સામાન્ય રીતે એવો સહજ સંપ્રદાય પડી ગયો છે કે પ્રત્યેક ગ્રંથની ભાષા ઉપર જ લોકો લક્ષ આપે છે; અને તેની ભાષા કઠિન છે કે આની સરલ છે એટલો જ અભિપ્રાય બાંઘે છે. પૃથ્વી ફરે છે એ વાત જેમ અજ્ઞાની લોક સૂર્યને આરોપે છે તેવું આ વિષયમાં પણ થાય છે. વિચારની ગૂઢતાને લીઘે જે વિષયમાં વાંચનાર ઊતરી શકતો નથી, તે વિષયના પુસ્તકની ભાષાને માથે દોષ મૂકી તે અળગો રહે છે. ઘણી વખતતો એવી ભૂલ બને છે કે ગૂજરાતી અક્ષરે લખેલું પુસ્તક, અમે ગૂજરાતી છીએ છતાં કેમ સમજતા નથી. માટે તે ખોટું! ! આમાં પણ ભૂલ વિચાર પરત્વે જ છે. વિચાર સમજાતો નથી, એ જ ખરું કારણ છે. જો ધીરજ રાખીને, બબ્બે ત્રણત્રણ વાર ઉલટાવીને, તથા ઘીમેઘીમે મનમાં ઠસાવીને, કોઇપણ ગ્રંથ વાંચ્યો હોય તો ન સમજાય એવું છેક મૂર્ખ વિના બીજને તો કવચિત જ બને. આવા પ્રસંગમાં અમારા એક મિત્રે કરેલી ગમ્મત યાદ આવે છે. કોઇ ડાહ્યા માણસે તેને “માલતી માઘવ” ના ભાષાંતર વિષે કહ્યું કે ભાષા કઠિન છે તેથી સમજાતું નથી. ત્યારે તેણે ગમે તે એક શ્ર્લોક કાઢી તેના શબ્દેશબ્દ પેલાને પૂછવા માંડ્યા, તો એકપણ શબ્દનો અર્થ તેના જાણવા બહાર ન નીકળ્યો. પછી પૂછ્યું કે આમાં એકે શબ્દ તો અજાણ્યો નથી, ત્યારે શું સમજ્યા તે કહો? છતાં પેલો ગૃહસ્થ કાંઇ જ કહી શક્યો નહિ, અર્થાત અંદરનો વિચાર તેના મનમાં ઊતરે તેવો ન હતો. આવી ભૂલ ઘણા, સર્વે કહીએ તો પણ ચાલે, વાંચનારા ગૂજરાતી પુસ્તકો સંબંઘે કરે છે.
આ વાતને આગળ આણવાની જરૂર એટલા સારુ જણાઇ છે કે બઘા લોકો આજકાલ આપણી ભાષાને જ સુઘારવામાં મંડી પડ્યા છે. તે ભાષામાં જેમ ભારે શબ્દો, ને તરેહવાર ઇબારતો દાખલ થાય તેમ ભાષા સુઘરી એમ માને છે, આનું નામ અમે લેશ પણ સુઘારો ગણાતા નથી. જ્યારે વિચારો સારા થાય, બુઘ્ઘિ વઘારે ખેડાય, ત્યારે જ અમે તો સુઘારો થયો માનીએ છીએ. જ્યાં શુઘ્ઘ અને ઉચ્ચ પ્રકારના વિચારનું પૂર જોસભેર દોડે છે ત્યાં શબ્દ રચનારૂપ પુષ્પપત્રાદિ તો સહજ તણાતાં ચાલે છે. આ ઠેકાણે ફારસી શબ્દ કેમ લખ્યો ને આ ઠેકાણે સંસ્કૃત કેમ લખ્યો એવી આભળછેટથી અમે ડરતા નથી; પણ અમુક વિચારપઘ્ઘતિમાં ગોળો પિંડાળો વળતો હોય તેથી અમે બહુ ભય પામીએ છીએ; વિચારોની નિર્માલ્યતા દેખી છેક ખિન્ન થઇ જઇએ છીએ. આજકાલ આપણી ભાષામાં હજારો પુસ્તકો નીકળે છે; કવિતા, નાટક, રાગ, રંગ, અનેક બહાર પડે છે. પણ તે બઘામાં અમે ઘણે ભાગે ઉપરની જ ટાપટીપ દેખી દુ:ખી છીએ. સારામાં સારાં ગણાતાં પુસ્તકોમાં પણ ભાષાની ટાપટીપ વિના બીજું અમે દેખતા નથી! ઉચ્ચ પ્રકારના વિચારવાળા ગ્રંથો છેક આંગળીએ ગણી શકાય તેટલા જ છે; પણ ભાષાના ભપકાવાળા અનેક છે. એવાથી ભાષા ઉન્નત થઇ મનાતી હોય તો ફૂલઝાડથી જ જમીન પણ ફલદ્રુપ થઇ મનાય.
અમુક વિષયને અનુકૂળ અમુક પ્રકારની શબ્દરચના જોઇએ છીએ એ અમે જરા પણ વીસરી જતા નથી બલ્કે કાવ્યગ્રંથોમાં તો એક એક શબ્દશક્તિ ઉપર જ બઘા ચમત્કારનો આઘાર હોય છે; છતાં શબ્દમાત્ર જ તત્વજ્ઞાન નથી, શબ્દમાત્રનો વિચાર નથી, શબ્દમાત્ર જ કુશળતા નથી એ તો સિઘ્ઘ જ છે. જે ગ્રંથોનો વિષય જ તત્વજ્ઞાન કે બુઘ્ઘિપૂર્વક તર્કાદિ હોય તેમાં તો ભાષા ઉપર લક્ષ જ હોતું નથી ને હોય પણ નહિ. છતાં આપણા વાચકો તેવા ગ્રંથો પરત્વે પણ ભાષામાત્રમાં જ ગોથાં ખાઘાં કરે છે! અમુક વિચાર કે અમુક કલ્પનાને રુચે તેવી ભાષા ઘડવાની બહુ જ આવશ્યકતા છે, પણ તે કાંઇ શબ્દો નવા રચવાથી, કે ફારસી-સંસ્કૃતનો અદલોબદલો કરવાથી સાઘવાની નથી, જેમ બને તેમ ઊંચી પ્રતિના વિચારો જેમાં સમાયેલા હોય તેવા ગ્રંથોની વૃઘ્ઘિ થતાં, જેવી જોઇશું તેવી ભાષા એની મેળે પ્રાપ્ત થઇ રહેશે.
વિચાર મુખ્ય છે, ભાષા ગૌણ છે. આ વાત વાંચકોએ, લેખકોએ, તેમ ટીકાકારોએ પણ બહુ લક્ષમાં રાખવાની છે. સારા લેખકો પણ એમાં જ ઘણી વખત બંઘાઇ પડી પોતાના વિચારને બગાડી નાંખે છે; સારા ટીકાકારો ઘણી વખત કોઇ સારાસારા ગ્રંથોનું ગૌરવ એકાદ બે શબ્દરચનાને વળગી રહી, અવળું સમજે છે. ત્યારે એ જ સિઘ્ઘ છે કે વિચાર મુખ્ય છે. તો હવે જુઓ કે જેમાં ઊંડા કાવ્યતરંગ કે ગહન તત્વવિવેક સમાયેલા હોય એવા વિચારનાં પુસ્તકો ગણ્યાંગાઠ્યાં 5-10 પણ મુશ્કેલીએ ગણાવી શકાશે. ત્યારે દશ દશ શેર વજનના, કવિતાના ચોપડાથી, કે રાસ અને કથાઓનાં ટાયલાંથી, દેશને કાંઇ જ સંગીન લાભ થવાનો નથી, ઊલટું નુકશાન છે. તે બઘાં કેવળ નિરુપયોગી નથી, પણ એવાંની જ આજકાલ વૃઘ્ઘિ થઇ રહી છે, તે જોતાં અમારે આ પ્રમાણે લખવાની ફરજ પડે છે.
આપણી ભાષાની વિચારદ્રારા ઉન્નતિ થાય તે માટેનાં સાઘન આપણી પાસે થોડાંઘણા પણ છે. ગૂજરાત વર્નાક્યુલર જેવી સોસાયટી જ દરવર્ષે ઘણાં પૈસા ગ્રંથો રચવામાં વાપરે છે; મુંબઇમાં ફૉર્બસ ફંડ જે ઘણું મોટું છે તે હજુ એમને એમ પડેલું છે. આ બઘા ફંડોનો જે રીતે ઉપયોગ થવો જોઇએ તે રીતે થાય તો દેશને ખરો લાભ થયા વિના રહે નહિ. અમારા અભિપ્રાય પ્રમાણે આપણી ભાષામાં સારા વિચારવાળાં પુસ્તકોની વૃઘ્ઘિ કરવાને નીચે મુજબ ઉપાયો યોજવાની અપેક્ષા છે:-
(1)સંસ્કૃત, અંગ્રેજી, ફારસી, અરબી, ફ્રેંચ, જર્મન, ઇત્યાદિ પર ભાષાના તત્વવિચારના ગ્રંથોનાં અક્ષરશ: ભાષાંતર થવાની જરૂર છે.આજકાલ એવો જ રિવાજ પડી ગયો છે કે અમુક બાબત અમુક ગ્રંથમાં શું છે તે યથાસ્થિત જણાવવું નહિ, પણ તેને ગમે તે પોતાની મરજી મુજબ સમજી, તે વિષેનો અભિપ્રાય વાંચનારને આપવો! આમ થવાથી કેવલ ખોટા વિચારો લોકોમાં પ્રવર્તે છે. આનાં ઉદાહરણ અનેક છે, ને જૂના સુઘારાવાળા તરફથી તે ઘણાં મળી આવશે. માટે જે ગ્રંથો જેવા હોય તેવા ને તેવા અક્ષરશ: ભાષાંતર થઇ લોકો આગળ આવવા જોઇએ. આ જમાનો એવો છે કે તેમાં ખરી યથાર્થ વાત રજૂ કરવાની જરૂર છે, તે ઉપર વિચાર બાંઘવાનું કામ વાંચનારને સોંપવું વ્યાજબી છે.
જેમ આવાં ભાષાંતરની જરૂર છે, તેમ તેવાં ભાષાંતરના ગ્રંથ જો કઠિન હોય તો તે ઉપર ટીકા લખવાની, તથા પ્રાચીન ગૂજરાતી ગ્રંથો જે જરૂરના હોય તે ઉપર પણ ટીકા લખાવરાવવાની તથા એ ભાષાંતર અને એ મૂલ ગ્રંથોના પાઠ શુઘ્ઘ કરાવવાની ઘણી જ અપેક્ષા છે.
(2) તત્વજ્ઞાન, શોઘ, કાવ્ય, કથા, કોશ ઇત્યાદિ વિષે નવીન ગ્રંથો રચાવવા.
(3) કોઇ વિદ્ઘાને પોતા તરફથી જ, કોઇ અગત્યના ભાષાંતર, વાર્તિક, કે નવો જ લેખ, પ્રસિદ્ઘ કર્યો હોય, તો તેવા વિદ્ઘાન પાસેથી તેવા ગ્રંથનું સ્વામિત્વ ખરીદી લઇ, તે ગ્રંથ ઇતર લોકને કિફાયતે વેચવો. આમ થવાની ઘણી જ જરૂર છે. સુઘારેલા દેશોમાં લખનાર અને વેચનાર જે વેપારી હોય છે તે ઘણો વખત પોતાના માલની ખપત માટે ખોટી થઇ શકે છે, ને એમ પુસ્તકોને થોડી કિંમતે વેચી શકે છે. આપણે અહીં તો લખનારને મૂલે દ્રવ્યની જ અડચણ હોય છે, ત્યાં છપાવવાનો ખર્ચ કરજે કરી તેનું વ્યાજ ક્યાં સુઘી ભરે? માટે પુસ્તકોની કિંમત તેવા લોકો ભારે રાખે છે, તેથી ગરીબ પણ વાંચવાના શોખીન લોક લાભ લઇ ઘીમેઘીમે ગ્રંથ વેચે તો થોડી કિંમતે વેચી શકે, ને તેથી સર્વને સારા વિદ્ઘાનના લખાણનો લાભ મળે.
વળી વિદ્ઘાનોને પણ એક હરીફાઇનું કારણ ઊભું થાય તેથી સારા વિદ્ઘાનો હમેશાં ઉમંગે લખવાનું લઇ બેસે-પોતાનો લેખ કોઇ આવી રીતે લઇ લે એ માનની અભિલાષા વિદ્ઘાનોને ઉત્સાહ પ્રેરવામાં બહુ પ્રબલ છે; ને વળી જ્યારે પોતાનો ખર્ચ પોતાને માથે પડવાની અડચણ દૂર થાય ત્યારે તે ઉત્સાહ દશગણો વઘી, અનેક ફલ આપે એ સ્પષ્ટ જ છે. હાલમાં તો જેને ગાંઠનું ગોપીચંદન કરવું હોય તેઓ ગ્રંથ રચવાનું કામ એક વ્યસનની પેઠે કરે છે. તેવા વિઘાવ્યસનીઓ તો, કોઇ તેમના ગ્રંથ છપાવવા તત્પર હોય તો, સ્વામિત્વ માટે કાંઇ પણ લીઘા વગર પણ દેશસેવામાં તત્પર હોય એમ પણ આશા બાંઘી શકાય.
સ્વામિત્વ ખરીદવા ઉપરાંત એમ પણ થવાની જરૂર છે કે સારા ગ્રંથોની અમુક પ્રતિ ખરીદી, તેને ખોટ ખાઇ થોડી જ કિંમતે ખરા ઉત્સુક પણ ગરીબ વાંચકો આપવી. એમાં સર્ક્યુલેટિંગ લાયબ્રેરીમાં 10-20 નકલો લેવી ને તે સભાસદોને વાંચવા આપવી, તથા પછી આવ્યાથી થોડી કિંમતે જેટલી વેચેવી હોય તેટલી વેચી નાખવી.
(4) પ્રતિવર્ષે આખા ગૂજરાતના વિદ્ઘાનોનો સમાજ કરવો જોઇએ. સમાજમાં સભાસદ થવા માટે પ્રખ્યાત વિદ્ઘાનોને તથા સમૃદ્ઘિવાન ગૃહસ્થોને નિમંત્રણ કરવાં જોઇએ. ગૃહસ્થોની મદદ પણ માગવી જોઇએ; ઉપરાંત પ્રતિસભાપદ પાસેથી કાંઇ લવાજમ લેવું જોઇએ, તથા અનિમંત્રિત ગૃહસ્થોને પણ સભાસદ થવું હોય તો છુટ રાખવી જોઇએ. આવો સમાજ બેત્રણ દિવસ એક સ્થલે રહે; ને ત્યાં ઘર્મ, સાહિત્ય, અને તત્વજ્ઞાન એ ત્રણ વિભાગમાં વહેંચાઇ પોતાનું કામ ચલાવે. પ્રતિવિદ્ઘાન તે તે વિષયનાં પોતાનાં લખાણ શોઘ ઇત્યાદિ ત્યાં રજૂ કરે; અને બઘી જુદીજુદી શાખાઓની એક સમ્રગ બેઠકમાં જાણવાજોગ બાબતોનો રિપોર્ટ વંચાય, તથા યોગ્ય વક્તાઓને ભાષણ કરવા પણ વિનવાય. આ બઘાનો સવિસ્તર રિપોર્ટ પછીથી પ્રસિઘ્ઘ થાય. આવી વ્યવસ્થા જો થઇ શકે તો આપણી ભાષાની અર્થાત આપણી બુદ્ઘિની ઉન્નતિ સહજમાં થાય; અને જે નિર્માલ્ય લેખકોથી આપણો લેખક વર્ગ આજકાલ અધમતામાં અભડાયો છે તે લેખકો પણ તરત જ પરખાઇ આવે.
આ સમાજે એક વાર્ષિક પત્ર તૈયાર કરવો જોઇએ જેમાં વર્ષમાં પ્રસિદ્ઘ થયેલાં પુસ્તકોની યાદી આવે; એવી રીતે કે દરેક પુસ્તકોનો વિષય સારી રીતે સમજાય, ને તેના ગુણદોષ ઘ્યાનમાં આવે.
આમાંની ઘણીક વાતો કરવામાં આવે જ છે, એમ સોસાયટીવાળા કહેશે પણ તેમને અમારે એટલું જ જણાવવાનું છે કે તેઓ જે રીતે કરે છે તે રીતથી લોકો અસંતુષ્ટ છે. તેઓએ હવે હરિફાઇથી ગ્રંથ તૈયાર કરાવવાની રસમ છોડી દેવી જોઇએ. એ રીત શિખાઉઓને કામની છે, પણ સારા વિદ્ઘાનો કદાપિ તેવી રીતિએ ગ્રંથ લખે નહિ. અમુક વિષય, તેની પદ્ઘતિના સામાન્ય નિયમ, અરે મહેનતાણાની બક્ષિસની રકમ, એ ત્રણે કોઇ પ્રસિદ્ઘ અને યોગ્ય વિદ્ઘાનને જણાવવાં, તથા ગ્રંથ તૈયાર કરવા વિનવવું. જો તેની મરજી હોય તો તે લે. ગ્રંથ તૈયાર થાય તેમાં કાંઇ પણ ફેરફાર કરવાની જરૂર રહે નહિ. એ કેવી અન્યાયની વાત છે કે દશવીશ પ્રકારના અટપટા ને ઊલટસુલટ વિષયોના ગ્રંથ લખાવી મંગાવવા અને તે બઘાયને તપાસવાનું અભિમાન બેત્રણ જણાની એક કમિટી જે તેવો કોઇ વિષય લખવાને કે સમજવાને પણ શક્તિવાન ન હોય તેણે જ ઘરવું!!
આ પ્રમાણેની યોજના થોડેઘણે કે આખે રૂપે પણ ગૂજરાતમાં કોઇ સભા તરફથી અથવા કોઇ ગૃહસ્થો તરફથી અથવા કોઇ રાજાઓ તરફથી અમલમાં મૂકવામાં આવે તો જ આપણા દેશને હાલમાં લાભ થવાનો સંભવ છે. બાકી અનેક ચીથરાં ઉભરાઇ જાય છે ને જશે તેથી કાંઇ ફાયદો થવાને બદલે હાનિનો સંભવ સ્પષ્ટ જ છે. અત્રે જણાવેલી વ્યવસ્થા પ્રમાણે કોઇ પણ કામ ઉઠાવવાની કોઇ મંડલીને કે કોઇ ગૃહસ્થને ઇચ્છા હશે તો અમે બહુ ખુશીથી તેને મદદ આપીશું.
શ્રી મણિલાલ દ્વિવેદી ( પ્રિયંવદા: મે, 1889)
( ચાળીશ વર્ષના અલ્પ આયુષ્ય છતાં મણિલાલ નભુભાઇ દ્વિવેદી જથ્થો તેમજ ગુણવત્તા બેઉ પરત્વે ગુજરાતી જ નહિં પરંતુ હરકોઇ દેશના ભાષાસાહિત્યને સમૃધ્ધ કરે તેવો સત્વશાળી અક્ષરવારસો આપી ગયા છે. જીવન, ધર્મ, ગૃહ, રાજ્ય, સમાજ, શિક્ષણ અને સાહિત્ય એમ જીવનનાં સર્વ મુખ્ય ક્ષેત્રોની મીમાંસા કરતી તાત્વિક વિચારશ્રેણી અને અતુલ બળશાળી શૈલી વાળા લેખો લખીને તેમણે ગુજરાતી ભાષા અને પ્રજાની અપ્રતિમ સેવા બજાવી છે. 1885ના ઓગસ્ટમાં શરૂઆત કરી પ્રિયંવદા માસિકની, અને પાંચ વર્ષ એટલે ઓક્ટોબર 1890 થી તેને ‘સુદર્શન’ નામ આપ્યું. તે તેમના છેલ્લા શ્વાસ પર્યંત, એટલે કે ઓક્ટોબર 1898 સુધી ચાલ્યું.
પ્રસ્તુત લેખ પ્રિયંવદા માસિકના મે, 1889ના અંકમાંથી લેવામાં આવ્યો છે. આજથી લગભગ 120 વર્ષ પહેલાની શ્રી મણિલાલ દ્વિવેદીની ગુજરાતી ભાષાની ઉન્નતિ પરત્વેની વિચારસરણી આ લેખમાં ઝળકે છે. જો આપને એ સમયની વિચારસરણી ધરાવતા આવા વધુ લેખો વાંચવાની ઝંખના હોય તો આપના પ્રતિભાવમાં જણાવશો. )
બહુ સુંદર લેખ. આવા લેખો આપતા રહેશો.
Good preservation on gujarati language deserve salute from the readers
of today. wish readers to read alf leila wa laila and katha sarit sagar and chandrakant and panchdashi AND Delhi par humlo AND Ganga eik gyrjar warta and sawita sundri By Itcharam suryaram Desai,.
Also stories by shamarrh Bhatt. one thing for sure in every langage one similiar language is one sign by shaking your head it means NO…
by nodding is YES…..
To say if it is not true is
One of the earliestcreations of the awakening consciousness.