હિંદમાતાને સંબોધન – કાન્ત 1


ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !

હિંદુ અને મુસલમિન; વિશ્વાસી, પારસી, જિન,
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !

પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી;
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !

રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર્ સંતાન સૌ તમારાં !

વાલ્મિકી, વ્યાસ, નાનક્ મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !

સૌની સમાન માતા, સૌએ સમાન તેથી;
ના ઉચ્ચ નીચ કોઈ, સંતાન સૌ તમારાં !

ચાહો બધાં પરસ્પર્ સાહો બધાં પરસ્પર;
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !

– કાન્ત

આપણા પ્રજાસત્તાક્ દિવસે, લોકશાહીના મહોત્સવસમા પ્રજાના અધિકારની ઉજવણીના આ પ્રસંગે ઘણા વર્ષો પહેલાં કવિતા રૂપે શાળામાં ભણેલું આ સુંદર ગીત આજે પ્રસ્તુત છે, આશા છે કવિ શ્રી કાન્તની આ રચનાના શબ્દોને આપણે જીવનમાં ઉતારી શકીએ, સમાજના વિવિધ વર્ગો, ભેદભાવોને ત્યજીને ભારતીય હોવાના સ્વમાન સાથે, અધિકાર અને ફરજ સાથે જીવી શકીએ. આપ સૌ ને આ પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “હિંદમાતાને સંબોધન – કાન્ત