માં- મનોરમા ઠાર 4


जननी जन्मभूमिश्च स्वर्गादपि गरियसी

ખરેખર જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. માં બાળકને પારણામાં ઝૂલાવતાં હાલરડાંના કે માતૃભૂમિની શૂરવીર અને સાહસ ગાથાઓના લય, સૂર અને તાલની આંગળી પકડી નીંઢ્રાનાં સ્વપ્ન દેશમાં લઇ જાય છે.માં પોતાના બાળકને ફૂલની જેમ સાચવે છે અને એ જ્યાં સુધી મોટો થઇને ટટ્ટાર ઊભો રહે ત્યાં સુધી માં તેના નાના નાના પગલાંની પાછળ પાછળ અધ્ધર જીવે ટીંગાઇ રહેતી હોય છે.

ઇતિહાસ સાક્ષી છે કે માતા જીજાબાઇએ છત્રપતિ શિવાજીને જન્મ આપ્યો. પૂતળીબાઇની છીપમાં પાકેલું મૂલ્યવાન મોતી એટલે મહાત્મા ગાંધી, માતા સ્વરૂપરાણીની કૂખે હિન્દના જવાહર સમા એવા જવાહરલાલ નહેરૂ, માતા રામદુલારિૈ હિન્દના લાલબહાદુર શાસ્ત્રીને જન્મ આપ્યો. આવા કંઈ કેટલાયે મહાપુરુષોની માંએ જગતને ભેટ આપી છે.

શિક્ષકો બાળકોને પુસ્તકિયું જ્ઞાન જરૂર આપે છે પણ જીવનલક્ષી કેળવણીતો દરેક બાળકને માં જ આપે છે.તેથી જ કહેવાયું છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. માં બાળકનો સર્વાંગી વિકાસ સાધવા કે વિવેક બુધ્ધિ ખીલવવા તન તોડ મહેનત કરી સારા પુસ્તકો, મૈત્રી, વાણી અને વર્તન ધ્વારા માં તેને મદદ કરતી રહેતી હોય છે અને આમ તે પહેલા ઘરની વિર્ધાપીઠમાં ઉછરી જ્યારે ઘરની બહાર પડે છે ત્યારે તે નોખું તરી આવતું હોય છે. આથીજ ખલિલ જીબ્રાને કહયું છે કે દરેક ઘરમાં ઇશ્ર્વરે પોતની જગ્યા પૂરવાં માંનું સર્જન કર્યું છે.

આખા દિવસની જંજાળથી થાકેલો પુત્ર સાંજે ઘરે આવે છે અને આવીને માંની ગોદમાં મસ્તક મૂકે છે ત્યારે તેનાં મસ્તક પર કે શરીર પર વાત્સલ્યથી માંનો હૂંફાળો હાથ ફરતાંની સાથેજ પુત્ર ઘડીભરમાં હળવો ફૂલ બની જાય છે.અને એજ માં નો દેહ નહીં હોય ત્યારે પણ એનું વહાલ હવાના કણેકણોંમાં ગુપ્તરીતે આવીને પોતાના બાળકનું ડગલેને પગલે રક્ષણ કરતું હોય છે માટે જ માતૃપ્રેમ મનુષ્યને ઈશ્ર્વરે પ્રધાન કરેલું અમૂલ્ય વરદાન છે.

દેશ-પરદેશમાં ભલે ફક્ત આખા વર્ષમાં એક જ દિવસ માંના સબંધોને તાજા કરીને મધર્સ ડે ઉજવતા હોઇએ પણ જે માં સમગ્ર જીવનમાં વણાઇ ચૂકી હોય કે હરેક વિચારો માંના સંસ્કારોથી ભીંજાયેલા હોય તે માંને બાકીના દિવસો તો શું પણ જન્મો જન્મ ન ભૂલી શકાય.

આપણે કૂતુહલથી ઘણી વાર જોતા હોઇએ છે કે રસ્તા પરથી બિલાડી તેનાં બચ્ચાને મોઢાથી ઊંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જાય છે. આ છે માં કે જે પોતાના બાળકને મોઢાથી પકડવા છતાં દાંત વાગે નહી કે મોઢામાંથી પડી ન જાય અને સલામત જગ્યાએ પહોચી જાય. વાનર પણ પોતાના બચ્ચાંને છાતીએ વળગાળીને આમથી તેમ ઠેકે છે પણ તેને પડવા કે આથડવા દેતી નથી. માં તો જાણે બાળક માટે પ્રકૃતિથી જ શ્રેષ્ઠ સિક્યુરીટી છે.

અક્ષરનાદ.કોમના વાચક મિત્રો આજે આપની સમક્ષ મેં અમારી માં માટેનું એક કાવ્ય લખેલું જે જાણીતા અખબાર એવા જન્મભૂમિમાં પ્રકાશિત થયેલું છે જે અહીં લખું છું અમે અમારી માં ને બા કહીને સંબોધતા એટલે જ…

બા

તે અમને જન્મ આપી પૃથ્વીને સન્માનિત નથી કરી બા ?

આ ઉપવનો, વૃક્ષો, પુષ્પો, પંખીઓ તો
તારી ભાવનાનો વિસ્તાર છે !

લય અને સૂરની અંગુલી ગ્રહી સર્વદા લે જતી સ્વપ્ન લોકે
કેટલાં મધુર અને રમ્ય પરીકથાના દેશો

તારી આંતરસૂઝ ને જતનથી
અમારું જીવનવૃશ બન્યું લીલુંછમ

તારી વિધાપીઠમાં ઊછરેલ અમો નોખાં કૈંક..
તારી આંખોમાં ક્ષમાં ને કરુણાના અંજન આંજ્યાં’તા

તારા હાથમાં અભયદાન ને કર્મશીલતાના કવચ જડ્યા’તા
બા એક એવી ત્રશ્ર્તુ જેને કયારેય ન આવે પાનખર

હવાતણી લેરખીમાં આવે તારા વહાલસોયા સ્પર્શની માધુરી
યૌવન ગયું મિત્રો ખરી પડ્યા પણ ઓહ! તારો પ્રેમ..

તારા નિર્મળ સ્નેહનું અમીઝરણું નિત ખળખળ વ્હેતું રહ્યું.
માનશાસ્ત્રનું અમૂલ્ય ઔષધ ને કાવ્યનો અખૂટ ભંડાર

તું જ અમારા ભાઇભાંડુઓનું એકાક્ષરી મહાકાવ્ય ‘બા’ અમારી ‘બા’……

વાચક મિત્રો ! આપણી સંસ્કૃતિ, માં ને मातृदेवो:भव થી નવાજે છે અને તેથી જ આ કાવ્યમાં માતૃપ્રેમની સંજીવની છે. આ છે ગુજરાતી ભાષાનું એકાક્ષરી મહાકાવ્ય એટલે ‘માં’…

– મનોરમા ઠાર
ટે.26485971 / 28876021

{માતૃવંદના અઠવાડીયા માટે આ સુંદર રચના અમને મોકલવા બદલ મનોરમાબેન ઠારનો ખૂબ ખૂબ આભાર.}


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “માં- મનોરમા ઠાર