અયલે માલિક યા અલ્લાહ, અયલે માલિક રામેરામ – ચંદ્રશંકર બૂચ ‘સુકાની’ 3


ગુજરાતી સાહિત્ય દરિયાની અફાટ જળરાશી પર થતી સાહસ સફરકથાઓથી ભરપૂરા છે. ચંદ્રશંકર બૂચ ‘સુકાની’ ની ‘દેવો ધાધલ’ (1937) સમુદ્રના જીવન વિશે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠતમ કૃતિઓમાંની એક છે. એમાં એક દ્રશ્ય આવે છે, જેમાં મધદરીયે આરબ-અલ-હમદાનીનું ગુરાબ વહાણ અને હિંદુ દેવરાજ ઘાઘલનું જુંગ વહાણ મળે છે. હમદાની અને ઘાઘલ જીગરજાના દોસ્તો છે. ઘાઘલના ‘રાવલનાથ’ વહાણ પર બજરંગબલીનો વાવટો ફરકી રહ્યો છે. હિંદુ બેડીયાતોને જોઈને આઠ આરબ મલ્લાહો હલેસાના તાલ પર તુકબંદી ગાય છે:

અયલે માલિક – યા અલ્લાહ
અસ્સલામ – યા અલ્લાહ
બહરે સયીદ – યા અલ્લાહ
કુલ ખુદ્દામ – યા અલ્લાહ
ખયર ઓ ખાતિર – યા અલ્લાહ
લો ખૌફાન – યા અલ્લાહ
મલ્લાહ હિંદવી – યા અલ્લાહ
કેરૂદાન – યા અલ્લાહ
દીન ઓ દુનિયા – યા અલ્લાહ
બેફિક્રાન – યા અલ્લાહ
કુલ તલમિદા – યા અલ્લાહ
બી શયતાન – યા અલ્લાહ

(હે માલિક તારી શાતા અમ પર હો, ઓ દરીયાના ધણી, અમે તમામ તારા ગુલામ છીએ. અમારી ખૈર હોય કે અમારા પર ખતરો હોય પણ તું છે એટલે અમે નિર્ભય છીએ. પણ આ હિંદુ બેડીયાતો, કેવળ વાંદરા છે, દિન કે દુનિયાનો એને વિચાર નથી. બધાએ એક જ જણા પાસેથી તાલીમ લીધી છે. – શયતાન પાસેથી.(તેમનું ધ્યાન રાખજે))

આના ઉત્તર રૂપે દેવો ઘાઘલ તેના નાવિકા બેડીયાતો સાથે ગાય છે :

અયલે માલિક – રામેરામ
હજાર નાલા – રામેરામ
દરિયા દોંગા – રામેરામ
પાઘ સલામત – રામેરામ
ન્યાર નાખોદા – રામેરામ
મલ્લા તોજા – રામેરામ
સાવ નિકામ – રામેરામ
જમેલ ખેરા – રામેરામ
પીંઢ હેવાન – રામેરામ
ઝૂક ધબૂસા – રામેરામ
હાડ હરામ – રામેરામ
અયલે માલિક – રામેરામ

( ઓ રામ જેવા અલખ ધણી, તારા હ્જાર નામ છે, (પણ તું એક જ રામ છે.) આ દરીયો બહુ દોંગો છે, પણ તારા હોવાથી અમારી લાજ જળવાઈ રહે છે. હે નાખોદા (અલ હમ્દાની). આ તારા મલ્લાહો બિલકુલ નકામા છે. એ ઊંટખાઉ લોકો પોતે પણ જાનવર જેવા છે. પોતાના પાંઢાર પર હંમેશા ઝૂકેલા પડ્યા રહે છે અને તેમનાં હાડકા હરામ છે, હે રામ, તેમનું ધ્યાન રાખજે))

આ સુંદર સાગર કથામાં હિંદુ અને આરબ નાખુદાઓ એકાબીજાને મળે છે, સમુદ્ર પર સફરો દરમ્યાન સાથે હળેમળે છે, જ્યાફતા ઉડે છે, એ જમાનો ધર્માંધતા કે કટ્ટરવાદનો ન હતો અને સાલસ પણ જાંબાઝ માણસો આ ધરતી અને સમુદ્ર પર રહેતા હતા. તેમની વાતમાં, જીવનની રીતમાં ક્યાંય દંભા કે દેખાડો નથી, એ સાવ સહજ રીતે પોતાના મનની વાત કહી જાય છે.

( ચંદ્રશંકર બૂચ ‘સુકાની’ ની ‘દેવો ધાધલ’ માંથી)


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “અયલે માલિક યા અલ્લાહ, અયલે માલિક રામેરામ – ચંદ્રશંકર બૂચ ‘સુકાની’