એક છોકરી સાવ અનોખી….. – અનોખી છોકરીની વાસ્તવિક કહાની 5


“એક છોકરી સાવ અનોખી…..” બોરીવલી (મુંબઇ) ના પ્રબોધન ઠાકરે નાટ્યગૃહમાં આ નાટક જોવાનો અવસર અનાયાસજ સાંપડ્યો. મુંબઇ થીયેટર વિશે ઘણું સાંભળ્યું છે, આ સમગ્ર ઉપક્રમ ખૂબજ વ્યવસાયિક રીતે ચાલે છે, અને અહીં ભજવાતા નાટકોમાં ખૂબજ ઉચ્ચતમ કક્ષાના પરિમાણો સાથે અભિનય, વાર્તા, દિગ્દર્શન તથા સંકલન થાય છે તે જોવા મળ્યું. આ જ નાટકમાં એક પિતાનું અનેરૂ પાત્ર ભજવી રહેલા શ્રી મેહુલભાઇ બૂચના આમંત્રણથી આ સુંદર અને હ્રદયસ્પર્શી નાટક જોવાનો લહાવો અનાયાસ જ મળ્યો.

પ્રબોધન ઠાકરે નાટ્યગૃહ મુંબઇનો આદર્શ રંગમંચ છે. વ્યવસાયિક દ્રષ્ટીએ અહીં બધી સગવડો છે, પ્રેક્ષકોની સગવડતા માટે સુંદર આરામદાયક સીટની વ્યવસ્થા છે, આખું નાટ્યગૃહ એરકંડીશન્ડ છે અને મંચ તથા લાઇટીંગની સગવડો પણ ધ્યાનાકર્ષક છે, નાટક ચાલું હોય ત્યારે જો આપનું નાનકડું બાળક રડે તો તેના ઉપાય તરીકે તેને રમવા રમકડું આપવું કે બિસ્કીટ આપવા કરતાં નાટ્યગૃહના “રૂદનઘર” (Cry Box ) નો ઉપયોગ કરી શકાય છે જે કાચનું બનેલું છે. વિશાળ સ્ટેજના લીધે નાટકના વિવિધ પાસાઓને, તેમાં જરૂરી દ્રશ્યો ભજવવા વપરાતા રાચરચીલાને કે અન્ય ઉપયોગી વસ્તુઓને સરળતાથી સમાવી શકાય તેવી બધી વ્યવસ્થા અહીં છે.

સૌપ્રથમ એક સાવ અનોખી છોકરી એ નાટક વિશેની પ્રાથમિક માહીતી આપી દઉં. નાટકના લેખક છે શ્રી ભાવેશ માંડલીયા, કથાબીજ શ્રી પ્રતાપ ફડ, સહાયક દિગ્દર્શક અમાત્ય ગોરડિયા અને નિર્માતા શ્રી ભરતભાઈ ઠક્કર, સંગીત છેલ પરેશે આપ્યું છે, સ્વર જાહન્વી શ્રીમાન્કર નો છે તથા કલાકારો છે ભામિની ગાંધી, વંદના વિઠ્ઠલાણી, તુષાર ઈશ્વર, નયન શુક્લ, નિનાદ લિમયે અને મેહુલ બૂચ.

દ્વિઅંકી એવા આ નાટકનો પ્રથમ અંક શરૂ થાય છે “અનોખી”ના સુંદર ઉલ્લાસભર્યા ગીતથી. ગીતના શબ્દો એવા તો સુંદર છે કે એક વખત સાંભળ્યા પછી જ્યારે નાટકમાં એ ફરીથી ગૂંજી ઉઠ્યું ત્યારે મેં એ શબ્દોને લખી લેવાનો પ્રયત્ન કર્યો,

“મારા સપનાને પાંખો લગાડીને ઉડવાની,
ઉડવાની હું તો આકાશમાં,
અને ચાંદાને લઈ લઊં હું હાથમાં
મારે ભમવા છે કોતર ને ઘૂમવા છે ડુંગર,
ને ચાલવું છે છમ્મ લીલા ઘાસમાં,
આજ કુદરતને ભરવી છે બાથમાં …

ઉડતા પતંગીયાને હાથ હું અડાડું ને
ઝાકળની છોળો ઉડાડું હો જી
સૂતેલી ઈચ્છાને ચીંટીયો ભરું ને પછી
ઢંઢોળી એને જગાડું હો જી

હરણાંની સાથે રેસ હું લગાડું
ને કાચબાને રાખું સંગાથમાં… મારા સપનાને ….”

“મારા સપનાને પાંખો લગાડીને ઉડવાની….” એ ગીત ગાતી નાયિકાનું નામ અનોખી છે અને તેના માતા પિતા અને ભાઇ સાથે સુખી જીવન જીવતી અનોખીના અનેરા ઘરની, તેના સંગીતના સુરો પ્રત્યેના વળગણની, તેના પિતાના અનોખીને સી.એ બનાવવાના સપનાંની, નોકરી શોધતા તેના ભાઇની અહીં વાત કહેવાઇ છે., અનોખી અને તેના પરિવારની જીંદગી ત્યારે બદલાઇ જાય છે જ્યારે અમેરિકાથી આવેલ અમિત સાથે તેની ઓળખાણ થાય છે. હસાવીને લોટપોટ કરી દેતી શરૂઆત સાથે આ નાટકમાં અમિતના આ ઘરમાં આવવાનો પ્રસંગ હાસ્યનો ખજાનો છે. અમિત અને અનોખી એકબીજાના પરિચયમાં આવે છે અને બંને એક બીજાને પસંદ કરે છે. એક બીજાને સાત જન્મો સુધી સાથ અને હાથ આપવાની વાત કરી એક બીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે. અને તેમની સગાઇ થાય છે,

અમિત અનોખીને ફરવા લઇ જવાની ઇચ્છા વ્યક્ત કરે છે, તે અનોખી માટે ગાડી મોકલવાની વાત કહે છે. સ્વપ્નોના પ્રદેશમાં વિહરતી અનોખી તેને પોતાની સાઇકલ પર ડબલ સવારીમાં ફરવા જવાની વિનંતિ કરે છે જે અમિત માન્ય રાખે છે, અને સાઇકલ લઇને અમિતને મળવા જતી અનોખી સાથે સર્જાય છે એક ભયાનક અકસ્માત જે તેના જીવનના તમામ પાસાઓ, તમામ સ્વપ્નો અને તમામ આયોજનો ઉંધા વાળી દે છે. અકસ્માતમાં અનોખી પોતાના બંને હાથ ગુમાવી બેસે છે. અનોખીના ઓપરેશન વખતેજ અમિતને વિદેશ જવું પડે છે, અમિતને એ ખબર પડે છે કે અનોખીના હાથ કપાઇ ગયા છે, એટલે જ્યારે એ પાછો આવે છે ત્યારે એક “હેન્ડીકેપ” છોકરી સાથે પોતાનુ જીવન વિતાવવા તૈયાર નથી એમ જણાવી અનોખી સાથે પ્રેમના તમામ સંબંધો અને સગાઇ તોડી જતો રહે છે.

અનોખી જીવનમાં બધી રીતે હતાશ છે. હાથ ગુમાવવાથી તે અપંગ થઇ છે, અમિત તેને છોડીને જતો રહ્યો છે, તેના પિતાનું સ્વપ્ન એવું સી.એ તે નહીં થઇ શકે તે વાતે પણ તે દુ:ખી છે. તેનો ભાઇ અનોખીની સગાઇ તૂટી જવાથી અમેરીકા નહીં જઇ શકાય અને કારકિર્દી રોળાઇ ગઇ એ વાતે અનોખીને પનોતી કહીને બોલાવે છે, તેને ધુત્કારે છે. તો અનાયાસ તેના પિતા પણ અનોખીની સારવારમાં પોતાની બધી બચત ગુમાવી બેઠાનો અફસોસ અનોખીનાં દેખતા વ્યક્ત કરે છે.

એક વખત જ્યારે ઘરમાં કોઇ નથી હોતું, ઘરનાં બારી બારણાં બંધ હોય છે અને અનોખી ઘરમાં એકલી હોય છે ત્યારે ગેસની નળી લીક થતી હોવાથી ઘરમાં ગેસ ભરાવાથી અનોખી ગૂંગળાય છે, અને આમાંથી બચવા અજાણતાજ એ પોતાના જીવનની નવી દિશા શોધી કાઢે છે. જે વસ્તુઓ તેને ક્યારેક પોતાની અપંગતાની મજાક ઉડાડતી લાગતી એજ વસ્તુઓ હવે તેને પ્રેરણાના સ્તોત્ર બની રહે છે….

અનોખી સાથે એવું શું થાય છે? તેને પ્રેરણા અને મદદનો સ્તોત્ર બનીને કોણ ઉભરે છે, અને અનોખી તેના પિતાનું સ્વપ્ન, પોતાનું સ્વપ્ન કેમ પૂરૂ કરે છે, તેના નાના ભાઇ માટે કઇ રીતે તે માર્ગદર્શક બની રહે છે, આ બધું જાણવા આપે જોવું જ રહ્યું આ અદભુત સુંદર હાસ્યના મહાઊત્સવ સમાન અને ચોટદાર સંવાદો તથા ધારદાર અભિનય વાળું પ્રેરણાદાયી નાટક…. “એક છોકરી સાવ અનોખી…..”. કલાકારોની કલા ત્યારે પૂરેપૂરી ખીલી ઉઠે છે જ્યારે એમને પોતાના પાત્ર સાથે તાદમ્ય સાધવાની ક્ષણ આવે છે, એ પાત્ર મટી પોતે થઈ જાય છે, અનોખીનું જાનદાર પાત્રાલેખન એક એવા રંગમંચનો ખૂબ સુંદર પરિચય આપી જાય છે જેમાં હાસ્યની સાથે, પ્રેમની સાથે જીવનના મૂળભૂત સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન છે, એ પ્રેક્ષક વર્ગ માટે ફક્ત મનોરંજન નથી રહેતું, કાંઇક નક્કર “પોઝિટીવ થીંકીંગ્ આપી જતું માધ્યમ બની રહે છે. હોઈ શકે કે ફક્ત મનોરંજનના માધ્યમથી કહેવાતી વાતો લોકોને ગળે ન ઉતરે, પરંતુ એક કલાકાર પોતાના ધર્મને અનુસરી પોતાના કર્તવ્યને પૂરી ભાવનાથી ન્યાય આપી આવા સુંદર પ્રેરણાદાયક મનોરંજક નાટકો કરતા રહેશે, રંગમંચ પાસે ત્યાં સુધી આપવાલાયક કાંઈક ને કાંઈક સદાય રહેશે. એક ગુજરાતી હોવાના લીધે આપણી ફિલ્મોમાં હજીય બીબાંઢાળ વાર્તાઓ અને પાત્રો હોવાના અફસોસ સાથે આપણા રંગમંચમાં આવા સુંદર પ્રયત્નો થતાં રહેતા હોવાનો એક અનોખો ગર્વ આજે મને થયો છે. આ માટે “એક છોકરી સાવ અનોખી” ની આખીય ટોળકી અભિનંદનને પાત્ર છે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “એક છોકરી સાવ અનોખી….. – અનોખી છોકરીની વાસ્તવિક કહાની

  • YOGESH CHUDGAR

    ગુજરાતી નાટકો માં હમણાંથી સારા અને શિષ્ટ નાટકો આવવા માંડ્યા છે તે આવકાર દાયક છે.
    વરસો સુધી યાદ રહે અને નવી પેઢી પણ ગુજરાતી નાટકો ને માણવા તરફ ખેંચાય તે માટે આવા
    નાટ્ય પ્રયોગો થતા રહે તે જરુરી છે.

    યોગેશ ચુડગર