કવિ શ્રી બાલશંકર કંથારીયા ફારસી, હિન્દી, અરબી, સંસ્કૃત અને વ્રજ ભાષાના ઉપરાંત સંગીત પુરાતત્વ વગેરેના જાણકાર કવિ, અનુવાદક અને ગઝલકાર તરીકે ખૂબ જાણીતા છે. પ્રસ્તુત ગઝલમાં કવિ જીવનને ઉત્તમ રીતે જીવવાની ગુરૂચાવી આપે છે. સંસારને સ્વીકારવાની રીત સમજાવતી આ ગઝલ ઉપદેશાત્મક છે પણ એ ઉપદેશ ક્યાંય કઠતો નથી. સ્વ-આનંદમાં, પોતાનામાં રહેવામાં જ સાચું સુખ છે એમ સમજાવતી આ રચના ખૂબ સરળ અને ખૂબ સુંદર રચના છે.
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.
દુનિયાની જૂઠી વાણી વિષે જો દુઃખ વાસે છે,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.
કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો,
જગત-કાજી બનીને તું વહોરી ના પીડા લેજે.
જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,
ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે.
રહેજે શાંતિ-સંતોષે સદાય નિર્મળ ચિત્તે,
દિલ જે દુઃખ કે આનંદ કોઈને નહીં કહેજે.
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે,
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે.
રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે,
પિયે તો શ્રીપ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે.
કટુ વાણી સુણે જો કોઈની, વાણી મીઠી કહેજે,
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.
અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો,
ન માગે દોડતું આવે ન વિશ્ર્વાસે કદી રહેજે.
રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે,
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે.
પ્રભુનાં નામનાં પુષ્પો પરોવી, કાવ્યમાળા તું,
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે.
કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઈ?
નિજાનંદે હંમેશા બાલ મસ્તીમાં મઝા લેજે.
(‘કલાન્ત કવિ’ માંથી)
અતિ ઉત્તમ અને ખુબજ યાદગાર રચના જે હંમેશા માર્ગદર્શક બની રહે છે
જૂની અને જાણીતી ગઝલ સ્કૂલ કાળ યાદ કરાવી ગઈ,જ્યાં માસ્તરો છંદ ઓળખાવો તથા કાવ્યાર્થ સમજાવોની પરિક્ષા લેતા હતા અને કવિતાથી દૂર રાખતા હતા.
બાળાશંકર કંથારિયાની આ ગઝલ અગાઉ વાંચી હતી. ફરી વાંચવાનું ગમ્યું. દરેક પંક્તિ ખૂબ જ અર્થસભર છે.