પરિવર્તિત દિવાળી – જીગ્નેશ દેખતાવાલા 3


{ અક્ષરનાદના વાંચક મિત્ર શ્રી જીગ્નેશ દેખતાવાલા વ્યવસાયે કોમ્પ્યુટર ઈજનેર છે અને મુંબઈ ખાતે ઓરેકલ ફાઈનાન્સીયલ સર્વિસિસમાં પ્રોસેસ કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપી રહ્યાં છે. પ્રસ્તુત વાર્તા તેમની અક્ષરનાદ પર પ્રથમ રચના છે. જીવનના વિવિધ સંજોગોમાં પણ પોતાની ઉપકાર કરવાની સ્વભાવગત ખાસીયતો ન છોડનાર ગૌરીબેનનું ખૂબ સુંદર પાત્રાલેખન તેમણે આ વાર્તામાં કર્યું છે. આવી વધુ રચનાઓ તેમની કલમ થકી આપણને મળતી રહે તેવી શુભકામનાઓ સાથે અક્ષરનાદને આ કૃતિ પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ. તેમનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે  jignesh10@hotmail.com પર કરી શકાય છે.}

દિવાળીની કાળી રાત્રીએ પારઘી કોમના જ્ઞાતિજનો ધીરે ધીરે વસાહતમાં આવેલા કાલિકા માતાનાં મંદિરમાં ભેગા થવા લાગ્યા. ગામની બહાર થોડા વખતથી વસેલા આ લોકોએ પોતાની કુળદેવી કાલિકાનું હંગામી મંદિર બનાવ્યું હતું. ભલે ગમે તેવું પણ કાળું કામ તેઓ કરતા હતા, પણ કાલિકાદેવી તેમના આસ્થાના સિંહાસન પર બિરાજમાન હતા. વાંસ અને ઝાડી ઝાંખરાના ડાળીઓથી બનાવેલા એ મંદિરમાં ક્રોધાતુર, લાલ જીભ બહાર કાઢેલી કાલિકાની મૂર્તિ ઉભી હતી. એમનું રૂપ એવું ભયંકર હતું જાણે આખી દુનિયાને આજે એ પોતાના ક્રોધનો શિકાર બનાવવાના હોય. કાળા રંગની મૂર્તિના એક હાથમાં કપાયેલું ડોકું અને ગળામાં કપાયેલા ડોકાઓનો હાર એમના ભયંકર રૂપમાં વધારો કરી રહ્યા હતાં. જેટલી ભયંકર કાલિકાની મૂર્તિ હતી એટલી જ ભયંકર પારધી લોકોની વૃત્તિ હતી. પોતાનું પેટ રળવા કોઈનો જાન લેવામાં પણ પાછીપાની ન કરતા. સર્વત્ર અંધારાનું રાજ છવાઈ ગયું છે. પારઘી લોકો ધીરેધીરે પોતાના ઢોલ અને નગારા સાથે મંદિરમાં આવવા લાગ્યાં છે અને મંદિરમાં સળગી રહેલી મશાલોના તેજમાં પારઘીઓ માતાના દર્શન કરી રહ્યા હોય છે. બધા આજે કાગડોળે વાટ જુએ છે કુળના યુવાન ભૈરવની.

“આવી ગયો બેટા ! ” ભાનુબાનો એ અવાજ શાંતિમય વાતાવરણને ચીરી નાખે છે. અને મંદિરમાં બધાની નજર ભૈરવ પર પડે છે.

” હા માં, દેવીના આશીર્વાદથી આજે ઘણો બધો માલ હાથ લાગ્યો છે. ” હાથમાં બેધારી તલવાર લઈ ભૈરવ બોલી ઉઠે છે.

એની એ તલવાર પર તાજા લોહીના ડાઘા ચાડી ખાઈ રહ્યા હતા કે ભૈરવે આજે લૂંટની સાથે ધીંગાણું પણ કર્યું છે. સોનાના હાથાવાળી એ તલવાર લઈ ભૈરવ મૂર્તિની નજીક આવી ચોરીની એ તલવાર અને સાથે બીજો બધો માલ માતાનાં ચરણોમાં મૂકી દે છે. ભાનુબાનો ચહેરો જાણે એક સાથે હજારો લાખો આશિર્વાદ એના દિકરા પર વરસાવી રહ્યાં હતાં. આખરે એકના એક દિકરાએ પણ લૂંટફાટ કરીને પોતાની જમાતના રંગ દેખાડ્યા હતા. સોળ વર્ષના એ નવયુવાને ચોરી અને મારફાડ પોતાના લોહીના વારસામાં મળ્યા હતા. ઢોલ નગારાના અવાજ સાથે માતાની આરતી શરૂ થઈ અને સૌ કોઈ ભૈરવના આજના કારનામા વિશે સાંભળવા આતુર બન્યાં.

લગભગ છેલ્લા કેટલાય દસકાઓથી પારઘીઓ જાણે લૂંટફાટ માટે જ જન્મ લેતાં હતાં. બાળપણથી આખી વસાહત જાણે પારઘિ બાળકો માટે ચોરી, લૂટફાટ શીખવાની નિશાળ હતી. તરતનો જન્મેલા બાળકમાં પણ માં બાપ ભવિષ્યના કુશળ પારઘી – ચોર જ નિહાળતા. ભૈરવના બાપાનો પહેલેથી જ કુળમાં, વસાહતમાં નામ, આખરે કુંળના સૌથી ખતરનાક અને હિંસક પરાક્રમો એના નામે જ બોલતા હતાં. કેટકેટલાને અત્યાર સુધી મોતને ઘાટ ઉતારનાર અને ઘણી વખત જેલ તોડી ફરાર થયેલ કુખ્યાત અપરાધી. લગ્નની જાન હોય કે શેઠની તિજોરી, બધે એનો હાથ ફરી વળેલો. પણ ભૈરવના જન્મના ઠીક પખવાડીયા બાદ થયેલા ધીંગાણામાં એ ઘવાયા અને ચાર ચાર ગોળીના ઘાને લીધે તે દુનિયા છોડી દે છે. એક પારઘી સ્ત્રિએ આવી સ્થિતિ માટે હંમેશા તૈયાર રહેવાનું હોય છે. ભૈરવને લૂંટફાટમાં પારંગત બનાવવાની નેમ સાથે ભાનુબાના દિવસો વીતે છે. આજે એ રાત આવી પહોંચી છે જ્યારે ભૈરવે પોતાને એના બાપાનો સાચો વારસદાર સાબિત કરવાનો હતો.

દિવાળીની રાત ધીરે ધીરે વધારે ગાઢી થવા લાગે છે. ગામ આખું લક્ષ્મીપૂજાનો ઉત્સવ પતાવી પોતપોતાના ઘરે પહોંચી ચૂક્યા હોય છે. અઠવાડીયા પહેલેથીજ શેઠ ચરોતરભાઈનું ઘર ભૈરવે ભાળી રાખ્યું હતું. બે ગામ દૂરના ચરોતરભાઈ જાડેજા તાલુકાના મોટા શાહુકાર ગણાતા. ભૈરવે નિયત કરેલ સમયે શેઠને ઘરે ધાડ પાડે છે અને ઉંઘમાંથી જાગી ગયેલા શેઠને જોતા જ ભૈરવ નજીકમાં જ લટકાવેલી ખાનદાની તલવાર લઈને એમના પર હુમલો કરી દે છે. બેધારી તલવારનાં ઘાની સામે શેઠ ઢળી પડે છે અને ભૈરવ લૂંટના સામાનના પોટલા સાથે અંધારામાં ગાયબ થઈ જાય છે. અચાનક થયેલા શોરબકોરથી ગૌરીબેન, ચરોતરભાઈના પત્નિ અને ઘરના નોકર ચાકર જાગી જાય છે અને મુખ્ય ખંડમાં પહોંચી જુએ છે તો એમનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. શેઠ લોહીના ખાબોચીયામાં પડ્યા છે અને રાતના અંધારાનો લાભ લઈને ભૈરવ ક્યાંક ઓગળી જાય છે. દિવાળીની રાતના એ ઝગમગતા દીવાઓ આખીય વાતનાં સાક્ષી બનીને જોઈ રહ્યાં હોય છે. ધીરે ધીરે આખાય ગામમાં વાત ફેલાઈ જાય છે અને બધા ગ્રામજનો શેઠજીના બંગલે ભેગા થઈ જાય છે. ચાલીસ ચાલીસ વર્ષથી શેઠ સાથે દિવાળી ઉજવનાર ગૌરીબેનને માથે જાણે આભ ફાટી પડ્યું હતું. વિધાતાની એ ક્રૂર મજાક જાણે એમનો પીછો નહોતી મૂકી રહી, કમળાના રોગમાં હોમાઈ ગયેલા પુત્રની પાછળના આંસુ હજી સૂકાયા નહોતા ને ઘરમાંથી પરિવારનો આધારસ્તંભ આજે બેજાન છે.

ઉત્સવનું વાતાવરણ પારઘી વસાહતમાં પૂરજોશમાં જામ્યું હતું. આખરે એમના સૌથી યુવાન વંશજે પોતાના કુળનો રંગ રાખતા દિવાળીના શુભ દિવસથી લૂંટારૂની જિંદગી શરૂ કરી હતી. છેલ્લી કેટલીય પેઢીથી લૂંટફાટને પોતાનો ધર્મ બનાવી ચૂકેલી પારઘી જ્ઞાતી માટે આજે ગર્વની ક્ષણ હતી. કાલિકાની પૂજા કરવી અને લૂંટફાટ કરવી, જરૂર પડે તો ખૂન ખરાબા કરવા એ એમના લોહીમાં વણાયેલા સંસ્કાર છે. કુળના અડધાથી વધુ પુરૂષો જેલમાં જીવન ગાળતા કે ફાંસીએ લટકી ગયેલા છે. દર બે ત્રણ વર્ષે પોતાનો મુકામ બદલવો અને નવા નવા ગામોને, વસાહતોને પોતાનો શિકાર બનાવવા એ એમની રણનીતી હતી. પોતાના પતિને ખોઈ ચૂકેલી ભાનુબા આજે પુત્રના પરાક્રમથી ખુશ હતી. એના એકના એક પુત્રએ હવે કુળના કર્મ ધર્મને સમજી લીધા છે અને પોતાને એક સારો પારઘી સાબિત કરવાને પૂરેપૂરો લાયક થઈ ગયો છે. શેઠની એ બેધારી તલવાર કાલિકાની પાસે એમના ભયંકર રૂપમાં વધારો કરી રહી હોય છે. પહેલી ચોરીની નિશાની રૂપે એ માતાને ભૈરવનો ચઢાવો છે.

અત્યંત ગમગીની ભરેલા વાતાવરણમાં ચરોતરશેઠના અગ્નિસંસ્કાર થાય છે. જીંદગીના એ ઢળતા દિવસોએ ગૌરીબેન નિરાધાર બન્યા હતાં. પ્રથમ પુત્ર અને હવે પતિના મૃત્યુથી શોકાતુર છે. થોડા દિવસોમાં સગાવહાલાં પોતપોતાને સ્થાને પાછા ફરે છે અને રહી જાય છે ફક્ત ગૌરીબેન અને એમના પરિવારજનોની યાદો. શેઠે અઢળક સંપત્તિ ભેગી કરેલી છે પણ ગૌરીબેનના બેજાન જીવનમાં એ રંગ જરાય કામના નથી. ખૂબજ સંસ્કારી જીંદગી જીવેલા ગૌરીબેન પોતાની બાકી જીંદગી અને સંપત્તિ લોકો માટે વાપરવાનો નિર્ધાર કરે છે. આખરે એમની વિરાસતનો વારસદાર પણ તો કોઈ નહોતો.

સમયના વહાણા વાવા લાગે છે. ધીરે ધીરે એકલવાયા જીવનને કોઠે પાડી દીધેલા શેઠાણીને લોકસેવાનો રંગ ચઢી રહ્યો છે. એમના ઘરના કમાડ હવે જરૂરતમંદ લોકો માટે હંમેશા ખુલ્લા રહે છે. ગરીબ પરિવારોની મદદ કરવી એ એમનો જીવનમંત્ર બની ગયો છે. ગામના મંદિરનો જીર્ણૉધ્ધાર કરવાથી લઈને ગામની શાળા એ બધેય એમના નામની તક્તી લાગી ચૂકી છે. ગામમાં કોઈના પણ લગ્ન હોય, સૌથી વધારે ફાળો શેઠાણીનો જ રહેતો. જાણે એ સાબિત કરી રહ્યા હતાં કે,

નથી મળવાની ખુશી સંપત્તિમાં,
આ મોજાઓ રડીને કહે છે જગતને
ભીતરમાં એ મોતી ભર્યાં છે છતાંય
સમદરના ખારા જીવન થઈ ગયાં છે.

વર્ષો વીતતા રહે છે, ભૈરવ એક રીઢો ગુનેગાર બની ચૂક્યો છે. આખરે એ જ રસ્તો હોય છે એમના પેટનો ખાડો પૂરવાનો. તાલુકાના લગભગ બધાં જ ગામ પારઘીઓના શિકાર બની ચૂક્યા છે. આખરે દર અમાસે નાની મોટી ચોરી કરી માતાને ચઢાવો ધરવો એ જ એમનું ધર્મ પાલન હતું. જીવન કરતા મૃત્યુનો જ હીસાબ આ પારઘીઓની જીભ ઉપર વિશેષ રમતો.

સૃષ્ટીનું ચક્ર અવિરત ચાલતું રહે છે, જાણે કુદરત આ વખતે પ્રકોપમય બની હોય એમ આખાંય તાલુકામાં પૂર આવે છે, દિવસો સુધી પૂરનાં પાણી ઘરમાં ભરાઈ રહે એ અને લોકોને જ્યાં ઉંચી જગ્યાએ શરણું મળે ત્યાં રહેવા લાગે છે. તાલુકાભરના ગામના પાદરો જાણે આજે એક થઈ જવા માંગતા હોય છે, આખો વિસ્તાર પહેલા એક તળાવ, પછી નદી અને પછી સમુદ્રસમો ભાસે છે. બે ચાર દિવસે જ્યારે ધીરે ધીરે પૂરના પાણી ઓસરે છે ત્યારેઆખેઆખાં ગામ પાણીમાં ધોવાઈ ગયાં હોય છે. કાચા માટીના ઘરોમાં પાદરપાર રહેતા પારઘી વસાહત પણ તારાજ થઈ જાય છે. ચોરી અને લૂંટફાટ ખૂબ જ બહાદુરીથી કરનાર પારઘીઓ લાચાર બન્યા હોય છે. બચેલા સામાન સાથે જેવા એ પોતાના વસાહતમાં પાછા આવે છે કે પૂરનો કારમો પ્રકોપ નજરે પડે છે. જાણે કુદરતે એમને ફરીથી એકડા ઘૂંટવા પાટી કોરી ન કરી આપી હોય એમ ! આખી વસાહત એક મેદાનમાં ફેરવાઈ જાય છે.

આવી વિષમ સ્થિતિમાં ગૌરીબેન તિજોરીઓના તાળા ખોલી દે છે. અનાજના કોઠારો ખુલ્લા કરી દે છે. લોકસેવા કરતા અને ગામની દુર્દશા જોતા ગૌરીબેન પાદરે બે ગામ દૂર આવી પહોંચે છે. આખે આખી વસાહત નાશ પામવાને કારણે જેમ તેમ કરીને બચાવેલા સામાન સાથે પારઘીઓ નિરાધાર બની બેઠા હોય છે. બચેલા સામાનમાં સૌથી મહત્વનું કાંઈ હોય તો એ કુળદેવીની મૂર્તિ અને બેધારી તલવાર હોય છે. ગૌરીબેન પારઘીઓને ભેગા કરીને આશ્વાસન આપે છે અને એમને બેઠા કરવાનું બીડું ઝડપે છે. પૈસાની સગવડ મળતાં જ પારઘીઓ ઘર બાંધવાનો સામાન લેવા નીકળી પડે છે. શેઠાણી તેમને માટે નવું જીવન લાવ્યા હોય છે. જોતજોતામાં થોડા દિવસોમાં તો એ કાચા ઘરોનાં સ્થાને સુંદર પાકા મકાનો ઉભા થઈ જાય છે અને કાલિકાનું સુંદર મંદિર પણ બની જાય છે. મૂર્તિની બાજુમાં એ જ બેધારી તલવાર પધરાવાય છે જે ભૈરવે લૂંટેલી. ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડે છે અને પારઘીઓ આભાર માનવા શેઠાણીને નવા મંદિરની પ્રથમ આરતીનો લહાવો આપે છે, શેઠાણી એ સવિવેક સ્વિકારે છે.

મંદિરમાં આવતાં જ મૂર્તિની બાજુમાં પોતાની ખાનદાની તલવાર જોઈ શેઠાણી ડઘાઈ જાય છે, ઢોલ નગારા સાથે આરતી શરૂ થાય છે. પણ ગૌરીબેનની નજરો એ તલવાર પરથી હટાવી શક્તા નથી. આરતી પૂરી થતાં જ તે પૂછે છે, “આ સોનાનાં હાથા વાળી તલવાર અહીં ક્યાંથી?”

“એ તો મારા દિકરાની પહેલી કમાઈ છે.” ભાનુબા બોલી ઉઠે છે.

“પહેલી કમાઈ?”

“હા બહેન, હવે તમારાથી શું છુપાવવું? ચોરી લૂંટફાટ અમારા બાપદાદાથી ચાલી આવતો ધંધો છે. અમે એ કુળના છીએ, જેમાં ચોરી લૂંટ વગેરે જ અમારો ધર્મ છે અને અમારા લોકોની એ જ આવડત છે.”

ભાનુની આંખમાં સત્ય ટપકતું હોય છે. આખરે ક્યાં સુધી કોઈ વડીલ પોતાના કુળના જુવાનોને ફાંસીએ ચઢતા કે આખું આયખું જેલમાં વીતાવતા જોઈ શકે? એમને બદલાવું હોય છે અને જાણે એ ગૌરીબેનને મદદની આજીજી કરી રહ્યા હોય છે.

અચાનક આવી પડેલા સત્યથી ગૌરીબેન સ્તબ્ધ થઈ જાય છે. ગૈરીબેન કળી જાય છે કે આ બીજુ કોઈ નહીં પણ પોતાન ઘરને લૂંટનારા, તેમના ધણીની હત્યા કરનારા ચોરોની ટોળકી છે. ભાનુબેનની કબૂલાત અને આ તલવાર એની સાક્ષી પૂરી રહ્યા હોય છે.

“પણ બેન, અમને તો આ અંધારીયા કાળા કૂવામાંથી બહાર આવવું છે. ” ભાનુબા બોલી ઉઠે છે.

દાયકાઓ જૂના તણાવગ્રસ્ત માહોલમાંથી બહાર લાવવાનું સામર્થ્ય એ ગૌરીબેનમાં ભાસે છે. સલામતી અને આદરભર્યા જીવન માટે ગૌરીબેન તેમની આશાનું કિરણ છે.

ગૌરીબેન નિઃશબ્દ થઈ જાય છે. અજાણતામાં પોતાની જીંદગીના સંધ્યાકાળે પોતાને નિરાધાર કરનારા લોકોની એ મદદ કરી રહ્યા હોય છે જેમના માટે એમણે જાત ઘસી કાઢી હોય છે. તન મન અને ધનથી મદદ કરી હોય છે એ જ લોકો એમની જીંદગીની એ વિષમ સ્થિતિ માટે જવાબદાર હોય છે. પણ સંસ્કારોને પોતાના દિલમાં ઉતારી ચૂકેલા ભગવદીય ગૌરીબેનને એમાં કોઈક ઈશ્વરીય સંકેત દેખાય છે.

શેઠાણી પોતાના પતિની હત્યાનો “બદલો” લેવાનો નિશ્ચય કરે છે. ભાનુબા અને બીજા બધા પારઘી વડીલો સાથે મળી બાળકોને શાળાએ મોકલાવે છે. જુવાનોને ખેતીલાયક જમીનના ટુકડાઓ આપી ખેતી કરાવડાવે છે. કુંવારી પારઘી દીકરીઓના સારા ઘરે લગ્ન કરાવી ઘર માંડી આપે છે. ધીરે ધીરે પારઘીઓ લૂંટફાટ કિનારે મૂકી મહેનતનું જીવન જીવવા લાગે છે. જીવનમાં આમૂલ પરિવર્તન પામનારા પારઘીઓને જાણે કેટલાય જન્મોનો એમનો થાક ઉતરી રહ્યો હોય એમ લાગે છે. અભણ પારઘીઓને પોતાના શાળાએ જતા બાળકોમાં એક સારા ભવિષ્યના દર્શન થઈ જાય છે. એક સારો સમાજ નિર્માણ થવા લાગે છે. કાલિકાની મૂર્તિમાં માતાને જોનાર પારઘીઓને ગૌરીબેનમાં જીવંત કાલિકાના દર્શન થાય છે.

પારઘીઓને સારા અને સાચા જીવનનીરાહ પર ચલાવવાનું ગૌરીબેનનું સ્વપ્ન અને વર્ષોનું તપ રંગ લાવે એ. એક જમાનામાં દિવાળીના દિવસથી અમંગળ જીવનનો પ્રારંભ કરનારા પારઘીઓ પ્રકાશમય અને મંગળ દિવાળીના પ્રસંગે હવે નવી જીંદગીના અનુભવો વહેંચે છે. ભટકતા જીવન માટે ટેવાયેલા પારઘી એક જગ્યાએ ઠરીઠામ થાય છે. વર્ષોથી દિવાળીના દિવસે પતિને શ્રધ્ધાંજલી આપનાર ગૌરીબેન આ વર્ષે દિવાળી પારઘીઓ સાથે ઉજવવાનું નક્કી કરે છે. એ જ કાલિકાની ભયંકર રૂપ વાળી મૂર્તિ અને એ જ એમની ખાનદાની સોનાના હાથાવાળી તલવાર. પણ સામે આજે નતમસ્તકે ઉભેલા હતાં. પરિવર્તિત અને સંસ્કારી પારઘીઓ. આજે ગૌરીબેન પોતાના પતિની હત્યાનો બદલો લેવામાં સફળ થયા છે. એક કુળનું પરિવર્તન કરીને….


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “પરિવર્તિત દિવાળી – જીગ્નેશ દેખતાવાલા