સરવાળે વાંચક કે ઉપભોકતાને ફાયદો થાય છે. કાયદાકીય બાબતોમાં સંકળાયેલ કોઈ પણ સામાન્ય વ્યક્તિ તેના વિશેની પૂર્ણ સમજ અને માહિતી મુશ્કેલીથી, લાંબા ખર્ચ બાદ અને તે પણ અચોક્કસ જ મેળવી શકે છે, આવામાં હિન્દી બ્લોગજગતનો એક બ્લોગ આવી માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવે છે, તીસરા ખંભા બ્લોગ એક અવનવો પ્રયાસ છે, લેખક દિનેશરાય દ્વિવેદી વ્યવસાયે વકીલ છે અને ૧૯૭૮થી કોટા, રાજસ્થાન ખાતે વકીલાત કરે છે. લોકોની સમસ્યાઓનો ઉકેલ આપી એ ઉપાય અનેકોને ઉપયોગી થઈ રહે તેવો સર્વસામાન્ય બનાવવાનો પ્રયત્ન અહીં થાય છે. મહીને મળતી ૯૦ થી ૧૦૦ સમસ્યાઓમાંથી લગભગ ૩૦ નો ઉકેલ અહીં સૂચવાય છે. સાહિત્ય અને ઇન્ટરનેટને લગતી બાબતો સિવાય બ્લોગિંગનો આ અનોખો વિષય અનેકોને ઉપયોગી થઈ રહે છે અને ઇન્ટરનેટના અદ્રુત ઉપયોગનો આ સુંદર નમૂનો છે.

સૃજનગાથા

હિન્દી ભાષાના સાહિત્યનું અનેકવિધ વૈવિધ્ય ધરાવતી ખૂબ સુંદર વેબસાઈટ, અહીં વિષયોનું વૈવિધ્ય તો છે જ, સાથે લેખકો પ્રસ્થાપિત સાહિત્યકારો નથી, મારા જેવા સામાન્ય લોકો છે, એટલે જ કદાચ આ વેબસાઈટ હિન્દી ભાષાના દરેક નેટપ્રેમીનું પસંદગીનું સ્થળ છે.

હજી યાદીમાં આનાથી ત્રણગણી વધુ વેબસાઈટ અને બ્લોગ્સ છે, તેમનો પરિચય આવતા અઠવાડીયે કરીશું.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “હિન્દી ભાષાની કેટલીક સુંદર વેબસાઈટ/બ્લોગ્સ – જીજ્ઞેશ અધ્યારૂ