1. દ્રષ્ટીકોણ એક
સાત સમંદર પાર,
અજાણ્યા રસ્તાઓ પર ચાલતાં
તને
ક્યારેક લાગતી ઠોકર પર
કૂબાના કોઇક ખૂણે
બેઠેલી બા નું હ્રદય
“ખમ્મા મારા વીરા…”
બોલતું હશે…
તારી રાહ જોવા,
તારા ઓવારણા લેવા
તને ફરીથી તારી મનપસંદ
ખીર ખવડાવવા,
તને વહાલ કરવા,
તારા મુખેથી “બા” સાંભળવા
એની સદાય
મોતીયો ભરેલી આંખોમાંથી
તને મનોમન
જોયા કરતી હશે…
ખોયા કરતી હશે
રસ્તાને તારા પગલાં,
હવાને તારી સુગંધ,
અને
સૂરજને તારી કુશળતા
પૂછ્યાં કરતી હશે.
પિતા તો હ્રદય મજબૂત કરી લેશે,
પણ બા,
“બા”
તેના મનને
કેમ સમજાવશે?
કે દીકરો
ડોલરોમાં ગૂંથાયેલો છે,
કરીયરમાં અટવાયેલો છે
સંબંધોથી વધુ જળવાય છે
બિઝનસ,
કદાચ ક્યાંક ભેગાય થઈ જાય,
એનો સંસાર,
એની જરૂરતો,
એનું કુટુંબ
એની સિટીઝનશીપ
હવે અલગ છે,
અને એમાં
“બા” નું સ્થાન
ફક્ત દર મહીનાની
પહેલી તારીખે
મની ટ્રાન્સફર
પૂરતું જ છે…
એથી વધુ
કાંઇ નહીં,
તેની ડિક્શનરીમાં,
જરૂરતોમાં,
જિદગીમાં,
કદાચ “બા” નું સ્થાન
હવે….
2. દ્રષ્ટિકોણ બીજો
સાત સમંદર પાર
અજાણ્યા રસ્તાઓ પર
ચાલતા
જ્યારે ઠોકર લાગી જાય છે,
ત્યારે અચૂક ગૂંજે નાદ,
“ખમ્મા મારા વીરા…”
આટલા દૂર
દ્રષ્ટિથી ઓઝલ છતાં
હવાની લહેરખીઓ ‘માં’
તારો હાથ અનુભવાય,
સૂરજની દરેક કિરણે
તારી આંખોનું વહાલ,
વર્ષાની દરેક બૂંદે
તારી લાગણી ટપકે,
તને વહાલથી ભેંટવા,
ખોળે માથું મૂકવા,
પરીઓના દેશમાં વિહરવા,
તારા ઓવારણાં ઉજવવા,
તારા દુ:ખના આંસુને
સુખના કરવા,
તારી પાસે આવવું છે…
દીકરો ડોલરોમાં નહીં,
તારા હાથે મળતા
ડોલરના ફૂલમાં
ગૂંથાવા માંગે,
મારો સંસાર,
મારી જરૂરતો,
મારું કુટુંબ
તારા વગર કદી….
હોઇ શકે?
મની ટ્રાન્સફર
એ તો ફક્ત
તારા ચરણે ચડાવેલી
બે’ક પાંખડીઓ છે,
મારી ડિક્શનરીમાં,
જરૂરતોમાં,
જિદગીમાં,
કદાચ “બા” તારું સ્થાન
હવે….
હા, “બા”
હવે જ મને
ખરેખર સમજાય છે.
– જીગ્નેશ અધ્યારૂ
{ દૂર પરદેશમાં વસતા એક દીકરા માટે માંની અપાર લાગણી, એ દીકરાને જવા દેવા અને ન જવા દેવા વચ્ચેની ખચકાટભરી પરવાનગી એક બે વખત જોઇ છે. દીકરો પૈસા કમાવાની, પોતાની કારકીર્દી બનાવવાની, આખાય ઘરના જીવન સ્તરને ઉંચી લાવવાની કામના સાથે મનને કઠણ કરીને વિદેશ પ્રયાણ કરે છે, પણ માં ક્યારેય પોતાના મનને કઠણ કરી શકે? એ દીકરાને પ્રેમ કરતા એક ક્ષણ પણ તે રહી શકે ખરી? પ્રસ્તુત છે બે ભિન્ન દ્રષ્ટીકોણ અછાંદસ સ્વરૂપે. }
જીજ્ઞેશભાઈ,
પોતાના લાડલાને પરદેશ મોકલવો પડે એ મોટાભાગે તો મજબૂરી જ હોય છે, છતાં માતૃહ્રદય તેને અળગો કરતાં રોકે છે. બંન્ને સંજોગોનું સુંદર નિરુપણ કર્યું. આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
Pingback: Tweets that mention દીકરો દેશાવર… (બે અછાંદસ) – જીગ્નેશ અધ્યારૂ | Aksharnaad.com -- Topsy.com
ખુબ shunder cha dil tuch kri la tavu.
“હા, “બા”
હવે જ મને
ખરેખર સમજાય છે.”
સિક્કાની બંને બાજુ એક જ દ્રષ્ટીપટ પર રાખી શકાય તો જગતમાં શાંતિ હાથવેંતમાં જ સમજો ! સરસ !
ભાવપૂર્ણ બન્ને દૃષ્ટિકોણ, ડોલરની લાલચમાઁ ખોવાયેલા આપણે આ વાતો સમજી શકીએ તો ઘણુઁ સારુઁ.
ખુબ જ સુંદર રીતે તમે બંને પરિસ્થિતિઓને વાસ્તવિકતાની નજિક રહીને વર્ણવી છે! સત્ય / પરિસ્થિતિ ક્યારેય ફક્ત બ્લેક કે વ્હાઈટ નથી હોતી, તેના ગ્રે શેડ માં પણ કેટલા બધા શેડ્સ હોય છે!!
શ્રી જીગ્નેશભાઈ
ખૂબ જ સૂંદર અને જેમા હકિકત છે.
લી.પ્રફુલ ઠાર