( સપના જોવા અને તેને હકીકતમાં બદલવામાં ખૂબ અંતર છે. સ્વપ્નોની દુનિયામાં જીવવું એ શરૂઆત છે અને એ સ્વપ્નોને સત્ય કરવા મચી પડવું એ સફળતાનુ પહેલું સોપાન છે. અક્ષરનાદના વાચકમિત્ર શ્રી રાજેશ ટાંક હકીકતની ધરતી પર સ્વપ્નોના વાવેતરની આવીજ કેટલીક ચિંતનાત્મક વાત લઇને આવ્યા છે. અક્ષરનાદને આ લેખ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તથા આવા સુંદર હકારાત્મક વિચારો વહેંચવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. )
સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે જેમ લોકમાન્ય તિલકે એક સૂત્ર આપેલ કે સ્વરાજ મારો જન્મસિધ્ધ અધિકાર છે” એવીજ રીતે માણસજાતની ઉત્પત્તિથી સમગ્ર માનવજાતનો એક જીવનમંત્ર કે જીવનનું તત્વજ્ઞાન આ એક મુદ્રાલેખ દ્વારા મનવજાતના ઇતિહાસની છાતી પર સદાને માટે – શાશ્વત અંકિત થઇ ગયો છે કે દરેક માણસને સ્વપ્ન જોવાનો અધિકાર છે. સ્વપ્નો એ કોઇ સરકારી અનામતનો મોહતાજ નથી કે અમુક જ વર્ગ અમુક જ ક્વોટા પ્રમાણે જોઇ શકે. ઇતિહાસનાં પૃષ્ઠોને કાળનાં પ્રવાહમાં જોઇએ તો આ વિશ્વમાં દરેકે સ્વપ્નો જોયા છે. કહેવાય છે ડ્રીમ્સ અનલીમીટેડ – આ એક એવું વિશ્વ છે કે જેમાં પોતાનાં સ્વપ્નોનાં કર્તા હર્તા પોતે જ હોય છે. વર્ષો પહેલા ઇટાલીમાં એક માણસ ત્યાંના રાજ્યકર્તા – સરમુખ્ત્યારની ખુરશીને એટલું ધગશથી અને નિષ્ઠાથી પોલીશ કરી રહ્યો હતો તે જોઇને કોઇએ પૂછ્યું કે આટલા સમર્પણ અને નિષ્ઠાથી કેમ પોલીશ કરે છે? જવાબમાં પેલી વ્યક્તિ કહે છે, ‘કારણકે ભવિષ્યમાં આ ખુરશી ઉપર મારે જ બેસવાનું છે.’ અને ખરેખર સમયનાં પ્રવાહો ઉપર સવાર થઇને એ માણસ – બેનીટૉ મુસોલીની ઇટાલીનો સરમુખ્ત્યાર થયો. આવા તો કાંઇ કેટલાય અનંત ઉદાહરણો માનવજાતનાં અમૂલ્ય કુબેર ભંડારમાં એક ધરોહર સ્વરૂપે, એક પ્રેરણા, ઝનૂન અને અગાધ જુસ્સાના મહાસાગર ઘૂઘવી રહ્યા છે.
વિશ્વની દરેક પ્રગતિનો મૂળભૂત વિચાર એ તરંગ કે તુક્કો કે કોઇ મૂર્ખાઇના ઉપહાસનો જ ઉપહાર છે, કહેતા કે પુરસ્કાર છે. વિવેકાનંદ એક વખત બોલેલા – ‘કોઇ પણ કાર્યની શરૂઆત અને સફળતાનાં પ્રવાસ દરમ્યાન એ ત્રણ તબક્કામાંથી પસાર થાય છે.’ ઉપહાસ, વિરોધ અને અંતે સ્વિકાર. કદાચ વર્ષો પહેલા રાઇટ ભાઇઓએ વિમાનની કરેલી કલ્પના એ માત્ર તુક્કો જ હશે કે ચંદ્ર ઉપર જવાની વાત એક મૂર્ખના ખદબદતાં દિમાગની એક વિકૃતિ તરીકે જ આવકાર પામ્યા હશે. એટલા દૂર ન જઇએ તો પણ નજીકના ઇતિહાસના ગર્ભમાં દ્રષ્ટિપાત કરીએ તો – ગાંધીજીના સ્વદેશાગમન સમયે તેમણે જોયેલ સ્વતંત્ર ભારતના સ્વપ્નને એ સમયે દોઢ અંગ્રેજો એવા સુધરેલા ભારતવાસીઓએ કેવો ઉલાળિયો કર્યો હશે તે પણ એક અલગથી સંશોધન માંગે તેવો વિષય છે.
કારણકે ખરી વાત તો એ છે કે સ્વપ્નો જોવાનો દરેકને અધિકાર છે – જીવનની નિષ્ફળતાઓને અનુભવનાં મુખોટા પહેરાવીને ઘણાં જીવંત શિખંડીઓ અત્ર તત્ર સર્વત્ર સલાહ આપતા ફરતા હોય છે કે સપનાઓ હંમેશા ખુલ્લી આંખે જ જોવા જોઇએ – અથવા તો પોતાના પસ્તીછાપ જ્ઞાનનું તત્વજ્ઞાન લોકો ઉપર છોડીને વિકૃત આનંદ માણતા હોય છે. આવા હરખપદુડા અધૂરીયાઓના મતે સ્વપ્નો જોવા એટલે એક શરમજનક, જઘન્ય અને અમાનુષી અપરાધ કરો છો અને એવી ભાદરવાના કાગડાઓ જેવી કાગારોળ. અરે ભાઇ કોઇ તેમને કહો તો સહી કે સ્વપ્નોના વાવેતર એ ભવિષ્યની સમૃધ્ધિનો પાક છે જેને મહેનત, પ્રેરણા અને આયોજનનાં ખાતર પાણીથી ઉછેરવો પડે છે. આવા હરખપદુડા લોકો પાસે તેમનું પોથીમાંન રીંગણાં ટાઇપ જ્ઞાન હાજરાહજૂર હોય જ છે.
બધાંને ખબર છે કે નિરમાનાં કરસનભાઇએ તેમની શરૂઆતની જીંદગીમાં સાઇકલ ઉપર પાઉડર વેચવાથી કરી હતી, ઇન્ફોસીસનું સ્વપ્ન નારાયણમૂર્તિએ એક નાના ઓરડામાંથી જોયું હતું. ધીરૂભાઇ અંબાણીએ નોકરી કરતા કરતા એડનમાં જોયું હતું કે પછી આવા કેટલા ઉદાહરણો આપવા. એટલેજ આજે તેઓએ જે સ્વપ્ન જોયું હતું તે મુજબ આજે ‘નિરમા’ કે જેણે ભલભલી મલ્ટીનેશનલ કંપનીઓને તેના જ પાઉડરથી ધોબીપછાડ આપીને ધોઇ નાખી છે, લોકો આજે ઇન્ફોસીસમાં નોકરી મેળવવા માટે આભ જમીન એક કરે છે અને રીલાયન્સની કઇ વાત કરવી? રીફાઇનરીની વાત કરવી, ટેલીકોમની વાત કરાવી કે કઇ વાત કરવી અને બીજી કોની વાત કરવી? તો આવા લોકો કહેશે કે એ સમયે ખાલી એક કરસનભાઇ જ પાઉડર વહેંચતા? એક ધીરૂભાઇ જ મહેનત કરતા કે પછી ખાલી નારાયણમૂર્તિજ મહેનત કરતા કે વાડીલાલ જ આઇસ્ક્રીમ વહેંચતા? – બોલો શું કહેવું છે તમારે? પણ આ પોથી પંડિતોનાં ગોબરછાપ મગજને કોણ સાફ કરે કે ભાઇ, આ કરસનભાઇ કે વાડીલાલ એમના સમયમાં શેરી – ગલીમાં ખાલી પાઉડર કે આઇસ્ક્રીમ જ નહોતા વહેંચતા પણ સાથે પોતાનાં સ્વપ્નોને પણ પોતાના માનસપટ પર હિમાલય જેવડૉ ઉંચો કરતા હતા અને એક તક મળી અને એ હિમાલય આજે આપણે જોઇએ છીએ.
એવું પણ નથી કે તેમના સમકાલીન લોકોએ મહેનત નહીં કરી હોય પણ સ્વપ્નો જોયા પછી પણ એક બાબત જીવનમાં જરૂરી નહીં પણ અનિવાર્ય છે એ છે – એટીટ્યૂડ. કારણકે ટેલ્કમ પાવડર વહેંચતા સેલ્સમનને પૂછીએ કે શું કરે છે તો તે કહેશે કે કંપનીની પ્રોડક્ટ વેચું છું, તો બીજો કહેશે કે પાઉડર વેચું છું અને ત્રીજો કહેશે કે સુંદરતા વહેંચું છું – જોઇએ તો તફાવત માત્ર એટલો જ છે કે માતાને મમ્મી પણ કહેવાય અને બાપાની બૈરી પણ કહેવાય. સંસ્કૃતમાં પેલી સૂક્તિ છે કે ‘દ્રષ્ટિ એવી સૃષ્ટી’. બસ આ જ વાક્યને મેનેજમેંટના પંડિતોએ ‘એટીટ્યૂડ’ના કોટ પેન્ટ પહેરાવ્યાં છે.
હવે સવાલ એ ઉભો થાય કે મનમાં સ્વપ્નો જોઇને કરવાનું શું? સ્વપ્નો જોતા રહેવાથી મોહન ડોબામાંથી માઇકલ ડેલ (ડેલ કોમ્પ્યુટર) કે આપણા મથુરભાઇ થોડા મુકેશ અંબાણી થઇ જશે? – સવાલ માઇકલ ડેલ કે મુકેશ અંબાણી થવાનો નથી પણ એટીટ્યૂડ શા માટે નામર્દાઇના નોબલ પ્રાઇઝ વિનર જેવો રાખવો? વિશ્વના ઇતિહાસની કોઇપણ ઘટનાને જુઓ, તેમાં ઉંડા ઉતરો તો ઉપરની વાત એ સત્યની સરાણ પર અને ડંકાની ચોટ પર ખરી ઉતરશે. એ પછી અમેરિકાની છેલી પ્રમુખની ચુંટણી હોય કે જેમાં બરાક ઓબામા એક રાજકારણી, એક નેતાને બદલે સપનોનાં સોદાગર તરીકેજ વ્હાઇટ હાઉસમાં બ્લેકનો ઇતિહાસ સુવર્ણાક્ષરે અંકિત કરી શક્યા – દરેક સામાન્ય અમેરિકનોનાં માનસપટ ઉપર ઓબામાએ એક ઉત્તુંગ અને ઉજ્જવળ સ્વપ્નને જન્મ આપ્યો – I have a Dream – We Can’ અને પરિણામ તમારી સામે જ છે. આ લખનારે બે વખત અમેરિકાની ચૂંટણીઓ જોઇ છે પરંતુ આ છેલ્લી ચુંટણીમાં મુદ્દાઓ, પ્રશ્નો કે સમસ્યાઓ કરતા મહત્વ હતું સ્વપ્નોનું, સ્વીકૃતિનું અને આવનારી સમૃધ્ધિનું. મતદાનનાં પંદર વીસ દિવસથી દરેક અમેરિકને નક્કી કરેલ કે ઓબામા Only ઓબામા’ – A Man with a Dream – સપનાનો સૌદાગર, કારણકે સ્વપ્નનાં ગર્ભમાંથી શ્રધ્ધા નામનું સંતાન અવતરણ પામે છે અને પ્રસુતિનો પારિશ્રમીક પણ માંગે છે. બાકી પાનની દુકાન ઉપર બેસીને પિચકારી મારીને કરસનભાઇ કે મુકેશ અંબાણીને સલાહ આપવાનાં ક્યાં પૈસા લાગે છે અને આવા લલ્લુ પંજુઓ તમને એક ઢુંઢો હજાર મિલેંગે. પણ જો આવા લલ્લુપંજુઓને પૂછો કે તમે જિંદગીમાં શું ઉકાળ્યું તો જવાબમાં ભારતીય તત્વજ્ઞાનની બેસુરી બંસરી વગાડશે અને કહેશે સંતોષી નર સદા સુખી કે પછી શું લઇને આવ્યા હતા અને શું લઇને જઇશું? આવા લોકો પાસેથી તમે શું સારા કે ઉંચા સ્વપ્નોની અપેક્ષા રાખશો કારણકે આવા લોકોની સાથે રહેલા લોકો જો સફળતા મેળવે તો શું કહેશે, કે મને ખબર છે કે તે કેવી રીતે આગળ આવ્યો છે? તેની જેમ ખોટી રીતે આગળ વધવું ન હતું. આપણને ખોટું કરતા આવડતું નથી આવી બધી ફિલોસોફીના મેઘધનુષ બનાવશે અને તેમાં નિરાશા અને નામર્દાનગીની રંગોળી બનાવશે.
જ્ઞાનની વાતો ખૂબ મોટી અને સારી સારી કરી લીધી પણ જો સામાન્ય માણસ પોતાનાં જીવનમાં વિચારે કે તેને શું ફાયદો છે સ્વપ્નો જોવાનો કે તેને શું મળવાનું છે સ્વપ્નો જોઇને ? તો એક વાત તો નિશ્ચિત છે કે આ વિશ્વમાં માણસ સ્વપ્નો જોયા વગર રહી શકે એ શક્ય નથી કારણકે માણસની પોતાની જિંદગી એ પછી – અંગત કે સાર્વજનિક એ પણ એક સ્વપ્ન જ છે. મા બાપ પોતાના સંતાનોને ડોક્ટર કે એન્જીનીયર બનાવવા જે પ્રેરણા, પરિશ્રમ કે પીડા લગાવે છે તે પણ તેઓના અપૂર્ણ ભગ્ન કે અતૃપ્ત સ્વપ્નો જ છે, જે તેઓ પોતાના સંતાનોમાં પૂરા થાય તે ઇચ્છે છે, અને તેમાં ખોટું પણ શું છે? કારણકે તે પણ એક સ્વપ્ન જ છે ને – માત્ર સ્વપ્નોનાં મહેલને હવામાં રાખવાથી કોઇ દિવસ સપનાનું વાવેતર નહીં થાય. તે વાવવા માટે તો વાસ્તવિક ધરતીની ઉપરજ, હાથ કહેતા પરિશ્રમ, મગજ કહેતા કૌશલ્ય અને હ્રદય કહેતા સમર્પણનું પોષણ આપશો તો જ તે સ્વપ્નોને સફળતા નામનું સંતાન અવતરશે. આ સમયે બોર્ડર ફિલ્મમાં જેકી શ્રોફ તેના પાયલટને કહે છે તે સંવાદ યાદ આવે છે કે પ્રેક્ટિસમાં જેટલો વધારે પરસેવો પાડશો, લડાઇમાં એટલું ઓછું લોહી પડશે! બરોબરને? બાકી તો નસીબના ભરોસે તો હતાશા નિરાશા અને નિષ્ફળતાના ગર્ભપાતની 100 ગેરેંટી છે જ અને બાકી તો જીંદગીભર દિલકે અરમા આંસુઓમેં બહે ગયે કે પછી દિલકે ટુકડે હઝાર હુએ કોઇ ઇધર ગીરા કોઇ ઉધર ગીરા – શું લાગે છે, વાતમાં દમ છે કે પછી ધોળા દિવસનું સ્વપ્ન છે….
ક્લિન બોલ્ડ :
જીંદગીની અસલી ઉડાન અભી બાકી હૈ, અપને ઇરાદો કા ઇમ્તેહાન અભી બાકી હૈ,
અભી તો નાંપી હૈ મુઠ્ઠીભર જમીન, આગે અભી સારા આસમાન બાકી હૈ.
Great Thoughts we must appreciate it. I strongly believe that today’s great achievement is result of yesterday’s so called foolish dream. but
માત્ર સ્વપ્નોનાં મહેલને હવામાં રાખવાથી કોઇ દિવસ સપનાનું વાવેતર નહીં થાય. તે વાવવા માટે તો વાસ્તવિક ધરતીની ઉપરજ, હાથ કહેતા પરિશ્રમ, મગજ કહેતા કૌશલ્ય અને હ્રદય કહેતા સમર્પણનું પોષણ આપશો તો જ તે સ્વપ્નોને સફળતા નામનું સંતાન અવતરશે. …..બાકી તો નસીબના ભરોસે તો હતાશા નિરાશા અને નિષ્ફળતાના ગર્ભપાતની 100 ગેરેંટી છે જ