{ કાંદીવલી, મુંબઇના રહેવાસી એવા શ્રી પ્રફુલભાઇ ઠારની અક્ષરનાદ પર આ ત્રીજી રચના છે. આ લેખમાં તેઓ પોતાની લેખનયાત્રાની અને કલમની સાથેના સંબંધની વાત કહે છે. દરેક લેખક્ને ક્યારેકને ક્યારેક પોતાના લેખન અને એ સંબંધે પોતાના રચનાત્મક પાસાના ઉજાગર થવાની વાત કહે ત્યારે એ સાથે તેમની અનેક યાદો અને પ્રસંગો સંકળાયેલા હોય છે. પ્રફુલભાઈના આ લેખ સાથે તેઓ આવી જ કેટલીક યાદો આપણી સાથે વહેંચી રહ્યા છે. }
“કલમની સાક્ષીએ મારૂં સત્ય”
બે હજાર એકમાં મેં જાણીતી રાષ્ટ્રિયકૃત બેંકમાંથી નોટ આઉટ સ્વૈછિક નિવૃતિ લીધી. નાનપણથી જ બીજી ઘણી પ્રવૃતિઓ સાથે હું જોડાયેલો તો હતો જ પણ સાથે સાથે લખવાનો શોખ હતો કારણકે જીવનમાં કંઇક બનવા-કરવાની તાલાવેલી તો પહેલેથી હતી જ.
લેખક એક અસાધારણ માણસ જ ગણાય તેથી મને લેખનનો શોખ જાગ્યો અને મને જુના અને જાણીતા તેવા ‘મુંબઇ સમાચાર’ જેવા દૈનિકના કટાર લેખક અને ‘હસી ખુસી’ સામયીકના તંત્રી શ્રી અનવરભાઇ વલિયાણીએ મને એક નવી દિશા અને પ્રોત્સાહન આપ્યું કે જેને હું www.aksharnaad.com’ દ્વારા આ લેખ અર્પણ કરું છું.
શ્રી અનવરભાઇનું ખાતું મારી બેંકમાં મારી પાસે હતું. જેથી રોજ-બરોજ બેંકના કાઉન્ટર ઉપર મળવાનું થતું. તેઓ હંમેશા તેના સામયીકની છપાયેલી નકલો બેંકમાં મને તથા બીજા સ્ટાફને વાંચવા આપી જતાં. મારા માટે તો એક લખવાના શોખની તાલાવેલી હતી એટલે લેખો,સમાચાર કે કોઇ મુલાકાત પ્રકાશિત કરી હોય તે ઉપર હું તેની સાથે હળવાશની પળોમાં ચર્ચા કરતો. અચાનક એક દિવસ મેં તેને પુછયું કે “હું તમને કોઇ લેખ કે કંઇ લખાણ આપું તો પ્રકાશિત કરશો ?” એણે ખુશીથી મારી વાતને આવકારી. મારી પાસે વિચારો તો હતા જ સાથે સાથે થોડી લખાણને સજાવી અને મઢાવવાની આવડત પડતી ગઇ તેથી લેખક બનવાના ઉમળકા ભર્યા ધ્યેયને લેખન અને વાંચનથી લખવાની પાપા પગલી કરવાનું મેં 1995 માં લખવાનું શરૂ કર્યું હતું.
મેં અનુભવેલા, કયાંક જોયેલા, કે બીજાના મોઢે સાંભળેલા પ્રસંગો ઉપર કે સમાચાર સ્વરુપે લખવાનું પસંદ કર્યું. લેખક બનવું હોય તો વિવિધ પ્રકારના પ્રસંગોની સમજ પાડવી પડે અને પછી લખવું પડે. છેકા છેકી થાય, કાગળો બગડે, વળી બરાબર ન લાગે તો ફરી લખવું પડે તે વધારામાં.એક કહેવત છે જે આપણાં બધાં માટે જણીતી છે કે ‘મન હોય તો માળવે જવાય’ અને મન જ માણસને સફ઼ળતા કે નિષ્ફળતા તરફ દોડે છે એ વિચારને ધ્યાનમા રાખી મેં તે સિધ્ધ કરવા પ્રયાણ કર્યુ. જો કે આજના આ કોમ્પ્યુટર યુગ માં તો કોમ્પ્યુટરના પદડા ઉપર લખવાની સુવિધા સાથે મજા વધી ગઇ કારણકે મુખ્ય કારણ એ જ કે હવે કી બોર્ડથી સરળતાથી શુધ્ધ લખી શકાય છે. જો કે હુ તે વખતે લેખો લખીને આપતો હતો તે શ્રી અનવરભાઇ થોડો સુધારો વધારો કરી મારા આપેલા લેખોને થોડો મરોડ આપીને છાપતાં અને તે લેખોની આવૃતિ સજાવી મઢાવીને જયારે મારા હાથમાં આવતી ત્યારે હું પણ વાંચીને આશ્ર્ચર્ય પામતો.
હું હંમેશા તેની સલાહ અમલમાં મૂકતો.અને સમય મળતાં જ કયાંક કયાંકથી માહિતી મેળવતો, વાંચતો અને આગળ વધતો અને તેમ તેમ મને ખબર પડતી ગઇ કે દુનિયામાં રોજ-બરોજ શું ચાલે છે ! અને કેટ કેટલું નવું અને ન બનવાનું બની રહ્યું છે અને મને આ જગતના લેખન, વાંચન અને શ્રવણ દ્ધારા જયાંથી અને જ્યારે પણ જેટલું વધુ જ્ઞાન મેળવી લેખન-વાંચન સ્વિકારતો રહ્યો.
અમારા ઠાર પરિવાર માટે થોડું સહજ હતું કારણકે મારા સ્વર્ગસ્થ પિતાશ્રી પણ સારું લખતા કે ભજનો ગાતા અને હાર્મોનિયમ જેવું વાજિન્ત્ર પણ વગાડી જાણતા. મારા કવિયત્રી બહેન શ્રીમતી મનોરમા બહેન કે જેઓ એક મહિલા સંસ્થા ‘લેખીની’ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે કે જેઓએ હાલમાં એપ્રિલ 2009 માં જ ‘પરિકથાની સૃષ્ટિ’ નામના પુસ્તકનુ શ્રી સુરેશ ઝવેરી સાથે સંપાદન કર્યું. વધારામાં મારો ભાણ્યો તો ઇન્કમ ટેક્ષ ઉપર લખતો રહે છે એટલે કે અમારા પરિવારને સાહિત્ય સાથે લગાવ તો ખરો જ !
આપણને દરેકને સારા અને ખરાબ અનુભવો એમ બન્ને થતાં જ રહે છે.ખાસ કરીને દેશ-પરદેશના વાંચકો સાથે કોઇ વાર્તાલાપ, તેમનો અહોભાવ દ્વાંરા વાંચન પ્રેમ વગેરે જાણીને આનંદ થયા વગર રહે ખરું ? કયારેક વળી કોઇ રૂબરૂ મુલાકાતે આવતા રહેતા હોય અને તેઓને મળીને અનેક નવા નવા અનુભવેલા પ્રસંગોની વાતો જાણવા મળે અને કોઇકના ને કોઇકના જીવનમાં બની ગયેલા પ્રસંગો કયારે અને કેવો વળાંક લઇલે છે ત્યારે ખ્યાલ આવે છે.અચાનક કોઇક વાંચન કે લેખો હાથમાં આવી જાય ત્યારે તે વાંચન અને મનન કોઇક અનેરો આનંદ આપી દે છે. જોકે સાહિત્યનો પ્રભાવ જ એવો છે કે તે તમને કોઇ પણ પરિસ્થિતિમાં નવી દૃષ્ટિ, દિશા કે કોઇ માર્ગ બતાવી દે છે અને હ્યદયને પ્રસન્નતાથી લખવા પ્રેરી દે છે.તેથી જ મારા લેખિકા અને કવિયત્રી બહેન ને ઘરે આવવાનું આમંત્રણ આપું તો કહેશે, ‘ભાયલા, તું મને ઘરે આવવાનું ન કહે” “મારે ઘણું લખવાનું બાકી છે.”
દરેક બાજુ સિક્કાની જેમ બે બાજુ હોય તેમ લખવાના આનંદ સાથે લખનારને મગજ ઉપર એક બોજો તો હોય જ છે જેવી રીતે માતાના ઉદરમાં રહેલું બાળક જેમ માતા ને ચેન લેવા દેતું નથી તેમ કોઇ દબાણ કરે કે ન કરે, પરંતુ મનમાં લખવા માટેનું સર્જન જ કંઇને કંઇ લખવાનું દબાણ કર્યા વગર રહેતું નથી. સારું લખવુ, વાચકોને ગમે અને સમજાય કે તેમાંથી કંઇક લઇ શકે તેવું લખવું નહિ તો લખવું જ નહિ તે વિચારોની માળા લખનારાનું મન દ્ધિતામાં મુકી લખવાનું કામ પુરું કરવા માટે રોકી રાખે છે. મને અનુભવ છે કે આવા વિચારોના રોગ ના ભોગ બનેલા તેના લીધેલા કામો પણ અધૂરાં છોડી દે છે.
લેખકો નો તો એક સ્વભાવ હોય છે કે ઘણી વાર સારું લખવાના વમળોમાં હેરાન થઇ જાય છે.અને સારી તકો ગુમાવી બેસે છે.જયારે આ વાત સમજમાં આવે ત્યારે મોડું થઇ ગયું હોય છે જો કે કુદરતી બધાના અનુભવો ચાડી ફુંકતા હશે કે કોઇક વાર આવું બનતું રહે છે કે વધારે સારું કામ કરવાના મોહમાં તે કયારેક બહુ ખરાબ રીતે ફસાય જાય છે અને ‘વધારે સારું’ એ ‘સારા’ નો દુશ્મન બની જાય છે. અને સૂરજ આથમી જાય છે પણ કામ અધૂરું રહી જાય તો માણસના મન ઉપર એક અણધાર્યો બોજો આવી ચઢે છે. જોકે મેં ઘણું લખ્યું છે. એમાંથી ઘણું છપાયું છે. વળી કયાંક ઝાઝું ફાડ્યું પણ છે. પણ એક વાત નક્કી છે કે મજા પડે છે એટલે લખ લખ અને હવે ટક ટક કરવાનું મન થયા કરે છે.
અમારે લેખકોએ તો લખવાનું હોય ત્યારે સારા મૂડની રાહ જોવા બેસાતું નથી કારણકે નહિ તો આવેલા વિચારોમાં ગડમથલ થઇ જાય.અમારે તો મૂડની રાહ જોવા કરતાં લખવાનું શરુ કરી દેવું પડે અને મૂડ ન પણ હોય તો કલમ મૂડ લાવી દે છે.
ઘણી વાર મારા મિત્રો કે સબંધીઓ કે કોઇક નવી વ્યકતિની મુલાકાત થાય તો સહેજે પ્રશ્નો પુછતાં હોય છે કે ‘કલમની સાક્ષી એ મારું સત્ય’ એ શું છે ? મારે સમજાવું પડતું હોય છે કે અમે લેખક, નિબંઘકારો કે કવિઓને લખવા વખતે એકાંત જોઇએ જેથી કરીને દસવાર વિચાર કરી કંઇક સારું વાંચન અમો રજુઆત કરી શક્યે. અમોને પણ કંઇક બંધન હોય છે કે વાચકો પાસે કંઇક ઉલ્ટી સુલ્ટી રજુઆત ન થઇ જાય. અને તેથી જ અમારી કલમ જે લખાવે તેમ લખીયે અને તેથી તે જ અમારી સાક્ષી અને તેં લખાવશે તે સત્ય લખશે.
એક મિત્રએ મને પ્રશ્ન કરેલો કે “લેખક અને પત્રકાર વચ્ચેનો શું તફાવત ગણાય ?” પ્રશ્ન મને ગમ્યો. મેં પ્રતિઉત્તર આપતા કહયું કે આમતો બંન્નેની પાત્રતા એક જ ગણાય છે પણ પત્રકારે આંખે દેખ્યો અહેવાલ ગણત્રીના જ કલાકોમાં પ્રેસમાં આપવો પડે છે જેથી તે બીજે જ દિવસની સવારમાં સમાચાર રૂપે રજૂઆત થાય છે જયારે લેખક કોઇ ચોક્કસ પ્રસંગો ઉપર લખે છે અથવા કોઇ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીને લખે જેથી તેને થોડો વિચાર માંગી લે કે વાચકને ગમશે કે નહી?
લેખક જયારે પણ લખે છે ત્યારે વાસ્તવિકતાનું ધ્યાન રાખીને લખે છે. જેમ કે એક મૂર્તિકાર જયારે પણ મૂર્તિ ને ઘાટ આપે છે ત્યારે તે ઇચ્છતો હોય છે કે તેની મૂર્તિમાં પ્રાણ કે ભાવવ્યંજકતા માનવપ્રકૃતિનું અવલોકન કરી શકે.
એક વાત સમજવા જેવી છે કે લેખક જે કોઇ પણ પ્રસંગો ઉપર બેચેની અનુભવે એટલી જ તેના લખાણોમાં તાકાત અને સચ્ચાઇ ઉત્પન્ન થાય છે અને પોતાની અનુભૂતિઓને ક્રમાનુસાર વ્યક્ત કરે છે.
લેખકનું કામ મહેફિલ જમાવવાનું કે મનોરંજનની સામગ્રી ભેગી કરવાનું હોતું નથી પણ એનું સ્થાન સમાજમાં ઉંચું કહી શકાય કે તે એક મસાલની જવાળાઓની જેમ જુઠાણાની સામે જાણે કે વિરોધ બતાવતાં હોય છે.
કોઇ પણ લેખક પોતાના માટે લખતો હોતો નથી પણ તે કોઇ ક્રાંતિની જવાળાઓ લઇને આવે છે.અને તે જે વાંચે છે, વિચારે છે કે અનુભવે છે તેને તે સમાજ માટે લખતો રહે છે. આમ છતાં કોઇ અપવાદ રૂપે તે પોતાના લખાણથી જ પોતાની જાતને પણ બદલવાની કોશીષ કરતો હોય છે અને તેના લખાણોંના પ્રતિભાવ મળતાં તે કયે રસ્તે જાય છે તેની પોતાને પણ સમજ પડી જાય છે.
લેખક, પત્રકાર, કવિ વગેરે બનવાનો એક એવો અભિગમ છે કે જે સાંભળી દરેકને તે બનવાનું અશક્ય લાગે. પણ તે બનવું એટલે ઉચ્ચ સ્થાને બેસવું બરાબર છે. કલાકાર પણ બનવું એ પણ એક નસીબની વાત કહેવાય. જોકે આવું બનવું અશક્ય બાબત નથી. અન્ય વ્યવસાયની જેમ જ લેખનકાર્ય એ પણ વ્યવસાય છે. લેખનકાર્ય એ અમુક લોકોની જ ક્ષમતા છે, એવું નથી. તમે પણ લેખક બની શકો છો. જેમ અન્ય વ્યવસાયમાં અભ્યાસ કરવો મહત્ત્વનો છે એમ અહીં પણ અભ્યાસ મહત્ત્વનો હોય છે. જેમ અન્ય વ્યવસાયમાં સમજણ અને ધ્યાન જરૂરી હોય છે, એમ અહીં પણ અન્ય લેખકોના પુસ્તકોનું વાચન તેનું મનન કરવું જરૂરી હોય છે. આપણે જેટલો રસ લઇએ તેટલું લેખન સરળ લાગશે.
લેખકો તો કાગળ અને કલમના પંખી કહેવાય. લેખનમાં શુધ્ધતાનું મહત્વ ખૂબ જ હોવું જરૂરી હોય છે. તમારી પાસે વિચાર હોય પણ તેની રજૂઆત કેવી રીતે કરવી એ પોત પોતાની આવડત ઉપર આધાર રાખે છે. તમારા વિચારો અને ભાવનાઓને રચનાત્મક રીતે રજૂ કરવાની ક્ષમતા તમારામાં હોવી જોઈએ.અને સારો લેખક એ છે કે જે પોતાના વાચકોને છેલ્લા વાકય સુધી પકડી રાખે. વળી લખાણ પણ રસભર્યું હોવું જરૂરી છે.
આજે આપણી પાસે પણ ‘અક્ષરનાદ.કોમ’ જેવી ઉત્કર્ષ માટેની વેબ સાઇટ હોય અને જયાં લખનારા લેખકોને ઉત્સાહ, પ્રોત્સાહન અને પ્રેરણા આપવામાં આવે છે તો …ચલાવો કલમ અને મુકો તમારા વિચારો..
પ્રફુલભાઈ,
સાચે જ , લેખકનું કામ ” સત્યાન્વેષણ ” કરવાનું હોય છે. તેણે હંમેશાં સાચુ અને સારુ લખવું જોઈએ. કોઈનું સાંભળેલું કે ગમે તેવા આધારવિહિન પુસ્તકોમાંથી વાંચેલી વાતોને ચકાસ્યા વગર ” લખી ” નાખવું ઘણી વાર સમાજને નુકસાન કારક કે ગેર રસ્તે દોરનારું બની રહે છે. આમ, લેખકોની જવાબદારી ઘણી મોટી છે.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
કોઇ પણ લેખક પોતાના માટે લખતો હોતો નથી પણ તે કોઇ ક્રાંતિની જવાળાઓ લઇને આવે છે.અને તે જે વાંચે છે, વિચારે છે કે અનુભવે છે તેને તે સમાજ માટે લખતો રહે છે. આમ છતાં કોઇ અપવાદ રૂપે તે પોતાના લખાણથી જ પોતાની જાતને પણ બદલવાની કોશીષ કરતો હોય છે અને તેના લખાણોંના પ્રતિભાવ મળતાં તે કયે રસ્તે જાય છે તેની પોતાને પણ સમજ પડી જાય છે.
ખરી વાત ..
પ્રિય ચેતનાબહેન
તમારા જેવાના પ્રતિભાવો જો મળતા રહે તો મારી કલમને લખવા માટેની વધુ ને વધુ પ્રેરણા મળતી રહે…
આભાર
પ્રફુલ ઠાર
ખુબ સુ ન્દ ર
આભાર
B.T.
પ્રિય ભાઈ
આપનો પ્રતિભાવ બે શબ્દનો છે પણ તેમાં બધું જ આવી જાય છે.
આભાર !
પ્રફુલ ઠાર