માનવ સેવાનો મહાયજ્ઞ – જીગ્નેશ અધ્યારૂ 8


વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે…
પરદુ:ખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે…

મનમાં પરોપકારનું કોઇક કામ કરવાની, બીજાની પીડા અને તકલીફ દૂર કરવાની અદમ્ય ઇચ્છા, કોઇક અગમ્ય અનન્ય પ્રેરક બળ, અખૂટ ધગશ અને લગન, માનવસેવાના એક પછી એક એમ દરેક ક્ષેત્રમાં ખૂબ મહત્વપૂર્ણ અને નોંધપાત્ર યોગદાન, પ્રસંગોપાત જરૂરતમંદ વ્યક્તિઓની કોઇ પણ ભેદભાવ વગર, પૂરી નિષ્ઠાથી, ઉપલબ્ધ બધી સગવડો વાપરીને મદદ કરવી અને છતાંય પોતાના નામ કે પ્રસિધ્ધિનો ન કોઇ મોહ, ન પ્રયત્ન. નરસિંહ મહેતાએ કદાચ વૈષ્ણવજનનું વર્ણન કરતી વખતે આ જ ગુણોને ધ્યાનમાં રાખ્યા હતા. એ જમાનો અને આજના સમયમાં કેટલો ફરક છે? આજના સમયમાં આ જ ગુણો ધરાવતી કોઇ વ્યક્તિ, તમારી અને મારી વચ્ચે તદન સાહજીકતાથી, કોઇ મોટા દેખાડા કે સમાજના મોભી બનવાની લાલચ વગર, જનસેવાના દરેક પ્રકારને પૂરેપૂરી શ્રધ્ધા, અને આત્મવિશ્વાસથી સ્પર્શતા હોય એ વાત માંનવી કેટલી સાહજીક છે? થોડાક દિવસો પહેલા હું મળ્યો એક એવાજ તરવરીયા, હોંશીલા અને માનવસેવાની ધગશ ધરાવતા, વૃધ્ધ છતાં યુવાન એવા શ્રી ડોક્ટર પ્રફુલ્લભાઇ શાહને. અમરેલી અને હવે ભાવનગર તાલુકાની ભાગ્યેજ કોઇ પ્રાથમિક શાળા હશે જ્યાં તેમણે શિક્ષકો અને બાળકો ને વાંચતા ન કર્યા હોય. બાળકોમાં શિષ્ટવાંચનનો વ્યાપ વધે અને તેઓ સારા પુસ્તકો વાંચતા અને સારા વિચારો કરતા થાય તેવા શુભ હેતુથી અમરેલી તથા ભાવનગર જીલ્લાની 754 થી વધુ પ્રાથમિક શાળાઓને તેમણે પુસ્તકાલયો વસાવી આપ્યા છે. અને ફક્ત પુસ્તકાલયોના આરંભથી તેમની જવાબદારી પૂરી નથી થતી, પરંતુ એ પુસ્તકાલયો સતત વંચાતા રહે, અને બાળકો તેમાંથી મહત્તમ લાભ લઇ શકે તેનું પણ તેઓ સત્તત ધ્યાન રાખે છે. આ માટે બાળકો અને શિક્ષકોના અસંખ્ય પત્રો તેમને મળે છે અને એ દરેક પત્રનો તેઓ અંગત રીતે જવાબ આપે છે. વાંચનના આ મહાયજ્ઞમાં તેઓ સતત તેમની મહેનત, સમર્પણ અને ખંતથી આહુતીઓ આપ્યા કરે છે.

મહુવાથી સાવરકુંડલા જવા નીકળ્યો ત્યારે વાપીના શ્રી ગોપાલભાઇ પારેખ પાસેથી ઘણી વખત તેમના દ્વારા થતી માનવસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ વિશે જાણીને મનમા સહજ રીતે જાગેલો એક અહોભાવ હતો અને એ બધી પ્રવૃત્તિઓ વિશે વિગતે જાણવાની ઉત્કંઠા પણ હતી. મનમાં હતું કે કદાચ તેમની પાસે અમને મળવા સમય ન પણ હોય કારણકે એટલી બધી પ્રવૃત્તિઓ સાથે તેમનું નામ જોડાયેલું છે કે મનમાં થાય, તેઓ ખૂબ વ્યસ્ત હશે અને તેમને ખલેલ પહોંચાડવી પણ બરાબર ન કહેવાય. એટલે થોડાક ખચકાટ સાથે ફોન કર્યો તો સામેથી એટલો હોંશભર્યો આવકાર મળ્યો કે તેમને મળવાનો ઉત્સાહ બેવડાઇ ગયો અને મહુવાથી સાવરકુંડલા પહોંચતા સુધી એક ઉમંગ અને ઉતાવળે ઘેરી રાખ્યો.

સાવરકુંડલા પહોંચીને એક દુકાનવાળા ભાઇને પૂછ્યું કે ડો. પ્રફુલ્લભાઇ શાહનું ઘર ક્યાં આવ્યું? તો એ ભાઇ અમને તેમના ઘર સુધી મૂકી ગયા. પ્રફુલ્લભાઇને જુઓ તો તેમની સાદગીમાં ક્યાંય આટલી બધી વ્યસ્તતા અને પ્રવૃત્તિઓની ઝલક ન દેખાય. એક અજબની શાંતી ચારેકોર પ્રસરેલી હતી. તેમણે અમને ખૂબ ઉષ્માભર્યો આવકાર આપ્યો. ફોન પર પહેલા ગોપાલકાકાએ અને પછી મેં મારો પરિચય તેમને આપ્યો હતો એટલે તે મારા વિશે થોડુઘણું જાણતા હતા. પણ જાણ્યે અજાણ્યે એક અજબની આત્મીયતા તેમના વર્તનમાંથી આપોઆપ નીતરી આવે. હમણાં થોડાક જ વખત પહેલા તેમનું ઓપરેશન થયેલું છે એટલે  બેસવામાં તકલીફ હોવા છતાં તેમણે અમારી સાથે આ આખી મુલાકાત ખુરશી પર બેસીને કરી. તેમની સાથે અમે બેઠાં અને તદ્દન સાહજીક રીતે વાતચીતની શરૂઆત કરી. તેમના અને તેમના કાર્ય દ્વારા પ્રેરીત થઇને આ લોકયજ્ઞમાં સાથ આપનારા સંખ્યાબંધ લોકો વડે ચલાવાતી સંસ્થા એટલે સોનલ ફાઉન્ડેશન. અને આ બધી પ્રવૃત્તિઓ સાથે તેમને ગુજરાતી સાહિત્ય પ્રત્યે એટલો પ્રેમ છે કે તેમના ઘરે લગભગ બે ઓરડા ભરાય એટલા પુસ્તકો છે. ગુજરાતીના જાણીતા ગઝલકારોના શેર તેમની વાતોમાં વારેવારે સાંભળવા મળે અને એ સાંભળવા સાથે તેની સાચી સમજ અને અનુભૂતી એક અલગ વિશ્વમાં લઇ જાય. ડોક્ટરના વ્યવસાય દરમ્યાન તેમને થયેલા અનુભવો અને સોનલ ફાઉન્ડેશન વિશેના તેમના ઘણાં લેખો અખંડ આનંદ જેવા સામયિકોમાં પ્રસિધ્ધ થાય છે. આવા બધાં અનુભ્અવોનું ભાથુ એક સુંદર પુસ્તક સ્વરૂપે પણ તૈયાર કરવા તેમને મિત્રો અને શુભેચ્છકો સત્તત વીનવે છે, અને આ બધી પ્રવૃત્તિઓમાં પ્રફુલ્લભાઇને તેમના ધર્મપત્નિ ઇન્દિરાબહેન નો સત્તત અને અવરિતપણે સહકાર મળ્યા કરે છે.

પ્ર.      પ્રફુલ્લભાઇ, સૌપ્રથમ તો સોનલ ફાઉન્ડેશન વડે થતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ વિશે થોડુંક જણાવશો.

જ.      મરીઝસાહેબનો એક શે’ર છે,

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીઝ
એક તો ઓછી મદિરા છે, ને ગળતુ જામ છે…

કોઇ પણ પ્રવૃત્તિ કરવા માટે પ્રેરકબળની અને અનુરૂપ પ્રસંગોની મહત્તા અજબ હોય છે. આપણે કરવા ધાર્યું પણ ન હોય છતાં સંજોગો જ કાંઇક એવા થઇ જાય કે આપણે એ કામમાં નિમિત્ત બની જઇએ. અને જ્યારે એ પ્રવૃત્તિના પરીણામે લોકોના ચહેરા પર સંતોષ અને રાહત દેખાય ત્યારે થાય કે સમય કેટલો ઓછો છે અને કામ કેટલા વધારે છે. સોનલ ફાઉન્ડેશનની બધી પ્રવૃત્તિઓ વિશેની વિગતવાર માહિતિ આપને અમારા માહિતિપત્રકમાંથી મળી રહેશે. આ પ્રવૃત્તિઓ છે, રક્તપિત દર્દીઓ માટે ગામડે ગામડે ફરી નિદાન, સારવાર, પુનર્વસન અને લોકજાગૃતિ, અપંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ વ્હીલચેર, કેલિપર્સ, ઘોડી, ફોરપેડ સ્ટીક, વોકર, બહેરી વ્યક્તિઓને શ્રવણ યંત્રો, ટી બી ના દર્દીઓને રાહતદરે / નિ:શુલ્ક સારવાર, ગાયનું દૂધ, પ્રોટીન પાઉડર, મંદ બુધ્ધિના બાળકો માટે કેર યુનિટ અને તેમની કેળવણી, જરૂરતમંદ અને સ્વનિર્ભર થવા માંગતી બહેનોને માટે સિવણ વર્ગો, અને આ ઉપરાંત અમરેલી તથા ભાવનગર જીલ્લાની 754 થી વધુ પ્રાથમિક શાળાઓને પુસ્તકાલયો વસાવી આપવા, અને તેમનો સતત ઉપયોગ થાય તે માટે શિક્ષકો અને બાળકો સાથે સતત સંપર્ક કરવો. આ ઉપરાંત સોનલ ફાઉન્ડેશન સ્કેચ પરીવાર સાથે મળીને સંયુક્ત રીતે પ્લાસ્ટિક સર્જરી કેમ્પ, દત્તક દિકરી યોજના જે અંતર્ગત પછાત અને ગરીબ વિદ્યાર્થિનીઓને સાક્ષર કરવાની યોજના, વિધવા તથા ત્યક્તા બહેનો માટે સીવણ વર્ગો તથા શાળાના બાળકો માટે વિવિધ સ્પર્ધા વગેરે આયોજનો પણ થાય છે. આ ઉપરાંત આ બંને સંસ્થાઓ કાવ્ય ગઝલ અને છંદ લેખન શિબિર, કથ્થક શિબિર, છાશ કેન્દ્ર જેવી પ્રવૃત્તિઓ પણ આયોજીત કરાય છે.

પ્ર.      સોનલ ફાઉન્ડેશનની શરૂઆત કઇ રીતે થઇ?

જ.      સોનલ ફાઉન્ડેશન નું નામ અમારી પુત્રી સોનલને સમર્પિત છે. તે કોઇક પરોપકારી આધ્યાત્મિક જીવ હતો. લોકસેવા એ જ તેનો જીવનમંત્ર. એ બીજાના દુ:ખે દુ:ખી થતી અને તેમના સ્મિતમાં પોતાનું સ્મિત શોધતી. સમાજના જરૂરતમંદ અને પીડીત વર્ગની સહાયતા અને સેવા માટે તે સદા તત્પર રહેતી. માસ્ટર ઇન સોશ્યલ વર્કની ડિગ્રી કદાચ તેણે એટલે જ મેળવી હતી. કોઇ પણ વ્યક્તિ મુસીબતમાં દેખાય તો તે ગમે તે ઉપાયે તેની મદદ કરતી. અને મેં તમને કહ્યું તેમ કોઇ પણ કાર્ય પાછળ તેને અનુરૂપ પ્રેરણાની અને સંજોગોની ભૂમીકા અગમ્ય હોય છે. તેમના અકાળે થયેલા અવસાન પછી અમે વિચાર્યું કે તેની પ્રવૃત્તિઓ આગળ ધપાવવાથી વધારે અંજલી તેને કઇ હોઇ શકે? અને આ રીતે સોનલ ફાઉન્ડેશન શરૂ થયું.

પ્ર.      આપે કહ્યું કે કોઇ પણ પ્રવૃત્તિ કરવા માટે અનુરૂપ પ્રેરક પ્રસંગોની મહત્તા હોય છે. તમને આ સેવાકીય પ્રવૃત્તિઓ માટે પ્રેરણા મળી હોય એવા એક બે પ્રસંગો જણાવશો?

જ.      ઘણાં વર્ષો પહેલાની વાત છે, ત્યારે રક્તપિતનો રોગ ખૂબ વકરેલો હતો અને ગુજરાતભરમાં તેના ઘણાં દર્દીઓ હતા. અમે અમારા બા સાથે વડોદરા હતા ત્યારે ત્યાંના શ્રમમંદિર માં રક્તપિતના દર્દીઓની સેવા તથા દેખરેખ થાય છે એવી માહિતિ મળી. શ્રમમંદિર ઉદ્યોગપતિ શ્રી ઇન્દુભાઇ પટેલે સિંધરોટ ખાતે શરૂ કરાવેલું, વડોદરામાં ગોત્રી થઇ સિંધરોટ જવાય છે. આ ત્યાં રક્તપીતના 700 જેટલા દર્દીઓ હતા, ત્યારે શ્રી સુરેશભાઇ સોની શ્રમમંદિર ચલાવતા. તેમણે શ્રમમંદિરને ભારતભરમાં જાણીતું કરેલું. તેઓ ચડ્ડા બનીયાનધારી હતા. તેમણે ગણિતમાં ગોલ્ડ મેડલ મેળવેલો. અને વડોદરા યુનિવર્સિટીમાં Maths વિભાગમાં Head of Department હતાં, તે વ્યવસાય છોડીને ફક્ત કરુણાભાવથી અને માનવ સેવાની ઉચ્ચતમ અવસ્થા માટે તેઓ રક્તપિતના દર્દીઓની સેવા માટે જોડાયેલા. જો કે મતભેદને કારણે તેમણે પાછળથી શ્રમમંદિર છોડી દીધેલું. હાલ તેઓ મહેસાણા પાસે હિંમતનગર શામળાજી રોડથી રાજેન્દ્રનગર ચોકડી પાસે સહયોગ કુષ્ઠ રોગ ટ્રસ્ટ ચલાવે છે. અમે શ્રમમંદિર એટલે તેમને રક્તપિતના દર્દીઓની ભરપૂર સેવા કરતા જોયા, અમને બધાને થયું કે સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું સેવા કાર્ય કરવુ જ જોઇએ. આ રોગ પ્રત્યે પહેલેથી જ એક ઘૃણાની નજરે આપણે જોતા આવ્યા છીએ. અને એ રોગીને સમાજની મુખ્ય ધારાથી અલગ કરી આપણે એક મોટું પાપ કરતા રહ્યા છીએ, એ રોગનો ઇલાજ પણ થઇ શકે છે, અને આટલા સુનિયોજીત સ્તરે થઇ શકે છે એ વિચારે, એ પ્રેરક પ્રસંગે અમને આ કાર્ય કરવાનું ધ્યેય અને ઉત્સાહ પૂરા પાડ્યા. સોનલ ફાઉન્ડેશન દ્વારા ગામડે ગામડે ફરી રક્તપીત માટે લોકજાગૃતિ, નિદાન, સારવાર અને પુનર્વસનનું કામ સંતોષકારક રીતે કરાયું છે. હજી પણ જો કોઇ દર્દી આવે તો તેનો ઇલાજ આપવામાં આવે છે. આ કાર્ય માટે ફાઉન્ડેશનને સત્તત ત્રણ વર્ષ સુધી લાયન્સ ઇન્ટરનેશનલ તરફથી પ્રથમ ઇનામ તથા 1992 માં શ્રી અશોક ગોધીયા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે.

પ્ર.      આપની પુસ્તકાલય પ્રવૃત્તિની શરૂઆત કરવાનો વિચાર કઇ રીતે આવ્યો અને આ પ્રવૃત્તિથી થતા સુધારણા અને લોકસેવાના કાર્ય વિશે થોડુ જણાવશો.

Dr Prafulbhai Shahજ.      આજે બાળકો પર ભણતરનો ભાર ઘણો છે. એક થેલો ભરીને પુસ્તકો લઇને બાળકોને શાળાએ જવાનું, ટ્યુશનનો વ્યાપ વધવાથી શાળાઓમાં શિક્ષણ પૂરતું ન મળે; એટલે મા બાપે બાળકોને માટે ટ્યુશનો ફરજીયાત રાખવા પડે. દરેક બાળકને એક થી વધારે ટ્યુશન હોય છે. બાળક શાળાએથી ઘરે આવે એટલે તુરત ટ્યુશનમાં જવા દોડવાનું. બાળક સાંજના ઘરે આવે ત્યારે લોથપોથ થઇ ગયો હોય. થાકેલો બાળક પુસ્તક વાંચવાને બદલે ટી.વી. સામે બેસી જાય અને મા બાપનું કહ્યું પણ ગણકારે નહીં. આપણે સૌ જાણીએ છીએ કે ટી.વી માં આજકાલ શું જોવા જેવુ હોય છે. ભારતીય સંસ્કૃતિને ન છાજે તેવું ઘણું બતાવાય અને તેના કારણે બાળકના વિચારોમાં પણ પરિવર્તન આવે.

આ પરિસ્થિતિને સમજીને અમારા મોટા બહેન વિનોદિની બહેન (તેઓ સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ છે) ને વિચાર આવ્યો કે બાળકોને ટી.વી. થી દૂર કરવા, સારા વિચારો કરતા કરવા અને જ્ઞાન મળે તે માટે પ્રાથમિક ધોરણથી ઇતર વાંચનની ટેવ પાડીએ તો જ આ દૂષણથી તેમને બચાવી શકાય. આ માટે તેમણે સુરેન્દ્રનગરમાં વિવિધ સ્થળોએ મારા પિતાજી શાંતિલાલ ગીરધરલાલ શાહના નામે પુસ્તકાલયો શરૂ કર્યા, અને તેમને બહેનોનો સરસ સાથ મળ્યો. બહેન ઘરે પુસ્તકાલય ચલાવે, બાળકો પુસ્તક લેવા હોંશે હોંશે આવે અને તેમને કયુ પુસ્તક વધારે ગમે છે તે બરાબર જુએ, વાંચે પછી પસંદ કરીને લઇ જાય. તેમણે સુરેન્દ્રનગરમાં ધુણી ધખાવી. બહેનને આજે 80 વર્ષ થયા પણ આ આનંદ હજી પણ તેઓ સતત મેળવે છે. અમને મનમાં વિચાર આવે કે આ કામ કરવા જેવું છે પણ હિંમત ચાલે નહીં, ડોક્ટર હોવાને નાતે આવી જવાબદારી લેવી મુશ્કેલ લાગે. અમે જ્યારે સુરેન્દ્રનગર જઇએ ત્યારે બહેને બાળકોનો મેળાવડો યોજ્યો હોય અને બાળકોને પુસ્તકો આપવામાં ગુંથાયેલા હોય. મારા પત્ની ઇન્દિરાને મન થઇ ગયું કે આવું કાર્ય અમારે સાવરકુંડલામાં શરૂ કરવુ. અમારા મિત્ર સત્યમુનિ સાહિત્યપ્રેમી અને બાળકોની પ્રવૃત્તિમાં રસ લેનારા, બીજા એક મિત્ર બાલાભાઇ વણજારા પ્રાથમિક શાળામાં શિક્ષક છે. તેઓને આ વાત કરી. બાલાભાઇએ અઠવાડીયામાં 150 ફોર્મ ભરાવ્યા. તા. 13 એપ્રિલ, 1997 ના દિવસે સત્યમુનિના હસ્તે બાળ પુસ્તકાલયની શરૂઆત કરી. શરૂઆતમાં 800 થી 1000 જેટલા પુસ્તકો ખુલ્લા મૂકેલા. 125 બાળકો પહેલા દિવસે પુસ્તકો લેવા આવેલા. બાળકોના કિલ્લોલ અને સુંદર વાતાવરણ વચ્ચે પુસ્તકાલય શરૂ થયું. મંગળવાર અને શુક્રવારે પુસ્તકો આપવાનો સમય રાખેલો. ઇન્દિરાએ પુસ્તકાલય ચલાવવાની જવાબદારી સ્વીકારેલી, એટલે સાંજે 4 થી 7 સુધી, થાકી જાય ત્યાં સુધી બાળકોની લાઇન રહેતી. ધીમે ધીમે બાળકોની સંખ્યા વધતી ચાલી. અમે પણ તેમનો ઉત્સાહ વધારવા વિવિધ કાર્યક્રમો આપતા રહ્યાં જેવા કે વકતૃત્વ સ્પર્ધા, વાર્તા લેખન, ચિત્રકામ, રંગપૂરણી, એક મિનિટ, ઉદ્યોગ, અંતાક્ષરી, રમતગમત, તહેવારો ઉજવણી જેમાં હોળીના દિવસે બાળકો સાથે રંગે રંગાયા, બેસતા વર્ષે સ્નેહમિલન, મકરસંક્રાંતિ વખતે પતંગ વગેરે..

દરેક બાળકને હરિફાઇમાં ઇનામ મળે, ભાગ લેનાર દરેકને નાનુ –મોટુ ઇનામ તો મળેજ. કોઇ બાળક નિરાશ ઘરે ન જવું જોઇએ. બાળકોને તેમના જન્મદિવસે પત્ર મળે તે પ્રયોગ સૌથી ઉત્તમ રહ્યો. બાળકને અમે શુભેચ્છા આપતા પત્ર લખીએ. બાળક ટપાલીની રાહ જોઇને ઉભુ હોય. અને પત્ર મળે કે બધાને બતાવે, એક ખુશીનું મોજુ ઘરમાં ફરી વળે. બાળક અને તેના માતાપિતા આ પત્રોનો ઉત્તર આપે, તેમનો નીતરતો પ્રેમ અને આ પ્રેમની લૂંટાલૂંટ અમે માણીએ. એક ઘરે અમે ગયેલા અને વાતો કરતાં કરતાં દીકરીના દાદીમાએ હરખ વ્યક્ત કર્યો કે તમે આ દીકરીને શું પાયું છે? કે ઘરમાં કોઇ પણ કામ કરતા પણ તેના હાથમાં પુસ્તક તો હોય જ. બાળકોની સંખ્યા ધીમે ધીમે 550ની ઉપર પહોંચી. ઇન્દિરા બાળકોને વહાલ કરતા જાય અને પુસ્તક આપતા જાય. ઘરે મહેમાન આવે તો પણ કામ છોડવાની વાત નહીં. મહેમાન પણ આ જોઇને ખુશ થાય. અમે ઘણી વાર વિચારતા કે કુંડલાના બાળકોને તો ઇતરવાંચનનો લાભ મળે છે પણ આ કાર્ય મોટા ફલક પર થવું જ જોઇએ. પણ કોઇ ચોક્કસ યોજના કે વિચાર આકાર લેતો ન હતો.

એક દિવસ રાતના એક વાગ્યે સુધાબેન મૂર્તિનું પુસ્તક ‘સંભારણાંની સફર’ હાથમાં આવ્યું, જેનો અનુવાદ સોનલબેન મોદીએ કર્યો છે અને આખુ પુસ્તક વાંચ્યું. તેમાં એક વાત મને સ્પર્શી, સુધાબેનના દાદા પ્રાથમિક શાળાના શિક્ષક હતા, તેઓ સુધાબેનને દરરોજ એક વાર્તા કરે અને પછીજ તેમને ઉંઘ આવતી. સમય જતા દાદા પાસે વાર્તાનો ભંડાર ખાલી થઇ ગયો. એકની એક વાર્તા પાછી સાંભળવી તેમને ગમતી નહીં એટલે દાદાએ તેમને પુસ્તકાલય લઇ જવાનું શરૂ કર્યું. દાદા દીકરીને પુસ્તકો કાઢી આપે અને સુધાબહેન તે વાંચે. સમય વીતતો રહ્યો, દીકરી કોલેજમાં દાખલ થઇ, દાદાનો અંતકાળ નજીક આવ્યો. દાદાએ દીકરીને બોલાવી એટલું જ ક્હ્યું કે મારા અવસાન પછી મને યાદ કરી એક પુસ્તકાલય કરજે. આજે સુધાબહેન ઇન્ફોસીસના ચેરમેન નારાયણમૂર્તિના પત્ની છે અને પોતે સમાજ સેવિકા છે. કર્ણાટકમાં તેમણે 10,000 પુસ્તકાલયો કર્યા છે. આપણે બે મીંડા કાઢી નાખીએ અને 100 પુસ્તકાલય અમરેલી જીલ્લામાં કરીએ તો કેમ? મારી પત્નીને જગાડીને ત્યારેજ વાત કરી અને તે તુરતજ સહમત થયા. બીજે દિવસે પેપરમાં જાહેરાત આપી અને જોતજોતામાં શિક્ષકોના પત્રોનો ઢગલો થઇ ગયો. સારી એવી મહેનત કરીને ધોરણ 1 થી ધોરણ 7 સુધીના બાળકો વાંચી શકે તેવા અંદાજે 400 શ્રેષ્ઠ પુસ્તકોની એક પુસ્તકાલય માટે પસંદગી કરી જે લગભગ 7000 રૂપિયાની આસપાસ થતા હતા. જુદા જુદા પુસ્તકવિક્રેતાઓ સાથે વાત કરી અને તેઓ અમને 30 થી 50 ટકા જેટલુ વળતર આપવા સહમત થયા. ચાર મહીનામાં અમે 100 પુસ્તકાલયો ખોલી શક્યા. મોટા ભાગની શાળાઓમાં અમે જાતે પુસ્તકાલય ખોલવા જતા.

અમરેલી જીલ્લાના 630 ગામડાઓ અને તેની 650 જેટલી મોટી પ્રાથમિક શાળાઓ અને 100 જેટલી નાની શાળાઓ. શિક્ષકોના પત્રો આવતા જ ગયા પરંતુ 754 શાળાઓને પુસ્તકો આપવા એટલે 35 થી 40 લાખ સુધી ખર્ચ પહોંચે. તે મેળવવા એ કપરૂ કામ હતું પણ વિચાર્યું કે આ તો પ્રભુનું કામ છે, તો તે પુરૂ પણ તે જ કરશે.

શાયર નાઝીરનો એક શે’ર છે,
પ્રભુના કાર્ય પલટાતા કદી મેં જોયા નથી,
અને આંસુઓને આંખમાં પાછા જતા કદી જોયા નથી,
ગગનમાં ખરતા નિહાળ્યા છે ઘણા તારલા
પણ એ તારલાને પાછા ગગનમાં જતાં જોયા નથી.

બસ, કાર્ય આરંભી દીધું, શિક્ષકોના પત્રો આવવા લાગ્યા. અનેક શાળાઓના બાળકોના પત્રો પણ આવવા લાગ્યા. ત્યાં અમને એક વિચાર સ્ફૂર્યો કે સંત શ્રી મોરારીબાપુને બોલાવીએ. તેઓ સાહિત્યના જીવ તો છે જ પણ એક શિક્ષકનો જીવ પણ છે, તેઓ શિક્ષકોને સંબોધન કરશે તો શિક્ષકોમાં નવી ચેતના જાગશે અને કાર્યની સફળતા નિશ્ચિત બનશે. આ કાર્યક્રમ અંતર્ગત પાંચ વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્રકામ, વકતૃત્વ, રંગપૂરણી, બાળગીત અને વાર્તા હરીફાઇ વગેરે વિવિધ શાળાઓમાં યોજવામાં  આવી જેમાં 7000 બાળકોએ ભાગ લીધો. બાપુએ બાળકો અને શિક્ષકોને સંબોધન કર્યું. પૂ. બાપુના આશિર્વાદે યોજાયેલા આ કાર્યક્રમથી અમારું કામ સફળ થઇ ગયું. માર્ચ 2008 સુધીમાં એટલે કે બે વર્ષમાં અમે 754 પુસ્તકાલયો આપી શક્યા. અમરેલી જીલ્લાની દરેક સરકારી પ્રાથમિક શાળાને પુસ્તકાલય અપાયું. આ શાળાઓના આશરે 200000 જેટલા બાળકોને આ પુસ્તકો પહોંચ્યા અને એ બાળકો પુસ્તકો વાંચે તે માટે શાળાઓના આચાર્યોને સત્તત ફોન, પત્રો લખતા રહ્યા, વાલી સંમેલનો યોજાયા, અમારા પર પત્રો આવવા શરૂ થયા.

The Lettersપ્ર.      પુસ્તકાલયની અસરકારકતા અને બાળકોના ગમા અણગમા વિશે આપ કઇ રીતે માહિતી મેળવો છો?

જ.      મોટાભાગની શાળાઓમાં પુસ્તકો વંચાય છે. અને બાળકોને ઘરે વાંચવા આપવામા આવે પછી દર શનિવારે પ્રાર્થનાખંડમાં પ્રાર્થના વખતે બાળકો તેમણે વાંચેલા પુસ્તકમાંથી વાર્તા કહે છે. અમે આચાર્યોને આગ્રહ કરીએ જેથી બાળકો અમને લખે કે તેમને કેવા પુસ્તકો વાંચવા ગમે, કોઇ પુસ્તક વાંચીને તે શું શીખ્યા, તેમને કઇ વારતા વાંચવાની ખૂબ જ મજા આવી વગેરે. બાળકોના પત્રો આવે છે. તેમને પુસ્તકો વાંચવાની કેવી મજા પડે છે, એ વાંચવાથી તેમને શું બોધપાઠ મળ્યો અને કેવા પુસ્તકો વાંચવા વધુ ગમે એ બધુંય તેઓ લખે. ઘણી વખત બાળકો વાર્તાઓ અને તેમના અર્થઘટનો પણ લખીને મોકલે છે. અમુક શાળાઓ તો એવી છે જ્યાંના દરેક બાળકના અમને પત્રો મળ્યા છે. રોજ 30 થી 100 બાળકોના પત્રો આવે. મારા પત્ની દરેકનો જવાબ આપે, તે પત્રો શિક્ષકો શાળાના નોટીસ બોર્ડ પર મૂકાય, બાળક પોતાનું નામ વાંચીને ખુશ થાય. અને અન્ય બાળકો પણ આ જોઇને પુસ્તક વાંચવા અને પત્રવ્યવહાર કરવા પ્રેરાય. આ પત્રવ્યવહાર સતત ચાલુ છે. ફક્ત અમરેલી જિલ્લાની શાળાઓના 12000થી વધુ બાળકોના પત્રો અમને મળ્યા છે. આ પત્રો અમારી મોંઘેરી મૂડી છે. પેલુ ખાનું જુઓ તો તમને પત્રોનો ઢગલો દેખાશે.

પ્રફુલ્લભાઇએ ઉભા થઇને તે ખાનું ખોલ્યુ અને પત્રોનો એક સંસાર ખુલ્લો થઇ ગયો. પત્રોને ગામ પ્રમાણે, અને પછી તાલુકા પ્રમાણે વ્યવસ્થિતપણે ગોઠવીને, બાંધીને ખૂબ કાળજીપૂર્વક સાચવીને રાખવામાં આવ્યા છે. ઘણા બાળકો તેમણે દોરેલા ચિત્રો કે તેમના ભાવવિશ્વની અનુભૂતીઓ પણ મોકલે. અને આ દંપત્તિ દરેક પત્રનો જવાબ પણ એટલી જ લગન અને ધગશથી આપે. વિચારો કે બાળકો તેમના પત્રો મેળવીને કેવા ખુશ થતા હશે?

પ્ર.      અમરેલી જિલ્લાની બધી પ્રાથમિક શાળાઓને આવરી લેતી હરીફાઇના ગત વર્ષે યોજાયેલા કાર્યક્રમ વિશે જણાવશો.

જ.      અમરેલી જિલ્લામાં બધી શાળાઓમાં પુસ્તકો અપાઇ ગયા એટલે થયું કે આખા જિલ્લાની પ્રાથમિક શાળાઓના બે લાખ બાળકોની વાર્તા અને વકતૃત્વ સ્પર્ધા યોજીએ તો બાળકોમાં ઉત્સાહ વધે અને તે કારણે પણ બાળકો ઇતર વાંચન તરફ પ્રેરાશે. જિલ્લા શિક્ષણાધિકારી સાથે ચર્ચા થઇ અને તેઓ હરિફાઇ યોજવા તૈયાર થયા. જિલ્લામાં 11 તાલુકા છે અને દરેક તાલુકામાં હરિફાઇ યોજાય અને બે બાળકો પસંદ થાય. 11 તાલુકા હોઇ બન્ને સ્પર્ધામાં 11 – 11 બાળકો નક્કી થયા અને તેમની વચ્ચે હરિફાઇ યોજવામાં આવી. પ્રોફેસરો અને સાહિત્યકારો નિર્ણાયક તરીકે રહ્યા. દરેક સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ અને બાકીના 16 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપવાનું નક્કી કર્યું. આદરણીય ધર્મબંધુજીને આમંત્રણ આપ્યું તો તેમણે સહર્ષ સ્વીકાર્યું અને 30 ડીસેમ્બર 2008 ના રોજ કાર્યક્રમ યોજાયો. બે બળદગાડામાં પુસ્તકો મૂકાયા અને તેમને શણગારાયા, કુંડલામાં 9500 બાળકોની રેલી નીકળી. “અમને પેપ્સી નહીં, પુસ્તક આપો” જેવા સૂત્રો બાળકો ઉચ્ચારતા હતા. સ્પર્ધામાં પ્રથમ આવેલા બંને બાળકો ખૂબ સરસ બોલ્યા. સ્વામીજી અને સજ્જનો ખૂબ પ્રભાવિત થયા. સ્વામીજીએ પ્રવચનમાં કહ્યું “હવે મંદિર મસ્જિદોની જરૂર નથી. પુસ્તક વાંચનની પરબો ખોલવાની જરૂર છે.” કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો.

પ્ર.      પુસ્તકાલય પ્રવૃત્તિને અમરેલી જીલ્લાથી વધારી અન્ય જીલ્લાઓ સુધી પહોંચાડવાની કોઇ યોજના છે?

જ.      હા, એ કામ પણ શરૂ થઇ ગયું છે. મહુવાના 100 ગામડાઓની શાળાઓ સુધી આ પુસ્તકાલયો આપવાનો કાર્યક્રમ હમણા  પૂ. મોરારીબાપુના હસ્તે યોજાઇ ગયો. પાલીતાણામાં પણ 15 પુસ્તકાલયો અપાયા અને 80 વધુ શાળાઓને એ આપવાની તૈયારી ચાલી રહી છે. ભાવનગર જીલ્લામાં ભાવનગર મહાનગરપાલિકાની લગભગ 80 પ્રાથમિક શાળાઓને શિશુવિહાર સંસ્થા દ્વારા પુસ્તકાલય આપવાનો કાર્યક્રમ જૂન મહીનાની 22 તારીખે યોજાઇ ગયો, જો કે સમગ્ર ભાવનગર જીલ્લાની બધી પ્રાથમિક શાળાઓને પુસ્તકાલય પહોંચાડવાના છે. એ માટે અમારા મિત્ર શ્રી રસિકભાઇ હેમાણીના પ્રયત્નો ચાલુ છે. આ પછી વિવિધ ગામડાઓ સુધી પહોંચવાની પણ તેમની નેમ છે.

પ્ર.      આપ જરૂરતમંદ બહેનો માટેના સિવણના વર્ગોનું પણ આયોજન કરો છો એ વિશે જણાવશો અને આ કાર્યની પ્રેરણા આપને ક્યાંથી મળી?

જ.      એક દિવસ હું મારા દવાખાનામાં દર્દીઓને તપાસતો હતો. એક 20 – 22 વર્ષની દિકરી હાથમાં કેસપેપર લઇને મારી રૂમમાં દાખલ થઇ. તેને પેટનો સત્તત દુખાવો હતો. તેને સમજાવી કે નસમાં ઇંજેક્શન આપવાથી તુરંત મટી જશે પણ તેણે ના પાડી. હું તેનો અર્થ સમજી ગયો કે તેની પાસે પૈસા નથી. મેં તેને સમજાવી કે “દિકરી, ચિંતા ન કર, દવા પણ તને અહીંથી આપીશું.”

તે રડી પડી, મેં પૂછ્યું “બેટા, કેમ રડે છે? તું કોની દિકરી છે? મને કહે દિકરા, તારૂ મન હળવું થશે.”

“સાહેબ, મારા વાંક ગુના વગર મારા પતિએ મને હડસેલી મૂકી છે, તેને બીજી છોકરી સાથે લગ્ન કરવા છે એટલે મને તરછોડી મૂકી છે, અને મારા બાપુ ગરીબ છે, હું અહીં રહું તે તેમને ગમ્યુ લાગતુ નથી. પણ સાહેબ હું શું કરૂં? ક્યાં જાઉં? મને એમ થાય છે કે બસમાં બેસીને જતી રહું, જ્યાં નસીબ લઇ જાય ત્યાં.” તેને દવા આપી અને આશ્વાસન આપ્યું કે તેના માટે જરૂર કાંઇક કરીશું. અને વિચાર્યું તો થયું કે આવી દિકરીઓને પગભર થવા અને જીવનભરની યાતનાઓ સામે લડવાનો માર્ગ બતાવવા સિવણના વર્ગો જેવુ કાંઇક શરૂ કરવુ જોઇએ જેથી તે પોતાની જાત પર વિશ્વાસ કરતી થાય અને બીજા કોઇને ભારરૂપ ન થાય.

દિકરીએ સિવણક્લાસ પૂરા કર્યા અને તરત તેને મશીન અપાવ્યું, તેણે મેટ્રીક પણ પાસ કર્યું, આંગણવાડીમાં દાખલ થઇ અને આજે તે આંગણવાડીમાં નોકરી કરે છે, સાથે સાથે સિવણકામ પણ કરે છે, આમ સિવણવર્ગો શરૂ કરવામાં આ દિકરી નિમિત્ત બની.

સોનલ ફાઉ ન્ડેશન દ્વારા 20 વર્ષ પહેલા સૌથી પ્રથમ સિવણ વર્ગો શરૂ કર્યા. બહેનો સ્વમાનભેર તેમનું કામ કરી શકે અને કમાઇ શકે તે જ અમારો હેતુ. ફી પણ ફક્ત 20 રૂ. લેવામાં આવે છે, અને વિધવા ત્યક્તા બહેનોને તો કોઇપણ ફી વગર શીખવવામાં આવે છે. જે બહેનોને જરૂર હોય તેમને સિવણ મશીન પણ અડધી કિંમતે આપવામાં આવે છે, અને અને વિધવા ત્યક્તા બહેનોને ફી આપવામાં આવે છે. સોનલ ફાઉ ન્ડેશન દ્વારા અત્યાર સુધી 3945 બહેનો સિવણ વર્ગો વડે તાલીમ મેળવી ચૂકી છે અને 910 બહેનોને સિલાઇ મશીન અપાયા છે, જ્યારે 1100 બહેનોને એમ્બ્રોઇડરીની તાલીમ અપાઇ છે. 27 જૂને 13 વિધવા ત્યક્તા બહેનોને આખા આંટાનું ચાર હજાર રૂપિયાની કિંમતના સિલાઇ મશીનો આપ્યા. આ આંકડાઓ કાંઇ નાનાસૂના નથી, એ બતાવે છે કે કરવા ધારેલું કામ કોઇ પણ નાના મોટા વિઘ્નોથીય અટકતું નથી. કેટલા બધા લોકોના જીવનમાં આ નિસ્વાર્થ કાર્ય પ્રકાશ પાથરી રહ્યું છે તેનો આ સ્પષ્ટ ચિતાર છે.

પ્ર.      અપંગ વ્યક્તિઓ માટે સોનલ ફાઉ ન્ડેશન દ્વારા થયેલા કાર્યો આખાય વિસ્તારમા જાણીતા છે, એ કાર્યની શરૂઆત કઇ રીતે થઇ અને એ અંતર્ગત કઇ કઇ મદદ અપાય છે એ વિશે જણાવશો.

જ.      આપણો એક હાથ કે એક પગ એકાદ દિવસ માટે સહેજ જો દુખતો હોયને તો આખો દિવસ વીતાવવો આકરો થઇ પડે છે. આંખે આંજણી થઇ હોય અને એક દિવસ દુખ્યા કરે તો એ દિવસ દુ:ખદાયક થઇ પડે છે. તો આપણા સમાજના અને આપણી વચ્ચેજ કેટલીક શારીરીક ખોડ કે વિવશતાને લીધે કાયમનું દુ:ખ ભોગવતા લોકોના ચહેરા પર આપણે થોડુંક સ્મિત લાવી શકીએ કે તેમને મદદરૂપ થઇ શકીએ તો કેટલું મોટુ કાર્ય થાય?

એક શે’ર છે, કે

ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર
ખુદા જેવા ખુદાના ક્યાં બધા સર્જન મજાનાં છે?

જેમ આપણા કરેલા કાર્યો કાંઇ બધા તદ્દન સુંદર હોતા નથી, તેમ પ્રભુને ત્યાંથી પણ આવો અન્યાય ઘણી વખત થાય ત્યારે એ વિવશતાને દૂર કરવા માટે કાંઇક કરવુ એ તો આપણા સૌની સહીયારી ફરજ ગણાય. અમને અપંગ વ્યક્તિઓ માટે કાર્ય કરવાની પ્રેરણા આપનાર 18 વર્ષનો એક તરવરીયો નવયુવાન યોગેશ. વાંકડીયા વાળ અને સ્વામી વિવેકાનંદ જેવી સુંદર મોટી અને ગહન આંખો ધરાવતો આ નવયુવાન મારી રૂમમાં પ્રવેશે અને બે હાથ સ્ટૂલ પર મુકી ઉંચો થઇ સ્ટૂલ પર બેસે છે, એટલે મને ખ્યાલ આવી ગયો કે તેને બન્ને પગે પોલિયો છે.

વાતવાતમાં તેણે મને વિનંતિ કરી, “સાહેબ, મને ટ્રાઇસિકલ અપાવોને ! મારે જમીન પર ઘસડાઇને ચાલવુ પડે છે. શરીર છોલાઇ જાય છે.” તે વખતે અમે ટ્રાયસિકલ આપવાનું શરૂ કરેલું નહીં. મેં તેને સમજાવીને વાત કરી કે ટ્રાયસિકલ ક્યાં મળે છે તે મને ખબર નથી અને જો તું કોઇ જગ્યાએથી મેળવી લે તો હું તને તેના પૈસા આપીશ.”

ઇશ્વરનો મોકલેલો કદાચ તે આવ્યો હશે અને તેના કિસ્સામાંથી પ્રેરણા લેવાની હશે. હુસેનભાઇ નામના એક ભાઇની તબિયત હું તપાસી રહ્યો હતો. તેમણે અમારી વાત સાંભળી અને મને કહે, “સાહેબ, બસ અકસ્માતમાં મારા મોટા ભાઇના બંને પગ ખોટા પડી ગયા છે, અમે તેમના માટે સોળસો રૂપીયામાં ટ્રાયસિકલ લઇ આવેલા પણ તેમનો કેડથી નીચેનો ભાગ ખોટો પડી ગયો હોવાને લીધે બેસી શક્તા નથી. જો આ ભાઇને તમારે ટ્રાયસિકલ આપવી હોય તો બારસો રૂપીયામાં તમને આપશું.”

તુરંત કમ્પાઉંડરને યોગેશ સાથે મોકલી એ ટ્રાયસિકલ લઇ આવવા કહ્યું, હસતાં હસતાં ત્રણે યોગેશને ટ્રાયસિકલમાં બેસાડીને આવી પહોંચ્યા. યોગેશને હજુ આપવાની ઇશ્વરની ઇચ્છા હશે તે મારા મિત્ર અને હીરાના કારખાનાના માલિક તબીયત બતાવવા આવેલા. તેઓ મારી રૂમમાં ખુરશી પર બેસી વાત સાંભળતા હતા. તેમણે મને સામેથી કહ્યું કે, “સાહેબ! જો તમારી ઇચ્છા હોય તો આ છોકરાને હીરા ઘસવાનું મફત્ત શીખવું. ત્રણ મહીનામાં કામ શીખી જશે પછી મહીને 3000-4000 કમાતો થઇ જશે. આમ એ છોકરાનું જીવન આજે બદલાઇ ગયું અને અમને તેણે વિકલાંગોની સેવા કરવાની નવી દ્રષ્ટિ આપી. અમે અપંગો માટે કામ શરૂ કર્યું, છેલ્લા પંદર વર્ષોથી એ ચાલ્યા જ કરે છે. આ કામમાં સ્કેચ પરિવાર અને અમદાવાદના અંધજન મંડળનો પણ સહકાર મળ્યો છે. (સોનલ ફાઉ ન્ડેશનના અહેવાલમાં જણાવ્યા મુજબ અત્યાર સુધી તેમણે વિકલાંગો માટે કુલ 45 કેમ્પ કર્યા છે જે અંતર્ગત 2223 ટ્રાયસિકલ, 1439 કેલિપર્સ, 800 ઘોડી ક્રચિઝ, 122 ફોરપેડ સ્ટીક અને 30 વોકર આપ્યા છે. સાવરકુંડલા, અમરેલી, ખાંભા, ચલાલા, રાજુલા, મહુવા, જાફરાબાદ, જુનાગઢ, ઉના, માંગરોળ, માળિયા-હાટીના, વેરાવળ, ચોરવાડ, બોટાદ, ગઢડા, બાબરા, કુંકાવાવ, પાલીતાણા અને લીલીયા વગેરે વિભિન્ન ગામો માં થયા છે.)

પ્ર.      ટી.બીના રોગીઓ માટે તથા મંદ બુધ્ધિના બાળકો માટે સંસ્થા દ્વારા થઇ રહેલા કાર્ય વિશે જણાવશો.

જ.      છેલ્લા 20 થી વધુ વર્ષોથી ટી. બી. ના દર્દીઓને નિદાન કરી, સારા થાય ત્યાં સુધી સારવાર આપવામાં આવે છે. દર ત્રણ મહીને તેમની શારિરીક તપાસ થાય છે. દર્દીઓ પાસેથી મહીને ફક્ત 100 રૂપિયા લેવાય છે, જો કે આર્થિક રીતે નબળા દર્દીઓને મફત સારવાર અપાય છે. કુંડલાના દર્દીઓને પ્રથમ ત્રણ માસ ગાયનું એક લીટર દૂધ અને ગામડાના દર્દીઓને પ્રોટીન પાઉડર આપવામાં આવે છે. અત્યાર સુધી 2212 દર્દીઓને સારવાર અપાઇ છે, જેમાંથી 2007 થી 2009 એ બે વર્ષોમાં કુલ 220 દર્દીઓમાંથી 170 રોગમુક્ત થયા છે, 39ની સારવાર ચાલુ છે જ્યારે 11 દર્દીઓની સારવાર અધૂરી છે.

જે ઘરમાં મંદબુધ્ધિનું બાળક હોય તેમના માતાપિતાની હાલત સમજવા જેવી હોય છે, તેમના ચહેરા પર કાયમ તણાવ જોવા મળે, ક્યારેય તેઓ ચિંતામુક્ત હાસ્ય ન કરી શકે. અમે આ પરિસ્થિતિ નિવારવા કુંડલાના 20-22 બાળકોને સવારના 8 થી 12 સાચવીએ છીએ. તેમને પશુ પક્ષી વિશે, ઉખાણા, વાર્તાઓ વગેરે શીખવવામાં આવે છે. સમૂહમાં આ બાળકો પણ શીખી શકે છે. ઉપરાંત દિનેશ બાલચંદ જોશી સંસ્કાર મંદિરમાં ફાઉ ન્ડેશન દ્વારા ફાઇલ સે ન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે.

પ્ર.      પ્રફુલ્લભાઇ, આપ તો આટલી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છો કે આપને ભાગ્યેજ નવરાશ મળતી હશે, પણ જ્યારે આપને હાશકારાનો સમય મળે ત્યારે આપની મનગમતી પ્રવૃત્તિ કઇ?

જ.      ના, એવું જરાય નથી, કોઇ કાર્ય એક વખત શરૂ કરીએ એટલે એને આગળ ધપાવવા કેટલાય હાથ આપમેળે ઉભા થઇ જાય. એના માટે કોઇને બોલાવવા જવુ પડતું નથી, એટલે અમને સમય નથી મળતો એમ નથી. માણસે પોતાના માટે સમય કાઢવો જ જોઇએ. રોજ સાંજે હું અને ઇન્દિરા, અમે બંને અમારા બગીચામાં ચાલીએ, કહો કે ટહેલીએ. (પ્રફુલ્લભાઇના ઘરની પાછળ અને ઘરની સાથેની જગ્યામાં સુંદર બગીચો ખૂબ માવજત અને દેખભાળથી બનાવવામાં આવ્યો છે.) હીંચકે બેસીએ, ચર્ચાઓ કરીએ. મને વાંચવાનો પણ ખૂબ શોખ છે. માણસે પોતાની જાત સાથે વાત કરવા, સત્તત પોતાનો આધ્યાત્મિક અને માનસીક વિકાસ કરવા વાંચતા રહેવુ જોઇએ. મારી અંગત લાઇબ્રેરીમાં ખૂબ પુસ્તકો છે. (તેમના ઘરનો એક મોટો ઓરડો આખો પુસ્તકાલયમાં ફેરવવામાં આવ્યો છે, આ ઉપરાંત અન્ય ઓરડાઓમાં કબાટો પણ પુસ્તકોથી ભરેલા પડ્યા છે અને બધા પુસ્તકો તે વાંચે છે, વંચાવે છે અને વાતોવાતોમાં અનન્ય શે’ર પણ ટાંકી દે છે. ) અમારા બગીચાની દેખભાળ અમારા માળીચાચા કરે છે અને હમણાં 24 મે 2009ની સવારે વિકલાંગોને સાધન વિતરણ સમારંભ યોજ્યો હતો ત્યારે અમને થયું કે કોઇ બીજાને બોલાવીએ એના કરતા અતિપ્રમાણિક અને ઇશ્વર પરાયણ, પાંચ વખતના નમાઝી આદમી એવા માળીચાચાને કેમ ન કહીએ? હું ઘરે ન હોઉં ત્યારે “પ્રફુલ્લભાઇના ઘરની જવાબદારી મારી છે” એમ કહી આ ઘર સાચવતા અમારા માળીચાચા ઘણાં વર્ષોથી આ બગીચાને માવજત આપે છે. એમના જેવા પવિત્ર હાથે જો આ સાધન વિતરણ સમારંભ થાય તો ધ્યેયને પવિત્રતાનું પીઠબળ મળે, અને એ સાધનો પ્રાપ્ત કરનાર ભાઇઓને પણ એ ફળે. એ દિવસ મને હજી પણ યાદ છે, એનું વર્ણન તો શબ્દોમાં કેમ કરવું?

આવી ગયા છો આંસુ લૂછો નહીં ભલા થઇ,
આ બારે માસ લીલા તોરણ મને ગમે છે.

પ્ર.      આ માનવ સેવાના વિભિન્ન ક્ષેત્રોને સ્પર્શતા કાર્યો માટે આપ નાણાંકીય વ્યવસ્થા કઇ રીતે કરો છો?

જ.      એ વ્યવસ્થા હું કરતો નથી, અને પ્રભુની એ કૃપા છે કે આજ સુધી મારે કોઇને મદદ માટે ટહેલ નાખવી પડી નથી કે સાધારણ વાત પણ કરવી પડી નથી. એ વ્યવસ્થા આપમેળે કામની પહેલા થઇ જ જાય છે, અને કામમાં આવતા વિઘ્નો પણ એ જ રીતે આપમેળે હટતા જાય છે. તમે નાઝિર દેખૈયાનો પેલો શે’ર સાંભળ્યો છે?

”હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દૂર નથી,
હું માગું ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી.”

બસ એ જ સિધ્ધાંત સાથે બધા નાણાંકીય આયોજનો થાય છે.

A Cute Boyહજી અમે વાતો કરતાજ હતા ત્યાં જે દિકરાએ અમરેલી જીલ્લાની તમામ પ્રાથમિક શાળાઓના બાળકોની યોજાયેલી વકૃત્વ સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ સ્થાન મેળવ્યું હતું તે પ્રફુલ્લભાઇને મળવા આવ્યો. પ્રફુલ્લભાઇએ તેનો તથા તેના પિતાનો મને પરિચય કરાવ્યો. તેના પિતા ગુજરાન ચલાવવા છૂટક મજૂરી કરે છે. પ્રફુલ્લભાઇને તેની ખરાબ આર્થિક પરિસ્થિતિ વિશે ખબર પડી એટલે એ દિકરાને તેમણે દત્તક લીધો, એટલે કે તેના કોલેજ સુધીના તમામ અભ્યાસનો ખર્ચ ભોગવવાની તૈયારી બતાવી. તેમણે એ દિકરાને જમવા બોલાવ્યો હતો. તેને જોઇને પ્રફુલ્લભાઇના ચહેરા પર એક અસામાન્ય સ્મિત આવી જતું. એ નાનકડા વિદ્વાનને જોઇને મને પણ ખૂબ આનંદ થયો. તેના ચહેરા પર ઝળકતા આત્મવિશ્વાસને જોઇને પ્રફુલ્લભાઇની પુસ્તકાલય પ્રવૃત્તિ વિશે માન ખૂબ વધી ગયું. થોડીકજ વારમાં એક બહેન ડીશોમાં મિઠાઇ, ફરસાણ વગેરે સાથે મેંગો મિલ્કશેક લઇને આવ્યા. એ ટેબલ પર બધું મૂકીને ગયા એટલે પ્રફુલ્લભાઇ કહે, “આ બહેન પણ આમ જ એક દિવસ વખાના માર્યા અમારે ત્યાં આવેલા, અમે તેમને કહ્યું કે અમારે ત્યાં રહો, તેમણે અમારા ઘરે બધું કામ સંભાળી લીધું અને તેમના તથા તેમની દિકરીઓ માટે હવે આ પોતાનું જ ઘર છે.”

પ્રફુલ્લભાઇને મેં મારી નવી બનેલી વેબસાઇટ “અક્ષરનાદ.કોમ” બતાવી. મથાળે ફરતા શે’ર અને સાથેના ચિત્રો તેમને ખૂબ ગમ્યા. તેમણે મને તેમની પસંદગીની કવિતાઓનો સંગ્રહ કરીને બનાવેલુ પુસ્તક ભેટમાં આપ્યું. અમે તેમની વિદાય લીધી અને ત્યાંથી મહુવા આવવા નીકળ્યા પણ મનમાં આ મુલાકાત ઘણા દિવસ સુધી વાગોળાતી રહી,

જે મૂંગા આશિર્વાદ તેમણે અસંખ્ય લોકો પાસેથી મેળવ્યા છે તેની સરખામણી કયા એવોર્ડ સાથે થઇ શકે? આ મુલાકાત એક વિચાર અભિયાન પ્રેરતી રહી કે માણસ કોઇ સ્વાર્થ કે લાલચ વગર ફક્ત માનવ સેવાના ઉચ્ચતમ ધ્યેય સાથે, પોતાની સઘળી આવડત અને ધગશથી જ્યારે આવા કાર્યો કરતો હોય તો તેને કેટલો આત્મસંતોષ અને નિજાનંદ મળતો હશે? કઇ અડચણ તેને રોકી શકે? મને લાગે છે કે વસ્તુલક્ષી સુખની આપણી વ્યાખ્યા પ્રફુલ્લભાઇના આવા કાર્યોની સામે તદન વામણી બનીને ઉભી રહે છે. જલન માતરીનો શેર છે,

”સુખ જેવુ જગમાં કાંઇ નથી, જો છે તો આ જ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.”

બીજાના સુખે સુખી અને તેમના દુ:ખમાં, તેની વેદનામાં દુખી થતા પ્રફુલ્લભાઇ જેવા લોકો ભલે ગણ્યાગાંઠ્યાજ હોય પણ તેમના જેવા સ્તંભો પર સમાજ અડીખમ ટકી રહ્યો છે. જો આવા પરગજુ લોકો ન હોય તો આપણી સંસ્કૃતિ કે સમાજ જેવુ કાંઇ ન બચે. તેના પ્રત્યે સમાજની ફરજ એ જ કે તેમને પ્રોત્સાહન આપે, જરૂરી તમામ મદદ આપે. જે તેમણે કદી કોઇની પાસે માંગી નથી તેવી નાંણાકીય સહાયતા તો આવા કાર્યોમાં સત્તત મળવી જરૂરી છે જ પરંતુ તેમણે શરૂ કરેલા સમાજની ઉન્નતિના આ મહાયજ્ઞને આગળ ધપાવવા જરૂરી તમામ રસ્તાઓ આપણે જ હવે બનાવવાના છે, આ કાર્ય હવે એમનું એકનું નથી રહ્યું, એ આપણા સૌનું સહીયારૂ છે.

જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “માનવ સેવાનો મહાયજ્ઞ – જીગ્નેશ અધ્યારૂ