મુન્ની મારી બે’ન – અલ્પ ત્રિવેદી 3


મુન્નીમારી બે’ન છે, ભાઇ મુન્ની મારી બે’ન
નાની અમથી મુન્ની કરતી જાતજાતના વેન.            નાની અમથી.

વ્હેલી સવારે ચાર વાગે, મુન્નીબે’ન જાગે છે,
નાના એવા મુન્નીબે’ન, બ્રશ મોટું માંગે છે,
ઘરના બધા જાગે પછીથી, મુન્નીને પડતુ ચેન.          નાની અમથી.

આખી શેરડી માગે છે, કટકા એના કરાવે છે,
કટકામાંથી આખી શેરડી કરવા ઘર ગજાવે છે,
પપ્પા વિના મનાવવી એને, ક્યાં છે કોઇની દેન?     નાની અમથી.

શિયાળામાં ગરમ કપડાં, ઘરમા સૌ પહેરે છે,
ઉનાળાનાં કપડા પહેરી, મુન્ની આંટા મારે છે,
થર થર ધ્રુજે દાદા – દાદી, મુન્ની માગે ફેન.                 નાની અમથી.

લેસન કરવા નથી દેતી ને પુસ્તક ફાડી નાખે,
બધી વાતમા સાચી મુન્ની, રોઇને રાજ રાખે,
રોજ સવારે નવી નવી એ, પપ્પાથી માગે પેન          નાની અમથી.

( શ્રી અલ્પ ત્રિવેદી મહુવા (ભાવનગર) ની એક આગવી રચનાત્મક પ્રતિભા છે. જાન્યુઆરી 1977માં તેમની એક નવલકથા “છેલ્લું પગથીયું પ્રેમનું” પ્રસિધ્ધ થઇ હતી. તે પછીથી તેઓ શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાના સ્વાધ્યાય પરિવારમાં જોડાયા અને વર્ષો સુધી તેમાં ખૂબ સક્રિય રહ્યાં અને હજુ પણ છે. એ સમયગાળામાં તેમની રચનાત્મકતા તેમણે રચેલા ભાવગીતોમાં સુપેરે વ્યક્ત થઇ.

હાલ તેમનો એક કવિતા સંગ્રહ “પછી” પ્રસિધ્ધિના પંથે છે અને દિવાળીના સમયગાળામાં તેનું વિમોચન થશે તથા ડિસેમ્બર માસમાં તેમની રચેલી બીજી નવલકથા પણ પ્રસિધ્ધ થવાની છે. આ સર્જન ઉપરાંત તેમણે ખૂબ સરસ એવા બાળગીતો પણ ઘણાં રચ્યા છે. બાળકોની ભાષામાં સરળ સહજ રીતે તેમની વાતો અને ભાવનાઓની અભિવ્યક્તિ એ કુશળ કલાકારનું જ કામ છે. તેમણે રચેલા બાળગીતોના સંગ્રહમાંથી આજે એક સરસ મજાનું બાળગીત અહીં મૂક્યું છે. આ બાળગીતો પણ એક સંગ્રહ તરીકે આપણને મળે તથા તેમની કલમની પ્રસાદી આપણને હજુ ખૂબ મળતી રહે તેવી તેમને વિનંતિ. અક્ષરનાદ તરફથી તેમના પ્રસિધ્ધ થનારા કાવ્યસંગ્રહ તથા નવલકથા માટે ખૂબ શુભેચ્છાઓ. )


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 thoughts on “મુન્ની મારી બે’ન – અલ્પ ત્રિવેદી

  • anju

    ખુબ સરસ, અલ્પ ભાઈ આવિજ રિતે સ્વાધ્યાય કરતા રહો અને અમને ભાવગિત આપતા રહો
    હુ પન સ્વાધ્યાયિ છુ.

  • ડૉ.મહેશ રાવલ

    સુંદર અને બાળસહજભાવની સરસ અભિવ્યક્તિ વણાઈ છે પ્રસ્તુત રચનામાં.
    કવિશ્રીને અભિનંદન અને આવતા સંગ્રહ “પછી” માટે પ્રથમથી જ શુભેચ્છાઓ.