ગેસ પર ચા બની રહી હતી. બાજપાઇજી વચ્ચે થોડો વખત રખેવાળ સરકારના વડા બન્યા હતા એ રીતે અત્યારે કામચલાઉ રીતે હું ઘરનો રખેવાળ વડો હતો કારણકે ઘરમાં હું એકલો હતો. ઘરનાં બધાં સભ્યો અઠવાડીયા માટે બહારગામ ગયા હતાં. આ એક અઠવાડીયું ઘરમાં મારુંજ ધાર્યું થવાનું હતું.
‘આઠ વાગ્યા, હવે ઉઠો’ ‘નવ વાગ્યા, હવે છાપુ મૂકીને નાહી લો……’ વગેરે વગેરે ફરમાનો હમણાં થવાનાં નહોતાં.
હા, તો ગેસ પર ચા બની રહી હતી. એકાએક તપેલીનું હ્રદય ભરાઇ આવ્યું ને ચા ઉભરાવા માંડી. પણ તપેલીના હ્રદયનો સંદેશો મારા મગજ સુધી જલદી પહોંચ્યો નહીં. ચા ઉભરાઇને છેક તપેલીના કાંઠા સુધી આવી ગઇ. તપેલી પોતાનું સમગ્ર હ્રદય પ્લેટફોર્મ પર ઠાલવી દેવા તૈયાર થઇ ગઇ. એકાએક મારા મગજમાં ઝબકારો થયો. રાજા પુરુરવાએ બેબાકળા બનીને ઉર્વશીને શોધી હતી, એમ સાણસી શોધવા હું બેબાકળો થઇ ગયો. પણ પુરુરવાને જેમ ઉર્વશી ક્યાંય દેખાઇ નહોતી એમ મને સાણસી ક્યાંય દેખાઇ નહીં. પરંતુ એકાએક ચમત્કાર થયો. બાલકૃષ્ણના પગનો અંગૂઠો અડતાંજ જમનાનું પૂર ઓસરી ગયું હતું તેમ તપેલીમાંથી બહાર નીકળી જવા મથતી ચા એકાએક પાછી તપેલીમાં સમાઇ ગઇ. સીધીસાદી ઘટનાઓ પણ મને જલદી સમજાતી નથી તો આવી ચમત્કારીક ઘટના તરત સમજાઇ જાય એ તો શક્ય જ નહોતું. પણ આ ચમત્કાર હતો એમાં શંકા નહોતી. ઘરમાં બીજુ દૂધ નહોતું. ચા બહાર ઢળી ગઇ હોત તો અત્યારે બપોરની ઉંઘ પછીની અનિવાર્ય ચા થી મારે વંચિત રહેવુ પડત. પ્રભુએ ચમત્કાર કરી ચાને તપેલીમાં સમાવી દીધી. પણ આપણે બેધ્યાન હોઇએ તો પ્રભુ એકાદ વાર ચમત્કાર કરીને બચાવે પણ પછી તો આપણે જાગૃત થવું જ પડે. હું જાગૃત થયો, સાણસી શોધી કાઢી.
ચા ફરી ઉર્ધ્વારોહણ કરે તો ચાનું રક્ષણ કરવા મેં જમણા હાથમાં સાણસી ધારણ કરી. પણ આ શું? ચા એમની એમ જ તપેલીમાં સ્થિર હતી. કપાળ પર બે ત્રણ હળવી ટપલીઓ મારી હું મારા મગજને ઓર્ડરમાં લાવ્યો. અને મેં જોયું તો ગેસ જ બુઝાઇ ગયો હતો. બટન બંધ થયું નહોતું ને ગેસ બુઝાઇ ગયો હતો – બિનબાદલ બરસાત ! પ્રભુ મદદ કરે છે ત્યારે કેવી અદભુત રીતે કરે છે ! પ્રભુનો ઉપકાર માની હું લાઇટરથી ગેસ પેટાવવા માંડ્યો. લાઇટરમાંથી તિખારા ઝર્યા પણ ગેસમાં ચૈતન્યનો સંચાર ન થયો. એટલે મેં દીવાસળી સળગાવી. પણ ગેસ ન સળગ્યો. મેં ત્રણ દીવાસળી એકસાથે રાખીને સળગાવી ને ગેસ પાસે ધરી. મારા આંગળાને અગ્નિનો સ્પર્શ થયો પણ ગેસને ન થયો. ઓહ! ગેસ ખલાસ થઇ ગયો છે એનો મને ખ્યાલ આવ્યો.
અલબત્ત આ ખ્યાલ આવ્યા પછી પ્રભુ પરની મારી શ્રધ્ધા વિચલિત્ ન થઇ પણ બાટલો ખાલી હોય તો પ્રભુ ગેસ સળગાવી આપશે એવું પણ હું માનતો નહોતો. પુરુષાર્થ કરીને ગેસનો બાટલો બદલવો પડશે એ હું સમજતો હતો. ગેસ ભરેલુ બીજું સિલિંડર ઘરમાં હતું પણ ખરું. કોઠારમાંથી એને રસોડામાં લાવવાનો અને ગેસ સાથે એનુ જોડાણ કરવાનો પુરુષાર્થ હું કરું તો જ હવે ગેસ પર ચા થઇ શક્શે એની મને ખાતરી થઇ. હું પુરૂષાર્થ કરવા કટિબધ્ધ થયો. ઘરના કોઇ ને કોઇ સભ્યને ગેસનો બાટલો બદલતાં મેં ઘણી વાર જોયાં હતા. જૂના બાટલાનો ગેસથી વિચ્છેદ કરાવવાનો અને નવા બાટલાનો ગેસથી યોગ કરી દેવાનો એટલું જ એમાં કરવાનું હોય છે. એટલે આ કામ ઘણું સરળ છે એમ હું સમજતો હતો પણ જગતમાં સરળ દેખાતાં હધાં કામો ખરેખર સરળ નથી હોતાં. બધાં માટે તો નથી જ હોતા. કોઠારમાં ભરેલા બાટલાને રસોડામાં લાવવાનું કામ જ મેં ધાર્યું હતું એટલું સરળ ન નીકળ્યું. ખાલી બાટલો ઉંચકીને રસોડામાં લાવવાનો તો પ્રશ્ન જ નહોતો. ગેસના બાટલામાં ગેસ હોવો જોઇએ એના કરતાં કેટલીક વાર ઓછો હોય છે એવી ફરીયાદો થાય છે પણ ગેસના ભરેલા બાટલાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં ગ્રાહકને સરળતા રહે, એને શારીરિક કષ્ટ ઓછુ પડે એ માટે જ તેઓ એમ કરતાં હશે એમ મને લાગે છે. પણ આ જગત જોઇએ એટલું ગુણાગ્રહી નથી. એટલે મને સહેલાઇથી સમજાઇ ગઇ એ વાત બીજાઓને મુશ્કેલીથી પણ સમજાતી નથી.
બાટલો કોઠારમાંથી રસોડામાં કેમ લાવવો એ અંગે મેં થોડું ચિંતન કર્યું. બુધ્ધિનો ઉપયોગ કરીને માણસ ખૂબ મહેનત પડે એવા કામો વગરમહેનતે કરવા અથવા ઘણી ઓછી મહેનતે કરવા સમર્થ થયો છે. એટલે જ મનુષ્યજાતિનો આવો અપ્રતિમ વિકાસ થયો છે. સામાન્ય રીતે મહેનતનાં કામ બીજાઓ પાસે કરાવવામાં જ હું મારી બુધ્ધિનો ઉપયોગ કરું છું પણ અત્યારે કોઇ હાજર નહોતું એટલે બુધ્ધિનો ઉપયોગ કરીને મારે જ ગેસના બાટલાને કોઠારમાંથી રસોડામાં ટ્રાન્સફર કરવાનો હતો. જેમની પાસે બુધ્ધિ છે, બુધ્ધિનો ઉપયોગ કરવાની સૂઝ છે. એમને કશોક રસ્તો જડી જ આવે છે એવુ જેમને બુધ્ધિનો ઉપયોગ કરવાના ઝાઝા અવસર આવતા નથી એવા લોકો માને છે. આવા લોકો પર ભરોસો મૂકીને મેં મારી બુધ્ધિને કામે લગાડી. ભરેલા બાટલાને પહેલા ભૂમીશયન કરાવવું અને પછી એને ગબડાવતાં ગબડાવતાં રસોડામાં લાવવો એવો માર્ગ મને સૂઝ્યો. બાટલાનો સુદર્શન ચક્ર જેવો ઉપરનો ગોળ ભાગ ઝાલીને મેં બાટલાને ભૂમિ પર સૂઇ જવાની આજ્ઞા કરી પણ આ રીતે એક તુચ્છ મનુષ્યની આજ્ઞા માનવામાં એને નાનમ લાગી હશે એટલે એણે અત્યંત ઝડપથી પૃથ્વી પર પડતું મૂક્યું. મારા પગનો પંજો બાટલા નીચે દબાઇ જતા માંડ માંડ રહી ગયો. પગનો પંજો બાટલા નીચે દબાઇ ગયો હોત તો મારે ભાગે બે ચાર મહીનાનો ખાટલો આવત.
‘સુજ્ઞ માણસો કામનો આરંભ જ કરતા નથી અને આરંભ કરે છે તો અધૂરું રાખતા નથી’ એવું એક સુભાષિત છે. હું તો જો કે આ સુભાષિત વાંચ્યા પહેલાથી – લગભગ જન્મથી જ – કોઇ કામનો આરંભ બને ત્યાં સુધી કરવો જ નહીં એમ માનતો આવ્યો છું અને આ માન્યતાને આચરણમાં મૂકતો આવ્યો છું. એ રીતે હું જન્મથી જ સુજ્ઞ માણસ છું એમ સહેલાઇથી સાબિત થઇ શકે એમ છે. પણ અત્યારે બુધ્ધિનો ઉપયોગ કરીને (ખરેખર તો દુરુપયોગ કરીને) મેં બાટલો બદલવાના કાર્યનો આરંભ કરી દીધો હતો. એટલે હવે એ કામ એક સુજ્ઞ માણસ તરીકે પૂરું કરવાનું મારે માટે અનિવાર્ય હતું. મેં બાટલાને ગબડાવવા માંડ્યો. આ બાટલાને આ રીતે જમીન પર પટકીને આ પૂર્વે કોઇએ નહિં ગબડાવ્યો હોય એટલે એને આ પરિસ્થિતિ ઘણી અપમાનજનક લાગી હશે એવુ એના વર્તન પરથી મને લાગ્યું. એણે વારંવાર મારા એકાદ પગને કે બંને હાથને એની વિશાળ કાયા નીચે ચગદી નાખવાનું ખુન્નસ બતાવ્યું પણ કેવળ પ્રભુકૃપાથી મારા હાથપગ સલામત રહ્યા.
બાટલાને ગબડાવી ગબડાવીને હું રસોડામાં તો લાવ્યો, પણ ખરું દુર્ગમ કાર્ય તો હવે કરવાનું હતું. જૂના બાટલાને ગેસથી વિખૂટો પાડવો અને નવા બાટલાને એની સાથે જોડી દેવો એ સામાન્ય લાગતું કામ ખરેખર સામાન્ય નથી. બાટલા પર મારેલું સીલ ખોલવા મેં ઘણી મથામણ કરી, પણ બચ્ચું માંથી વિખૂટું પડવાનો ઇન્કાર કરે એમ એણે બાટલાથી વિખૂટું પડવાનો ઇંકાર કર્યો. મને યાદ આવ્યું કે વર્ષો પહેલા પ્રાઇમસ ફાટવાને કારણે હું દાઝી ગયો હતો ત્યારે જ્યોતિષના જાણકાર એવા મિત્રે કહ્યું હતું કે તમારી કુંડળીમાં અંગારયોગ હોવો જોઇએ. એ અંગારયોગ આજે ફરી પ્રબળ બની જાય એન ગેસનો બાટલો ફાટે તો જીવતા રહેવાની શક્યતા નહીવત ગણાય. પડોશીની મદદ લઇ શકાય પણ અત્યારે બાજુના ત્રણેય ફ્લેટમાં કેવળ મહિલાઓ જ ઘેર હોય. આમાંથી કોઇ પણ બહેન મદદ કરે જ. પણ મારાથી ન થાય એવું કામ એક સ્ત્રિ કરી દેખાડે એમાં મને મારુંજ નહીં, જગતના તમામ પુરુષોનું અપમાન લાગ્યું. કાશ્મીરના પ્રશ્ને ભારત સરકાર મૂંઝાઇ ગઇ છે એમ ગેસના બાટલાના પ્રશ્ને હું મૂંઝાઇ ગયો…..
…… એકાએક મારા મનમાં પ્રકાશ થયો. ઇમરજન્સી વખતે ગેસની દુકાને જોડવાના ટેલીફોન નંબર મેં નોંધી રાખ્યા હતા. આ નંબર જોડવાથી ગેસની ઇમરજન્સી સેવા ચોવીસે કલાક ઉપલબ્ધ થઇ શકે છે એ હું જાણતો હતો. મેં ફોન જોડ્યો. ઇમરજન્સી સેવાને લગતો ફોન છે એટલે કોઇ કર્મચારી ફોન ઉપર હાથ રાખીને જ બેઠો હશે અને ઘંટડી વાગતાજ ફોન ઉપાડી લેશે એમ મેં ધાર્યું હતું પણ ઠીક ઠીક વખત ઘંટડી વાગી તોય કોઇએ ફોન ન ઉપાડ્યો. હું ફરી મૂંઝાઇ ગયો ત્યાં કોઇએ ફોન ઉપાડ્યો. મેં પૂછ્યું : ગેસની ઇમર્જન્સી સેવાનો આ નંબર છે? મારા અવાજમાં સ્વાભાવિક રીતે જ ગભરાટ આવી ગયો હતો.
”બોલો ! શો પ્રોબ્લેમ છે?” સામેથી કોઇએ પૂછ્યું.
”ગેસની ઇમર્જન્સી છે, આપને ત્યાંથી કોઇ તાત્કાલીક આવે એ અનિવાર્ય છે.”
”કેવા પ્રકારની ઇમર્જન્સી છે?”
”એ તો હું સમજાવી શકું એમ નથી, પણ ગેસનો બાટલો ફાટે એવી શક્યતા છે એમ પણ કહેવાય.”
“હેં !” ગેસનો બાટલો ફાટવાની વાત સાંભળી એમનો અવાજ ફાટી ગયો. “તમારુ સરનામું લખાવો” એમણે કહ્યું.
મેં સરનામું લખાવ્યું, દસ જ મિનિટમાં મોટી ઇમર્જન્સી બોક્સ લઇને એક ભાઇ હાજર થયા. “રતિલાલ બોરીસાગર તમે?” એમણે પૂછ્યું. મેં હા પાડી. “ચાલો, બતાવો શી ઇમર્જન્સી છે?” એમ કહી એમણે પેટી ઉઘાડી. પેટી ખાસ્સી વજનદાર હોય એમ ઉપાડવામાં એમને પડતી તકલીફ પરથી લાગતું હતું. “પેટી તો ખુલશે ને?” એવો પ્રશ્ન મને થયો, પણ મેં પૂછ્યો નહીં. એમને હું રસોડામાં લઇ ગયો અને ગેસનો બાટલો બતાવીને મેં કહ્યું, “ગેસના આ બાટલાનો બૂચ મારાથી ખૂલતો નથી. એ બૂચ ખોલવાનો છે અને ગેસ સાથે બાટલાને ફીટ કરવાનો છે.
“આમાં ઇમર્જન્સી ક્યાં આવી?” તે દિવસે પહેલી એપ્રિલ હતી એટલે મેં એમને એપ્રિલફૂલ બનાવ્યા હોય એવો એમને વહેમ પડ્યો હોય એમ મને લાગ્યું. હું ગભરાઇ ગયો. મેં કહ્યું, “ઇમર્જન્સી સાપેક્ષ બાબત છે. તમને ઇમર્જન્સી ન લાગતી હોય એમાં મને ઇમર્જન્સી લાગી શકે છે. ઇન્દિરાજીએ ઇમર્જન્સી લાદી ત્યારે પ્રજાને અને વિરોધપક્ષ વાળાને ઇમર્જન્સી લાગી હતી એવી ઇન્દિરા કોંગ્રેસવાળાઓને લાગી નહોતી.”
”….’સંદેશ’માં દર રવિવારે રતિલાલ બોરીસાગર લખે છે એ તમે છો?” એમણે એકાએક પૂછ્યું. આ માણસ સંદેશમાં મારી ફરીયાદ કરશે કે શું? એવી મને બીક લાગી. બીતાં બીતાં મેં હા પાડી. એ હસી પડ્યા ને બોલ્યા “તમારા લેખોમાં તમે જેવા લાગો છો એવાજ ખરેખર છો એવું લાગે છે. (એવાજ બાઘા ખરેખર છો – એવું એમને કહેવું હતું પણ વિવેકમાં ‘બાઘા’ શબ્દ બોલ્યા નહીં.) તમારું કામ કરતા મને આનંદ થશે” કહી એમણે એક મિનિટમાં બૂચ ખોલી નાંખ્યો અને બે ત્રણ મિનિટમાં બાટલાને ગેસ સાથે જોડી દીધો.
– એક ઇમર્જન્સી નો સુખદ અંત આવ્યો.
( આ હાસ્યલેખ લેવામાં આવ્યો છે શ્રી રતિલાલ બોરીસાગરના પુસ્તક “તિલક કરતાં ત્રેસઠ થયાં”માંથી. અક્ષરનાદને આ લેખ પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. શ્રી રતિલાલ બોરીસાગરના આવા જ અનેક હાસ્યલેખોનો સંચય છે તેમનું સુંદર પુસ્તક “તિલક કરતાં ત્રેસટઃઅ થયાં”. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત આ પુસ્તક ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદથી મેળવી શકાય છે. પૃષ્ઠ સંખ્યા : 216, મૂલ્ય 80.00 રૂ. )
હસ્તાં હસ્તાં પેટ દુઃખી ગયું….બહુ સુંદર હાસ્યલેખ છે.
very funny..enjoyed it.
ratilal sir, in very journal metter you are find amezing humer
રતિલાલ બોરિસાગર સાહેબ ને સલામ.
હસી હસી ને લોથ પોથ થઇ જવાય એવો હાસ્ય લેખ છે.
ગેસ બદલવાનું કામ કેટલું અઘરું છે એતો મારા જેવા પાતળુ શરીર ધરાવતા તમામે અનુભવ્યુ હશે! 🙂
“Thank You”