ટૂ કપ ટી અને અન્ય હાસ્યપ્રસંગો – સ્વામી આનંદ 5


ભેંસનો વર મરી ગયો

બાપુજીના વ્હાલા સેક્રેટરી સ્વ. મહાદેવભાઇના પિત્રાઇ છોટુભાઇ દેસાઇ પારડીના સ્ટેશન માસ્તર હતા. એક દિવસ રેલના પાટાની કોરાણે એક પાડો ચાલ્યો જાય, એટલામાં પાછળથી ગાડી આવી પૂગી અને પાડો એન્જીન જોડે અથડાઇને કચડાઇ મરી ગયો.
રેલ્વેનો કાયદો એવો કે જ્યારે કોઇ એક્સીડન્ટ થાય ત્યારે સ્ટેશન માસ્તરે મોટા ઉપરી અમલદારને તાર કરીને તરત ખબર આપવી જોઇએ. છોટુકાકાએ હાથ નીચેના તારમાસ્તરને તાર કરી દેવા કહ્યું. પેલો કહે “પાડાનું અંગ્રેજી શું કરવું? ”
છોટુકાકા કહે ” પાડો એટલે ભેંસનો વર વળી, બીજુ શું? ”
પેલાએ તાર કર્યો ” ONE HUSBAND OF BUFFALO DIED UNDER ENGINE ”
મુંબઇના રેલવે અમલદારો વાંચ્યા જ કરે !

દરવાઝા બંધ કર

આલમોરામાં પહેલીવહેલી બેંક નીકળી, બેંકનો મેનેજર પહાડી એક અંગરેજને એનો કાંઇક ચેક વટાવવો હશે તેની વાત કરવા બેંક મેનેજર અપાસે ગયો. મેનેજરે ખુરશી આપી.
અંગરેજે વાત કરવા માંડી “ઢેર વાઝ અ બે ન્કર ….”
પહાડી મેનેજર સમજ્યો કે આને પૈસા માટે કાંઇક ખાનગી વાત કરવી છે તેથી બારણા બંધ કરવાનું કહે છે,
એણે બેંકના સિપાહીને બૂમ મારી ને કહ્યું ” ચપરાસી ! દરવાઝા બંધ કર !!”

તેરા બાપ કપટી

પહાડી લોક પહાડી સડકોની કોરાણે નાના ઝૂંપડા કરીને ચા ની હોટલો કરે અને ઉભા મોરાદાબાદી પવાલામાં આવતા જતા વટેમાર્ગુઓને ચા વેચે.
આ પહાડી લોકો અગાઉ અંગરેજોથી બહુ ડરતા. પણ આઝાદી આવ્યા પછી એકદમ હિંમત વાળા બની ગયા.
એવામાં એક પહાડીની ચા – દુકાને એક અંગરેજ જઈ ચડ્યો. બાંકડા પર બેસીને કહે,” ટુ કપ ટી! ”
પહાડી દુકાનદાર ગુસ્સે થઈ ગયો. કહે “એ મી કપટી નેઇં, તૂ કપટી, તેરા બાપ કપટી, તેરા ભાઇ કપટી, તેરા ચાચા કપટી, તેરા બેટા કપટી; એ મી કપટી નેઇ, અબ તો જય હિન્દ હો ગયા. અબ કપટી અંગરેજકી ચલને વાલી નેઇ !!! ”

( હિંમતલાલ દવેનો જન્મ લીંમડી પાસેના શિયાણી ગામે થયો હતો. ઘર છોડીને સન્યાસી બન્યા પછી ભારતભરમાં ખૂબ ભ્રમણ કર્યું. ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી સ્વામી આનંદ ‘નવજીવન’ ના પ્રકાશનમાં જોડાયા. તેમના પુસ્તકોમાં અનોખા અનુભવ પ્રસંગો આલેખાયા છે અને પ્રસ્તુત પ્રસંગો સ્વામી આનંદ લિખીત અને દિનકર જોશી સંપાદીત ‘આંબાવાડીયુ’ માંથી લેવામાં આવ્યા છે. ધોરણ 6ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પણ તેમને સ્થાન મળ્યું છે અને આ ખૂબ સરળ માનવસ્વભાવનો પરિચય કરાવતા પ્રસંગો ટૂચકાની જેમજ સહજ હાસ્ય પ્રેરે છે.)


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ટૂ કપ ટી અને અન્ય હાસ્યપ્રસંગો – સ્વામી આનંદ

  • Heena Parekh

    મકરંદ દવેનું “સ્વામી અને સાંઈ” વાંચ્યું હતું ત્યારે સ્વામી આનંદનો પહેલો પરિચય થયો હતો. પણ આપે એમના રમૂજી સ્વભાવનો પરિચય કરાવ્યો તે કંઈક અલગ જ છે.

  • jjugalkishor

    સ્વામી આનંદનું ગુજરાતી એક અલગ પ્રકારનું જ હતું. ગુજરાતી સાહિત્યમાં સ્વામી આનંદની ભાષા–શૈલી બેજોડ છે. ગુજરાતીના રસિયાઓએ એમનાં પુસ્તકો વાંચવાં જ જોઈએ.

    એમનાં લખાણોમાંથી આપી શકાય તેટલું આપશો તો ગુજ.નેટ માટે આશીર્વાદરુપ થશે.

    ધન્યવાદ અને આભાર.