કાગડાના મંદવાડ વિશે કવિતા – રમણભાઇ નીલકંઠ


( હાસ્ય નિબંધકાર જે રીતે ટૂચકા, પ્રસંગો કે સંવાદોનો છૂટથી ઉપયોગ કરી શકે છે તે લલિતનિબંધકાર કરી શક્તા નથી, હાસ્યનિબંધોમાં મોટેભાગે અતિશયોક્તિ કે વિચિત્ર પ્રસંગો કે કલ્પનાઓનો આશરો લેવામાં આવે છે, જેનો એક માત્ર હેતુ વાચકને હસાવવાનો છે, ઉપરાંત હાસ્યકારા આભાસી તર્કનો આશરો પણ લે છે, અને વાચક પણ આ દલિલો હસતાં હસતાં માણે છે. શ્રી રમણભાઈ નીલકંઠની કાગડાના મંદવાડ વિશેની આ કૃતિ આવીજ એક રચના છે, અને તેની અતિશયોક્તિઓજ તેને હાસ્યરસનું જીવંત ઉદાહરણ બનાવે છે. અહીં વાંચકે હાસ્ય શોધવાનો વ્યાયામ કરવાનો નથી, એ તો અહીં ઉડીને વળગ્યા કરે છે.)

મે. ‘જ્ઞાનસુધાના’  + તંત્રી સાહેબ,

લગભગ વીસ વર્ષ થઈ ગયાં, પણ હજી સુધી નાઉમેદીની મારી લાગણી મંદ થઈ નથી. આ સાથેનું કાવ્ય આપના પત્રમાં દાખલ કરવા કૃપા કરશો તઓ મારા ચિત્તનું સાંત્વન કરવામાં આપ સહાયભૂત થશો.

સને 1889માં એક માસિક પત્રમાં ‘કાગડાનો મંદવાડ’ એ નામે એક વિષય છપાયેલો. તેમાં વર્ણન કરેલું કે કોઇ કાગડને એંઠવાડ ખાતા એકા કૂતરીએ આવીને ઝાલ્યો તથા ચૂંથ્યો અને દાંત બેસાડ્યા. તેવામાં તે વિષયના લેખકે તે કાગડાને છોડાવ્યો તથા તપાસી જોયો. તે કાગડાને કયાં ક્યાં લોહી નીકળતું હતું તેનું વિગતવાર વર્ણન આપ્યા બાદ ત્યાં બસો અઢીસો કાગડા ભરાઈ ગયા, તેમાંથી અમુક તે કાગડાની માં હોવી જોઇએ, અમુક તેનો બાપ હોવો જોઇએ, અમુક તેની બેન હોવી જોઈએ, અમુક તેના કુટુંબી હોવા જોઈએ, અમુક વૈદ્ય હોવા જોઈએ, અમુક કાગડાની નાતના પટેલ હોવા જોઈએ, અમુક કાગડાની નાતના નોતરીઆ અગર વધામણીયા હોવા જોઈએ, અમુકા પટેલના બરોબરીઆ અથવા કાગડાની નાતના વડા હોવા જોઈએ એ વગેરે ખબર બહુ નિશ્ચયપૂર્વક આપેલી હતી. તથા એકઠા થનાર કાગડાઓમાં પહેલો એક આવ્યો, પછી બે આવ્યા, પછી ચાર આવ્યા, પછી આઠ આવ્યા, પછી દસા આવ્યા, પછી પાંસઠ આવ્યા, પછી છ આવ્યા, એમ વસ્તીપત્રકને શોભાવે એવી ગણતરીઓ કરેલી હતી. અને કાગડાના મંદવાડ દરમ્યાન પગલે પગલે દરદીએ અને જુદા જુદા કાગડાઓએ પૃથક પૃથક કે અમુક સંખ્યાબંધ થઈને ‘કા કા’ કે ‘ક્રાંગા ક્રાંગ’  કે ‘ક્રા ક્રા’ ના ઉચ્ચાર કેટલી કેટલી વાર કર્યા, અને તેમાં ધીમે ધીમે કરેલા સ્વરનો અર્થ શો અને જોરથી કરેલા સ્વરનો અર્થ શો તે સમજાવેલું હતું. અને કાગડા કેટલા હાથને છેટે બેઠેલા હતા તે દર્શાવેલું હતું. તેમજ લેખકે તે માંદા કાગડાને લુગડાની ગાદી કરી તે પર સુવાડ્યો અને પાણી ધર્યું તે તે ઝડપથી પીવા લાગ્યો તેથી કાગ વૈદરાજે ત્રણા વાર કા કા કરી પાણી પીવાની મના કરી, તે છતાં બીમારે પાણી પીધું ત્યારે વૈદરાજે એક વાર કા કા બોલ્યા અને બીમારે બે વાર કા કા કરી આજીજી કરી જરા પાણી પીવાની છુટ્ટી માંગી અને વૈદરાજે એક વાર કા કા કરીને છૂટ આપી, અને તે દરદી કાગડાએ પાશેર પાણી પીધા પછી લેખકે તેની ચાંચમાં ચોખા નાખ્યા પણ વૈદ કાગડાએ ઉંચે સ્વરે કા કા કરી દરદીને અને લેખકને ખાવા ખવડાવવાની મના કરી. બન્ને એ તેની સલાહ માન્ય કરી અને છેવટે લેખકની ગેરહાજરીમાં વૈદે ઈંડાની સફેદી લગાડ્યાથી તે દરદીને આરામ થયો એમ વર્ણવ્યું હતું.

વળી લેખકની તપાસની શરૂઆતમાં દરદી કાગડાની માંએ લેખકને દૂર કાઢવા અઢાર વખત ચાંચથી હુમલાઓ કરેલા તેમાંના સત્તર હુમલા નિષ્ફળ ગયેલા પણા અઢારમી વખત તેની ચાંચ લેખકના વાંસામાં ડાબા ખભા ઉપર વાગવાથી લોહીનો ટશીઓ ફૂટી નીકળેલો, પણ, ધીમે ધીમે લેખક પર કાગમંડળનો વિશ્વાસ બંધાવાથી લેખક દરદીને બીજી વાર જોવા ગયા ત્યારે દરદીની પાસે હોંશીયારીથી બેઠેલા આઠ કાગડા અથવા આઘે સૂતેલા ઓગણીસ કાગડાઓમાંથી કોઇ પણ લેખક્ને મારવા આવ્યા નહીં, પણ માંદા નજીક બેઠેલા બે ત્રણ કાગડાઓએ ચાર પાંચ ઉચ્ચાર કર્યા, અને ત્યાર બાદ બીજા ત્રણે (એકે પાંચ વાર અને બીજા બે એ બે બે વાર) કંઇક ઉચ્ચાર કર્યા. તે પછી પેલા માંદાએ પણ ત્રણ ઉચ્ચાર કર્યા. તેનું ધીમા સ્વરનું બોલવું પૂરું થઈ ગયું તેથી પેલા સૂતેલા ઓગણીસમાંનો એક ત્રણ વાર કા કા કરી પાછો ઝટ માંદા નજીક આવી બેઠો અને બેસતાં વેંત બે ચાર વાર કા કા બોલ્યો. આ કાગડો જાણે બાતમીદાર હોય અને મારા આવ્યાના ખબર મેળવી અને ઓળખી બીજાઓને નીડર રહેવા સૂચવતો હોય એમ લાગ્યું. સબબ ત્યાર બાદ સઘળા કાગડાઓ કાંઇ પણ ઉચ્ચાર ના કરતા ચૂપચાપ બેસી રહ્યં, એ પ્રકારની કાગણાઓની ગુણજ્ઞતા પ્રગટ કરી હતી.

કાગડાઓની કૃતિઓની આ ઝીણી વિગતોવાળો અહેવાલ વાંચતા હું હર્ષોલ્લાસમાં આવી ગયો અને, નીચે પ્રમાણે ‘કાગડાના મંદવાડ વિશે કવિતા’ મેં લખી કાઢી. તત્કાલ તે માસિકના અધિપતિ ઉપર મેં તે કવિતા પ્રસિધ્ધ થવા સારુ મોકલી આપી અને આવતા માસના અંકની વાટ હું આતુરતાથી જોવા લાગ્યો. તે અંક તો આવ્યો પણા તેમાં મારુ કાવ્ય દાખલ થયેલું નહીં અને પુઠ્ઠા ઉપર અંદરની બાજુએ ખબર આપેલી કે એ કાવ્ય પ્રસિધ્ધ કરવામાં નહીં આવે. ઉત્સાહની ટેકરી ઉપરથી હું એકાએક નિરાશાની ગર્તામાં આવ્યો. મારું કાવ્ય વાંચી માંદો કાગડો અને તેના મંદવાડના ઈતિહાસકાર, તથા તેનાં, (કાગડાનાં) મા, બાપ, ભાઈ, ભોજાઈ, બહેન, બનેવી, કાકા, કાકી, મામા, મામી તેમજ નાત જાત વાળા તેમજ બીજા પશુ પક્ષીઓ કેવા આનંદીત થઈ જશે અને કવિ તરીકેની મારી કીર્તિ ભૂચર, જળચર, વનચર વગેરે સર્વમાં કેવી ફેલાશે એ વિષયના મારાં જાગ્રત – સ્વપ્ન એકાએક નષ્ટ થયાં. તે દિવસ પછી આજ સુધી મેં કવિતાની એક પણ લીટી લખી નથી; પરંતુ ઘા (એટલે મારો, કાગડાનો નહીં) તાજો રાખવાથી શું ફળ ચે! તે રૂઝવવાના ઉપાય લેવા એ કર્તવ્ય છે; એ જ્ઞાન થયાંથી હવે એ કાવ્ય પ્રસિધ્ધિ માટે મોકલું છું. ઉદ્દિષ્ટ પ્રસંગે એ પ્રસિધ્ધ થયું હોત તો આટલી પ્રસ્તાવનાની જરૂરત ન પડત પરંતુ એ સર્વ વિચારણા છે.

કાગડાના મંદવાડ વિશે કવિતા

ભુજંગી

અહો કાગડા ! ધન્ય તું ભાગ્યશાળી, તને ફીંદનારી મળી દાંતવાળી;
તને મંદવાડે કર્યો કીર્તિવાળો, બધા ખોજતા આવશે તુજ માળો.

થઈ વેદના ને ખમ્યાં દુ:ખ જાતે, ગયા નક્કિ તે તો વળી સર્વ વાતે;
ગયું નામ તારું ખરે દેશા દેશે, તને સારી પેઠે બધા જાણી લેશે.

છપાયું જા છાપા વિશે છેક છે જે, સ્થપાયું જ સ્થાયી સ્થળે સર્વ સે’જે.
ભુસાસે, ભૂલાશે ભૂમાં ભૂપથીએ, નહીં નામ નામીચું નક્કી કદીએ.

લલિત

અમર નામ એ કાગનું થયું, નશિબ એહનું ઉઘડી ગયું;
સુલભ કીર્તિનો માર્ગ શો મળ્યો ! ભય અખ્યાતિનો સામટો ટળ્યો.

દોહરા

ચકલી સમળી કબૂતરો ! હોલા ને કાબેર !
બિલાડી વાનર કૂતરા ! સુણજો સારી પેર !

થવું હોય પ્રખ્યાત જો પૃથ્વી માંહ્ય તમામ;
કાગ તણો લ્યો દાખલો, અમર જ કરવા નામ.

કોઈ ઘવાઓ અન્યથી, કોઈ પડો જળ માંહ્ય,
કોઈ ફફડો તહાડથી, કોઈ શોધો લાહ્ય,

ન્યૂટન ગેલીલિઓ અને ડાર્વિન સરખા કોઇ;
સૂક્ષ્મ દ્રષ્ટિએ નિશ્ચયે રે’શે તમને જોઈ.

એથી તમારી પાંખના સર્વ ગણાશે પિચ્છ,
લાંબી કેટલી પૂંછડી, ફુટ મપાશે ઈંચ,

ભરો જ પગલાં કેટલા, નાસો કેટલી વાર;
એક દિવસમાં કેટલો વધે તમારો ભાર.

મારો ક્યાં ક્યાં ચાંચને ચૂસો કેટલાં હાડ;
ઉરાડો ધૂળ કેટલી, કૂદો કેટલા ઝાડ,

ફુઓ તમારો કોણને કોણ જ તેનો ભ્રાત;
નોંધશે સહુ વિગતે કહું છું સાચી વાત.

અનુષ્ટુપ

આવી જ આવી થશે શોધો, જ્યારે ભારત ભૂમીમાં,
નહિંજ સુષ્ટિવિજ્ઞાને રે’શે જ્ઞાન તણી સીમા

– કાકવ્યાધકવિ

(‘હાસ્યમંદિર’ માંથી સાભાર)

આપનો પ્રતિભાવ આપો....