સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો – ભૂપેન્દ્રસિંહ રાઓલ 4


એક લેખ આવ્યો છે જાણીતા વર્તમાનપત્રમાં. ધાર્મિક કથાઓ સ્ત્રીઓ માટે…… આ શું? સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો? ક્યાં સુધી મૂર્ખી બનાવતા રહેશો? આજ તો ચાલાકી છે, પુરુષ પ્રધાન સમાજની. સ્ત્રીઓના અર્ધ જાગ્રત મન (સબકોન્શિયસ માઈન્ડ) માં નાનપણથીજ ભરાવી દેવાનું, કે અમે તમને ગમે તેટલું હેરાન કરીએ, તમારે અમને પ્રેમ જ કરવાનો. અમે તમને તમારો વાંક ના હોય છતાં, ભલે તમારા પેટમાં અમારા બાળકો હોય,વનમાં મોકલીએ, પાડોશીના કહેવાથી અમે તમારા પર શંકા કરીએ ને ઘરમાંથી કાઢી મુકીએ, અથવા ગુસ્સો આવે તો બાળી પણ મુકીએ, અમે તમને પૈસા ખૂટે તો જુગારમાં પણ મૂકી દઈએ, છતાં તમારે અમને જ પ્રેમ કરવાનો. કેમ સીતાજી કરતા હતા તો તમારું શું જાય છે? પાછા આ કટારના લેખક શ્રી જાણે હજારો સ્ત્રીઓને પૂછીને આવ્યા હોય તેમ લખે છે કે સ્ત્રીઓને સીતાજી ની જેમ સફર(પીડાવું) થવું ગમે છે, કે પિયરવાસ કે વનવાસ ભોગવવો છે, સ્ત્રીઓ સીતાજીની કથાની જેમ પોતાના જીવનમાં થાય તેની રાહ જુએ છે.

બાવાઓ ને કથાકારોએ ભારતમાં બ્રેઈનવોશ કરવાનું ચાલુ જ રાખેલું છે. હવે તેમાં આવા લેખકો પણ ઉમેરાયા. સ્ત્રીઓના સરળ હૃદય નો ક્યાં સુધી લાભ લેશો? સીતાજીએ આપણા રામજી ને માફ નથી કર્યાં. એટલે તો લવકુશ સાથે યુદ્ધ કર્યાં પછી ઓળખાણ પડ્યા પછી સીતાજી પાછા અયોધ્યા નથી ગયા. અને એમ કોઈના કહેવાથી ધરતી ફાટી પણ નથી જતી. હજારો,સેકડો વરસ ધરતીમાં ઊર્જા ભેગી થાય પછી ધરતીકંપ થાય, અને એમાં ભાગ્યેજ ફાટે. સીતાજી ધરતીમાં સમાય ગયા એવી સ્ત્રીઓને ભરમાંવવાની વાતો બધ કરવી જોઈએ., એવા રૂપાળા શબ્દો વાપરવાનું બધ કરવું જોઈએ, અને એ પોતે કરેલી ભૂલ ના પસ્તાવામાં રામજી એ સરયુ માં જળ સમાધિ લીધી.આ બધા રૂપાળા શબ્દો છે, આત્મહત્યા થી વિશેષ કશું નથી. ટીવી સીરીયલ મેકરો ને કથાકારો પાછા આખી વાર્તા ને સુંદર રીતે મરોડી નાખે કે એતો સીતાજી પતિ નું ખરાબ નાં દેખાય માટે જાતે વન માં ગયેલા,અથવા સીતાજીનો પડછાયો હતો વિગેરે વિગેરે. કથાકારો રડીને ઈમોશનલ બ્લેકમેલ કરે છે. હું નાનો હતો ત્યારે કોઈની કથા હતી, કથા કરતા કરતા કથાકાર રડવા લાગ્યા, મને થયું આ માણસ આવા ઘેલા કેમ કાઢતો હશે? કૃષ્ણ ને થયે ૫૦૦૦ વરસ થયા. હમણા કોઈ બગીચામાં ઉભો ઉભો કોઈ માણસ એના માની લીધેલા મિત્ર જોડે વાતો કરે, ઘેલા કાઢે તો આપણે એને સ્કીજોફ્રેનીક કહીશું. હમણા મેં ઓપ્રાહ ના શો માં આવી એક નાની બાળકી ને જોઈ એ એના માની લીધેલા રેટ, કેટ અને બીજી એક ફ્રેન્ડ ની સાથે આખો દિવસ રમતી હોય છે અને વાતો કરતી હોય છે. વાસ્તવમાં એની જોડે કોઈ જ હોતું નથી. કાલ્પનિક મિત્રો હોય છે. હવે થાય છે કે આ બધું ઈમોશનલ બ્લેકમેલ જ છે. જોયું સાધુ જેવા મહાત્મા રડી પડ્યા કેટલા સરળ હૃદયના છે. એમાંય સ્ત્રીઓને ભોળવવી સહેલું છે. એટલેજ સ્ત્રીઓ કથામાં વધારે હોય છે. વધારે પડતી સરળતા મુર્ખામી છે. ભવિષ્ય અજ્ઞાત હોય છે, એનો ડર – ફોબિયા દરેકના મનમાં હોય એનો આ બાવાઓ ભરપુર ફાયદો ઉઠાવે છે.

ચમત્કાર થી વગર મહેનતે કશું મળી જતું હોય તો કોને ના ગમે? એટલેજ તો હિમાલય થી આવેલા સાધુઓ સુપર સાધુ બની જાય. રોગો માટે કંઠી, બદલી માટે કંઠી, સંતાનો માટે કંઠી, આ બધી મુર્ખામી છે. એમાં ગર્વ લેવા જેવું શું છે. ગોંડલ કોલેજ ની કન્યા ચાલુ લેકચરે સાધુએ આપેલી માળા સંતાડી રામ રામ કરે છે, લેખક કહે છે તમે એના પર કટાક્ષ ના કરી શકો બોલો આ સવાયા સાધુ ને શું કહેવું? એ મૂર્ખી છે, એનું બ્રેન કોઈ સાધુએ વોશ કરી નાખ્યું છે કે ભજન કરતા ભણતર નીચું છે. ભજન ની જીત થાય છે ભણતર ઉપર. એક જાણીતા કથાકાર સાધુનો ટીવી માં શો જોયો, હોસ્ટ પૂછે કે મહારાજ, તમે ભજન ના ચક્કરમાં ભણતર બગાડ્યું, સાધુ ગર્વ થી કહે નાં એમ નહિ ભજન ની જીત થઇ ભણતર ની હાર થઇ. શ્રોતાઓ તાળીઓ પાડવા લાગ્યા. જે સાધુઓ વધારે લોકોને ગમે છે એ લોકો વધારે ચાલક છે, એ લોકો માસ સાયકોલોજી જાણે છે, પોતે રડે છે, બીજાને રડાવે છે અને ભોળા લોકોના દિલ જીતી લે છે.ધાર્મિક કથાઓ આંસુ ઉપચાર કે બ્રેન વોશિંગ?

( અક્ષરનાદના વાંચક મિત્ર શ્રી ભૂપેન્દ્રસિંહ રાવલની આ કૃતિ તેમના ઉદારમતવાદી વિચારોનો આયનો છે. તેમના દ્રષ્ટિકોણ પ્રમાણે અંધશ્રધ્ધા, શ્રધ્ધા અને અશ્રધ્ધા વચ્ચે થોડોક તફાવત આવશ્યક છે, અને એજ તેમની આ કૃતિનો પડઘો છે. આધુનિક સમયમાં સ્ત્રીઓના સમાજમાં સ્થાન પર તેમનું ચિંતન મનનીય છે. અક્ષરનાદને આ કૃતિ મોકલવા અને પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલા તેમનો ખૂબ ખૂબ આભાર.)


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો – ભૂપેન્દ્રસિંહ રાઓલ