સંબંધોનો છેડો – પ્રફુલ ઠાર 1


(કાંદીવલી, મુંબઇના રહેવાસી એવા શ્રી પ્રફુલભાઇ ઠાર સંબંધો વિશેના તેમના વિશ્લેષણને આજે આપણી સૌની સાથે વહેંચી રહ્યા છે. દુન્યવી અનેક સંબંધોમાં ક્યારેક સારા, ક્યારેક નરસા અનુભવો થતાં જ રહેવાનાં, પણ એ દરેક સંજોગોમાં આપણે આપણા ‘સ્વત્વ’ ને જાળવી રાખવું એવો સુંદર બોધ આપતી તેમની આ વાત અત્રે પ્રસ્તુત છે. અક્ષરનાદ.કોમને આ રચના મોકલવા અને પ્રકાશિત કરવાની તક આપવા બદલ તથા આવા સુંદર વિચારો સર્વ સાથે વહેંચવા બદલ શ્રી પ્રફુલભાઇ ઠારનો આભાર તથા શુભકામનાઓ.)

આપણા દરેકથી જાણ્યે કે અજાણ્યે રણશીંગુ ફૂંકાયા વગર રહેતુ નથી, કે ફલાણા ફલાણા સાથે અમારે ખૂબ જ સારું છે. અરે! ઘર જેવો સંબંધ છે, અને કૌટુંબીક સંબંધો છેલ્લા … વર્ષોથી છે. જો કે એ વ્યક્તિ માટે તમે વાર તહેવારે, તન મન અને ધનથી ભોગ આપ્યો હોય તો પણ તમને કે તમારા કુટુંબીજનોને કદી દિલથી ઘરે આવવાનું આમંત્રણ આપવું તો એક બાજુ રહી જાય, પણ તેઓ તથા તેમના ઘરની વ્યક્તિઓ તમારું કે તમારા પરિવારનું નામ ઠેકાણું સુધ્ધા જાણતી હોતી નથી.

કદાચ કોઇ અપવાદોને છોડીને બધાનાં જ અનુભવો સાક્ષી આપતા હશે કે કોઇની પણ સાથેના સંબંધોમાં આપણને ક્યાંક શુધ્ધતા, પવિત્રતા કે નિસ્વાર્થતા જેવુ જોવા મળ્યું હોય ! જો કે ક્યાંક વળી કોઇક પ્રેમના, મિત્રતાના કે નિસ્વાર્થ લાગણીના કિસ્સાઓ સાંભળતા રહીએ છીએ પણ હકીકત કંઇ અલગ જ અનુભવવા મળે છે.

ખરી હકીકતની તો જાણ ત્યારે થાય છે જેને આપણે ખૂબજ નિકટનાં સમજીને તેની પાસે કોઇને મદદ લેવા મોકલ્યા હોય તેઓ આપણી પાસે આવીને હૈયાવરાળ કાઢે કે “મને મદદ કરવાનું તો દૂર પણ તેમણે તો મારી વાત પૂરી સાંભળવાની પણ દરકાર ન કરી.” ત્યારે જ ખબર પડે કે આપણે જેની સાથેના નિકટના સંબંધો રાખેલા છે તેના સંબંધોના છેડાનું મૂલ્ય કેટલું છે. આવા લોકો વળી અવારનવાર કહેતા ફરતા હોય છે કે “કાંઇ કામ હોય તો અમને નિસંકોચ કહેવું.”

ઘણી વખત તો આપણે આપણા પોતાના નજીકના સ્વજન સમજીને કોઇ અનિવાર્ય સંજોગોને લીધે સત્તત ફોન કરતા રહીએ તો ફોન ઉપર ન આવે અને જો મોબાઇલ પર સંપર્ક કરવાની કોશીશ કરીએ તો આપણો નંબર જોઇને ફોન કટ કરી નાંખે. તેમના માટે દસ જગ્યાએ સંદેશા આપ્યા હોય તો પણ ક્યારેય સામેથી એ સંદેશાનો જવાબ આપવા કે ‘તમે શેના માટે ફોન કર્યો હતો?’ જેવું પૂછવાની તસ્દી પણ ન લે. ક્યારેક અચાનક રૂબરૂ કે ફોન ઉપર સંપર્ક થઇ જાય તો વળી કહેશે, ‘હું કામમા એટલો વ્યસ્ત હોઉં છું કે મને તમને ફોન કરવાનો તો શું, શ્વાસ લેવાનો પણ સમય નથી મળતો.’ ઘણી વાર તો આપણે સામેથી વાત ઉચ્ચારીએ તો વળી ન્યાયાલયના ન્યાયાધીશની જેમ તારીખ આપી દે અથવા ફોન કરવાનું કહીદે. છેવટે કંટાળીને માણસ આવા લોકોનો સંપર્ક કરવાનું જ છોડી દે. જો કે આવા અનુભવો આપણને ખૂબ ભણેલા, સમૃધ્ધ કુટુંબોમાં વધુ જોવા મળશે, કે જેઓ બહુ ‘બિઝિ’ હોવાનો કે સમય નહીં હોવનો દાવો કર્યા કરતા હોય છે.

‘સમય નથી મળતો’ એ વાત પરથી મને એક પ્રસંગ યાદ આવી ગયો એ અહીં વર્ણવું છું. મુંબઇના પરા એવા પારલામાં રાજપુરીયા હોલમાં એક લોહાણા વૈષ્ણવ એવા બહોળા વજાણી કુટુંબમાં ભાગવત સપ્તાહ બેસાડેલી હતી. તેમાં મારા મિત્ર પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઇ પંડ્યા કથા કરવાનાં હતાં. જે દિવસે હું ગયો હતો તે જ દિવસે કોઇ પ્રસંગને ટાંકતા તેમણે શ્રોતાઓને કહ્યું કે ‘માણસને સમય નથી એવું કહેનારા ખોટા છે, સમય તો આપણી પાસે હતો જ પણ આપણે સમયના ગુલામ થઇ ગયા છીએ. માણસને આધુનિક જગતમાં બિઝિ હોવાનો ચેપી રોગચાળો લાગુ પડેલો છે. માણસો સમય નથી કહીને સામે વાળાને કે તેની વાતને ટાળવા માંગતા હોય છે.” છેલ્લે તેમણે એમ પણ કહ્યું કે, “હકીકતમાં તો સમય કાઢવો પોતાના હાથમાં જ હોય છે કારણકે સમયના માલિક તો માનવી જ છે, આ તો માણસને પોતાની મોટાઇ બતાવવાનું કે તેની પાસે બહુ કામ છે તેવું બતાવવાનો કીમીયો મળી ગયો હોય તેવું છે.”

મેં તેમની વાતને મનોમન સંમતિ આપી કારણકે પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઇ અને મેં એક જ બેંકમાં અને એક જ વિભાગમાં ઘણા વર્ષો સાથે કામ કર્યું હતું. સાથે સાથે સાંસ્કૃતિક મનોરંજનમાં પણ રંગમંચ પર સાથે જ રહેતા. સારા નસીબે તેઓ ખૂબજ ટુંકા સમયની બેંકની સેવામાંથી સ્વૈચ્છિક રાજીનામું આપીને કથાકાર થયા. પણ સમય ઉપરના ઉપરોક્ત પ્રસંગના ઉલ્લેખથી કહી શકાય કે એ તેઓ ફક્ત બોધ જ આપતાં નથી પણ પોતે વાતને અમલમાં પણ મૂકે છે. તેના ઉદાહરણ રૂપે એક પ્રસંગ ટાંકું છું. ગયા વર્ષે હું અને મારા શ્રીમતીજી લંડન મારા સાળાના ઘરે ગયા હતાં. અને દસ મહીનાના રોકાણ પછી ભારત પાછું આવવાનું હતું. પણ હાથમાં ફક્ત ચાર દિવસ બાકી હતાં. ત્યાં મને લંડનથી દર ગુરૂવારે પ્રકાશીત થતું ગુજરાત સમાચાર વાંચીને જાણવા મળ્યું કે કોઇ સંસ્થાએ શ્રી ભૂપેન્દ્રભાઇને ત્યાં બોલાવ્યા હતા અને તેઓ લંડનમાં જ હતાં. મેં ગમે તેમ કરી તેમનો સંપર્ક કર્યો. તેઓ ખૂબ આનંદિત થઇ ગયાં. મેં કહ્યું, અમારી પાસે ફક્ત ચાર દિવસ છે, અને તમને મળવું છે, તો તમે મારા સાળાના ઘરે આવશો? તેમણે એ આમંત્રણ તરતજ કોઇ પણ આનાકાની વગર સ્વીકારી લીધું. બીજે દિવસે તેઓ મારા સાળાના ઘરે તેમના અનુયાયીઓ સાથે આવ્યા અને સાથે સાથે અમારી મિત્રતાની જાણ કરી. મને તે સમયે શ્રી કૃષ્ણ અને સુદામાની વાત યાદ આવી ગઇ. જો કે તે પ્રસંગમાં સુદામા શ્રી કૃષ્ણના ઘરે ગયા હતાં પણ અહીં શ્રે કૃષ્ણ સુદામાને મળવા આવ્યા હોય તેવો આનંદ અમે અનુભવ્યો. આ પ્રસંગ લખવાનું તાત્પર્ય એ જ છે કે સંબંધોનો છેડો આને જ કહેવાય, જેમને અન્ય કોઇકને ત્યાં ગણતરીના સમયમાં જ પ્રવચન આપવા જવાનું હતું તે સમય કાઢીને મને મળવા આવ્યા, જો કે તેમણે ધાર્યું હોત તો સમય નથી નું બહાનું કાઢી શક્યા હોત.

આજે માણસને સમય ઓછો પડે છે કારણકે કામ છે અને કામ કરતા તેમાં ધાંધલ ધમાલ અને દેખાડો વધારે પડતો છે. દિવસના ચોવીસ કલાકો પણ બધાને ઓછા જ પડે છે. કારણકે સવારે વહેલા ધાંધલીયા જીવન માટે નીકળવાનું અને સાંજે ઘરે આવ્યા પછી થોડોક સમય તો હોય છે પણ મનની તૈયારી , ઉત્સાહ કે ‘મૂડ’ હોતો નથી. આજનો વેગ જુદો જ છે, ઉતાવળ છે, ભીડ છે અને ઉપરથી ઓફીસનો સમય સાચવવાનો છે.. પણ જ્યારે સંબંધો સાચવવાનો સમય આવે ત્યારે આપણું ‘ટાઇમ મેનેજમેન્ટ’ ગાયબ થઇ જાય છે.

ખરા અર્થમાં સમય તો બધાં પાસે છે અને તે પણ પૂરા ચોવીસ કલાકનો અને તેની વહેંચણી પણ માણસના હાથમાં છે, પણ તે તેમની મરજીની વાત છે અને તેમની મરજી મુજબ તેઓ સમયની વહેચણી કરતાં હોય છે. બાકીના માટે સમય નથી એમ કહી દિલગીરી દર્શાવી દે છે. જો કે એ પણ સાચું જ છે કે દરેક માનવી પોતે પોતાના મનનો રાજા છે, હા! જો ક્યાંક નજીવો ફાયદો પણ દેખાય તો તરત સમય નીકળી આવે.

ક્યાંક કોઇક વ્યક્તિને જો ફાયદો બતાવતાં આમંત્રણ આપશો તો તરત ‘તમારે ત્યાં જરૂરથી આવીશ’ અને એ જ વખતે બીજે છેડે કોઇ આમંત્રણ ફાયદા વગરનું કે બીજા કોઇને કામ માટે હશે તો કહેશે ‘સમય નથી’. ફાયદો છે ત્યાં સમય છે પણ ફાયદો નથી, તેના માટે સમય પણ નથી.

ઘણાં સંબંધો પોકળ હોય છે કે જે દૂરથી એકબીજાનું સારૂ ઇચ્છતા નથી અને પીઠ જ દેખાડતા ફરે છે, કે ક્યારે મોકો મળે અને સામેની વ્યક્તિને પાડી દઉં? અને જેઓ કોઇપણ સંજોગે કરી શક્તા નથી કારણકે તે પહોંચી નહીં વળે અને ફરીવાર નિષ્ફળ જવાના ભય સાથે અને તેમની સાથેના સંબંધમાં કરેલા દગાનો ભેદ ખૂલી ન જાય તે મટે તે પોતાના દાવ પેચને, પોતાને સત્યવાદી હરિશ્ચંદ્ર સાબિત કરવાનો પ્રયત્ન કરશે. આવી વાતનો લાગણીશીલ અને નિખાલસ માણસને અણસાર સુધ્ધાં આવતો નથી. ઘણી વાર તો સામેની વ્યક્તિના દિલમાં છુપાયેલી કડવાશ ફક્ત તેની જીભ પર આવતી નથી પણ તેનું વર્તન કે તે વ્યક્તિના વિચારોમાં તેના મનમાં રહેલી છૂપી કડવાશ સામે ચાલીને વર્તાઇ આવે છે. કોઇકે સાચું જ કહ્યું છે કે જે સંબંધોમાં કટુતા, નારાજગી, હુંસાતુંસી, અદેખાઇ, મારું-તારૂ કે કોઇ ઝનૂન મગજમાં સવાર થઇને બેઠું હોય તો ત્યાં સારા વિચારો કે અંતરની લાગણીને સ્થાન હોતું નથી અને જ્યાં સદવિચારો કે લાગણી નથી ત્યાં ધર્મ નથી, જ્યાં ધર્મ નથી ત્યાં સંબંધોની બાંધછોડ કે જાણવણી નથી.

કોઇ વ્યક્તિ તમારી સાથે સંબંધો સારા છે એમ ઓળખાવી વિશ્વાસનો એક માહોલ ઉભો કરે કે સહાનુભૂતી અને નિકટતાનો દાવો કરે અને મોકો મળતાંજ તેનું પોત પ્રકાશે અને તમારી સચ્ચાઇ, નિખાલસ લાગણીઓની છાપ બીજાની સામે ભૂંસવાનો પ્રયાસ કરે તો આવા અનુભવોથી ગભરાઇને બધા માટે અવિશ્વાસના જગતમાં જીવવું એમ જરૂરી નથી. પણ વર્ષોથી બાપ દાદાઓએ મનમાં ઠાંસી ઠાંસીને જકડાવેલી માન્યતાઓ કે બધાં આપણાં છે કે આપણા ખાસ છે, તેવી માન્યતાઓને આજે ઘણાં લોકોએ તિલાંજલી આપી દીધી છે અને ઘણાંના હ્રદય સમા ખેતરની જમીન સાથે બાંધછોડ કરતા શીખવાડી દીધું છે. જે આજે પણ સીધાસાદા માણસને કરવાનો વિચાર સુધ્ધાં અઘરો લાગે.

બાકી તો સંસારનાં રંગમંચ પરના નાટકમાં થોડું હસવાનું, ક્યાંક વધારે રડવાનું, થોડા ક્યાંક પુષ્પો બિછાવવાના કે વળી વધારે ખાસડાં ખાવાના હોય છે… અને છેલ્લે … ‘રામ બોલો ભાઇ રામ !’

– પ્રફુલ ઠાર


આપનો પ્રતિભાવ આપો....

One thought on “સંબંધોનો છેડો – પ્રફુલ ઠાર

  • Jig..!

    હુ માત્ર આ સબન્ધ મા માનુ ચ્હુ…

    ‘રામ બોલો ભાઇ રામ !’

    Jignesh Chavda