ખુદા હાફિજ ! – હરિશ્ચંદ્ર 3


“આ ભવઠાણ ક્યાં આવ્યું, ભાઈજાન ?”

“બહુ દૂર… અહીંથી બહુ દૂર…. જ્યાં ના તો તું કદી આવી શકીશા કે ન હું ફરી પાછો આવી શકીશ.”

“યા અલ્લાહ! આટલું બઘું દૂર?”

“હં, બહુ દૂર. ઠીક, તો આવજે !…..નમસ્તે!”

“ખુદા હાફિજ !”

બાવીસ વરસ થઈ ગયાં આ વાતને, છતાં આજેય આ શબ્દોનો ધ્વનિ મારા કાનમાં ગુજ્યા કરે છે. બાવીસ વરસ પહેલાં હું તાજો ડૉકટર થઈને આર્મ મેડિક કોરમાં ભરતી થયેલો. સીઘું યુઘ્દ્ર-મોરચે જવું પડ્યું. જોકે યુઘ્દ્ર થંભ્યું હતું. અમારી જાટ બટેલિયન કહેવાતા આઝાદ કાશ્મીરના એક પહાડી ગામ પાસે પડાવ નાંખીને પડી હતી. વચ્ચે એક નદી વહેતી હતી. તેના પરનો પુલ બેઉ બાજુને જોડતો હતો.

યુઘ્દ્ર શરૂ થતાં જ સ્ત્રી-પુરુષ, બાળબચ્ચાં, ઢોર બઘાં જ કોણ જાણે ક્યાં ભાગી ગયાં હતાં! પરંતું યુઘ્દ્રબંઘી થતાં જ ઘીરેઘીરે બઘાં પાછા આવવા લાગ્યાં. ઝૂંપડીઓનાં છાપરાંમાંથી ફરી ઘુમાડો નીકળવા લાગ્યો. મકાઈના ડૂંડાં ફરી ખેતરમાં ડોલવા લાગ્યાં.

ગામલોકો ઘીરેઘીરે અમારા દોસ્ત બની ગયાં. આવિસ્તારમાં હું એક માત્ર ડૉકટર હતો. હજારેક સૈનિકો માટે તો હું દુનિયાનો બેલી હતો જ. ઘીરે ઘીરે ગ્રામજનો માટે પણ એવો જ બની ગયો.

‘દાક્તરસાહેબ! બે દિવસથી અંગેઅંગ તૂટે છે.’

‘બેગમની તબિયત કાંઈક નરમ છે.’

‘અલ્તાફ મિંયાને તાવ ધગધગી રહ્યો છે.’

પાકિસ્તાન બાજુના દરદી મારી પાસે આવતા. દવા લઈ જતા અને દુઆ દઈ જતા. શેખ દાઉદ મારો સાચો દોસ્ત બની ગયેલો. એક દિવસ આવીને મારા હાથમાં નાની પોટલી મૂકી ઊભો.

‘આ વળી શું લાવ્યા, શેખસાહેબ?’

‘મકાઈના બે રોટલા અને સરગવાનું થોડું શાક. બેગમે મોકલ્યું છે. ખાઈ લો, પછી વાત કરું.’

દસ મિનિટમાં તો બઘું સફાચટ કરી ગયો. કોઈક ગૃહિણીના હાથના ભોજનની ખરી મજા ત્યારે જ જણાય જ્યારે તમે તમારા ઘરથી દૂર વેરાનમાં પડ્યા હો.

પછી શેખે પોતાની મૂંઝવણ કહી. “મારા એકના એક દીકરા જાવેદની બેગમ પરવીન, એની પહેલી સુવાવડ છે, બેગમને ચિંતા છે કે વહુનું પેટ થોડું મોટું દેખાય છે, કદાચ જોડીયા બાળકો હોય, ગામની દાયણ પહોંચી ન વળે તો તમે આવશો ને?”

“જરૂર આવીશ, અડધી રાત્રે ઉઠાડી જજો ને !”

અને ખરેખર અડધી રાત્રે જ મને ઉઠાડવો પડ્યો, મહિનામાસ પછી રાત્રે બે વાગે દાઊદ દોડતો, હાંફતો હાંફતો આવ્યો. એની સાથે પહોંચ્યો તો દાયણ એકદમ ગભરાયેલી હતી. પહેલી છોકરી તો બહાર આવી ગઈ, પણ બીજું બાળક આડું પડી ગયેલું, એની પ્રસૂતિ થતી નહોતી.

તે દિવસ મેં મારી બધી આવડત કામે લગાડી. પૂરા કલાકની મથામણ બાદ છેવટે ગર્ભાશયમાં હાથ નાખીને મેં બાળકને બહાર ખેંચી લીધું. ત્યારે મારા મનમાં સતત નામસ્મરણ ચાલતું હતું, મને પૂરો વિશ્વાસ છે કે તે દિવસ શેખ દાઊદની ઝૂંપડીમાં મારા રામ અને બેગમ પરવીનના અલ્લાહ મિયાં બંને અવશ્ય હાજર હતાં.

દિવસો વીતતા ગયા, પરવીનના બાળકો બે અઢી માસના થયાં હશે, તેવામાં મને મારી ભવઠાણ લશ્કરી હોસ્પીટલમાં બદલી થયાનો હુકમ મળ્યો. મારે તુરત જ ત્યાં પહોંચવાનું હતું. એટલે બીજે દિવસે જીપમાં સામાન ભરીને નીકળ્યો. જવાનોની વિદાય લીધી. જીપ પુલ નજીક પહોંચી ત્યારે મને થયું, કોઈ બૂમ પાડે છે.

જીપ થોભાવી જોયું તો પુલ પરથી જાણે આખું ગામ દોડતું આવતું હતું. સૌથી આગળ પરવીન અને જાવેદ હતાં, બંનેના હાથમાં એક એક પોટલી હતી. પાસે આવી જાવેદ બોલ્યો, ‘અમારાથી નારાજ છો? અમારી કાંઈ ભૂલચૂક?”

પરવીન એકીશ્વાસે બોલી ગઈ “તમે શું કામ જાઓ છો? ક્યાં જાઓ છો?”

પરવીને પોતાના હાથમાંની પોટલી મારા પગમાં મૂકી દીધી. મેં ઉંચકીને જોયું તો અંદર અસલમ મિયાં મોં માં અંગૂઠો ચૂસતા આરામથી પોઢ્યા હતાં.

“ભાઈજાન ! તે દિવસ તમે ન હોત તો હું ને અસલમ અલ્લાહને પ્યારાં થઈ ગયાં હોત. હું ગરીબ તમારુ ઋણ કઈ રીતે ચૂકવું? હા એક વચન આપું છું, મારા અસલમને હું ક્યારેય ફૌજમાં નહીં જવા દઊં. અલ્લાહના કસમ ભૈયા ! મજહબ કે બે ગુંઠા જમીન માટે એ કોઈની પીઠમાં ખંજર નહીં ભોંકે.”

મારી આંખો ઉભરાઈ આવી. બોલવા મારી પાસે કાંઈ શબ્દો નહોતા. એક અભણ ગામડિયણે મને નિઃશબ્દ બનાવી દીઘો. શેખની બેગમે મારા હાથમાં રોટલા ને શાક પોટલી પકડાવી દીઘી. પરવીન ફરી ફરી પૂછી રહી હતી, ” ભાઈજાન! આ ભવઠાણ ક્યાં આવ્યું? ”

– ‘ભૂમિપુત્ર’, તા.૨૦.૧૧.૨૦૦૨

પ્રસ્તુત વાર્તામાં એક નાનકડા ગામડાંના તદન ભોળા અને માસૂમ લોકોની વચ્ચે જીવતા સેનાના એક ડોક્ટરની અનુભવવાણી અને ગ્રામ્યજનોની લાગણીની અનુભૂતીની વાત સાહજીક રીતે કહેવાઈ છે. પરસ્પર મદદ કરવાની અને માનવીય સંબંધોની સાચી કદર કરવાની ભાવના અહીં ખૂબજ સુંદર રીતે વર્ણવાઈ છે.

ભૂમિપુત્રનું માત્ર એક જ પાનું, ૮૦ થી ૮૨ લીટી, સાતસો સાડા સાતસો શબ્દ, સચોટ મનોભાવ અને પ્રગટ સંવાદો દ્વારા એક સીધી સાદી વાત, ક્યાંય શીખવવાની, ઉપદેશની વાત નહીં, ક્યાંય એકેય શબ્દનો ખોટો ખર્ચ નહીં, ચુસ્ત માધ્યમ, નક્કર કદ રચનાને લીધે સચોટ વક્તવ્ય, ભૂમિપુત્ર માં હરિશ્ચંદ્ર બનેનોની આ વાર્તાઓ પ્રગટ થતી અને તેમને પુસ્તકાકારે વીણેલા ફૂલ તરીકે પ્રકાશિત કરવામાં આવી, જૂન ૧૯૭૨માં પ્રસિધ્ધ થયેલી પ્રથમ આવૃત્તિ. એક ભાગમાં ચાલીસ આવી વાર્તાઓ, અને આવા અનેકો ભાગ, ગુજરાતી સાહિત્યનું એક અણમોલ રત્ન એટલે “વીણેલા ફૂલ”.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ખુદા હાફિજ ! – હરિશ્ચંદ્ર