સલામ – મંગેશ પાડગાંવકર, અનુ. સુરેશ દલાલ 10


{ ગત વર્ષે મહુવા ખાતે યોજાયેલા સંસ્કૃત સત્રના એક દિવસે રાત્રે જોયું નાટક “મહોરું”. નાટક ખૂબ સ્પર્શી ગયું, પરંતુ તેથીય વધુ સ્પર્શી ગઈ એક અછાંદસ, સીધી મરમ પર ઘા કરતી, અદભુત રચના…. એ રચના માટે ખૂબ શોધ ચલાવી અને અંતે શ્રી મંગેશ પાડગાંવકરની મૂળ મરાઠી કવિતાનો શ્રી સુરેશ દલાલ દ્વારા થયેલો અનુવાદ મળી આવ્યો. 10 માર્ચ 1929 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં જન્મેલા કવિ લેખક શ્રી મંગેશ પાડગાંવકર અછાંદસ કવિતાઓના અનોખા જાદુગર છે. તેમની કેટલીક મરાઠી કવિતાઓના ગુજરાતી અનુવાદો કરીને ‘કવિતાસંગમ’ – મરાઠી કવિતા હેઠળ 1977માં શ્રી સુરેશ દલાલે સંપાદિત કર્યા છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ, “જમાનાની વિગતો આરપાર, તેના ઉંડાણમાં કવિની વાત રમતી હોય છે.” જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ, સલામ, વિદુષક, હિપ્નોટીસ્ટ, મારાં ઘેટાંઓ, પ્રારંભ વગેરે તેમની કેટલીક અનન્ય અપ્રતિમ સુંદર અને મને ખૂબ ખૂબ ગમતી રચનાઓ છે. આજે તેમાંથી એકનો આનંદ આપ સૌ સાથે વહેંચી રહ્યો છું. }

સલામ, સબકો સલામ,
જેના હાથમાં દંડો તેને સલામ,
લાતના ભયથી
ડાબો હાથ કૂલા પર રાખીને
જમણે હાથે સલામ,
જોનારને સલામ,
ન જોનારને સલામ,
વેંચાતું લેનારને સલામ,
વેચાતું લેવાનો ઈશારો કરનારને સલામ,
સલામ ભાઈ સબકો સલામ.

ડોળા કાઢેલી દરેક આંખને સલામ,
સિંદૂર થાપેલા દગડને સલામ,
લાખો ખર્ચીને બાંધેલા દેવળને સલામ,
દેવળના દેવીની ધાકને સલામ,
દેવ અને ધર્મનો કૉન્ટ્રેક્ટ લેનારને સલામ,
ખાલી હાથમાંથી ભસ્મ કાઢનાર બુવાને સલામ,
હવામાંથી વીંટી કાઢનાર મોટા બુવાને સલામ,
શનિને સલામ,
મંગળને સલામ,
ભીતિના પ્રત્યેક કૉન્ટ્રેક્ટરને સલામ,
મા પર જિઁદગીભર ઘૂરકનાર બાપને સલામ,
બાપા પર ઘૂરકતા સાહેબને સલામ,
સાહેબને ફાડનાર તેના સાહેબને સલામ,
સલામ, પ્યારે ભાઈયો સબકો સલામ,

જેના હાથમાં અખબાર તેને સલામ,
ભાષણોનો, સભાઓનો ફોટા સાથે રિપોર્ટ કરે તેને સલામ,
અખબારના માલિકને સલામ,
તેની નાથ પકડનાર રાજ્યકર્તાઓને સલામ,
જેની સામે માઈક્રોફોન તેને સલામ,
તેમાંથી થંભ્યા વિના બોલનારને સલામ,
લાખોની ગિરદીને સલામ,
ગિરદીને ડોલાવનારને જાદુગરને સલામ,
નાકા પરના દાદાને સલામ,
હાથભઠ્ઠીવાળાને સલામ,
સ્મગલરને સલામ,
મટકાવાળાને સલામ,
તેમણે આપેલા હપતાને સલામ,
લોકશાહીને સલામ,
ઠોકશાહીને સલામ,
સત્તાની ટ્રક ચલાવનારને સલામ,
ટ્રક નીચે ચગદાયેલાં અળસિયાંને અને કુત્તાઓને સલામ,
જેના હાથમાં ચાકુ તેને સલામ,
વિમાનમાંથી બૉમ્બ ફેકનારને સલામ,
શસ્ત્રાસ્ત્રના પ્રચંડ વેપારીઓને સલામ,
કાળાબજારિયાઓને સલામ,
તેને ફાંસી દેવાની ઘોષણા કરનારઓને સલામ,
ગટરના પાણીથી ઈન્જેકક્ષન ભરનારને સલામ,
ઠાઠડીનો સામાન વેચનારને સલામ,
ઠાઠડી ઊંચકનાર ખભાઓને સલામ,
મોત સસ્તું કરનારા સર્વને સલામ,
સલામ પ્યારે દોસ્તો, સબકો સલામ,

દરને સલામ
દરના ઉંદરને સલામ્,
ઘરના વાંદાઓને સલામ,
ખાટલાના માંકડોને સલામ,
દરાજી ભીંતોને સલામ,
કંતાયેલી પત્નીને સલામ,
દોઢ ખોલીમા છૈયાંછોરાંને સલામ,
ગાડીમાં ચગદાતી ગિરદીને સલામ,
સડેલા ધાનને સલામ,
કાણા પડેલા પીળા ગંજીફરાકને સલામ,
ધંધાના માલિકને સલામ,
યુનિયનના લીડરને સલામ,
હડતાલને સલામ,
ઉપવાસને સલામ,
સર્વ રંગના સર્વ ઝંડાઓને સલામ,
ચાલીચાલીના ભરાયેલા સંડાસના લીંડાઓને સલામ,
ડોક પકડનાર પ્રત્યેક હાથને સલામ,
સલામ, ભાઈયો અને બહેનો, સબકો સલામ

આ મારા પરમ પવિત્ર ઈત્યાદિ દેશને સલામ,
આ દેશની સુ-ઉદાત્ત સુ-મંગળ, સુ-પરંપરાને સલામ,
સર્વ ઉસ્તાદી ઘોષણાને સલામ,
જાતિભેદના ઉકરડાને સલામ,
આ ઉકરડામાંથી સત્તાનો પાક માણનારને સલામ,
ઉપનિષદો અને વેદોને સલામ,
સાકર-કારખાનાંના દાદાઓને સલામ,
તેમની સેંકડો લોરીને સલામ,
ચૂંટણીને સલામ,
ચૂંટણીફડને સલામ,
અદ્રશ્ય મુક્કાને સલામ,
મતના આંધળા સિક્કાને સલામ,
સસલું હાથમાં હોય એવા પારધીને સલામ,
તેની તહેનાતમાં રહેલા ભાડૂતી સૈનિકને સલામ,
હરિજનો પર અત્યાચાર કરનારાઓને સલામ,
આ બાતમી વાંચનાર સર્વ ષંઢોને સલામ,

સત્તા સંપતિના ભડવાનો દેશ કહું,
તો માથું ફોડી નાખશે,
હલકટ લાચારોનો દેશ કહું,
તો રસ્તા પર ઝૂડશે,
ખરીદવામાં આવનારાઓનો દેશ કહું,
તો રસ્તો રોકાશે,
દેવધર્મ વિશે, નેતાઓ વિશે ખરાબ બોલું
તો નાકા પર પકડીને ઠોકશે,
શોષણ કરનારાઓનો દેશ કહું,
તો નોકરી પરથી કાઢશે,
એટલે મારાં નપુંસકત્વને સલામ,
પછી ઠોકી શકનાર પ્રત્યેક હાથને સલામ,
અને તે પછી અલબત્ત જ
આ મારા
પરમ પવિત્ર ઉદાંત્ત સુમંગલ દેશને સલામ,
આ દેશની મહાન પરંપરાને સલામ,
સલામ, પ્યારે ભાઈયો ઔર બહેનો સબકો સલામ.

અનેક હાથ હોત તો,
અનેક હાથથી કરી હોત સલામ.
લેકિન માફ કરના ભાઈયો
હાથ તો બે જ
અને તેમાનો ડાબો
લાતના ભયથી રાખેલો કૂલા પર
એટલે ફક્ત જમણા હાથે સલામ.
સલામ સબકો સલામ
ભાઈયો ઔર બહેનો, સબકો સલામ.

મૂળ મરાઠી કવિતા શ્રી મંગેશ પાડગાંવકર, ગુજરાતી અનુવાદ શ્રી સુરેશ દલાલ.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “સલામ – મંગેશ પાડગાંવકર, અનુ. સુરેશ દલાલ

  • અશોક જાની 'આનંદ'

    સલામોની આખી પરંપરાને સલામ. દેખાતી ન દેખાતી લટકતી ભટકતી અને ખટકતી બધાં પ્રકારની સલામોને સલામ
    ભાઇ એટલે સ્તો મેરા ભારત મહાન ને ઘણી ઘણી ઝૂકી ઝૂકીને સલામ…!!

  • Dhruti Modi.

    અાપણી ગુલામ મનોવૃતિ અને પરિસ્થિતિનું ખૂબ સરસ રીતે મજાકી ભાષામાં છતાં દિલ ચીરી નાખે તેવી વાસ્તવિકતા સાથે અાબેહૂબ વર્ણન બદલ કવિ અને અનુવાદકને સલામ.

  • PRAFUL SHAH

    SALAM..COMPLIMENTS TO LEKHAK, ANUVADAK AND YOU. 1929, 1977 AND TO-DAY 2011-NO CHANGE GULAMI BEFORE AND NOW.
    VINA NIRBHAYATA NOTHING YOU CAN ENJOY COMMON MAN IS WORRING HOW TO LIVE LIFE, AND WISE AND’OR HONEST PEOPLE ARE NOT CARE NOR TAKE PART AND IN DEMORACY IF GOOD PEOPLE NOT TAKE PART TO RULE THE COUNTRY BAD PEOPLE WILL TAKE AN OPPORTUNITY. AND THAN IT BECOMES HARD. TO COME OUT OF THE SITUATION.

  • YOGESH CHUDGAR

    મંગેશ પડગાંવકર ને સલામ,સુરેશ દલાલને બીજી સલામ.

    અક્ષરનાદ ને પણ જોરદાર સલામ.

    આમ ભલે બધાને સલમો કરતાં રહીએ પણ આખી જીંદગી સલામો કરવા સિવાય હવે બીજું કંઇ
    કરવાનું રહ્યું જ છે શું ? મારા જેવા મહાન ડોબાને કોટિ કોટિ સલામ,(ક્યાં કોઇ ગણવા જવાનું છે ?)

    છતાં મારા દેશની ભવ્યતા ની બડાઈઓ મારવામાંથી ઉંચા આવતા નથી.

    બોલો મેરે સંગ ‘મેરા ભારત મહાન’

    યોગેશ ચુડગર.

  • himanshu patel

    ઘણા બધા પુનરાવર્તનો હોવા છતાં-આપણી સાંપ્રત અને ભૂતપૂર્વ -સમાજિક, રાજકિય પરિસ્થિતિ
    વિશે વ્યક્ત આક્રોશ તીવ્ર વ્યંગ સાથે અને મશ્કરી ભર્યા શબ્દો”લાતના ભયથી
    ડાબો હાથ કૂલા પર રાખીને
    જમણે હાથે સલામ,..”સાથે આલેખાઈ છે.સલામ શબ્દ આપણી હતી તે અને હજું પ્રવર્તમાન છે તે
    ગુલામીને સુચવે છે.વોટ આપનાર દરેક વ્યક્તિ પોતાની અસહાયતા અને અધિકૃત(undefined) અનાધિકારનો ગુલામ છે.
    મળો મને @ http://himanshupatel.wordpress.com