500મી પોસ્ટ… 13


આ સાથે “અધ્યારૂ નું જગત” એ બ્લોગથી, મે 2007થી શરૂ થયેલી, અક્ષરનાદ સ્વરૂપે મજબૂત થયેલી, વિસ્તરી રહેલી એક અણધારી, સાહજીક સફર 500 પોસ્ટના પડાવ પર પહોંચી છે. આ વાંચક મિત્રોનો પ્રેમ અને પ્રોત્સાહન જ છે કે એક સાવ પ્રાથમિક સ્તરથી, લેખનની અનુભવ વગરની શૈલી અને અણઘડ વિષયો સાથે મે 2007 માં શરૂ થયેલી આ યાત્રાને દરેક પડાવે પ્રોત્સાહન અને સથવારો મળ્યો છે. જ્યારે વર્ડપ્રેસ પર બ્લોગ રજીસ્ટર કર્યો ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આ સફર આટલી લાંબી થઇ શક્શે. આ પડાવ ખૂબ લાંબા સમયે આવ્યો છે, 500મી પોસ્ટનો એક અનેરો સંતોષ છે, આનંદ છે.

પાછળ જોતા વિચારીએ તો ઇન્ટરનેટની ક્ષમતાઓ કેટલી વિકસી છે? 2000 – 2001 માં ઇન્ટરનેટનો કોઇ ખાસ ઉપયોગ નહોતો. ગૂગલ ત્યારે નવુંસવું લાગતું, બધાંને નહીં તો અમારા લોકો માટે તો એમ જ હતું. વડોદરાની એક હોટલના ભોંયરામાં હોસ્ટેલથી જઇ રાત્રે 12 થી સવારના 5 સુધી અપાતી સસ્તી સર્ફિંગ યોજનાઓનો લાભ ઉઠાવતા. ઇ -મેલ એકાઉન્ટ બનાવતા, યાહૂ કે કેમછો.કોમ જેવી વેબસાઇટ જોતાં. જો કે ત્યારે ઇન્ટરનેટ એટલું ઝડપી હતું કે યાહુ.કોમ એડ્રેસબારમાં લખી એન્ટર કરી ડેરીડેન સર્કલ પાસે ચા પી ને પાછા આવતા ત્યાં સુધી પેજ લોડ થઇ જતું. જો કે આજે ઇ ન્ટરનેટ વગર જીવનની કલ્પના અધરી છે, અને છતાં અશક્ય નથી. પ્રોફેશનલ રીતે તેની જરૂરત દરેક સેકન્ડે પડે છે, અને ભારતીય ભાષાઓમાં બ્લોગીંગ કરી શકવાની ક્ષમતાએ એક નવો આયામ આપ્યો છે, છતાં અહીં એ કહેવું યોગ્ય છે કે હજી પણ ગુજરાતી બ્લોગીંગ તેના ખૂબ પ્રાથમિક તબક્કામાં છે. દક્ષિણ ભારતીય ભાષાઓ કે હિન્દીમાં બ્લોગીંગ જુઓ તો ખ્યાલ આવે કે આપણી ભાષાની ઇન્ટરનેટમાં પા પા પગલી જ છે.

અક્ષરનાદનું સર્જન એક અણધારી ઘટના હતી. વર્ડપ્રેસ.કોમ પર બ્લોગ “અધ્યારૂ નું જગત”  બંધ કર્યો, અને અક્ષરનાદ વેબસાઇટ શરૂ થઇ એ સમયમાં થોડુંક અડવું અડવું લાગ્યા કર્યું. ઇન્ટરનેટ એક બંધાણ છે, અને માતૃભાષાનું, વિચારોની અભિવ્યક્તિનું બંધાણ તો સારી વાત કહેવાય. (જો કે આજકાલ ટ્વીટરનું બંધાણ વધારે થઇ રહ્યું છે) એટલે ચાર મહીનામાંજ ફરી ઇન્ટરનેટ પર સજીવન મેળવ્યું. આ બધી વાતો હવે જૂની થઇ ગઇ. અધ્યારૂ નું જગત બ્લોગની છેલ્લી પોસ્ટ પર મિત્રોએ આપેલા પ્રતિભાવોનો વરસાદ, લખતા રહેવાની હકભરી માંગણી ખૂબ સ્પર્શી ગઇ.

હવે વિષયો શોધવા જવું પડતું નથી, લખવું એ એક સાહજીક ટેવ થઇ રહી છે. અને એક પ્રયત્નના ભાગ રૂપે હવે નેટ પર ઉપલબ્ધ ન હોય તેવી રચનાઓ, નવા મિત્ર લેખકો અને વાંચકોની કલમનો આસ્વાદ અક્ષરનાદ પર વધુ ને વધુ મળે તેવી યોજના સાકાર સ્વરૂપ લઇ રહી છે.

જો કે આ ખરેખર આજે 500મી પોસ્ટ નથી, અક્ષરનાદ પર જ્યારે અધ્યારૂનું જગતની બધી પોસ્ટ લીધી ત્યારે અમુક બાલિશ લાગે તેવી પોસ્ટ, કે ખૂબ પ્રાથમિક તબક્કામાં લખેલી પોસ્ટ પ્રાઇવેટ કે ડીલીટ કરી દીધી. આ પ્રાઇવેટ કરેલી પોસ્ટમાં એક પોસ્ટ  “અધ્યારૂનું જગતની અંતિમ પોસ્ટ” પણ હતી.

આંકડાઓની માયાજાળ :

અત્યાર સુધી કુલ 1,49,000 થી વધુ ક્લિક્સ (આશરે 85,000 બ્લોગ પર અને 64,000 થી વધુ અક્ષરનાદ પર) મળી છે. વિષય વિશેષ ત્રણ અઠવાડીયા અત્યાર સુધી ઉજવ્યા છે, જેમાં હાસ્ય અઠવાડીયું, પ્રેમ અઠવાડીયું અને હજી ગયા અઠવાડીયે માતૃવંદના વિશેષ કૃતિઓ મૂકી છે.

અક્ષરનાદ પર :-

પ્રથમ પોસ્ટ    : મારી બે રચનાઓ – જીગ્નેશ અધ્યારૂ,- 26 – 05 – 2007, પ્રથમ કોમેન્ટ :  શ્રી ધવલ રાજગીરા દ્વારા

100મી પોસ્ટ : દિકરી વહાલનો દરીયો – વિકાસ બેલાણી

200મી પોસ્ટ : ભણાવવું એટલે શું? – મનુભાઈ પંચોળી

300મી પોસ્ટ : ગુજરાતી સામયિકો, સાહિત્ય અને સંપાદકો – તરૂણ મહેતા

400મી પોસ્ટ : ગંગાસતી – આતમને જગાડતી વાણીના રચયિતા

આ ઉપરાત જે કૃતિઓ બનાવવામા સૌથી વધુ મજા આવી અને જેની પાછળ ખૂબ મહેનત કરી છે તેવી પાંચ કૃતિઓ :

1.  શેખર સેન દ્વારા ભક્તિ સંગીત સંધ્યા

2.  માનવ સેવાનો મહાયજ્ઞ – જીગ્નેશ અધ્યારૂ

3.  મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ (પ્રાર્થના ઈતિહાસ) – જીગ્નેશ અધ્યારૂ

4.  એક પ્રભાવી બાળપ્રતિભા ( રિધ્ધિ જોશી)

5.  હજારો ઝળહળતા સૂર્યો – ખાલિદ હુસૈની

અક્ષરનાદ પર અત્યાર સુધીની સૌથી વધુ પ્રચલિત કૃતિઓ :-

1.  સત્તાધાર થી કનકાઈ (ગીર) અને તુલસીશ્યામ

2.  Some Wonderful Websites – dSLR Digital Photography

3.  વાણીયા ની દાઢી

4.  દિકરી વિદાય – એક કંકોત્રી માંથી ( લેખક અજ્ઞાત )

5.  કેટલીક ઉપયોગી વેબસાઇટ – 9 (Home Planning)

6.  તારા Marriage થઇ જશે – જીગ્નેશ અધ્યારૂ

7.  એલફેલ પ્રિપેઇડ કસ્ટમર કેર – જીગ્નેશ અધ્યારૂ

8.  બ્રહ્માંડની સફર કરો તમારા કોમ્પ્યુટરથી

આ પ્રસંગે અમુક મિત્રોનો આભાર માનવાની ખાસ મહેચ્છા છે.

ખૂબ ખૂબ આભાર….

ઝાઝી.કોમ કારણકે ઇન્ટરનેટ પર ગુજરાતીના અસ્તિત્વનો સર્વપ્રથમ વિચાર મને મળ્યો  તેમની વેબસાઇટથી (2001).

મિત્ર અને ઇન્ટરનેટ પર ગુજરાતી બ્લોગીંગમાં ખૂબ મદદ કરનાર રીડગુજરાતી ના મૃગેશભાઇનો આભાર આ પ્રસંગે ખાસ માનવો રહ્યો. તેમણે તેમની વેબસાઇટ પર સ્થાન આપેલી મારી બે કવિતાઓ અને તે પછી પણ તેમણે પ્રસિધ્ધ કરેલી મારી રચનાઓએ, એ રચનાઓ પરના પ્રતિભાવોએ ખૂબ પ્રોત્સાહન આપ્યું.

ગુજરાતીલેક્સીકોન વેબસાઇટનો કારણકે તેમની મદદ વગર મારા અડધા આર્ટીકલ જોડણીની ભૂલોનો ખજાનો બની જાત. આ ઉપરાંત અનુવાદમાં પણ તેમની ખૂબ મદદ લીધી છે.

ગુજરાતી સાહિત્યના કેટલાક સીમાસ્તંભ સમાન લેખક વડીલોનો, કારણકે તેમણે આપેલા પ્રોત્સાહન, તેમના આશિર્વાદે બળ પૂરું પાડ્યું છે.

ગરવી ગુજરાતના મણિમુગટ સમા ગીરનો અને તેની આધ્યાત્મિક સૃષ્ટીનો, દર વખતે જ્યારે પણ મેં તેમની પાસે શાંતિ, પ્રેરણા અને હિંમત માંગી છે, તેણે અચૂક મારી અપેક્ષાઓને માંગણીથી ખૂબ વધીને પૂરી કરી છે. હવે જીવનમાં ગમે ત્યાં હોઇએ, પણ ગીરની યાદ સદાય લીલા પાંદડા પર રહેતા ઝાકળના બિંદુ જેટલી જ તાજગીસભર રહેશે. ગીરની આધ્યાત્મિક અને લૌકીક પ્રથાઓ – નિયમોથી દૂર એવી દુનિયાને ખૂબ વંદન.

સર્વ વાચક મિત્રોનો, પ્રતિભાવકોનો….

અક્ષરનાદ પર ઘણી એવી કૃતિઓ છે જેમાં ઘણાં અને સારા પ્રતિભાવોની આશા હતી, પણ ન મળ્યા, અને જ્યાં એક પણ પ્રતિભાવની આશા ન હતી ત્યાં ખડકલો થઇ ગયો. પણ આપણે આપણું કામ કરતા રહેવું જોઇએ, કોઇ બાબતનો અફસોસ ન કરવો જોઇએ. અક્ષરનાદ પર અમારા પછી સૌ પ્રથમ રચના મિત્ર વિકાસ બેલાણીની હતી, તેમના પછી શ્રી તરૂણ મહેતા, શ્રીમતી ડિમ્પલ આશાપુરી, તથા શ્રી જીગ્નેશ ચાવડા સમયાંતરે અક્ષરનાદ પર સત્તત તેમની કૃતિઓ પીરસી રહ્યા છે તે ખૂબ આનંદની વાત છે, તેમનો આભાર માનવા જેટલી ઔપચારીકતા હવે અમારી વચ્ચે રહી નથી. ઉપરાંત ઘણાં વાંચક મિત્રોની કૃતિઓ પણ સમયાંતરે મળતી રહે છે, એ સર્વેનો ખૂબ આભાર.

આશા છે આવી જ રીતે 1000 પોસ્ટ પૂર્ણ કર્યાનો અવસર પણ માણી શકીએ, અને ભાષા તેની વિવિધ સીમાઓમાંથી બહાર નીકળી નવા માધ્યમોમાં ખૂબ વિસ્તરે, વિકસે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે નિમિત્ત બનવાની શક્તિ, ક્ષમતા અને ધીરજ પ્રભુ અર્પે. અસ્તુ.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “500મી પોસ્ટ…

 • નટવર મહેતા

  જીજ્ઞેશભાઈ આપને હાર્દિક અભિનંદન. આવી જ રીતે ૫૦૦૦૦મી પોસ્ટ પણ આવે એવી શુભેચ્છા. વેબ ડાયરો બરાબર જામી રહ્યો છે. અને એમાં આપના જેવા જે રીતે સાહિત્યની સેવા કરી રહ્યા છે એ સરાહનિય છે.
  લગે રહો જીજ્ઞેશભાઈ નથી કહેતો કારણ કે લગની હોય તો જ ૫૦૦મી પોસ્ટ થાય…

 • Bhupendrasinh R. Raol

  શ્રી જીગ્નેશભાઈ ને ૫૦૦ મી પોસ્ટ બદલ ખુબ ખુબ અભિનંદન.તમે જેમ લખ્યું છે તેમ અમે પણ અણઘડ રીતે લખવાનું શરુ તો કર્યું છે.અક્ષર્નાદ વાંચવાનું વ્યસન થઇ ચુક્યું છે.મેં પણ બે એક મારા વિચારો ઈ મેલ કર્યા હતા.મારી પણ કોઈ ભૂલચૂક,ભાષા,શૈલી કશા મા કશું હોય તો જણાવશો.પબ્લીશ થયા નથી.એટલે કોઈ ક્ષતિ થઇ હોય અને અમને ખબરજ ના પડે તો ભૂલ સુધરે કઈ રીતે?તમે અનુભવી છો એટલે માર્ગદર્શન ની આશા છે.

 • Praful Thar

  શ્રી જીગ્નેશભાઇ,

  તમારી ૫00 પોસ્ટની સફરમાં અમને પણ લાભ અને પ્રેરણા આપી તે બદલ ખુબ ખુબ આભાર..માનવીના સબંધોને કયાં અને કેવી રીતે વિશાળ સમુઢ્ર એક પાણીના ઝરણાંને પોતાનામાં સમાવી દે છે તેનું એક ઉદાહરણ એટલે કે અક્ષરનાદ.કોમ

  બધા જ લેખકો/સાહિત્યકારોની શુભેચ્છા તમારા ઉપર વરસતી રહે એવી એક ભાવના સાથે…

  લી. પ્રફુલ ઠાર

 • Govind Maru

  ૫00 મી પોસ્ટ પ્રસન્ગે જીગ્નેશભાઈને હાર્દીક અભીનન્દન..
  ‘અક્ષરનાદ’ની સફર અવશ્ય સફળ થશે જ. 1000 પોસ્ટ પૂર્ણ કર્યાનો અવસર પણ આપણે અવશ્ય માણીશુ..

 • Rajni Agravat

  ખૂબ ખૂબ શુભેચ્છા સાથે હંમેશા આવું અવ-નવું , સાત્વીક અને રસપ્રદ પીરસતા રહોની શુભકામના.. જગે રહો જીગ્નેશભાઈ.

 • Kantibhai Karshala

  જય ગુરુદેવ

  જીગ્નેશ અધ્યારૂ

  આપનો બ્લોગ ખુબ જ સુંદર અને મન હરી લે એવો છે.
  તમે આવુ જ લખતા રહો

  તમારા સંનિષ્ઠ પ્રયત્નો બ્લોગ ઉપર મૂકાતા લેખો વગેરે ઉપરથી સ્પષ્ટ દ્રષ્ટિગોચર થાય છે.
  એને પાર પાડવાનો પુરુષાર્થ ફળે અને આપણી માતૃભાષાની સેવા થાય તેવી શુભેચ્છા પાઠવું છુ.

  આપની આ ઉમદા કાર્ય સફળતા માટે આપને ખુબ ખુબ અભિનંદન,

  કાઁતિભાઈ કરસાળા,

 • Heena Parekh

  ખૂબ ખૂબ અભિનંદન જિજ્ઞેશભાઈ. અક્ષરનાદની સફર આ જ રીતે આગળ વધતી રહે તેવી શુભેચ્છા.