ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ…. (સોરઠી લોકગીત) 9


( કોઇ પ્રેમિક ગોવાળ અરજણિયાને એની પરણેલી પ્રેમિકા ચેતવણી આપતી ને મોહ પામતી સંબોઘી રહી છે. )

ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ! ચાંદો ઊગ્યો ચોકમાં,
એ લેરીડા! હરણ્યું આથમી રે હાલાર શે’રમાં, અરજણિયા!

ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ! રે ઝાંપે તારી ઝૂંપડી,
એ લેરીડા! આવતાં જાતાનો નેડો લાગ્યો રે, અરજણિયા!

ભેંસુ તારી ભાલમાં, ઘાયલ! રે ભેંસુ તારી ભાલમાં,
એ લેરીડા! પાડરું પાંચાળમાં ઝોલા ખાય રે, અરજણિયા!

ગાયું તારી ગોંદરે, ઘાયલ! ગાયું તારી ગોંદરે,
એ લેરીડા! વાછરું વઢિયારમાં જોલા ખાય રે, અરજણિયા!

પાવો વગાડ્ય મા, ઘાયલ! રે પાવો વગાડ્ય મા,
એ લેરીડા! પાવો રે પરણેતર ઘરમાં સાંભળે રે,અરજણિયા!

ચીતું રે લગાડ્ય મા, ઘાયલ! ચીતું લગાડ્ય મા,
એ લેરીડા! ચીતું સાસુડી ઘરમાં સાંભળે રે, અરજણિયા!

બખિયાળું (તારું) કડીઉં, ઘાયલ! રે બખિયાળું કડીઉં,
એ લેરીડા! તેદુંનો છાંડેલ અમારું ફળિયું રે, અરજણિયા!

ખંભે તારે ખેસડો, ઘાયલ! રે ખંભે તારે ખેસડો,
એ લેરીડા! તેદુંનો છાંડેલ અમારો નેસડો રે, અરજણિયા!

રૂપાળીને મોઇશ મા, ઘાયલ! રે રૂપાળીને મોઇશમા,
એ લેરીડા! રૂપાળી બાવડાં બંઘાવશે રે,અરજણિયા!

કુંવારીને મોઇશ મા ઘાયલ! કુંવારીને મોઇશ મા,
એ લેરીડા! કુંવારી કોરટું દેખાડશે રે, અરજણિયા!

ખોળામાં બાજરી ઘાયલ! રે ખોળામાં બાજરી,
એ લેરીડા! લીલી લીંબડીએ લેવાય હાજરી રે, અરજણિયા!

ખોળામાં ખજૂર છે ઘાયલ! રે ખોળામાં ખજૂર છે,
એ લેરીડા! તારા જેવા મારે મજૂર છે રે, અરજણિયા!

પાવો વગાડ્ય મા, ઘાયલ! પાવો વગાડ્ય મા,
એ સેલુડા! પાવો સાંભળીને પ્રાણ વીંઘાય રે, અરજણિયા!

તારે મારે ઠીક છે, ઘાયલ! તારે મારે ઠીક છે,
એ લેરીડા! ઠીકને ઠેકાણે વે’લો આવજે રે, અરજણિયા!

લીલો સાહટિયો, ઘાયલ! રે લીલો સાહટિયો,
એ લેરીડા! લીલે રે સાહટિયે મોજું માણશું રે, અરજણિયા!

1  હરણી:નક્ષત્ર
2  નેડો:નેહડો, સ્નેહ
3  હાલાર,પાંચાલ, વઢિયાર, એ પ્રદેશોનાં નામ છે.
4  નેસડો:નેસ,વનવાસીઓનું નાનું જંગમ ગામડું.
5  સાહટિયો: ઉનાળુ જુવારના મોલ, મૂળ શબ્દ ‘છાસઠિયો’: છાસઠ દિવસમાં પાકનારું ઘાન્ય.

( “રઢિયાળી રાત”, શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા કરાયેલા સંકલનમાંથી સાભાર )

નોંધ :

આ ગીતના અનેક સાચા ખોટા પ્રકારો અડધા અધૂરા સ્વરૂપે ફેલાયેલા છે, લોકગીતોનો ખજાનો જાળવણી અને સન્માન બંને માંગે છે. ગુજરાતને પોતાની આ કાલીઘેલી લોકવાણીની જાળવણી કરવાની નમ્ર અરજ છે.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ…. (સોરઠી લોકગીત)

 • રજનીકાંત કાસુંદ્રા

  આ ગીત તો હેમું ગઢવીન કંઠે જ સાંભળવું પડે…
  કેવો હશે આ અરજણીયો ? કયાં હાલાર ને કયાં ભાલ અને કયાં પાંચાળ ને કયાં વઢીયાર… કયાંનો હશે આ અરજણીયો…? સો – બસો વરસ પહેલાના સૌરાષ્‍ટ્રમાં લઇ જતુ આ લોકગીત અદભુત છે….

 • jjugalkishor

  એક વખતનું બ હુ ગવાયેલું આ ગીત ગુજરાતીનું ગૌરવ લેવા જેવું છે. એમાંભાવ અને લયનો જબરો મેળ જોવા મળે છે.

  તારે મારે ઠીક છે ઘાયલ, તારે મારે ઠીક છે ! માં ગ્રામીણ બોલી કેવી પ્રગટી છે !! તમે જ લખ્યું છે એમ આવી રચનાઓને સાચવી લેવી જોઈએ.

  મજાનું ને માણ્યા જ કરવાનું મન થાય એવું ગીત.

  • FUNNYBIRD-કેનેડા

   I fully agree with our jjugalkishor-ji on

   “એક વખતનું બ હુ ગવાયેલું આ ગીત ગુજરાતીનું ગૌરવ લેવા જેવું છે. એમાંભાવ અને લયનો જબરો મેળ જોવા મળે છે.”

   વાહ વાહ વાહ….. ભાઈ વાહ ખુબ સરસ….તમરુ લખણ બહુજ પસન્દ આવ્યુ…મને